Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વક્ત રહતા નહીં કહીં ટિક કર આદત ઇસ કી ભી આદમી સી હૈ!

વક્ત રહતા નહીં કહીં ટિક કર આદત ઇસ કી ભી આદમી સી હૈ!

09 June, 2021 01:15 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

એક જ સમયે ૐ શાંતિ અને હૅપી બર્થ-ડેના વિરોધીભાષી મેસેજ કર્યા પછી પ્રજ્ઞાને સ્થિર કરવી મુશ્કેલ બની ગઈ છે. વિચારોનું મહાભિનિષ્ક્રમણ થઈ શકતું નથી.

વક્ત રહતા નહીં કહીં ટિક કર આદત ઇસ કી ભી આદમી સી હૈ!

વક્ત રહતા નહીં કહીં ટિક કર આદત ઇસ કી ભી આદમી સી હૈ!


અનેક વાર મિત્રોએ સવાલ પૂછ્યો, ‘કોરોનાકાળમાં તમે સમય કઈ રીતે પસાર કર્યો, કરો છો?’ 
આઇન્સ્ટાઇને એક અદ્ભુત શોધ કરી છે, ‘સ્પેસ ઍન્ડ ટાઇમ’. સમય અને સ્થાનના અસ્તિત્વની પરિભાષા શોધવાની. પહેલાં સમય અને સ્થાન અલગ-અલગ ગણાતાં. આઇન્સ્ટાઇને બન્નેને જોડીને કહ્યું કે બન્ને ભિન્ન નથી, એક જ વસ્તુના બે ભાગ છે. તેમણે જગતને એક નવો શબ્દ આપ્યો, ‘સ્પેશિયો ટાઇમ’. આપણે એમાં બહુ ઊંડા ન ઊતરીએ. મારું એ ગજું પણ નથી. સરળ રીતે હું સમજ્યો છું એ છે...
 સમય તો વહેતો પ્રવાહ છે. સમય આપોઆપ પસાર થતો હોય છે. આપણે એમાંથી ગુજરવાનું હોય છે. એક ચિંતક કહે છે કે એકની એક નદીમાં તમે બે વાર નાહી ન શકો. પહેલી વાર નદીમાં પડ્યા પછી નદીનાં કેટલાંય પાણી વહી જતાં હોય, વહી ગયાં હોય છે એટલે બીજી વાર પડો ત્યારે પાણી અને પ્રવાહ જુદાં જ હોવાનાં. બુદ્ધના જીવનની એક વાત આ જ સમજાવે છે. 
 ભગવાન બુદ્ધ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ઓટલે બેઠેલો એક માણસ તેમના પર થૂંક્યો. રાતે પેલા માણસને ખૂબ પસ્તાવો થયો. સવારે બુદ્ધ પાસે પગે પડીને બોલ્યો, ‘મને માફ કરો.’ બુદ્ધે પૂછ્યું, ‘શેની માફી? આપ કોણ છો?’ પેલાએ કહ્યું, ‘ગઈ કાલે ઓટલા પર બેઠાં-બેઠાં આપના પર થૂંક્યો હતો એ માણસ હું છું.’ બુદ્ધે કહ્યું, ‘ના, તું એ માણસ નથી. પેલો કાલે ઓટલા પર હતો, તું આજે મારી સામે છે. પેલો તિરસ્કારથી ભરેલો હતો, તું પ્રેમથી સભર છે. તો તને માફી આપવાનો સવાલ જ ઊભો થતો નથી.’ 
ઘડિયાળના કાંટા જે બતાવે છે એ સમય નથી, ફક્ત આંકડા છે, કોષ્ટક છે. ઘડિયાળ ફક્ત સમય બતાવે છે, કોનો કેવો સમય ચાલે છે એ નહીં. સમયને આપણે ત્રણ ભાગમાં વહેંચી દીધો છે; ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. મોટા ભાગે માણસો ભૂતકાળને વાગોળવામાં, ભવિષ્યની ચિંતા કરવામાં કે યોજના ઘડવામાં વર્તમાન માણવાનું ભૂલી જાય છે. વળી વર્તમાન ક્ષણભંગુર છે, પળભરમાં ભૂતકાળ બની જાય છે. 
 સમયનો કાં તો ઉપયોગ કરવાનો હોય, કાં ઉપભોગ કરવાનો હોય, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌથી પહેલાં સમયને સમજવાનો હોય, ઓળખવાનો હોય. સમયને સંપત્તિ માનીને એને સાચવવાની હોય, વાપરવાની હોય, વધારવાની હોય. 
 સમય પસાર કરવાની તકલીફ મને ક્યારેય પડી નથી, પરંતુ આજે હકીકત એ છે કે સમય તો પસાર થાય છે, કરું છું, પણ એના પરિણામથી સંતોષ થતો નથી. એક જ સમયે ૐ શાંતિ અને હૅપી બર્થ-ડેના વિરોધીભાષી મેસેજ કર્યા પછી પ્રજ્ઞાને સ્થિર કરવી મુશ્કેલ બની ગઈ છે. વિચારોનું મહાભિનિષ્ક્રમણ થઈ શકતું નથી. 
 સિદ્ધાર્થે વૃદ્ધ જોયો, રોગી જોયો, નનામી જોઈ અને તેમની સંવેદનાના તાર ઝણઝણી ઊઠ્યા. રાજપાટ, પત્ની યશોધરા અને પુત્ર રાહુલને ત્યાગીને તેઓ બુદ્ધ બનવા નીકળી ગયા. આપણે રોજ-રોજ લાઇનબંધ નનામી જોઈએ છીએ. રોજ તરફડતા, કરગરતા, ટળવળતા રોગીઓ જોઈએ છીએ. અસહાય, નિરાધાર વૃદ્ધો જોઈએ છીએ. આપણને શું કાંઈ નહીં થતું હોય? થાય જ છે, થતું જ હોય છે, પણ બધા બુદ્ધ બની શકતા નથી, બુદ્ધ તો કોઈ વીરલા જ બની શકે અને બધાને બુદ્ધ બનવાની જરૂર પણ નથી. સંસાર ત્યાગીને બુદ્ધ બનવા કરતાં સંસારની જવાબદારી ઉપાડીને બુદ્ધ બનવામાં મોટો પડકાર છે. 
આ ને આવા વિચારોનું સંક્રમણ અસ્વસ્થ બનાવે છે. કંઈક લખવું છે, પણ લખાતું નથી; કંઈક કહેવું છે, પણ કહેવાતું નથી; કંઈક કરવું છે, પણ કાંઈ કરાતું નથી. બસ આ ‘કંઈક’ શું છે એની જ શોધ અવિરત ચાલુ છે. 
પહેલાં જેટલું અને જે કામ કરતો હતો એ આજે પણ કરું છું, બલકે વધારે કરું છું. પરંતુ ન તો કામ કર્યાનો આનંદ થાય છે કે ન પૂરું કર્યાનો સંતોષ! પહેલાં પણ હું લખવામાં, વાંચવામાં, સંગીત સાંભળવામાં, ટીવી જોવામાં, જુદી-જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલો હોવાથી એનાં કામોમાં, સંબંધો સાચવવામાં અને વધારવામાં માનતો હોવાથી અન્ય કામો બાજુએ રાખીને પણ કરતો; જેવાં કે કોઈ વિનંતી કરે કે મારાં ભાઈ-બહેન કે મિત્રનો જન્મદિવસ છે, ફલાણાની મૃત્યુતિથિ છે, લગ્નતિથિ છે, ષષ્ટિપૂર્તિ છે માટે એક સરસ સંદેશો લખીને મોકલાવો. કોઈ સંસ્થાનો અહેવાલ લખવાની વિનંતી થાય, કોઈને માટે સન્માનપત્ર લખવાની, અરે ત્યાં સુધી કે બાળકના નામકરણ માટે સૂચનો માગવામાં આવે. આવાં કામ કરવાથી સંબંધોમાં આત્મીયતા વધે છે, એટલું જ નહીં, જે બીજાને ઉપયોગી થવાના પ્રયત્ન કરે છે તે આપોઆપ યોગી થયાનો આનંદ અનુભવે છે.
 કોરોનાકાળમાં કામ વધી ગયાં. કોઈને બેડ ન મળતો હોય, દવા ન મળતી હોય. ઑક્સિજન ન મળતો હોય, વૉર્ડબૉય-નર્સ ન મળતાં હોય તો મારા સંબંધોનો ઉપયોગ કરીને તેઓને મદદરૂપ થવાના પ્રયત્ન અચૂક કરું છું. અહીં ખાસ નોંધ લઉં છું કે મારા શુભચિંતકો સમા નગરસેવકો, ધારાસભ્યો, વિધાનસભ્યો, અનેક વગદાર મિત્રોએ મને મારા કામમાં મદદ કરી છે તેઓનો હું ‘ઋણી’ છું. પહેલા લૉકડાઉનમાં મારી આસપાસના જરૂરિયાતમંદ મિત્રોની આર્થિક સહાય માટે સૌથી પહેલી પહેલ કરીને ૨૫ લાખ રૂપિયાનું ભંડોળ ઊભું કરેલું, તેઓને ૬ મહિનાથી ૧ વર્ષ સુધીની મુદત માટે વગરવ્યાજે લોન આપવા માટે (જેમાં ૧૦ લાખનો ચેક મને લાયન સ્વ. શ્રી દિનેશભાઈ શાહે આપેલો). આ વર્ષે લોનની મુદત પૂરી થઈ છે. કેટલાક મિત્રો લોન પાછી કરી ચૂક્યા છે, કેટલાકને મુશ્કેલી છે એ હલ કરવામાં સમય ફાળવું છું. કામ અઘરું છે તો આવશ્યક પણ છે. 
 આજે હું વ્યસ્ત છું ‘મિડ-ડે’ ગુજરાતીમાં છપાતા મારા લેખોમાંથી ચૂંટેલા ૩૫ લેખોનું સંપાદન કરી એને પુસ્તક આકારમાં પ્રગટ કરવાના કામમાં, જે પૂર્ણતાને આરે છે અને બીજા પુસ્તકની તૈયારીમાં વ્યસ્ત છું. 
 કોરોનાકાળમાં એક વાતને મેં સભાનપણે પણ સ્વીકારી-અપનાવી છે. આપણાં કર્મોની કોઈ વસિયત નથી થઈ શકતી કે ન કોઈ વારસદાર નીમી શકાતો. એ આપણે માટે જ છે. 
સમાપન 
વક્ત ને ફસાયા લેકિન મૈં પરેશાન નહીં હૂં 
હાલત સે હાર જાઉં મૈં વો ઇન્સાન નહીં હૂં!! 


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2021 01:15 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK