અમિતાભ બચ્ચને કામિની કૌશલ સાથેના તેમનાં માતાના સંબંધોને યાદ કરીને તેમના અવસાનનું દુઃખ વ્યક્ત કર્યું
અમિતાભ બચ્ચન
પોતાના સમયનાં લોકપ્રિય અભિનેત્રી કામિની કૌશલનું શુક્રવારે ૯૮ વર્ષની વયે અવસાન થયું હતું અને ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગઈ કાલે અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર દિવંગત કામિની કૌશલના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને એક લાંબી પોસ્ટ લખી હતી. અમિતાભ બચ્ચને બ્લૉગમાં લખ્યું હતું, ‘અને એક વધુ ખોટ... જૂના જમાનાનાં એક ખાસ ફૅમિલી-ફ્રેન્ડ... જ્યારે ભાગલા થયા નહોતા ત્યારે. કામિની કૌશલજી, એક મહાન કલાકાર, એક આદર્શ જેમણે ઇન્ડસ્ટ્રીમાં ઘણું યોગદાન આપ્યું હતું અને અંત સુધી આપણી સાથે રહ્યાં. તેમનો પરિવાર અને મારાં માતાજીનો પરિવાર ભાગલા પહેલાં પંજાબમાં ખૂબ સારા મિત્રો હતા.’
અમિતાભે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે કામિની કૌશલનાં મોટાં બહેન તેમનાં માતાની ખૂબ નજીકનાં મિત્ર હતાં. એ વિશે વાત કરતાં અમિતાભે લખ્યું હતું, ‘કામિનીજીનાં મોટાં બહેન મારાં માતાની ખૂબ નજીકનાં મિત્ર હતાં. તેઓ ક્લાસમેટ હતાં. એક જેવી વિચારસરણી ધરાવતાં અને ખૂબ જ ખુશમિજાજ મિત્ર હતાં. મોટી બહેનનું એક અકસ્માતમાં અવસાન થયું હતું અને એ સમયની પરંપરા અનુસાર એવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં કામિની કૌશલનાં લગ્ન મોટી બહેનના પતિ સાથે કરાવવામાં આવ્યાં હતાં.’
ADVERTISEMENT
પોતાનું દુઃખ વ્યક્ત કરતાં અમિતાભે લખ્યું હતું, ‘એક બહુ જ ખુશમિજાજ, પ્રિય અને પ્રતિભાશાળી કલાકાર આપણને છોડીને ગયાં છે. ૯૮ વર્ષની ઉંમરે મહાન સ્મૃતિઓનો એક યુગ સમાપ્ત થઈ ગયો. ફક્ત ફિલ્મજગત માટે જ નહીં, પરંતુ મિત્રજગતનાં એક સભ્ય તરીકે પણ. એક પછી એક કરીને બધા આપણને છોડીને જઈ રહ્યા છે. આ એક અત્યંત દુખદ ક્ષણ છે જે હવે માત્ર શોક અને પ્રાર્થનાથી ભરેલી છે. તેમના શરૂઆતના દિવસોના શાનદાર પર્ફોર્મન્સ હવે માત્ર યાદો બનીને રહી ગયા છે.’


