ફિલ્મમાં કિંગ ખાન ફરી પાછો દેશના હિત માટે એજન્ટ બનીને મોટા પડદે ધમાલ મચાવવા તૈયાર
શાહરુખ ખાન
૨૦૨૩માં શાહરુખ ખાને પાંચ વર્ષ બાદ મોટા પડદે કમબૅક કર્યું હતું અને ‘પઠાન’થી જબરદસ્ત સફળતા મેળવી હતી. યશરાજ ફિલ્મ્સના બૅનર હેઠળ બનેલી સ્પાય થ્રિલર ‘પઠાન’ અત્યાર સુધીની તેની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. હવે બે વર્ષ બાદ ફિલ્મની સીક્વલ વિશે પણ મોટું અપડેટ આવ્યું છે. ‘પઠાન’ની રિલીઝ પછી તરત જ ‘પઠાન 2’ની ચર્ચા શરૂ થઈ હતી અને હવે મેકર્સ દ્વારા આ સીક્વલના પ્રી-પ્રોડક્શનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ‘પઠાન 2’માં શાહરુખ ફરી એક વાર દેશના હિત માટે એજન્ટ બનીને મોટા પડદે ધમાલ મચાવવા તૈયાર છે અને એની શરૂઆત ટૂંક સમયમાં થશે.
રિપોર્ટ પ્રમાણે ‘પઠાન 2’નું શૂટિંગ સાઉથ અમેરિકાના ચિલીમાં કરવાનું પ્લાનિંગ છે અને એનું શૂટિંગ-શેડ્યુલ આવતા વર્ષથી શરૂ થશે. તાજેતરમાં ફિલ્મના નિર્માતા અંશુમન ઝાએ ચિલીના રાષ્ટ્રપતિ અને સંસ્કૃતિ તથા કલા પ્રધાન કૅરોલિના અરેડોન્ડો સહિત ચિલીના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ભારતની મુલાકાત દરમ્યાન ચિલીના રાષ્ટ્રપતિ ફિલ્મનિર્માતાઓ સાથે આ પ્રોજેક્ટ દ્વારા ચિલીની સુંદરતાને હાઇલાઇટ કરવાની શક્યતાઓ પર ચર્ચા કરવા મુંબઈ આવ્યા હતા. આ મુલાકાત પછી અંશુમન ઝાએ જણાવ્યું હતું કે ‘આવતા વર્ષે ચિલીમાં યશરાજ ફિલ્મ્સ દ્વારા ‘પઠાન 2’ અને ‘લકડબગ્ઘા’ના શૂટિંગની ચર્ચા થઈ છે. હું આશા રાખું છું કે અમે અમારા સિનેમા દ્વારા ચિલીની સુંદરતાને વિશ્વ સમક્ષ લાવવાના પ્રયાસ કરીશું.’

