કૉમેડિયન વીર દાસે આ સ્ટાર કપલ વિશેનો રસપ્રદ કિસ્સો શૅર કર્યો
વીર દાસ, રિશી કપૂર અને નીતુ કપૂર
રિશી કપૂર અને નીતુ કપૂર બન્નેની પર્સનાલિટી એકબીજા કરતાં સાવ અલગ હતી. તેમની વચ્ચે ભરપૂર પ્રેમ હતો તો અનેક વાર ચકમક પણ ઝરતી હતી. રિશી અને નીતુની રિલેશનશિપ હાઇલાઇટ કરતો કિસ્સો કૉમેડિયન વીર દાસે એક પૉડકાસ્ટમાં શૅર કર્યો છે.
વીર દાસે આ પૉડકાસ્ટમાં કહ્યું છે, ‘મેં ‘નમસ્તે લંડન’માં રિશી કપૂર સાથે એક નાનકડા રોલમાં કામ કર્યું હતું અને તેમણે મને પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે તને સફળતા મળશે. એ પછી એક વાર ફરી ફ્લાઇટમાં રિશી કપૂર સાથે મારી મુલાકાત થઈ હતી. એ ફ્લાઇટમાં નીતુ કપૂર અને રિશી કપૂર વચ્ચે ઝઘડો થયો હતો. હું ઇકૉનૉમી ક્લાસમાં બેઠો હતો અને બિઝનેસ ક્લાસમાંથી જોરદાર દલીલનો અવાજ આવી રહ્યો હતો. નીતુ કપૂર જોરજોરથી રિશી કપૂર પર બૂમો પાડી રહ્યાં હતાં. બન્નેનો ઝઘડો કેકને લીધે થયો હતો. નીતુજી કહી રહ્યાં હતાં, ‘તું કેક નહીં ખાઈ શકે’ અને રિશીજી કહી રહ્યા હતા, ‘મારે કેક ખાવી છે.’ નીતુજીએ કહ્યું, ‘તને કેક ખાવાની મંજૂરી નથી. ડૉક્ટરે મનાઈ કરી છે.’ પરંતુ રિશીજી જીદ પર અડગ હતા. એ પછી તેઓ મારી પાસે આવીને બેસી ગયા. તેમણે મારી સાથે થોડી વાતો કરી અને અચાનક તેઓ બોલ્યા, ‘તું તારી કેક ખાઈશ?’ પછી તેમણે મારી કેક ખાઈ લીધી.’
રિશી કપૂરનું નિધન ૨૦૨૦ની ૩૦ એપ્રિલે મુંબઈમાં થયું હતું. તેઓ લગભગ બે વર્ષ સુધી લ્યુકેમિયા સામે ઝઝૂમી રહ્યા હતા અને ન્યુ યૉર્કમાં સારવાર બાદ ૨૦૧૯માં ભારત પાછા ફર્યા હતા. શરૂઆતમાં સુધારાના સંકેત હોવા છતાં ૨૦૨૦માં તેમની તબિયત લથડી અને તેમણે દુનિયાને અલવિદા કરી દીધી.

