Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યક્ષ સવાલ : ગુજરાતીપણાનું ગૌરવ માત્ર બિઝનેસ પૂરતું જ શું કામ રાખવાનું ભાઈ?

યક્ષ સવાલ : ગુજરાતીપણાનું ગૌરવ માત્ર બિઝનેસ પૂરતું જ શું કામ રાખવાનું ભાઈ?

03 December, 2022 08:30 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

આજે દુનિયાનો સ્તર બદલાયો છે. દુનિયાની માનસિકતા બદલાઈ છે. એ સમય હતો જે સમયે ઘરમાંથી કોઈ બિઝનેસ ફીલ્ડમાં જાય એ જરૂરી હતું, પણ હવે એવું રહ્યું નથી. હવે જરા પણ જરૂરી નથી કે બિઝનેસ કોણ સંભાળશે એની ચિંતા કરો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


આપણે ગુજરાતી છીએ અને આપણે એ વાતને ગાઈવગાડીને કહીએ પણ છીએ. જગતઆખું આવીને કહી જાય કે ગુજરાતીઓ બિઝનેસમાં બહુ પાક્કા, એટલે બંદા ખુશ પણ થાય અને કોઈ જાતની દલીલ વિના, તર્ક લગાવ્યા વિના સ્વીકારી પણ લઈએ કે હા, આપણે બિઝનેસમાં બહુ પાક્કા, પણ આપણી વાત અહીંથી જરા જુદી દિશામાં ફંટાઈ છે. 
આપણે બિઝનેસમાં અવ્વલ એ એક જ વાતનું ગૌરવ લઈને આપણે અટકી શું કામ જઈએ છીએ? શું કામ આપણે બીજા ક્ષેત્રમાં આગેવાની લેવા કે પછી મોખરે ઊભા રહેવા રાજી નથી થતા? શું કામ આપણે એ દિશામાં મહેનત કરવાનું પણ વિચારતા નથી અને ધારો કે આપણે એ મહેનત કરી પણ હોય તો શું કામ આપણે કરેલી એ મહેનતને દેખાડવાનું કે પછી એને ઉજાગર કરવાનું કામ નથી કરતા, કયા કારણસર?
સ્પોર્ટ્સ હોય કે એન્ટરટેઇનમેન્ટ, સાયન્સ હોય કે શ્રદ્ધા કે આસ્થાની વાત કરતું અધ્યાત્મ ક્ષેત્ર, બિઝનેસમાં તો આપણે અવ્વલ છીએ જ, પણ બિઝનેસ ઉપરાંત આપણે મેડિકલ ક્ષેત્રમાં પણ અગ્રિમ હોઈએ તો એ દેખાડવાનું કામ કેમ આપણાથી નથી થઈ શકતું. આ વિષય અને આ મુદ્દો એમ જ નથી ખૂલ્યો. અત્યારે હું ગુજરાતમાં એકધારો પ્રવાસ કરું છું અને મારા આ પ્રવાસ દરમ્યાન મેં આ નોંધ્યું છે. નોંધ્યું છે કે આપણને દીકરો એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં હોય તો એનો સંકોચ થાય છે. દીકરી કથકમાં વિશારદ થાય તો પ્રાઉડ ફીલ કરશે, પણ દીકરીની કરીઅર તો મેડિકલ ફીલ્ડની જ હોવી જોઈએ એવું માને પણ ખરા અને એનું પાલન પણ ચુસ્તપણે કરાવે. મિત્રો, આવું વાતાવરણ બીજી કોઈ કમ્યુનિટીમાં મેં નથી જોયું. ના, ક્યારેય નહીં. મરાઠીઓને તો આપણે નિયમિત મળીએ છીએ અને જોઈએ છીએ, પણ મરાઠી ફૅમિલીમાં દીકરો ફિલ્મમાં જવાનું કહે તો કોઈ ઘરમાં દેકારો નથી મચતો, પણ ગુજરાતી ફૅમિલીમાં ભૂકંપ આવી જાય છે અને એવું પણ બની શકે કે એકાદને હાર્ટ-અટૅકનો આછોસરખો અનુભવ પણ થઈ જાય. જો દીકરી ભૂલથી મૉડલિંગ ફીલ્ડમાં કામ કરવાનું બોલે તો આખી ફૅમિલીને એવું લાગવા માંડે કે દીકરી ખોટા રવાડે ચડી ગઈ.
વાત મેન્ટાલિટી ચેન્જ કરવાની છે. વાત વિચારધારા બદલવાની છે. આજે દુનિયાનો સ્તર બદલાયો છે. દુનિયાની માનસિકતા બદલાઈ છે. એ સમય હતો જે સમયે ઘરમાંથી કોઈ બિઝનેસ ફીલ્ડમાં જાય એ જરૂરી હતું, પણ હવે એવું રહ્યું નથી. હવે જરા પણ જરૂરી નથી કે બિઝનેસ કોણ સંભાળશે એની ચિંતા કરો. ગુજરાતમાં જે જોયું છે એવી જ માનસિકતા અહીંના ગુજરાતીઓમાં પણ છે. આપણી મુંબઈની ગુજરાતી ફૅમિલી પણ દીકરા કે દીકરીના આવા કરીઅર-ઓરિયેન્ટેડ વિચારો સાંભળે તો હેબતાઈ જાય છે અને તેમને એવું લાગવા માંડે છે કે સંતાનો ખોટા રવાડે ચડી ગયાં છે. ના, જરાય એવું નથી. એક સમયે ફોટોગ્રાફર માત્ર ન્યુઝપેપર અને મૅરેજ-ફંક્શનમાં જ જોવા મળતા, પણ હવે એવું નથી રહ્યુંને? જે રીતે ફોટોગ્રાફર માટે અનેક રસ્તા ખૂલ્યા છે એવી જ રીતે બીજાં ક્ષેત્રોમાં પણ રસ્તા ખૂલ્યા છે. નથી ખૂલ્યા તો માત્ર આપણી જૂનીપુરાણી વિચારધારાના અને એ દરવાજા હવે ખોલી નાખવાની તાતી જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2022 08:30 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK