એક રિપોર્ટ પ્રમાણે ધર્મેન્દ્રનાં પત્ની પ્રકાશ કૌરે જ દીકરા સની અને બૉબીને કહ્યું હતું કે તેઓ પોતાના પિતા ધર્મેન્દ્રને ઘરે લઈ આવે
ધર્મેન્દ્રનાં પત્ની પ્રકાશ કૌર
સુપરસ્ટાર ધર્મેન્દ્રની તબિયત છેલ્લા ત્રણ-ચાર દિવસથી મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. દેઓલ પરિવાર અચાનક ધર્મેન્દ્ર લઈને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ પહોંચ્યો ત્યારથી જ ધર્મેન્દ્રની તબિયત અંગે વિવિધ અફવાઓ ફેલાઈ રહી હતી. એક તબક્કે તો સોશ્યલ મીડિયા પર ધર્મેન્દ્રના મૃત્યુના ફેક ન્યુઝ પણ ફેલાઈ ગયા હતા જેને કારણે લાખો ચાહકોનું દિલ તૂટી ગયું. જોકે આ સમયે ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની અને દીકરી એશા દેઓલે સ્પષ્ટતા કરીને આવી અફવાઓ ફેલાવનારાઓને ઠપકો આપ્યો હતો.
ધર્મેન્દ્રના મૃત્યુની આ અફવાઓથી દેઓલ પરિવાર એટલો અપસેટ થઈ ગયો કે તેમણે નક્કી કર્યું કે હવે ધર્મેન્દ્રની આગળની સારવાર ઘરે જ કરવામાં આવશે, કારણ કે હૉસ્પિટલમાં રહેવાના કારણે અફવાઓ વધુ ફેલાઈ રહી હતી. એક રિપોર્ટ પ્રમાણે ધર્મેન્દ્રનાં પત્ની પ્રકાશ કૌરે જ દીકરા સની અને બૉબીને કહ્યું હતું કે તેઓ પોતાના પિતા ધર્મેન્દ્રને ઘરે લઈ આવે, કારણ કે ધર્મેન્દ્ર માટે દવાઓ જેટલો જ જરૂરી પારિવારિક સ્નેહ પણ છે.
ADVERTISEMENT
ધર્મેન્દ્રની સારવાર કરનાર બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ડૉક્ટર પ્રતીત સમદાનીએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન ખુલાસો કર્યો કે ‘ધર્મેન્દ્રનાં પત્ની પ્રકાશ કૌર તેમ જ સની દેઓલ અને બૉબી દેઓલ પણ ઇચ્છતાં હતાં કે ધર્મેન્દ્રની આગળની સારવાર ઘરેથી જ કરવામાં આવે. સની અને બૉબી ઇચ્છતા હતા કે ધર્મેન્દ્ર પરિવાર સાથે સમય વિતાવે અને ઘેર પરત આવે. પરિવારનું માનવું હતું કે તેઓ હંમેશાં ધર્મેન્દ્રના જીવનનો અગત્યનો ભાગ રહ્યા છે અને પોતાના લોકોની વચ્ચે રહીને તેઓ વધુ ઝડપથી સ્વસ્થ થશે.’


