Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નરેન્દ્ર મોદીના વડનગરમાં જતનથી સાચવવી પડે એવી વિરલ વિરાસતોમાં શું છે?

નરેન્દ્ર મોદીના વડનગરમાં જતનથી સાચવવી પડે એવી વિરલ વિરાસતોમાં શું છે?

22 May, 2022 03:51 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ઘણું બધું. માત્ર આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એ વતન છે એટલા ખાતર જ નહીં, સાત અલગ-અલગ સંસ્કૃતિઓમાં નિર્માણ પામેલું આ નગર અનેક પ્રાચીન સાંસ્કૃતિક ઇતિહાસનું સાક્ષી છે.

ગાંધીનગરમાં યોજાયેલી વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં કીર્તિ તોરણની પ્રતિકૃતિ મુકાઇ હતી.

ગાંધીનગરમાં યોજાયેલી વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં કીર્તિ તોરણની પ્રતિકૃતિ મુકાઇ હતી.


ઘણું બધું. માત્ર આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એ વતન છે એટલા ખાતર જ નહીં, સાત અલગ-અલગ સંસ્કૃતિઓમાં નિર્માણ પામેલું આ નગર અનેક પ્રાચીન સાંસ્કૃતિક ઇતિહાસનું સાક્ષી છે. વેપાર, કળા, સંગીત અને આધ્યાત્મિકતાસભર હેરિટેજ તેમ જ બેનમૂન સ્થાપત્યનો ૨૫૦૦ વર્ષ પહેલાંનો ધરબાયેલો વારસો હાલમાં ઉજાગર થયો છે ત્યારે એને વિશ્વ ફલક પર લઈ જવાનું ગુજરાત અને દેશ બન્નેના ગૌરવમાં વધારો કરનારું હશે

હાટકેશ્વર મહાદેવે જે ભૂમિને પાવન કરી છે અને આશિષ આપી રહ્યા છે એવા ઉત્તર ગુજરાતના પ્રાચીન નગર સમા વડનગરમાં ધરબાયેલી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર ઉજાગર થઈ રહી છે. હમણાં જ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ત્રણ દિવસ સુધી દેશ-વિદેશના તજ્જ્ઞો, પુરાતત્ત્વવિદો અને અધિકારીઓએ વડનગરના વારસા પર મનોમંથન કર્યું અને હવે વડનગરના ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લૅન્ડમાર્ક હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવા ગુજરાત સરકારે ઘણા પ્રોજેક્ટની તૈયારી કરી છે.
આવી તૈયારી ચાલી રહી હોય અને વડનગરમાં ટૂરિઝમ ડેવલપમેન્ટનું કામ શરૂ થયું હોય અને બીજાં અનેક વિકાસકાર્યો હાથ પર લેવાનાં હોય ત્યારે સ્વાભાવિક રીતે મનમાં પ્રશ્ન ઊઠે કે કેમ વડનગરમાં મ્યુઝિક યુનિવર્સિટી બનવાની છે? કેમ વડનગર અને એની આસપાસ મળી આવેલાં વર્ષોજૂનાં તળાવોનું ડેવલપમેન્ટ થવાનું છે? શા માટે અહીં આર્કિયોલૉજિકલ એક્સપરિમેન્ટલ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે? શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ છે એટલે આ પ્રાચીન નગરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે? તો ના, એવું જરાય નથી. વડનગર નરેન્દ્ર મોદીનું ગામ છે એ ગૌરવની વાત છે, પણ આ પ્રાચીન નગરનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક કારણો પણ છે. સદીઓથી નિરંતર ધબકતું રહ્યું છે આ વડનગર અને એમાં કલા–વેપાર–આધ્યાત્મિકતા સાથે સંસ્કૃતિ અને બેનમૂન સ્થાપત્યનો ૨૫૦૦ વર્ષનો ધરબાયેલો વારસો મળી આવ્યો છે અને ઉજાગર થયો છે ત્યારે એને વિશ્વ ફલક પર લઈ જવો એ ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત બની રહેશે. આ નગરીનો ઇતિહાસ રિચ છે, જેને જાણવો અને અનુભવવો એક રીતે રોમાંચ અને રસપ્રદ બની રહેશે.
પુરાતત્ત્વ મહત્ત્વ
વડનગરમાં જ આ બધું કેમ થઈ રહ્યું છે એની પાછળનાં ઐતિહાસિક કારણો જણાવતાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણનાં સૂત્રો કહે છે કે ‘વડનગરમાં એટલા માટે થઈ રહ્યું છે, કેમ કે વડનગરની ૨૫૦૦ વર્ષ જૂની માનવવસાહતનો ઇતિહાસ છે. ભારતમાં આવી બહુ રેર સાઇટ છે. તમે એની તુલના ઉજ્જૈન, કાશી કે મદુરાઈથી કરો છો તો બેઝિકલી આ બધા રિલિજિયસ પ્લેસિસ છે, પણ વડનગર રિલિજિયસ પ્લેસ ન હોવા છતાં આ નગરમાં સતત માનવવસવાટ રહ્યો છે એ એની યુનિકનેસ છે. આ એક જ ચાર દીવાલની અંદર સારો વિકાસક્રમ ૨૫૦૦ વર્ષોથી ચાલતો રહ્યો છે અને એ એની રીતે બહુ અમૂલ્ય છે, બહુ મૂલ્ય છે. યુનિક છે એટલા માટે એને આગળ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે, કેમ કે હડપ્પાકાળ પછી જે ઘણી બધી આપણી કલાસંસ્કૃતિ જે પણ છે એની કન્ટિન્યુટી આ જગ્યાએ જોવા મળી છે. આ મહત્ત્વ છે. ભારતમાં આવું બહુ ઓછાં સ્થળોએ છે. બીજી વાત એ છે કે બીજી જગ્યાઓએ ગુપ્તકાળ પછી શહેરો ઉધ્વસ્ત થઈ ગયાં, નાનાં-નાનાં ગામડાંઓમાં પરિવર્તિત થઈ ગયાં, પણ આ શહેર એમ છતાં ઊભું રહ્યું.’ 
સદીઓ પહેલાંના સમયે વડનગરના લોકોની દૂરંદેશી અને દીર્ઘદૃષ્ટિની વાત કરતાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણનાં સૂત્રો કહે છે, ‘આ શહેર ટકી રહ્યું છે એનું કારણ એ છે કે આ લોકો પાણીનું મૂલ્ય સમજતા હતા. જેટલું પણ વરસાદનું પાણી આવતું એને એકઠું કરતા. એને માટે તળાવોનું નિર્માણ કર્યું. એક નહીં, બે નહીં. દસ નહીં, પણ અહીં ૧૦ કિલોમીટરના એરિયામાં અમને ૫૪ તળાવ મળ્યાં છે. એની ઘનતા બે-ત્રણ કિલોમીટરથી વધુની હતી. તો આ બધી ચીજોને કારણે કઠિન સમયમાં પણ તે લોકો સસ્ટેન કરી શક્યા. માનવવસવાટની આ કન્ટિન્યુટી બહુ રેર મળે છે, જે વડનગરની યુનિકનેસ છે એટલે ગુજરાત સરકારના સહયોગથી ભારત સરકાર તરફથી એને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે. પુરાતાત્ત્વિક દૃષ્ટિથી અમરથલ, અંબાઘાટ, અમરથોળ ગેટ પાસેના વિસ્તારમાં જમીન સંપાદન બાદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણને કામ સોંપ્યું છે.’ 
કુદરતી સંસાધનો
વડનગરના ઇતિહાસ અને એની યુનિકનેસની વાત કરતાં વડનગર પ્રોજેક્ટ સાથે જોડાયેલા આર્કિયોલૉજિસ્ટ યદુવીરસિંહ રાવત કહે છે કે ‘અહીં મેં ૨૦૦૫–’૦૬માં કામ શરૂ કર્યું હતું અને બેઝિક કામ કર્યું છે. એવું કહી શકાય કે વડનગર પાંચમી શતાબ્દીથી શરૂ થયું હતું અને હજી લગાતાર છે. વડનગર યુનિક સાઇટ છે, જ્યાં ૨૫૦૦ વર્ષથી અત્યાર સુધી કન્ટિન્યુ એક જ જગ્યાએ વસ્તી ડેવલપ થઈ રહી છે, આ બહુ રેર હોય છે. બાકી બીજી જગ્યાએ ક્યાંક પૂર આવે, દુકાળ પડે, ધરતીકંપ થાય તો લોકો ગામ છોડીને શિફ્ટ થઈ જાય છે, પરંતુ વડનગર એવું નથી. વડનગર એવું છે જ્યાં ફાઉન્ડેશન થયું ત્યાંથી લઈને અત્યાર સુધી એ એવું છે, જે બહુ યુનિક છે. વિઝન કહી શકાય કે જે લોકોએ આ નગરને વસાવ્યું હશે ત્યારે એટલો સર્વે કરીને જોયું હશે કે અહીં બધું મળે છે. પાણીની સમસ્યા નથી. ઍગ્રિકલ્ચર સારું છે. લગભગ ૨૦–૨૫ કિલોમીટર દૂર અરવલ્લી ડુંગર નજીક છે. ત્યાં મિનરલ્સ મળ્યાં. વડનગર અને અરવલ્લી ડુંગરો વચ્ચે પહેલાં ફૉરેસ્ટ હશે એટલે બહુ બધી નૅચરલ રિસોર્સિસ એ સમયે હશે એટલે વડનગર એ ટાઇમનું સુઆયોજિત નગર આયોજન હતું. અહીં વેપાર થતો. બહારથી લોકો આવતા. એ સમયની જ્યૉગ્રાફીના હિસાબે સેન્ટ્રલ બેઝ્‍ડ હતું. કોસ્ટલના હિસાબે વડનગર સેન્ટ્રલ ઇન્ડિયાથી, સિંધથી અથવા નૉર્થથી બહુ નજીક હતું.’ 
લોકો દ્વારા ચાલતું નગર
એ જમાનાના વડનગરની આગવી ઓળખની વાત કરતાં યદુવીરસિંહ રાવત કહે છે, ‘મને લાગે છે કે વડનગર એક પ્રકારથી સિટી સ્ટેટ હતું. વડનગરના લોકો જ એને મૅનેજ કરતા હતા એટલે એ જમાનામાં વડનગરમાં રાજાઓનું ઇન્ટરફિયરન્સ નહોતું. વડનગર પોતે જ ડેવલપમેન્ટ કરી રહ્યું હતું. બીજી વાત એ પણ છે કે એ જમાનામાં બહારથી મેજર અટૅક કૅપિટલ સિટી પર થતા હતા. વડનગર કૅપિટલ ફૉર્મમાં રહ્યું, પણ કૅપિટલ સિટી નહોતું. ત્યાં રાજા નહોતા. અટૅક ત્યાં થતા જ્યાં રાજા રહેતા એટલે પણ વડનગરની કન્ટિન્યુટી બની રહી છે. આ દૃષ્ટિથી વડનગરને સમજવું જરૂરી છે.’ 
તાનારીરીનું સંગીત
વડનગરના સુવર્ણ ઇતિહાસમાં બે બહેનો તાના અને રીરી પોતાના સુમધુર કંઠથી અમર થઈ ગઈ છે. આ બહેનોની પણ એક કથા છે, પણ સંગીત માત્ર એ વારસા પૂરતું સીમિત ન રહે અને આજની દીકરીઓ અને દીકરાઓ સાત સૂરોની સરગમ શીખે અને આગળ વધે એ હેતુ સાથે વડનગરમાં મ્યુઝિક યુનિવર્સિટી બનવા જઈ રહી છે, જ્યાં બધી જ રીતનું સંગીત શક્ષખવવાનું આયોજન હાથ ધરાયું છે. કેમ વડનગરમાં જ મ્યુઝિક યુનિવર્સિટી બનશે એની વાત કરતાં મહેસાણા જિલ્લાના જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ કહે છે, ‘તાનારીરીની ગાથા પહેલાં ઘણા લોકોને ખબર નહોતી. આજના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે તાનારીરી મહોત્સવ શરૂ કરાવ્યો હતો. આ તાનારીરી પાછળની એક કહાની છે અને એનું બહુ મહત્ત્વ છે ત્યારે એને ધ્યાનમાં લઈને અહીં મ્યુઝિક યુનિવર્સિટી બની રહી છે. વડનગરમાં આવેલા શર્મિષ્ઠા તળાવ પર થીમ પાર્ક બનાવ્યો છે, જ્યાં સહેલાણીઓને જે રાગ સાંભળવો હોય એ સાંભળી શકે એ માટે હેડફોનની વ્યવસ્થા કરી છે. તમે હેડફોન લગાવીને સંગીત સાંભળી શકો છો.’
યોગ, સંગીત અને શિક્ષણનું ધામ
વડનગર હવે ટૂંક સમયમાં ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે ત્યારે બીજા અનેક વિવિધ પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યા છે એની વાત કરતાં ઉદિત અગ્રવાલ કહે છે, ‘વડનગરમાં નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યાં શિક્ષણ લીધું હતું એ સ્કૂલને પ્રેરણા સંકુલ તરીકે ડેવલપ કરવામાં આવી રહી છે. નાની-નાની જગ્યાનું ઐતિહાસિક મહત્ત્વ છે એને ડેવલપ કરાશે. માત્ર શર્મિષ્ઠા તળાવની વાત નથી, આસપાસ ઘણાં બધાં તળાવ છે એને ધીરે-ધીરે ડેવલપ કરાશે, એનું બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ ઉપરાંત અહીં એક્સપરિમેન્ટલ મ્યુઝિયમ બની રહ્યું છે.’
વડનગર એ સંગીતનું શહેર છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં લાગે, કેમ કે આ ગાતું શહેર છે. આ પ્રાચીન શહેર એની સંગીતની ધરોહરને લઈને ઓળખ ઊભી કરી ચૂક્યું છે ત્યારે અહીં મ્યુઝિક અને હિસ્ટરીના કૉમ્બિનેશન સાથે સેન્ટર ફૉર મ્યુઝિકલ એક્સપ્લોરેશન પણ ડેવલપ થઈ રહ્યું છે. વડનગર અને એની આસપાસના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સ્ટુડન્ટ્સ માટે વૈશ્વિક દરજ્જાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બની રહ્યું છે તેમ જ યોગ સ્કૂલ પણ નિર્માણ પામશે. ગરવા ગુજરાતનું વધુ એક ગૌરવપૂર્ણ ઘરેણું વડનગર એની સભ્યતા, સંસ્કૃતિ અને કલા વારસાને સાચવીને બેઠું છે ત્યારે આવનારા સમયમાં આ પ્રાચીન નગરને જોવા, જાણવા અને માણવા સહેલાણીઓ આવે એ રીતનું ડેવલપિંગ થઈ રહ્યું છે તો આવો તમે પણ, હાટકેશ્વર મહાદેવનાં દર્શન સાથે આશીર્વાદ મેળવી સભ્ય સંસ્કૃતિના વારસાની સુવાસને સંગીતના સથવારે માણી શકશો, સાંભળી શકશો, જોઈ શકશો.



કાળની અનેક થપાટો ખાધા પછી પણ અવિચલ રહેલું વડનગર


તાજેતરમાં યોજાયેલી વડનગર ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ‘વડનગર પ્રાચીનતમ અને સનાતન તથા દિવ્ય ભવ્ય નગર છે. કાળની અનેક થપાટો ખાધા પછી પણ અવિચલ રહેલું વડનગર આર્ય સભ્યતાના ધ્રુવતારક જેવું નગર છે. બૌદ્ધ વિહારો, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરીની સમાધિ જેવી ભવ્ય વિરાસતોના વાહક નગર તરીકે વડનગરની આગવી ઓળખ ઊભી થઈ છે. આપણા દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લગાવમાંથી પ્રેરણા મેળવીને ગુજરાતમાં પ્રાચીન વારસા – વિરાસતના રક્ષણ, સંવર્ધનનો આગવો રાહ અપનાવ્યો છે.’ 
કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિહારો, મંદિરો, તાનારીરીની સમાધિ જેવાં સ્મારકો વડનગરની વિરાસતની ઓળખ છે તો હડપ્પાકાળ પછી જે ઘણી બધી આપણી કલા સંસ્કૃતિ જે પણ છે એની કન્ટિન્યુટી વડનગરમાં જોવા મળી છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2022 03:51 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK