Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અનિશ્ચિતતાની પણ મજા હોય છે

અનિશ્ચિતતાની પણ મજા હોય છે

13 June, 2021 04:16 PM IST | Mumbai
Kana Bantwa

હકીકતમાં તો લડવામાં જે થ્રિલ આવે છે એ જ વિજય છે. જીતી જવું તો પછીની વાત છે. જ્યારે તમે કશુંક રોમાંચક કરો છો ત્યારે તમારામાં ખરેખર તમે પ્રગટ્યા હો છો

અનિશ્ચિતતાની પણ મજા હોય છે

અનિશ્ચિતતાની પણ મજા હોય છે


જોખમ ન હોય એવી સ્થિતિમાં કશું ગુમાવવાનો ભય નથી હોતો. જોકે જોખમ નથી હોતું ત્યારે કશું જીતી લેવાનો, મેળવી લેવાનો રોમાંચ પણ નથી હોતો. હકીકતમાં તો લડવામાં જે થ્રિલ આવે છે એ જ વિજય છે. જીતી જવું તો પછીની વાત છે. જ્યારે તમે કશુંક રોમાંચક કરો છો ત્યારે તમારામાં ખરેખર તમે પ્રગટ્યા હો છો

ઈશ્વરને એકલું લાગ્યું એટલે એક દિવસ આ સૃષ્ટિનું સર્જન કરવા બેઠો. બ્રહ્માંડ રચ્યું અને એમાં અગણિત તારાઓ મઢ્યા. નિહારિકાઓ અને આકાશગંગાઓ બનાવી. લાખો સૂર્યો બનાવ્યા અને એની આસપાસ ઘૂમતા ગ્રહો બનાવ્યા. પૃથ્વી બનાવી અને એમાં જીવસૃષ્ટિ મૂકી. વનરાજી રચી. પહાડ, પાણી, પશુ, પંખી, સમુદ્રો, નદીઓ, જીવ, જંતુ બધું જ બનાવ્યું. અદ્ભુત વિશ્વનું નિર્માણ થયું. પ્રકૃતિને એનું સંચાલન સોંપ્યું અને પ્રકૃતિના અફર નિયમો પણ બનાવી આપ્યા. બધું જ નિયમબદ્ધ ચાલે. બધું જ એકદમ પ્લાન મુજબ જ ચાલે. ઈશ્વરને શરૂઆતમાં મજા આવી બધું જોવાની, પણ થોડા દિવસમાં પરમાત્માને કંટાળો આવ્યો. બધું જ ગોઠવ્યા મુજબ ચાલે, અગાઉથી થયેલી યોજના મુજબ જ બધું બનતું રહે. પ્રાણીઓ જન્મે, નિશ્ચિત નકશા પ્રમાણે જીવી લે અને નિયત સમયે, નિયત સ્થળે, નિયત પ્રકારે મરી જાય. ગોઠવણ પ્રમાણે વરસાદ પડે, નદીઓ વહે, વૃક્ષો ઉપર વેલ પણ નિયમ મુજબ જ, આયોજનબદ્ધ ચડે. એક પાંદડું પણ આઘુંપાછું ન થાય. પ્રોગ્રામ મુજબ બધું ચાલે. આવું જોઈને તો કંટાળો જ આવેને? પરમાત્માને થયું કે મને જો આ બધું મૉનોટોનસ લાગતું હોય તો મેં જેમને બનાવ્યા છે એ વનસ્પતિ, જીવજંતુ, પ્રાણીઓ, માણસોને તો જીવન સાવ યંત્ર જેવું જ ભાસતું હશેને? એટલે ઈશ્વરભાઈએ ઉપાય કર્યો. પરમેશ્વર છે એટલે ઉપાય તો હોય જ એની પાસે. એણે સૃષ્ટિમાં અનિશ્ચિતતા મૂકી. જે નિશ્ચિત હતું એ બધું અનિશ્ચિત લાગવા માંડ્યું. ઈશ્વરે પોતાના આયોજન મુજબ ચાલતી સૃષ્ટિમાં અનિશ્ચિતતા મૂકી પછી આ જગત અદ્ભુત ચાલ્યું છે.
આ વાર્તા કેટલી સાચી છે એ તો ખુદ પરમતત્ત્વને જ પૂછવું પડે; પણ માનવાની ગમે એવી વાત છે આ. અત્યારે વિશ્વમાં સૌથી વધુ અનિશ્ચિતતા છે. આપણે અનિશ્ચિતતાને અસલામતી સાથે જોડીને જોઈએ છીએ, પણ જરા સામે છેડેથી જોવાનો પ્રયાસ કરીએ તો ચિત્ર એવું ગજબ દેખાશે કે દિગ્મૂઢ થઈ જવાય. 
એનો જ રોમાંચ
અનિશ્ચિતતા જ આ જગતમાં રોમાંચ પેદા કરે છે. માણસને ભવિષ્ય દેખાતું નથી એટલે જીવવાની મજા આવે છે. બાકી જો બધું જ નિશ્ચિત હોત અને નજર સામે જ ભવિષ્ય દેખાતું હોત તો ગળે કોળિયો ઊતરતો ન હોત. મૃત્યુ ભલે નિશ્ચિત છે, પણ ક્યારે આવશે એ નક્કી નથી એટલે જીવી શકાય છે. બાકી તો પરીક્ષિતની જેમ ફફડીને મૃત્યુ સુધીની ક્ષણો ગણીને મોત પહેલાં જ મરી જવાય. જીવનની દરેક બાબતમાં અનિશ્ચિતતા છે એટલે તો ઉત્સાહ અને જોમ રહે છે. અનિશ્ચિતતા છે એટલે કશુંક મેળવી શકવાની સંભાવના છે. અનિશ્ચિતતા છે એટલે ભિખારી પણ રાજા થવાનાં સપનાં જોઈ શકે છે. રાજા સુખી થવાનાં સપનાં જોઈ શકે છે. અનિશ્ચિતતા છે એટલે જ ભવિષ્યના ઘડતર માટે પ્રયત્નો થઈ શકે છે. નાનો ધંધો કરીને મોટી કંપની સ્થાપવાનું આયોજન કરનારને જો કોઈ પાંચ વર્ષ પછીનું ભવિષ્ય દેખાડી દે કે પાંચ વર્ષ પછી તું દેવાળિયો હોઈશ અથવા કરોડપતિ હોઈશ એ બન્ને કિસ્સામાં પેલો માણસ મહેનત કરવાનું બંધ કરી દેશે. એ પરિસ્થિતિ સામે લડશે નહીં, કારણ કે જો એણે નિષ્ફળતાનું ભવિષ્ય જોયું હશે તો એને થશે કે ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલાં આયોજનો કરીએ તો પણ દેવાળિયા જ થવાનું છે તો શા માટે પ્રયત્ન કરવો? અને જો એ માણસે સફળતાનું ભવિષ્ય જોઈ લીધું હશે તો તે વિચારશે કે કરોડપતિ બનવાનું નક્કી જ છે તો શા માટે મહેનત કરવી? થઈ જ જવાના છીએ પૈસાદાર. અનિશ્ચિતતા અને ભવિષ્યને બદલી શકવાની સંભાવના છે (ભલે પછી એ ભવિષ્ય અગાઉથી નિશ્ચિત હોય) એટલે જ માણસ આટલો ક્રીએટિવ, આટલો લડાયક બન્યો છે.
જોખમમાં જ થ્રિલ
જીવનને જીવવા જેવું, આનંદપ્રદ બનાવતી ચીજ કઈ છે? રોમાંચ. જો રોમાંચ ન હોય તો જીવન નમક વગરની દાળ જેવું ફિક્કુંફસ લાગે. માણસને થ્રિલ, રોમાંચ, એક્સાઇટમેન્ટ વગર ચાલતું નથી. તમે મેળામાં રોલર કોસ્ટરમાં શા માટે બેસો છો? એમાં બેસવાથી તમને થ્રિલ સિવાય કશું મળતું નથી. પેટમાં ગલૂડિયાં ફરતાં હોય એવો રોમાંચ થાય. લોકો સ્કાય ડાઇવિંગ શા માટે કરે છે? સ્કાય ડાઇવિંગમાં જે નજારો જોવા મળે એનાથી વધુ સારી રીતે તો વિમાનમાં બેસીને જોઈ શકાય, પણ એમાં થ્રિલ ન હોય. શા માટે અડાબીડ જંગલમાં પર્યટનની મજા આવે છે? એમાં જોખમ સામે લડવાનો રોમાંચ હોય છે. શા માટે માણસ બાઇક કે કાર અંધાધૂંધ સ્પીડથી ચલાવે છે? એનો રોમાંચ ઍડ્રિનાલીન રશ વધારે છે, મજા આવે છે. કામ જેમ વધુ જોખમી એમ એમાં એક્સાઇટમેન્ટ વધુ. બધા માણસો જોખમની સામે લડનારા નથી હોતા. અમુક જોખમથી દૂર ભાગે છે. એવા ફોસી લોકો પણ નાનકડાં, ટબૂકડાં-ટબૂકડાં જોખમ લઈને આનંદ લઈ લેતા હોય છે. જોખમ એ અનિશ્ચિતતાથી પેદા થતી સ્થિતિ છે. જોખમ ન હોય એવી સ્થિતિમાં કશું ગુમાવવાનો ભય નથી હોતો. પણ જરા વિચારો કે જોખમ નથી હોતું ત્યારે કશું જીતી લેવાનો, મેળવી લેવાનો રોમાંચ પણ નથી હોતો. હકીકતમાં તો લડવામાં જે થ્રિલ આવે છે એ જ વિજય છે, જીતી જવું તો પછીની વાત છે. જ્યારે તમે કશુંક રોમાંચક કરો છો ત્યારે તમારામાં ખરેખર તમે પ્રગટ્યા હો છો. બાકીનો સમય તો એક મશીન જ કામ કરી રહ્યું હોય છે. એક જ સરખી ગતિથી, એક જ ઘટમાળમાં ચાલતું યંત્ર. યંત્રને રોમાંચ નથી થતો. ફાઇટર પ્લેન અવાજની ગતિને વટાવે ત્યારે થતો સોનિક બૂમ અને ગુરુત્વાકર્ષણનું દબાણ પાઇલટને રોમાંચ આપે છે, વિમાનને નહીં. કારને બસો કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે ચલાવતી વખતે તમને થ્રિલનો અનુભવ થાય છે, કારને નથી થતો. માણસ આમ તો મોટા ભાગનો સમય એ કાર જેવું યંત્ર બનીને જ રહી જાય છે. અનિશ્ચિતતા, રોમાંચ એ યંત્રમાંથી માણસને જન્માવે છે.
એક જ ચીજ નિશ્ચિત છે....
અનિશ્ચિતતાથી ડરવાનો કોઈ અર્થ નથી. આ જગતમાં માત્ર અનિશ્ચિતતા જ નિશ્ચિત છે, બાકી બધું અનિશ્ચિત છે. ભાગ્ય કે પ્રારબ્ધ જેવી કોઈ ચીજ હશે કે નહીં એ કહી ન શકાય, પણ જીવનમાં કશું પણ થઈ શકે એવી સંભાવના મૂકીને સર્જનહારે ગજબ કામ કર્યું છે. નસીબને જેઓ મને છે, જેમને પુરુષાર્થ કરતાં પ્રારબ્ધમાં વધુ વિશ્વાસ છે એવા લોકો પણ આ અનિશ્ચિતતાને લીધે ગોટે ચડી જાય છે. કોઈ છાતી ઠોકીને કહી શકતું નથી કે બધું જ પ્રારબ્ધ પ્રમાણે, દૈવ પ્રમાણે થાય છે. એમ કહેનારની સામે દલીલ થાય કે જો ભાગ્ય લખાયેલું જ હોય તો કશું બદલવાની કોઈ સંભાવના જ રહેતી નથી. પણ હકીકતમાં એવું બનતું નથી. માણસ પોતાની તાકાતના જોરે આ વિશ્વના પ્રવાહો બદલી નાખે છે એના દાખલાઓ હજી બનતા રહે છે. ભાખેલું ભવિષ્ય અન્યથા થઈ જાય છે અને કોઈ એમ પણ નથી કહી શકતું કે કિસ્મત જેવું કશું હોતું નથી. માણસના લાખ પ્રયત્નો પણ ક્યારેક નિષ્ફળ જાય છે. 
માય ડિયર રીડર, અનિશ્ચિતતા જ કારણભૂત છે આ બન્ને પરિસ્થિતિઓ પેદા કરવા માટે. પણ અનિશ્ચિતતા વિશે વિચારવાનું છોડી દેવું એવુંયે નથી. આવનાર સમય માટે વિચારીને યોગ્ય વ્યવસ્થા કરવી પણ જરૂરી છે. આજના સમયમાં અનિશ્ચિતતાને લીધે લોકોમાં જે તાણ અને વ્યગ્રતા જોવા મળે છે એટલી ક્યારેય જોવા મળી નથી. હમણાં થયેલા એક સંશોધન મુજબ કશું અઘટિત થાય એના કરતાં એવું થવાની સંભાવના વધુ તાણ, ચિંતા અને વ્યગ્રતા પેદા કરે છે. એટલે થોડા રિલૅક્સ રહેવું, જાતને સમય અપાવો અને રોમાંચ મળે એવી પ્રવૃત્તિ પણ કરવી. અનિશ્ચિતતાને માણો, પણ એ તમને ચિંતા કરાવે એવો મોકો ન આપવો.



સહજતા જ માણસને અલગ બનાવે


ક્યારેક વિચારજો, તમે તમારા પૂર્ણ એલિમેન્ટમાં ક્યારે હો છો? તમારું હોવાપણું સંપૂર્ણપણે ક્યારે ખીલે છે?સામાન્ય સંજોગોમાં તો તમે રૂટીનમાં ફસાયેલું મશીન જ હો છો, પણ જ્યારે કશુંક અસામાન્ય બને, કશુંક નવું બને, કશુંક અણધાર્યું બને, કશુંક પડકારજનક બને કે તરત જ તમે તમારા અસલ રંગમાં આવો છો. બધા જ અંચળા ફેંકીને તમે બાવડા ફુલાવીને, છાતી કાઢીને સામનો કરવા માટે, જીતવા માટે, મેળવવા માટે, અનુભવવા માટે, જાણવા માટે, માણવા માટે તૈયાર થઈ જાઓ છો. તમારી પ્રતિક્રિયા ત્યારે સહજ હશે. સહજતા, સ્પૉન્ટેનિયસનેસ જ માણસને અલગ બનાવે છે. આપણે પોતાનાથી જ અજાણ હોઈએ છીએ. એલિમેન્ટને આપણે સ્વભાવ ગણતા હોઈએ છીએ. એલિમેન્ટને ખોજવાની, એને સમજવાની કોશિશ પણ નથી કરતા. જરૂર પણ શું હોય છે આપણે? જીવન જીવાતું રહે છે. ઘટનાઓ બનતી રહે છે. પ્રવાહમાં તણાતા રહેવાય છે. કોઈ પ્રયત્ન વગર જીવનનો પ્રવાસ ચાલ્યા કરે છે. શું જરૂર છે? અનિવાર્યતા ત્યારે સમજાય છે જ્યારે જીવનમાં કોઈ રોમાંચ નહીં હોવાની અનુભૂતિ થાય, જ્યારે રૂટીનથી કંટાળી જવાય.

યંત્રને રોમાંચ નથી થતો. કારને બસો કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે ચલાવતી વખતે તમને થ્રિલનો અનુભવ થાય છે,કારને નથી થતો. માણસ મોટા ભાગના સમયે કાર જેવું યંત્ર બનીને જ રહી જાય છે.અનિશ્ચિતતા,રોમાંચ એ યંત્રમાંથી માણસને જન્માવે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 04:16 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK