Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મૂળ સ્ક્રિપ્ટમાં જે હતું એ ઍડપ્ટેશનમાં કોઈથી ન આવ્યું

મૂળ સ્ક્રિપ્ટમાં જે હતું એ ઍડપ્ટેશનમાં કોઈથી ન આવ્યું

13 December, 2021 01:49 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

માત્ર ‘ચોકટ રાણી ચાર ગુલામ’ જ નહીં, હિન્દીમાં બનેલી ‘પદ્મશ્રી લાલુ પ્રસાદ યાદવ’ પણ સુપરફ્લૉપ રહી

મૂળ અંગ્રેજી ફિલ્મ ‘અ ફિશ કૉલ્ડ વાન્ડા’ પરથી અમે બનાવેલું નાટક ‘ચોકટ રાણી ચાર ગુલામ’ જ નહીં, એના પરથી બનેલી ફિલ્મ ‘પદ્મશ્રી લાલુ પ્રસાદ યાદવ’ પણ ફ્લૉપ થઈ હતી.

મૂળ અંગ્રેજી ફિલ્મ ‘અ ફિશ કૉલ્ડ વાન્ડા’ પરથી અમે બનાવેલું નાટક ‘ચોકટ રાણી ચાર ગુલામ’ જ નહીં, એના પરથી બનેલી ફિલ્મ ‘પદ્મશ્રી લાલુ પ્રસાદ યાદવ’ પણ ફ્લૉપ થઈ હતી.


અમારા નવા નાટકનો પ્રારંભ અમદાવાદથી થવાનો હતો. નાટક ઓપન થાય એ પહેલાં જ ગુજરાતના અમને દસ શો મળતાં ‘ચોકટ રાણી ચાર ગુલામ’ અમે અમદાવાદથી ઓપન કરવાનું નક્કી કર્યું. 
વર્ષ ૨૦૦પની ૨૭ જુલાઈ. રાતે અમારે અમદાવાદ જવા માટે બોરીવલીથી ટ્રેન પકડવાની હતી અને આગલા દિવસે મુંબઈમાં ક્લાઉડ બસ્ટ થયું. આખું મુંબઈ પાણીમાં. બીજા દિવસે પણ તારાજી એવી ને એવી જ. એમ છતાં અમે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો થમ્બ રૂલ પકડી રાખ્યો - શો મસ્ટ ગો ઑન. બોરીવલી પહોંચતાં સુધીમાં તો પરસેવો છૂટી ગયો. વારંવાર મન થાય કે ટૂર કૅન્સલ કરી નાખીએ, પણ જેવું મન ડગમગે કે તરત કાનમાં ત્રીજી બેલ સંભળાય અને શરીરમાં તાકાત આવી જાય. મહામુશ્કેલીએ ટ્રેન પકડીને અમે અમદાવાદ પહોંચ્યા. 
ગુજરાતીમાં કહેવત છે કે પડે ત્યારે સઘળું પડે. અમારી સાથે એ દોર ચાલતો હતો. ‘અ ફિશ કૉલ્ડ વાંડા’ અદ્ભુત ફિલ્મ હતી, પણ નાટકમાં મજા ન આવી. એવું નથી કે આવું લખીને હું કોઈનો વાંક કે દોષ કાઢતો હોઉં. બહુ ઊંડે-ઊંડે જોઉં તો મને એકાદ વ્યક્તિનો થોડો દોષ દેખાય, પણ એવું કરવાનો કોઈ અર્થ નથી. અલ્ટિમેટલી નાટક અને ફિલ્મ ટીમવર્કનું પરિણામ છે. ‘અ ફિશ કૉલ્ડ વાંડા’ પરથી હિન્દી ફિલ્મ પણ બની હતી. એનું ટાઇટલ હતું ‘પદ્મશ્રી લાલુ પ્રસાદ યાદવ’. એમાં પદ્મશ્રી હિરોઇનનું નામ હતું અને લાલુ, પ્રસાદ અને યાદવ એ ત્રણ હીરો હતા. અમારા નાટકમાં મનોજ શાહ, અમિત મિસ્ત્રી અને જિમિત ત્રિવેદી જે રોલ કરતા હતા એ જ રોલ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, ગુલશન ગ્રોવર અને જૉની લિવર કરતા હતા. નાટકમાં શું ગરબડ થઈ એ અમને સમજાતું નહોતું, પણ ગરબડ હતી એ ફાઇનલ હતું અને એટલે અમદાવાદમાં નાટક ખાસ જામ્યું નહીં. નાટકના નિશ્ચિત શો કરીને અમે ફરી મુંબઈ આવ્યા.
અહીં તમને મારે બે ડિરેક્ટર વચ્ચેનો તફાવત કહેવો છે જે વિપુલ મહેતા અને નૌશિલ મહેતા વચ્ચે સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો. જાણીતા રાઇટર જૅફ્રી આર્ચરે કહ્યું છે કે સફળતા અનાયાસ ન આવે, એની સ્ટ્રૅટેજી બનાવવાની હોય. વિપુલ મહેતાને આ વાત લાગુ પડે છે. જો નાટક ઓગણીસ-વીસ પણ થાય તો તે બધું પડતું મૂકીને નાટકને ઊંચકાવવા માટે મચી પડે અને જ્યાં પણ જરૂરી લાગે ત્યાં ધરમૂળથી ફેરફાર કરીને પણ નાટક સારું કરી નાખે. જોકે નૌશિલભાઈની વાત ક્લિયર હતી. વાર્તા આ જ છે, આ વાર્તા આ રીતે કહેવાની છે. એ વખતે નૌશિલભાઈએ મને એવું કહ્યું હતું કે મધુ રાયને લાગતું હતું કે અમિત મિસ્ત્રીવાળું કૅરૅક્ટર જો આપણે કવિનું રાખ્યું હોત તો આપણને એના ઘણાબધા ગૅગ્સ મળ્યા હોત અને નાટક વધારે ઇન્ટરેસ્ટિંગ બની શક્યું હોત, પણ હું (નૌશિલ મહેતા) એ સમજી નહોતો શક્યો. ઍનીવે, સો વાતની એક વાત. નાટક સારું નહોતું બન્યું અને અમારે આ જ નાટક સાથે આગળ વધવાનું હતું.
૨૭ ઑગસ્ટ અને નેહરુ ઑડિટોરિયમ. 
સમય સાંજના સાડાચાર વાગ્યાનો.
મારું ૩૩મું નાટક ‘ચોકટ રાણી ચાર ગુલામ’ ઓપન થયું અને નાટક સુપરફ્લૉપ થયું. નાટકના પંદર શો થયા. હા, રોકડા પંદર શો. અમને બહુ મોટી નુકસાની થઈ. નાટક કૉસ્ટ્લી હતું. ચાર સેટ અને કૉસ્ચ્યુમ ડ્રામાની જેમ અઢળક કૉસ્ચ્યુમ. મને અત્યારે એક્ઝૅક્ટ યાદ નથી, પણ આ એક નાટક માટે અમે અઢળક કપડાંની પેર બનાવી હતી. ખૂબ ખર્ચો કર્યો હતો, પણ નાટકની વાર્તા ઑડિયન્સને ગળે ઊતરી નહીં અને અમારે મોટી નુકસાની વેઠવી પડી. જોકે સાચું કહું, મને નુકસાનીનો અફસોસ નહોતો. અગાઉ મેં કહ્યું હતું એ જ વાત અત્યારે કહું છું. પૈસો આવે અને પૈસો જાય. પૈસો જાય અને ફરી પાછો પૈસો આવે. આ ક્રમ છે, જે આમ જ ચાલુ રહે એટલે પૈસા ગયાનો અફસોસ ક્યારેય થયો નથી. હા, અફસોસ એ વાતનો અઢળક હતો કે અમે એક બહુ સારી ટીમ બનાવી હતી અને જ્યારે સારી ટીમ હોય, સમય સારો ચાલતો હોય અને સફળતા તમારી સાથે રહેતી હોય એવું દેખાતું હોય એવા સમયે નિષ્ફળતા આવે તો એ ટીમ સાથે આગળ વધવું મુશ્કેલ થઈ જાય. જોકે મારી અને નૌશિલભાઈની મિત્રતા અકબંધ રહી એ વાતનો મને આનંદ છે. તેમના માટેનો મારો આદર જરા પણ ઓછો થયો નથી. 
એ સમયે પણ નૌશિલભાઈએ પૂરેપૂરી મહેનત કરી હતી, પણ કદાચ આ ફિલ્મમાં જ જાદુ હશે કે એ ફિલ્મ સિવાય બીજું કશું ચાલે જ નહીં. જેમ અમારું નાટક સુપરફ્લૉપ થયું એવી જ રીતે તમને જે હિન્દી ફિલ્મની વાત કરી એ ‘પદ્મશ્રી લાલુ પ્રસાદ યાદવ’ પણ સુપરફ્લૉપ રહી. એના પણ બધા જ કલાકારોએ ખૂબ સારું કામ કર્યું હતું અને તો પણ ફિલ્મ ચાલી નહીં. એ ફિલ્મ પણ મેં જોઈ હતી, પણ એ જોયા પછી મને એટલું સમજાયું કે ઓરિજિનલમાં કોઈ ચોક્કસ પ્રકારનું ઇન્ગ્રિડિયન્ટ છે જે કોઈ પોતાની સ્ક્રિપ્ટમાં લાવી શકતું નથી. 
મૂવ ઑન.
અંગ્રેજીએ જેમ આપણને ‘સૉરી’ અને ‘થૅન્ક યુ’ જેવા સરળ શબ્દો આપ્યા એવી જ રીતે આપણને ‘મૂવ ઑન’ જેવો સરસ શબ્દ પણ આપ્યો. આ શબ્દમાં હું બહુ વિશ્વાસ ધરાવું છું. મૂવ ઑન. આગળ વધો. સાચું કહું તો આપણી પાસે એના સિવાય કોઈ વિકલ્પ પણ હોતો નથી. બીજાની શું વાત કરું, હું મારું જ કહું. નાટક ફ્લૉપ જાય તો માથે હાથ દઈને બેસી રહેવાનો કે પછી નિરાંતે એ નિષ્ફળતા પર વિચાર કરવાનો મારી પાસે સમય જ નથી હોતો. હિટ નાટક પછી પણ ઘરખર્ચ એ જ રહે અને ફ્લૉપ નાટક પછી પણ ઘરખર્ચમાં કોઈ ફરક ન આવે. નાટકનું પરિણામ હિટ/ફ્લૉપનું હોય, ખર્ચાનું નહીં. એ તો સતત ચાલુ જ રહે. ઘરના ખર્ચ, ડ્રાઇવરનો પગાર, કામવાળાનો પગાર, રોજબરોજનો ખર્ચ અને એ બધા ખર્ચ વચ્ચે સવાર પડે એટલે મારા મનમાં એક જ વિચાર આવે કે હવે શું? આવતા મહિને કયું નાટક કરીશું?
નાટક કરીએ તો જ પૈસાની આવનજાવન ચાલુ રહે, પણ એ આવનજાવન અકબંધ રાખવા માટે પણ નાટક કરવું જરૂરી હતું. આજે ઘણાને એવું અચરજ થતું હોય છે કે મેં આટલાં બધાં નાટકો કેમ બનાવ્યાં? જોકે સાચું કહું. મને એ વાતમાં જરા પણ આશ્ચર્ય નથી થતું, કારણ કે મારે મારા જીવનનું ગાડું આગળ વધારવાનું હતું. એક પછી એક નાટક કરતો ગયો અને મારું ગાડું ચાલતું રહ્યું. મિત્રો, એક વાત યાદ રાખજો. તમે એવું વિચારી કે ધારીને ક્યારેય આગળ વધી ન શકો કે મારે દોઢસો કે બસો નાટક પ્રોડ્યુસ કરવાં છે. ના, ક્યારેય નહીં. લાઇફ ક્યારેય ડિઝાઇન થયેલી નથી હોતી. માણસે ફ્લો સાથે ચાલતા રહેવાનું હોય અને મારે પણ એ જ કરવાનું હતું. ફ્લો સાથે આગળ વધવાનું હતું.
‘ચોકટ રાણી ચાર ગુલામ’ પછી મારે નવું નાટક પ્લાન કરવાનું હતું, પણ એ પહેલાં નુકસાનીમાં ઘટાડો કરવાનો હતો. નુકસાનીમાં થોડીઘણી રાહત રહે એ માટે અમે આ નાટક ત્રણ કૅમેરાથી શૂટ કરીને એના રાઇટ્સ આપી દીધા. નાટક યુટ્યુબ પર અવેલેબલ છે. યુટ્યુબ પરથી એક ખાસ વાત યાદ આવી, પણ એની ચર્ચા સ્થળસંકોચના કારણે આપણે આવતા વીકમાં કરીશું. એ ચર્ચા પણ અને નવા નાટક વિશે પણ.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2021 01:49 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK