Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજે રજા, કરો મજા

આજે રજા, કરો મજા

26 June, 2022 01:29 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

રવિવારના દિવસ માટે બધા જ આવું ખૂબ ઉમળકાથી કહી શકે છે. જોકે વીકમાં એક દિવસ કે વર્ષમાં અમુક દિવસ કામના સ્થળેથી રજા મળે એવું કલ્ચર આવ્યું ક્યાંથી?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં ભારતમાં બૅન્કના યુનિયન્સ દ્વારા હવે ‘ફાઇવ ડેઝ અ વીક’ની ડિમાન્ડ મુકાઈ છે અને એ માટે આવતી કાલે પ્રતીકાત્મક બંધની ધમકી પણ અપાઈ છે ત્યારે પેઇડ લીવના આ રાજકારણ પાછળના જ્ઞાન, વિજ્ઞાન, સમાજ અને ધર્મને લગતી વાતોનો ઇતિહાસ શું કહે છે એ જોઈએ

‘મરો ત્યાં સુધી કામ કરો...’ અને ‘આરામ હરામ હૈ...’ જેવી તો અનેક ઉક્તિઓ આપણા દેશમાં જાણીતી છે. પ્રેરણા આપવા માટે મોટિવેશનલ સ્પીકર્સથી લઈને ઘરનાં ફરજંદોને પપ્પાઓ ખીજવાતા હોય ત્યારે આવી ઉક્તિઓ અનેક વાર વપરાતી હોય છે. પેલો કબીરદાસજીનો દોહો ખબર છેને? ‘કલ કરે સો આજ કર, આજ કરે સો અબ; પલ મેં પ્રલય હોએગી, બહુરિ કરેગા કબ...’ પરંતુ ‘આજે એક હકીકત તમને જણાવી દઉં, કોઈને કહેતા નહીં, ખાનગી છે!’ આ જે બધા કહેતા હોયને એ તમામ પણ મનોમન ‘રજા’ની રાહ જોતા હોય છે. સતત એ વિચાર લગભગ દરેકના મનમાં રમ્યા જ કરતો હોય છે કે ક્યારે રજા પડે અને ક્યારે આરામ કરીએ, ક્યારે હૉલિડેઝ આવે અને ક્યાંક ફરવા જઈએ. આજે આ રજાના વિશે વાત કાઢવાનું કારણ એ કે ભારતની બૅન્કોના કર્મચારી યુનિયનોનું કહેવું છે કે બીજી ઑફિસોની માફક તેમને પણ પાંચ દિવસનું અઠવાડિયું કરી આપવામાં આવે. મતલબ કે સોમથી શુક્ર કામ અને શનિ-રવિ રજા. બૅન્ક્સ માટે હાલમાં જે એકાંતરે શનિવારની રજા રાખવામાં આવી છે એ દર શનિવારે કરી આપવાની માગણી થઈ છે અને જો એમ નહીં કરી આપવામાં આવે તો ૨૭ જૂને સમગ્ર ભારતની બૅન્કો બંધ રહેશે એવી ધમકી યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ ‘રજા’ શબ્દ જ એવો ચાસણી જેવો છેને કે ભાગ્યે જ કોઈ એવું હશે જેને નહીં ગમતો હોય. આ જુઓને આજે રવિવાર, રજાનો દિવસ. સાચું કહેજો, આપણે બધા ગઈ કાલ સાંજથી જ થોડા આળસના મૂડમાં નહોતા આવી ગયા? આવતી કાલે રવિવાર છે એ વિચાર માત્રએ ગઈ રાતે આપણને ખુશી મહેસૂસ નહોતી કરાવી?    
આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં અને મોટા થયા ત્યારથી નોકરી કે ધંધામાં અઠવાડિયામાં એક અને કેટલાક ભાગ્યશાળીઓ બે-બે રજા ભોગવતા આવ્યા છે. પણ શું ક્યારેય આપણામાંથી કોઈએ એવું વિચાર્યું છે કે આ સુખના દિવસની શરૂઆત કઈ રીતે થઈ હશે? કોને પહેલી વાર કામ-ધંધા કે શાળામાં રજા રાખવાનો વિચાર આવ્યો હશે? આમ તો રજા એ માણસ માટે આરામ કરતાં એક સાયકોલૉજિકલ ટ્રીટમેન્ટ વધુ છે. કેમ નથી? હૉલિડે એ નવી એનર્જી સાથે ફરી કામે લાગવાની કે નવી શરૂઆત કરવાની દવા નથી? જો એમ નહીં હોય તો શા માટે આપણે જ્યારે ખૂબ કંટાળ્યા હોઈએ કે થાક્યા હોઈએ ત્યારે કહીએ છીએ, ‘આય નીડ અ બ્રેક, મન થાય છે રજા પર ચાલ્યો જાઉં.’ આખરે તો હૉલિડે એટલે રિચાર્જ-ડે એમ કહીએ તો ચાલે.



વિશ્વ પથદર્શક ભારત
પણ શું આપણને એ ખબર છે કે જ્યારે આખા વિશ્વમાં હૉલિડે જેવા કોઈ કન્સેપ્ટનો વિચાર સુધ્ધાં નહોતો ત્યારે એકમાત્ર ભારત દેશ હૉલિડેઝ કે રજાઓનો મહિમા જાણતો હતો અને રજાઓ પાડતો હતો. માનવામાં નથી આવતુંને? ભારતને કંઈ અમસ્તું જ વિશ્વગુરુ નથી કહેવાયું. અનેક એવી બાબતો છે જેમાં ભારત જેટલું ઍડ્વાન્સ અને જ્ઞાની કોઈ નહોતું અને કોઈ છે પણ નહીં. જોકે તબક્કાવાર વિદેશીઓના હુમલા અને તેમની ગુલામી વેઠી ચૂકેલું ભારત હવે એની સાચી ઓળખ અને સાચું જ્ઞાન ભુલાવી ચૂક્યું છે. એવી જ બાબત આ રજાઓ વિશે પણ થઈ છે. 
ભારત પુરાણકાળથી જ્ઞાન અને સાધનાની ભૂમિ રહી છે. હવે સાધનામાં પણ અનેક પ્રકાર છે અને અલગ-અલગ પ્રકારની સાધના અલગ-અલગ તિથિઓ અને અલગ-અલગ દિવસોને આધારે કરવામાં આવતી હોય છે. આપણા દેશ પાસે એ સમયથી બે કૅલેન્ડર્સ છે, જ્યારે વિશ્વને કૅલેન્ડર વિશે ખબર સુધ્ધાં નહોતી. આપણે એને પંચાંગ કહીએ છીએ. એક સૂર્યની ગતિ અનુસાર અને બીજું ચંદ્રની ગતિ અનુસાર. હવે તમે જો ભારતનો ઇતિહાસ પંચાંગને નજર સામે રાખી ચકાસો તો જાણવા મળશે કે પહેલાંના સમયમાં આપણા પૂર્વજો પૂર્ણિમા અને અમાસ એ બે દિવસોને ખાસ ગણતા હતા, કારણ કે આ બન્ને તિથિઓ ચંદ્રની ગતિ અનુસાર પૃથ્વી પર સર્જાતી ઘટનાઓને આધારે ગણવામાં આવી હતી અને આપણા પૂર્વજો જે ડિગ્રીની દૃષ્ટિએ કોઈ વિજ્ઞાની કે ખગોળશાસ્ત્રી નહોતા છતાં તેઓ એ જણાતા હતા કે આ તિથિ દરમ્યાન માત્ર પૃથ્વી અને સમુદ્રમાં જ ફેરફાર નથી સર્જાતા, માનવીના શરીરમાં પણ સર્જાય છે. એથી પહેલાંના સમયમાં પૂર્ણિમા ટાણે ત્રણ દિવસની રજા ભોગવવામાં આવતી. પૂર્ણિમા પહેલાંનો દિવસ, પૂર્ણિમા અને પૂર્ણિમાના પછીનો દિવસ. આ ત્રણ દિવસ દરમ્યાન એ લોકો ઈશ્વરસ્મરણ કરતા, સાધના કરતા, પરજીવ પરોપકારનું કામ કરતા અને સમાજ પરત્વેની ફરજો બજાવતા. આજે પણ તમે દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં તપાસ કરશો તો જાણવા મળશે કે ત્યાંના ખેડૂતો પૂર્ણિમા અને અમાસના દિવસોમાં રોપણી કે કાપણી કશું જ કરતા નથી. એ જ રીતે અમાસમાં બે દિવસની રજા રાખવામાં આવતી હતી. આ ગણતરી પ્રમાણે તમે આજના મહિનાઓના આધારે ગણાશો તો પાંચ દિવસની રજા ત્યારે પણ આપણે રાખતા જ હતા, જ્યારે વિશ્વઆખામાં તો ક્યાંય રજાનો કન્સેપટ સુધ્ધાં નહોતો.


રજાનું વિજ્ઞાન અને ધર્મ
રજાની જરૂરિયાત અને એની અસરકારકતા વિશે આપણે પુરાણકાળથી જ એટલા સમજુ અને સજાગ હતા કે કેટલીય બાબતોમાં તો આપણે એને ધાર્મિક અને સામાજિક રીતરિવાજો સાથે જોડી, જેથી રજા પાડવા કે લેવા વિશે કોઈ દલીલ નહીં કરે કે વિરોધ નહીં કરે. આ વાતનાં બે સુંદર દૃષ્ટાંત જણાવીએ તો ખ્યાલ આવી જશે કે આપણી દૂરંદેશી અને સમજણ કયા લેવલ સુધીની હતી. પહેલાંનો સમય એવો હતો જ્યારે વિદ્યાર્થીઓ કોઈ સ્કૂલ કે કૉલેજમાં ભણવા નહોતા જતા, પરંતુ ગુરુકુળમાં રહીને ઋષિમુનિઓ પાસે શાસ્ત્રજ્ઞાન અને શસ્ત્રજ્ઞાન મેળવવામાં આવતું. એ સમયે ઋષિપત્નીએ દરરોજ એ તમામ વિદ્યાર્થીઓ માટે ખાવાનું બનાવવાનું રહેતું. એ જ રીતે રાજાઓ યુદ્ધમાં રોકાયેલા હોય ત્યારે આખા રાજ્યની સ્ત્રીઓએ દરરોજ એ આખી સેના માટે ખાવાનો પ્રબંધ કરવો પડતો. વળી આપણી સમાજ-વ્યવસ્થા પણ સહકુટુંબ રહેવાની હતી. જ્યારે એક પરિવારમાં ૨૦-૨૫ સભ્યો કરતાં પણ વધુ હોય એવું બનતું. આવા સંજોગોમાં ઘરની સ્ત્રી એક એવી વ્યક્તિ હતી જેને ઘડીની પણ ફુરસદ મળતી નહીં; ખાવાનું બનાવવાનું, બાળકો સંભાળવાનાં, કૂવાએથી પાણી ભરવાનું વગેરે અનેક કામ કરવાં પડતાં. સ્ત્રી માટે એવો કોઈ દિવસ નહોતો જ્યારે તેને રજા મળે. અને આવા સંજોગોમાં દર મહિને સ્ત્રીના જીવનમાં એવા પાંચ દિવસ આવે છે જ્યારે તે માસિકસ્રાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય. આ દિવસો દરમ્યાન સ્ત્રી ભીતરથી વલોવાઈ જતી હોય છે. સતત તમારા શરીરમાંથી લોહી વહી રહ્યું હોય ત્યારે પરિસ્થિતિ કેવી થતી હશે એની કોઈ પુરુષ કલ્પના પણ કરી શકે એમ નથી. આથી આપણા દૂરંદેશી વડીલોએ એક નિર્ણય કર્યો કે સ્ત્રીની રજસ્વલા પરિસ્થિતિમાં તેણે કોઈ કામ કરવાનું નહીં. પાણીનો એક ગ્લાસ પણ તેણે કોઈને આપવો પડે એટલો શ્રમ પણ કરવાનો નહીં. સ્ત્રીને આ દિવસોમાં તેનાં તમામ કામમાંથી રજા આપવી, પરંતુ આપણે રહ્યા જિદ્દી માણસો. એમ કોઈ કહે અને આપણે માની જઈએ એ શક્ય કઈ રીતે બને? આથી તેને સમાજ-વ્યવસ્થા અને ધર્મ સાથે જોડવામાં આવ્યું, જેથી કોઈ દલીલ કર્યા વિના લોકો આ વાત માને અને સ્ત્રીને એ બહાને રજા મળી શકે.

કામના સ્થળે આ ‘રવિવારની રજા’વાળું તૂત કઈ રીતે આવ્યું? અને એ પણ માત્ર ભારતમાં નહીં ને લગભગ આખા વિશ્વમાં? જોકે ભારતમાં રવિવારની રજા તો છેક અંગ્રેજોના સમયથી શરૂ થઈ. અચ્છા એમાં પણ વળી મજાની વાત શું છે ખબર છે? ભારતમાં રવિવારની રજા અમલી બનાવવામાં સિંહફાળો કોઈ અંગ્રેજનો નથી. એ પણ ભારતનો જ એક ભડવીર હતો જેણે આપણને રવિવારની રજા અપાવી છે. હજી બીજી એક મજાની વાત કહીએ? તમે માનશો નહીં, પણ આઝાદ ભારતમાં રવિવાર રજાનો દિવસ હોવા વિશેની ઑફિશ્યલી જાહેરાત ક્યાંય કરવામાં નથી આવી. નથી કોઈ સરકારી ચોપડે એવું લખાયું કે નથી સંવિધાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ‘ભારતમાં રવિવાર દરેક માટે રજાનો દિવસ હશે.’ છતાં આપણે બાય ડિફૉલ્ટ સિસ્ટમ હોય એ રીતે જલસાથી રવિવારે રજા ઊજવીએ છીએ, બોલો! છેને કમાલની વાત? પણ શા માટે? અને કઈ રીતે રવિવારના દિવસે જ રજા ઊજવીએ છીએ? વાસ્તવમાં તો એવું નહીં હોવું જોઈએ, કારણ કે અંગ્રેજી કૅલેન્ડર અનુસાર સોમવારથી નવું અઠવાડિયું શરૂ થાય છે એટલે કે સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ છે. જ્યારે આપણા ભારતના કૅલેન્ડર અનુસાર તો રવિવારથી અઠવાડિયાની શરૂઆત થાય છે. સૂર્ય ભગવાનના દિવસ તરીકે આપણે ઊર્જાના આ દિવસને અઠવાડિયાના પહેલા દિવસ તરીકે સ્વીકાર્યો છે અને પહેલા જ દિવસે વળી કોઈ રજા રાખતું હશે, ભલા? કેવી વાત કરો છો? પણ આપણે રાખીએ છીએ. અંગ્રેજો ગયા પણ એનું આંધળું અનુકરણ કરનારા આપણને મૂકી ગયાને. એટલે આપણે રવિવારે રજા રાખીએ છીએ અને ભોગવીએ પણ છીએ. ખેર, હવે રજાનો દિવસ આપણે બદલી નથી શકવાના, પરંતુ એની પાછળનો ઇતિહાસ તો જાણી શકીએને!


ભારતમાં રવિવારની રજા
વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે સ્કૂલ્સ, કૉલેજ, ઑફિસ અને મોટા ભાગના કામધંધા પણ રવિવારે બંધ હોય છે. ભારત આઝાદ થયું એ પહેલાંથી આપણે રવિવારના દિવસને રજા તરીકે ભોગવતા આવ્યા છીએ. એક પ્રશ્ન ખૂબ સ્વાભાવિક છે કે ગેરકાનૂની રીતે આધિપત્ય જમાવી લેનાર સરમુખત્યાર વળી તેના ગુલામોને અઠવાડિયામાં એક દિવસ રજા ભોગવવા જેવી જાહોજલાલી શું કામ આપે? અને આ પ્રશ્ન સાચો પણ છે. જુલમી અંગ્રેજો ગુલામ ભારતીયોને અઠવાડિયામાં એક દિવસ નહીં, મહિનામાં પણ એક દિવસ રજા નહોતા આપતા. એમ કહો કે ‘રજાના દિવસ’ જેવી કોઈ વ્યવસ્થા જ નહોતી.

વાત કંઈક એવી છે કે આપણા દેશમાં બ્રિટિશ શાસન હતું. આ બ્રિટિશ પ્રજા એટલે કે અંગ્રેજ ખ્રિસ્તી ધર્મના અનુયાયી હતા અને ખ્રિસ્તી ધર્મમાં દર રવિવારે ચર્ચમાં જઈ ભગવાન ઈસુ ખ્રિસ્તને યાદ કરવામાં આવે છે. તેમની પ્રાર્થના કરવામાં આવે છે. હવે ખ્રિસ્તીઓના ધર્મમાં એ સમયે રવિવાર માત્ર પ્રાર્થનાનો દિવસ જ નહોતો. પ્રાર્થનાના બહાને ખ્રિસ્તી ધર્મના બધા અનુયાયીઓ ચર્ચમાં ભેગા થતા અને એ બહાને એક સોશ્યલ ગેધરિંગ થઈ જતું, જેથી બધા વચ્ચે પરિચય કેળવાય અને સંબંધ મજબૂત બને. આમ ધાર્મિક અને સામાજિક બન્ને રીતે રવિવારનો દિવસ તેમને માટે ખૂબ અગત્યનો અને લગભગ રજાનો દિવસ જ બની રહેતો. બપોર સુધી બધા ચર્ચમાં જ હોય અને સાંજે પણ ફરી પાંચ વાગ્યે ચર્ચમાં જ ભેગા થતા હોવાને કારણે તેમનો રવિવારનો દિવસ લગભગ કામ વિનાનો વીતતો.

બીજી તરફ ભારતીય મજૂરો કે કામદારો માટે એવી કોઈ વ્યવસ્થા નહોતી. તેમણે અઠવાડિયાના સાતેસાત દિવસ સતત કામ કરવું પડતું. હવે આવા સમયમાં નારાયણ મેઘજી લોખંડે નામના એક ભડવીર મિલમજૂરોના નેતા હતા. લોખંડેએ અંગ્રેજ સરકાર સામે એક પ્રસ્તાવ મૂક્યો, જેમાં તેમણે અંગ્રેજોને જણાવ્યું કે ‘મિલમજૂરો સપ્તાહના સાતેસાત દિવસ સતત કામ કરે છે. તેમને ૬ દિવસ કામ કર્યા બાદ અઠવાડિયામાં એક દિવસની રજાનું પ્રાવધાન હોવું જોઈએ, જેથી દરેક મજૂર એ એક દિવસ માટે પોતાના દેશ અને સમાજની સેવા કરી શકે, પોતાની અંગત ફરજ બજાવી શકે.’ સાથે જ તેમણે આ પ્રસ્તાવમાં જણાવ્યું કે ‘રવિવાર એ ભગવાન ખંડોબાનો દિવસ છે એથી રવિવારના દિવસે દરેક મિલમજૂરોને કામમાંથી રજા મળે એવી વ્યવસ્થા શરૂ થવી જોઈએ.’ જોકે અંગ્રેજ શાસને લોખંડેજીનો આ પ્રસ્તાવ નામંજૂર કર્યો, પરંતુ આ મેધાવી નારાયણ મેઘજી લોખંડે એમ કાંઈ હાર માને એવા નહોતા. તેમણે આ મુદ્દે સતત પ્રયત્ન ચાલુ રાખ્યા અને અંગ્રેજ સરકાર સામે હાર નહીં માનવાની નેમ પકડી લીધી. સતત સાત વર્ષ સુધી તેમણે આ સંઘર્ષ ચાલુ રાખ્યો. આખરે ૧૮૯૦ની ૧૦ જૂનનો એ દિવસ જ્યારે અંગ્રેજ સરકારે નારાયણ મેઘજી લોખંડેની વાત સ્વીકારી અને તેમનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો. ૧૮૯૦ની ૧૦મી જૂને બ્રિટિશ સરકારે અઠવાડિયામાં એક દિવસ અને રવિવારને રજાના દિવસ તરીકે જાહેર કર્યો. મજાની વાત એ છે કે ભારત આઝાદ થઈ ગયા પછી પણ ભારત સરકારે આધિકારિક રીતે ક્યારેય એવી જાહેરાત નથી કરી કે અધ્યાદેશ પસાર નથી કર્યો કે રવિવારના દિવસે રજા રહેશે અને બધી સ્કૂલ, કૉલેજ તથા ઑફિસ બંધ રહેશે. જોકે એમ છતાં વર્ષોથી રવિવારને રજાના દિવસ તરીકે મનાવાય છે. ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન ઑફ સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા છેક ૧૯૮૬માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે રવિવારનો દિવસ સોમવારથી શનિવાર સુધીના અઠવાડિયામાં વચ્ચે આવતો દિવસ છે અને એ દિવસે રજા રાખવામાં આવવી જોઈએ. જ્યારે અંગ્રેજ ગવર્નરે છેક ૧૮૪૪ની સાલમાં જ શાળામાં જતા વિદ્યાર્થીઓ માટે રવિવારે રજા રાખવાની જાહેરાત કરી દીધી હતી અને શાળાઓમાં રવિવારનો રજાનો સિલસિલો છેક એ સમયથી શરૂ થઈ ચૂક્યો હતો. કદાચ આપણને તો એ પણ ખબર નહીં હોય કે આપણી રવિવારની રજા માટે લડનાર નારાયણ મેઘજી લોખંડેના ચિત્રવાળી પોસ્ટલ ટિકિટ પણ ભારત સરકારે પ્રસિદ્ધ કરી હતી.

હૉલિડે ક્યાંથી આવ્યો?
આપણે ગુજરાતીમાં તો બધા રજા-રજા બોલીએ છીએ વર્ષોથી, પણ આજનું અંગ્રેજીપ્રિય જનરેશન હૉલિડે તરીકે પોતાની રજાને વધુ ઓળખાવે છે. આ હૉલિડે શબ્દ મૂળ જૂના અંગ્રેજી શબ્દ પરથી આવ્યો છે. સૌપ્રથમ વાર ૯૫૦ ADમાં આ શબ્દ વપરાયો હતો એવી નોંધ મળે છે, પરંતુ ત્યારે શબ્દ મૂળત: હૉલિડે નહોતો. આ આજનો ‘હૉલિડે’ શબ્દ મૂળ આવ્યો છે બે શબ્દોના સમૂહ ‘હૅલિગ્ડગ’ પરથી, જેમાં પહેલો શબ્દ ‘હૅલિગ’નો અર્થ થાય ‘પવિત્ર’ અને ‘દિવસ’ માટે શબ્દ વપરાતો હતો ‘ડેગ.’ આ રીતે મૂળ શબ્દ હતો ‘હૅલિગ્ડગ’. આ શબ્દનો પહેલી વાર સ્પેલિંગ લખાયો હતો એટલે કે રેકૉર્ડ પાર લેવાયો હતો ૧૪૬૦ ADમાં. જેનો અર્થ થતો હતો ‘એક એવો દિવસ જ્યારે સામાન્ય લોકોને મજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.’ એ સમયમાં આ દિવસે લોકો ઉજવણી કરતા હતા, જેમાં ઘણી વાર ‘બટ્ટ’ નામની ફ્લૅટફિશ ભોજનમાં બનાવવામાં આવતી.

આટલી પરિભાષા પરથી એક બાબત તો સમજાય છે કે હૉલિડે, પવિત્ર એટલે કે ધાર્મિક વ્યવહારો કે તહેવારોની ઉજવણી માટે શરૂ થયેલા રજાના દિવસનું નામ હોવું જોઈએ, જેમ કે ક્રિસમસ, પરંતુ મધ્યયુગના સમય દરમ્યાન આવી રજા રાખવા જેવી કે હૉલિડે રાખવા જેવી કોઈ પ્રણાલી નહોતી કે પ્રૅક્ટિસ નહોતી. વેસ્ટર્ન વર્લ્ડમાં ભારતની તો વાત જ નિરાળી છે. આપણે તો રજાઓ વિશે જાણતા હતા અને પાડતા પણ હતા. 

પુરાણકાળમાં રજાના મહત્ત્વ અને સદુપયોગની વાત પછી હવે સમજવાનું એ છે કે વિશ્વઆખું રજાઓના જે ઇતિહાસ વિશે વાત કરે છે એ શું છે? કામધંધા, વ્યવહાર કે લડાઈ સુધ્ધાંમાં રજાઓ કઈ રીતે શરૂ થઈ? મધ્યયુગ સુધી અઠવાડિયું જ નહીં મહિનાઓ, વર્ષો સુધી રોજેરોજ મજૂરોએ કામે, યોદ્ધાઓએ યુદ્ધમાં અને ધર્મગુરુઓએ સતત ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરતા રહેવાનો રિવાજ હતો. એક પણ દિવસ રજા જેવું કંઈ હતું જ નહીં, પરંતુ આ વિશેની ક્રેડિટ આપણે રોમન પ્રજાને આપવી પડે. પ્રાચીન રોમન યુગમાં જ્યારે રાજવીઓ યુદ્ધમાં કે વિશ્વ જીતી લેવાની સફરમાં રગેસર નહીં હોય ત્યારે એવા સમયમાં પરિવાર સાથે પોતાની રાણીઓ સાથે સમય વિતાવવાનું પસંદ કરતા અને એ સમય દરમ્યાન તેઓ ઘણા ધાર્મિક પ્રસંગોનું સેલિબ્રેશન પણ કરતા. જ્યારે રાજ્યમાં પકવાન બનતા, મીઠાઈ વહેંચાતી અને સાથે આ સમય દરમ્યાન તેમણે અનેક રમતોત્સવનું આયોજન કરવા માંડ્યું, જેમાં અનેક લોકો ભાગ લઈને પોતાની કળા અને શક્તિનું પ્રદર્શન કરતા. આ રીતે યુદ્ધ સિવાયનો સમય તેમને માટે એક ઉજવણીનો સમય બનવા માંડ્યો. ત્યાંથી શરૂઆત થઈ એક રાજ્યથી બીજા રાજ્યમાં કોઈ પણ કામ વિના માત્ર આનંદ ખાતર સફર કરવાની. જે રાજ્યમાં આવી કોઈ ઉજવણી હોય એ રાજ્યમાં બીજા રાજ્યના રાજવીઓ આવતા અને એ બહાને આખા રાજ્યમાં ફરવાલાયક સ્થળોની મુલાકાત પણ લેતા. 

બૅન્ક હૉલિડે કઈ રીતે આવ્યો?
રોમન શાસન અને રોમન યુગનો અંત આવતાં જ આ રજાઓ કે ઉત્સવના દિવસો ફરી બંધ થઈ ગયા. યુરોપમાં બહારના લોકોના હુમલા શરૂ થયા અને યુરોપિયનો સતત યુદ્ધમાં વ્યસ્ત રહેવા માંડ્યા, પરંતુ તેમણે એક રિવાજ સતત આ સમય દરમ્યાન પણ ચાલુ રાખ્યો અને એ લગ્ન સમારંભોમાં કમસે કમ પાડોશના ગામ સુધી પ્રવાસ કરવાનું. ધીમે-ધીમે સમય એવો આવ્યો કે માત્ર રાજવી અને પૈસાદાર કુટુંબના લોકોને જ આ રીતે ટ્રાવેલ કરવાનું પોષાતું હતું. બાકીના લોકો પાલખી, ચાલક, સુરક્ષા સૈનિકો વગેરેનો ખર્ચ ઉપાડી શકે એમ નહોતા, પરંતુ ૧૮મી સદીમાં યુરોપમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. કલાકારો અને ઍરિસ્ટોક્રેટ્સ દ્વારા આખા યુરોપના પ્રવાસની શરૂઆત થઈ. તેઓ અલગ-અલગ અનેક ગામોમાં જતા અને પોતાની કલાનું પ્રદર્શન કરતા, પરંતુ હજીય આ સમય એવો હતો કે રજા મનાવવા ક્યાંક બહાર જવું એ માલેતુજારોને જ પોસાઈ શકે એવી બાબત હતી અને ત્યાર બાદ વિશ્વમાં એક જબરદસ્ત મોટી ક્રાન્તિ આવી. ઇન્ડસ્ટ્રિયલ રિવૉલ્યુશન. આ સમયગાળામાં સ્ટીમ એન્જિનની શોધ થઈ અને રેલગાડીઓનો દોર શરૂ થયો. 

સ્ટીમ એન્જિન દ્વારા ચાલતી આ રેલગાડીનો દોર એવો શરૂ થયો જેને કારણે હવે મધ્યમવર્ગના લોકોને પણ ક્યાંક બહાર જવાનું કે રજામાં ફરવા જવાનું પોસાઈ શકે એમ હતું અને ત્યાર બાદ એક સૌથી મોટો બદલાવ આવ્યો ‘બૅન્ક હૉલિડે’ નામનો. ૧૮૭૧માં બૅન્ક હૉલિડે નામની એક નવી પ્રણાલી શરૂ થઈ. જેનો અર્થ થતો હતો કે પૈસાની કાપ વિનાની રજાઓ. એને કારણે થયું એવું કે ૧૯૦૦ની શરૂઆત થતાં પહેલાં અગાઉના જ સમયમાં એટલે કે ૧૮૯૯ની સાલ સુધીમાં લોકોની લાંબી રજાઓ શૉર્ટ હૉલિડેઝમાં પલટાવા માંડી, કારણ કે મોટા ભાગના લોકોને હવે બૅન્ક હૉલિડે સિવાય પેઇડ હૉલિડેઝ નહોતા. 

૧૯૩૯ની એ સાલ જ્યારે બ્રિટનમાં એક નવો કાયદો પસાર થયો. આ નવા કાયદામાં એવું કહેવામાં આવ્યું કે દરેક નાગરિકને કમસે કમ વર્ષમાં એક વાર એક અઠવાડિયાના પેઇડ લીવ હૉલિડે મળવા જોઈએ, જે ૧૯૫૦ સુધીમાં બે સપ્તાહ સુધીના થઈ ગયા હતા અને ૧૯૮૦ની સાલ આવતાં-આવતાં ત્રણ સપ્તાહ સુધી આ હૉલિડેઝની મોસમ લંબાઈ ગઈ. હવે બ્રિટનમાં મહદંશના લોકોને વર્ષમાં એક વાર ત્રણ અઠવાડિયાના પેઇડ લીવ હૉલિડે મળતા હતા. આ જ બ્રિટનમાં હમણાં થોડા સમય પહેલાં એક નવતર પ્રયોગ થયો હતો, ‘ફોર ડેઝ ઑફ વર્કિંગ.’ બ્રિટનમાં કેટલાક લોકોનું માનવું હતું કે માણસને લાંબી રાજા મળે તો માનસિક રીતે તે વધુ ફ્રેશ અને એનર્જેટિક મહેસૂસ કરે જેને કારણે તેની પ્રોડક્ટિવિટી વધે. 

વૈદિક અને ધાર્મિક દૃષ્ટિએ ભારતની રજાઓની વાત આખી અલગ છે, પરંતુ આજના આધુનિક આર્થિક ઉપાર્જનની બાબતમાં દરેક કંપની અને દરેક વ્યક્તિ એ વાત સ્વીકારે છે કે જો માનવીને રજા નહીં આપવામાં આવે તો ક્યાં તો તે પાગલ થઈ જશે, ક્યાં ડિપ્રેશનમાં જતો રહેશે અને ક્યાં તેની પ્રોડક્ટિવિટી જબરદસ્ત રીતે ઘટી જશે, કારણ કે કોઈ પણ કામ પછી એ તમને ગમતું હોય કે ન ગમતું હોય. સમયાંતરે એમાં બ્રેક લેતા રહેવું જરૂરી છે. માણસ મશીનની બાબતમાં ગમે એટલી પ્રગતિ કરે, પરંતુ પોતે જ મશીન બની જાય એ શક્ય નથી. આથી જે મશીન નથી એને બ્રેકની, રજાની જરૂર છે અને એટલે જ રજાઓ છે. 

મૂળ છે સાયકોલૉજિકલ ટ્રીટમેન્ટ 

ભારત એકમાત્ર એવો વિશ્વ પથદર્શક છે જે પુરાણકાળથી રજા અને એનું મહત્ત્વ સમજ્યો છે, કારણ કે ભારત કહે છે કે ચંદ્ર અને સૂર્યની ગતિ બદલાતતાં જે તિથિઓ બદલાય છે એ અનુસાર મનુષ્યના શરીરમાં અને વિચારોમાં પણ ફેરફાર થાય છે, થતા રહે છે. આથી આવા સમય દરમ્યાન સાધના થવી જોઈએ. શરીર અને મનને સુદૃઢ માર્ગ તરફ વાળવું જોઈએ, કારણ કે મનુષ્યજન્મનો મૂળત: ઉદ્દેશ છે મુક્તિ. એ મહાશક્તિ તરફનું પ્રયાણ. આથી હિન્દુ ધર્મનાં શાસ્ત્રોએ આ તિથિઓ દરમિયાન રોજબરોજનાં કામમાંથી છુટ્ટી લઈને સાધના કરવા સૂચવ્યું છે, પરંતુ વિશ્વઆખાએ જે એક વાત સ્વીકારી છે એ એ છે કે માનવીનું દિમાગ જે એક કામ સતત કરી રહ્યું હોય એ થોડા સમય માટે બંધ કરી દેવાથી કે દિમાગને બીજા કામમાં વ્યસ્ત કરવાથી મૂળ કામ વિશેનાં પરિણામો અણધાર્યાં મળે છે. મતલબ કે કોઈ પણ મનુષ્ય પછી ભલે તેણે પોતાના ગમતા કામને વ્યવસાય તરીકે સ્વીકાર્યો હોય કે અણગમતા કામને, પણ જો તેને આ સતત ચાલતા કામમાંથી થોડા સમય માટે દૂર કરવામાં આવે તો સકારાત્મક રીતે અણધાર્યાં પરિણામ મળી શકે છે. કમર્શિયલ રજાઓના સંદર્ભમાં આ એક સાયકોલૉજિકલ ટ્રીટમેન્ટ છે જે દરેક કંપની કે ઑર્ગેનાઇઝેશન પોતાના કર્મચારીઓને આપતી હોય છે. 

ફાઇવ ડેઝ વર્કિંગનું મૉડલ કોણે આપેલું?

આ બાબતનો એક દાખલો આપણને જાણીતી ઑટો કંપની ફૉર્ડ પાસેથી મળે છે. વિશ્વઆખાને ‘ફાઇવ ડેઝ વર્કિંગ કલ્ચર’ની ભેટ આપનારા હેન્રી ફૉર્ડ છે. ૧૯૨૬ની ૨૫ સપ્ટેમ્બર એવો દિવસ છે જ્યારે વિશ્વઆખામાં જાણીતી એવી અમેરિકન ઑટો કંપની ફૉર્ડ દ્વારા કંપનીમાં પાંચ દિવસ કામ કરવા વિશેની જાહેરાત કરવામાં આવીલ, મતલબ કે ૪૦ કલાક. વાત કંઈક એવી છે કે હેન્રી ફૉર્ડે પોતાની કંપની ફૉર્ડમાં નોંધ્યું કે તેનો કર્મચારી ખૂબ થાકેલો અને કંટાળેલો જણાય છે. એની અસર તેના કામ પર, પ્રોડક્ટિવિટી પર થઈ રહી છે. આથી ફૉર્ડ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો. તેમણે પોતાના દરેક કર્મચારીને કહ્યું કે હવેથી તમારે અઠવાડિયાના માત્ર ૪૦ કલાક જ કામ કરવાનું રહેશે, ૪૮ કલાક નહીં. મતલબ કે અઠવાડિયામાં બે દિવસ તેમને રજા આપવામાં આવશે. ફૉર્ડના આ નિર્ણયને કારણે અમેરિકાના ઇન્ડસ્ટ્રી જગતમાં શરૂઆતમાં તેમની ખૂબ ઝાટકણી પણ થઈ. અનેક ઇન્ડસ્ટ્રિલયલિસ્ટ્સ કહેવા માંડ્યા કે ફૉર્ડ આ રીતે તેમના કર્મચારીઓને વધુ દારૂ પીવા અને પગારના વધુ પૈસા ખર્ચ કરી નાખવા તરફ પ્રેરે છે. પરંતુ ફૉર્ડ તેમના નિર્ણય પર કાયમ રહ્યા અને એનું પરિણામ સાચે જ કંપનીના પર્ફોર્મન્સમાં જોવા મળ્યું. ફૉર્ડ કંપની પ્રતિ કર્મચારી ૪૮ કામના કલાક દરમ્યાન જે પ્રોડક્શન કરી શકતી હતી એના કરતાં પ્રતિ કર્મચારી ૪૦ કામના કલાક કર્યા બાદ પ્રોડક્શન વધી ગયું હતું. મતલબ કે કામના કલાકો ઘટવા છતાં પ્રોડક્શન વધ્યું હતું. ફૉર્ડની આ સફળતા જોઈ ત્યાર બાદ તો અનેક કંપનીઓએ આ સ્ટ્રૅટેજી અપનાવી અને આજે અનેક ઇન્ડસ્ટ્રીઓમાં અઠવાડિયાના પાંચ જ દિવસ વર્કિંગ હોવાની પ્રણાલી ચાલે છે.

વાર મુજબની માન્યતા

‘શનિવારે વાળ ન કપાવાય’વાળી માન્યતાની પણ એક કહાની છે. પરિસ્થિતિ કંઈક એવી હતી કે એક ગામમાં એ સમયે એક કે વધુમાં વધુ બે જ વાળંદ હતા અને વાળંદ એક એવો કારીગર હતો જેને રાજા કે રાજસભાના સભ્યોમાંથી કોઈ પણ બોલાવે એટલે તેણે સેવામાં હાજર થઈ જવું પડતું. આમ રોજેરોજ કોઈ ને કોઈ વાળંદને પોતાના વાળ કાપવા, નખ કાપવા કે બીજા કામે બોલાવી લેતા. વાળંદને બિચારાને કોઈ અંગત કામ હોય, તબિયત ઠીક નહીં હોય કે ગમે તે હોય, તેનાથી ના પડાય જ નહીં. તેણે જવું જ પડતું. એકેય દિવસ વાળંદનો કામ વિના નહોતો જતો. આથી વાળંદે એક દિવસ રાજાના દરબારમાં રજૂઆત કરી કે ‘મહારાજ, કોઈ એક દિવસ તો એવો આપો જ્યારે હું કામની ના પાડી શકું.’ એ દિવસે રાજાએ કહ્યું કે ‘હવે પછીના જે દિવસે હું તને બોલવું એ દિવસે તું મને ના પાડી દેજે. ભવિષ્યમાં પછી એ દિવસે તને કોઈ કામ માટે બોલાવશે નહીં અને બોલાવે તો તું ના પાડી શકે છે.’ શનિવારના દિવસે રાજાનું તેડું આવ્યું અને વાળંદે કહ્યું, ‘આજે મારાથી નહીં અવાય.’ એ દિવસથી શનિવારે કોઈ વાળંદને કામ કરવા માટે આગ્રહ કરી શકાતો નહોતો. ધીરે-ધીરે માન્યતા એવી બંધાવા માંડી કે શનિવારે વાળ નહીં કપાવાય. વાસ્તવમાં એટલે નહીં કપાવાય, કારણ કે વાળંદ એ દિવસે રજા પાડે છે.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2022 01:29 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK