જિતેન્દ્રનો આ વિડિયો જોઈને તેમના ફૅન્સ ચિતામાં મુકાઈ ગયા હતા અને તેમની તબિયતની ચિંતા કરવા લાગ્યા હતા
જિતેન્દ્ર
સોમવારે સંજય ખાનની પત્ની ઝરીન ખાનની પ્રાર્થનાસભા યોજાઈ હતી. આ દુઃખની ઘડીમાં હાજરી આપવા જિતેન્દ્ર પણ પહોંચ્યા હતા. જોકે આ સમયે કાર્યક્રમની જગ્યાએ પ્રવેશતી વખતે તેમનો પગ પ્લૅટફૉર્મ સાથે અથડાયા પછી તે પડી ગયા હતા. સોશ્યલ મીડિયામાં ૮૩ વર્ષના જિતેન્દ્રનો આ વિડિયો જોઈને તેમના ફૅન્સ ચિતામાં મુકાઈ ગયા હતા અને તેમની તબિયતની ચિંતા કરવા લાગ્યા હતા.
આ વિડિયો જોઈને ચર્ચા પણ ચાલી હતી કે પડવાને કારણે જિતેન્દ્રને ઈજા થઈ છે અને તેમની તબિયત બગડી ગઈ છે, પરંતુ હવે જિતેન્દ્રના દીકરા તુષાર કપૂરે આ વાતને અફવા ગણાવી છે. તુષાર કપૂરે પોતાના પિતાની તબિયત અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે ‘ચિંતા કરવાની કોઈ વાત નથી. પપ્પા સંપૂર્ણપણે ઠીક છે. આ તો ફક્ત એક નાની ઘટના હતી. તેમનું થોડી વાર માટે બૅલૅન્સ બગડ્યું હતું, તેઓ પડી ગયા, પરંતુ તેમને કોઈ ઈજા થઈ નથી.’


