૬૦મી વર્ષગાંઠ પર કિંગ ખાનના જીવન અને કરીઅર વિશેની અલપઝલપ વાતો જાણો
શાહરુખનો પરિવાર
શાહરુખ ખાનનો જન્મ ૧૯૬૫ની બીજી નવેમ્બરે તાજ મુહમ્મદ ખાન અને લતીફ ફાતિમાના ઘરમાં થયો હતો. શરૂઆતનાં પાંચ વર્ષ સુધી તેનું લાલનપાલન તેની નાનીએ પહેલાં મૅન્ગલોર અને પછી બૅન્ગલોરમાં કર્યું હતું.
શાહરુખનાં મમ્મી હૈદરાબાદનાં, પપ્પા પશ્તૂન મૂળ પેશાવરના અને દાદી કાશ્મીરનાં હતાં.
ADVERTISEMENT
શાહરુખનો જન્મ થયો ત્યારે તેનાં દાદીએ તેનું પહેલું નામ અબ્દુલ રહમાન રાખ્યું હતું, પણ પપ્પાએ એ નામ બદલીને શાહરુખ ખાન રાખ્યું હતું.
શાહરુખ ૧૫ વર્ષનો હતો ત્યારે ૧૯૮૧માં તેના પપ્પાનું કૅન્સરથી અવસાન થયું હતું. શાહરુખના પિતા વકીલ અને સ્વાતંયસેનાની હતા. યુવાનીમાં તેઓ સ્વાતંય આંદોલનમાં જોડાયા અને જેલ ગયા હતા. એ પછી તેઓ મૌલાના અબુલ કલામ આઝાદ સામે ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા. તેમણે અનેક બિઝનેસ કર્યા હતા, પરંતુ એમાં તેઓ સફળ નહોતા રહ્યા.
શાહરુખના પિતા ૧૯૭૪ સુધી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં મેસ ચલાવતા હતા. પિતા સાથે શાહરુખ ત્યાં જતો હતો. ત્યાં તેણે રોહિણી હટ્ટંગડી, સુરેખા સિકરી, રઘુવીર યાદવ, રાજ બબ્બર જેવા કલાકારોને અભિનય કરતા જોયા. ઇબ્રાહિમ અલકાઝીના માર્ગદર્શન હેઠળનાં નાટકો જોઈને શાહરુખમાં અભિનય પ્રત્યેનો પ્રેમ ઉદ્ભવ્યો હતો.
શાહરુખનો ઉછેર દિલ્હીમાં થયો છે. તેણે સેન્ટ કોલમ્બસ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. એ પછી તેણે હંસરાજ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં BA કર્યું અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં માસ કમ્યુનિકેશનનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ શાહરુખ એ કોર્સ પૂરો કરી શક્યો નહોતો.
શાહરુખ બાળપણમાં આર્મીમાં જવાનાં સપનાં જોતો હતો અને તેણે કલકત્તાની આર્મી સ્કૂલમાં પ્રવેશ પણ લીધો હતો, પરંતુ તેની મમ્મીએ તેને આ માટે મંજૂરી નહોતી આપી.
શરૂઆતના સંઘર્ષના દિવસોમાં શાહરુખે ઘણાં નાનાં–મોટાં કામ કર્યાં હતાં. તેણે સૌથી પહેલાં પંકજ ઉધાસની કૉન્સર્ટમાં હેલ્પિંગ સ્ટાફ તરીકે કામ કર્યું હતું અને એ માટે તેને ૫૦ રૂપિયા મળ્યા હતા. શાહરુખના જીવનની આ પહેલી કમાણી હતી. એ પૈસાથી તે ટ્રેનમાં આગરા ફરવા ગયો હતો અને ત્યાં તાજમહલની બહાર લસ્સી પીધી હતી.
ઘણા લોકો માને છે કે શાહરુખની પહેલી ટીવી-સિરિયલ ‘ફૌજી’ હતી, પણ એ સાચું નથી. ‘ફૌજી’ પહેલાં તેણે ‘દિલ દરિયા’ સિરિયલનું શૂટિંગ શરૂ કર્યું હતું પણ પ્રોડક્શનના વિલંબને કારણે સૌપ્રથમ શાહરુખ ટીવી પર ‘ફૌજી’માં દેખાયો હતો. દિલ્હીમાં લેખ ટંડને ૧૯૮૮માં તેને ‘દિલ દરિયા’ સિરિયલમાં તક આપી હતી, પણ શરત મૂકી હતી કે શાહરુખે પોતાના વાળ કપાવવા પડશે.
‘વાગલે કી દુનિયા’ અને અન્ય સિરિયલ બાદ શાહરુખને ૧૯૮૯-’૯૦માં ‘સર્કસ’માં રેણુકા શહાણે સાથે કામ મળ્યું હતું. એ સમયે શાહરુખનાં મમ્મી ખૂબ બીમાર હતાં અને દિલ્હીની બત્રા હૉસ્પિટલમાં ઍડ્મિટ હતાં. શાહરુખે તેમને એક એપિસોડ બતાવવાની ખાસ મંજૂરી લીધી હતી, પણ તેઓ તેને ઓળખી નહોતાં શક્યાં. એ પછી ૧૯૯૧ના એપ્રિલમાં તેમનું અવસાન થયું હતું.
ફિલ્મ ‘દીવાના’ને શાહરુખની ડેબ્યુ ફિલ્મ માનવામાં આવે છે, પરંતુ એ પહેલાં તે ૧૯૮૯માં આવેલી પ્રદીપ કૃષ્ણ અને અરુંધતી રૉયની ફિલ્મ ‘In Which Annie Gives It Those Ones’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે થોડા જ સીનમાં કૉલેજ-સ્ટુડન્ટની ભૂમિકામાં હતો.
શાહરુખે તેની ફિલ્મ ‘દીવાના’ ક્યારેય જોઈ નથી અને કહે છે કે ભવિષ્યમાં તે પોતાની છેલ્લી ફિલ્મ પણ નહીં જુએ.
સુપરહિટ ફિલ્મ ‘નાયક’નો લીડ રોલ પહેલાં શાહરુખને ઑફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેને લાગ્યું કે ફિલ્મની વાર્તા લોકોને ખાસ ગમશે નહીં એટલે તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એ ફિલ્મ પછી અનિલ કપૂરે કરી અને હિટ થઈ હતી.
શાહરુખ ‘3 ઇડિયટ્સ’, ‘સ્લમડૉગ મિલ્યનેર’, ‘કહો ના... પ્યાર હૈ’, ‘મુન્નાભાઈ MBBS’, ‘લગાન’, ‘એન્થિરાન’, ‘રંગ દે બસંતી’, ‘એક થા ટાઇગર’, ‘જોધા અકબર’, ‘રાવણ’ અને ‘તારે ઝમીન પર’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરવાની ના પાડી ચૂક્યો હતો.
શાહરુખ અનેક ચૅરિટી કાર્યોમાં જોડાયેલો છે. આ માનવતાવાદી કાર્ય માટે સ્કૉટલૅન્ડની યુનિવર્સિટીએ તેને માનદ PhD ડિગ્રી આપી છે. કિંગ ખાને અનેક રીતે દાન આપ્યું છે, જેને કારણે તેને આ સન્માન મળ્યું હતું.
શાહરુખને પુસ્તક વાંચવાનું ખૂબ ગમે છે. તેનું મનપસંદ પુસ્તક લેખક ડગ્લસ ઍડમ્સે લખેલું ‘The Hitchhiker’s Guide to the Galaxy’ છે.
જ્યારે શાહરુખે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ સાઇન કરી ત્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયા બાદ બે મહિના પછી જ્યારે તેને સ્ટોરી સમજાવવામાં આવી ત્યારે તે આ ફિલ્મ કરવા નહોતો માગતો. તેણે પહેલાં સ્ટોરી નહોતી સાંભળી પણ યશ ચોપડાના કહેવાથી તેણે ફિલ્મ પૂરી કરી હતી.
શાહરુખે ‘ડર’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘યસ બૉસ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ સહિત ૯ ફિલ્મોમાં પોતાનું પાત્ર ‘રાહુલ’ રાખવાનું પસંદ કર્યું હતું. એ સિવાય શાહરુખને ફિલ્મી પડદે પોતાનું નામ ‘રાજ’ પણ બહુ ગમે છે.
શાહરુખ દરરોજ ચાર-પાંચ કલાક જ ઊંઘે છે અને માને છે કે વધુ ઊંઘવું જીવન બરબાદ કરવા સમાન છે.
શાહરુખને બાળપણથી જ આઇસક્રીમ નથી ભાવતો અને એને કારણે તે ખાવાનું ટાળે છે.
ભારત સરકારે ફિલ્મોમાં તેના યોગદાન બદલ શાહરુખને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યો છે. એ સિવાલ હાલમાં તેને ‘જવાન’ બદલ બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
શાહરુખનો લકી નંબર 555 છે અને તેની તમામ કારનો નંબર 555 છે.
શાહરુખ જ્યારે દુખી હોય છે ત્યારે તેને દીકરી સુહાના સાથે સમય વિતાવવાનું ગમે છે.
શાહરુખ રોજ રાતે ઇસ્ત્રી કરેલો સ્લીપિંગ ગાઉન પહેરીને જ સૂએ છે.
તેને ઘોડેસવારી કરવાનો બહુ ડર લાગે છે.
ફિલ્મ ‘જોશ’નું ‘અપુન બોલા’ ગીત શાહરુખે પોતે ગાયું હતું.
સ્કૂલના દિવસોમાં શાહરુખને ‘મેલ ટ્રેન’ કહેવામાં આવતો, કારણ કે તે બહુ ઝડપથી દોડતો હતો.
શાહરુખ આજે સુપરસ્ટાર છે, પણ પહેલાં તેની ઇચ્છા હૉકી-પ્લેયર બનવાની હતી.
શાહરુખના મનપસંદ અભિનેતા દિલીપકુમાર અને મનપસંદ અભિનેત્રીઓ મુમતાઝ તથા સાયરાબાનો છે.
ફ્રાન્સની સરકારે તેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી ભૂતકાળમાં નવાજ્યો છે.
શાહરુખે કરીઅરની શરૂઆતમાં એક જ દિવસમાં પાંચ ફિલ્મો સાઇન કરી હતી.
શાહરુખને ઍક્ટર કરતાં ડિરેક્ટર બનવામાં વધારે રસ હતો પણ તેની કરીઅર ઍક્ટર તરીકે જામી ગઈ હતી. હવે તેનો મોટો દીકરો આર્યન ખાન ઍક્ટરને બદલે ડિરેક્ટર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
આજે અલીબાગમાં શાહરુખ
૧૯૬૫ની બીજી નવેમ્બરે જન્મેલા બૉલીવુડના કિંગ ગણાતા શાહરુખ ખાનની આજે ૬૦મી વર્ષગાંઠ છે. શાહરુખ પોતાના નજીકના મિત્રો અને પરિવારજનો સાથે આ દિવસની ઉજવણી તેના અલીબાગના ઘરે કરવાનો છે અને એ દિવસનું ભવ્ય સેલિબ્રેશન કરવાનું પ્લાનિંગ થઈ ગયું છે. એક રિપોર્ટ મુજબ શાહરુખની ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ તેની આગામી ફિલ્મ ‘કિંગ’નું ટીઝર અને ફર્સ્ટ લુક લૉન્ચ કરી શકે છે. આ ફિલ્મ શાહરુખ માટે ખાસ છે કારણ કે આ ફિલ્મમાં તે પહેલી વખત દીકરી સુહાના ખાન સાથે કામ કરી રહ્યો છે.
શાહરુખ ઘરમાં પત્નીને ગૌરી મા કહીને બોલાવે છે
શાહરુખની મુલાકાત ગૌરી છિબ્બર સાથે સ્કૂલની ડાન્સ-પાર્ટીમાં થઈ હતી. એ સમયે ગૌરી ૧૪ વર્ષની હતી અને શાહરુખ ૧૮ વર્ષનો હતો. તેમની વચ્ચે ધીમે-ધીમે પ્રેમસંબંધ બંધાયો હતો અને આખરે બન્નેએ ૧૯૯૧ની ૨૫ ઑક્ટોબરે લગ્ન કરી લીધાં હતાં.
શાહરુખની પત્ની ગૌરી સાથેની પહેલી મુલાકાત ૧૯૮૪ની ૯ સપ્ટેમ્બરે થઈ હતી. શાહરુખને એ તારીખ આજે પણ યાદ છે કારણ કે એ દિવસે તેને ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું હતું.
શાહરુખે ૧૯૯૧માં ગૌરી સાથે લગ્ન કર્યાં અને પછી સંઘર્ષ કરવા મુંબઈ શિફ્ટ થયો હતો. શાહરુખ શરૂઆતના સંઘર્ષના દિવસોમાં પત્ની સાથે મિત્ર અને પ્રોડ્યુસર વિવેક વાસવાણીના ઘરે રહેતો હતો અને પછી તેણે અલગ ઘર લીધું હતું.
શાહરુખ અને ગૌરીને આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન મળીને ત્રણ સંતાનો છે. શાહરુખના સૌથી નાના દીકરા અબરામનો જન્મ ૨૦૧૩માં સરોગસીથી થયો હતો.
શાહરુખની એક મોટી બહેન છે જેનું નામ શહનાઝ લાલારુખ છે.


