એવું માને છે મૂળ ગુજરાતી પણ મહારાષ્ટ્રમાં જન્મેલા અને ઊછરેલા ટીવી અને ફિલ્મના જાણીતા અભિનેતા સંદીપ મહેતા. ઘણા કલાકારો છે જે ગુજરાતી અને મરાઠી બન્ને ઇન્ડસ્ટ્રીમાં એકસરખી પૉપ્યુલરિટી ધરાવે છે, એમાંના તેઓ એક છે.
સંદીપ મહેતા
એવું માને છે મૂળ ગુજરાતી પણ મહારાષ્ટ્રમાં જન્મેલા અને ઊછરેલા ટીવી અને ફિલ્મના જાણીતા અભિનેતા સંદીપ મહેતા. ઘણા કલાકારો છે જે ગુજરાતી અને મરાઠી બન્ને ઇન્ડસ્ટ્રીમાં એકસરખી પૉપ્યુલરિટી ધરાવે છે, એમાંના તેઓ એક છે. ખેડૂતના ઘરે જન્મેલા સંદીપ મહેતા મનથી હજી પણ માટી સાથે જોડાયેલા છે. ‘ઓમ નમઃ શિવાય’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવા શોથી જાણીતા બનેલા આ કલાકારના જીવનમાં ડોકિયું કરીએ
નાટક અને ટીવીના જાણીતા કલાકાર સંદીપ મહેતા ‘બાસાહેબ’ નામના નાટકના ગ્રૅન્ડ રિહર્સલમાં પહોંચ્યા. ત્યાં જવાનો મૂળ હેતુ આ નાટકના ડિરેક્ટર ફિરોઝ ભગતને મળવાનો હતો. સંદીપ મહેતા ફિરોઝ ભગતને મળ્યા અને કહ્યું કે મારે નાટકમાં કામ કરવું છે. ફિરોઝભાઈએ કહ્યું, ‘અરે! આ નાટક તો કાલે રિલીઝ થશે!’
સંદીપ મહેતાએ કહ્યું, ‘ના, હું આ નાટકની વાત નથી કરતો. ભવિષ્યમાં તમે નાટક કરો તો મને યાદ કરજો. મારે તમારી સાથે કામ કરવું છે.’
ફિરોઝ ભગતે કહ્યું, સારું. એ પછી સંદીપ મહેતાએ ટીવીમાં અને ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. લગભગ ૨૦-૨૨ વર્ષ પછી પ્રોડ્યુસર મેહુલ જોશીનો ફોન આવ્યો. ‘સંદીપ, એક નાટક કરવું છે. લીડ રોલ છે. કરીશ?’
મેહુલભાઈએ નાટકની વાર્તા શૅર કરી. સંદીપ મહેતાને એ ગમી. તેમણે કહ્યું, ‘વાર્તા તો સરસ છે પણ તમને હું કઈ રીતે યાદ આવ્યો?’
મેહુલ જોશીએ કહ્યું કે ફિરોઝ ભગત આ નાટકનું દિગ્દર્શન સંભાળશે. તેમણે કહ્યું કે આ રોલ માટે સંદીપ યોગ્ય છે. સંદીપ મહેતાને નવાઈ લાગીઃ આજથી ૨૦-૨૨ વર્ષ પહેલાંની મુલાકાત હજી પણ ફિરોઝભાઈને યાદ છે. નાટક બાબતે જ્યારે તેઓ ફિરોઝ ભગતને મળ્યા ત્યારે તેમણે પૂછ્યું, ‘હું તમને મળેલો એ યાદ છે તમને?’ ૮૨ વર્ષના ફિરોઝ ભગતે કહ્યું, ‘ચોક્કસ. મને તું યાદ છે.’ આ સાંભળીને સંદીપ મહેતાથી સહજ રીતે પૂછી લેવાયું કે ‘તો પછી તમે મને કોઈ નાટક માટે ફોન કેમ ન કર્યો?’ ફિરોઝભાઈએ કહ્યું, ‘સંદીપ, હું તને વેડફવા નહોતો માગતો. રોલ તો ઘણા હતા પણ જ્યાં હું તને ન્યાય આપી શકું એ આ રોલ છે.’
આ નાટક એટલે થોડા સમય પહેલાં જ રિલીઝ થયેલું ‘ગમતા-મનગમતા’ જે છેલ્લા ૪૦ દિવસમાં મુંબઈમાં ૩૨ શો કરી ચૂક્યું છે.
કરીઅર કેવી?
ઘણી માયથોલૉજિકલ સિરિયલોનાં પાત્રો લોકોના મનમાં ઘર કરી જાય છે. જેમ કે નીતીશ ભારદ્વાજ જેવા કૃષ્ણ કોઈ થાય નહીં. એવું જ સંદીપ મહેતાએ ભજવેલા નારદ મુનિના પાત્ર માટે કહેવાય છે. પૉપ્યુલર ટીવી-સિરિયલ ‘ઓમ નમઃ શિવાય’માં સંદીપ મહેતાએ નારદ મુનિનું પાત્ર ભજવ્યું ત્યારે લોકોને થયું હતું કે તેમના જેવા નારદ મુનિ કોઈ થઈ જ ન શકે. એ પછી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલમાં રાજ શેખર સિંઘાનિયા એટલે કે નૈતિકના પપ્પા તરીકે પણ તે ઘણા પ્રસિદ્ધ થયા. કુલ ૧૪ મરાઠી નાટકો, ૧૫ જેટલાં ગુજરાતી નાટકો, ૨૨ જેટલી હિન્દી ફિલ્મો અને ૩૦ જેટલા ટીવી-શોનો હિસ્સો રહી ચૂકેલા ૫૭ વર્ષના સંદીપ મહેતા છેલ્લાં પાંત્રીસેક વર્ષથી ઍક્ટિંગ કરી રહ્યા છે. ‘મિશન કશ્મીર’, ‘દિલ દિયા હૈ’, ‘કલયુગ’, ‘મહારાજ’, ‘તાંડવ’, ‘હરિશ્ચન્દ્રા ચી ફૅક્ટરી’, ‘રાઝ-ધ મિસ્ટરી કન્ટિન્યુઝ’, ‘ફિલ્મ સ્ટાર’, ‘નામ ગુમ જાએગા’, ‘પાપ’, ‘અસ્તિત્વ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘ઓમ નમઃ શિવાય’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિવાય ‘શાદી મુબારક’, ‘તાંડવ’, ‘લાખોં મેં એક’, ‘કસ્તુરી’, ‘પાલખી’, ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’ જેવી ટીવી-સિરિયલોમાં પણ તેમણે કામ કર્યું છે.
જન્મ-ઉછેર જળગાવમાં
મૂળ ગુજરાતી પણ છેલ્લાં ૪૦૦ વર્ષોથી જેમના બાપ-દાદા મહારાષ્ટ્રમાં રહેલા છે એવા સંદીપ મહેતા જળગાવમાં જન્મ્યા અને ઊછર્યા. પિતા અને દાદા ખેડૂત હતા. નાનપણની યાદો તાજી કરતા સંદીપ મહેતા કહે છે, ‘હું ભણવામાં હોશિયાર હતો. ફુટબૉલ અને હૉકી મને ખૂબ ગમતાં. સ્કૂલમાં નાટકોમાં ભાગ લેતો. હું કદાચ સાતમા ધોરણમાં હતો જ્યારે મેં પહેલું નાટક કરેલું. સ્કૂલમાં હિન્દી નાટકો થતાં. અગિયારમા ધોરણથી હું મરાઠી નાટકો કરવા લાગેલો. બારમા ધોરણમાં પુણેમાં યોજાતી એક સ્પર્ધામાં ભાગ લીધો અને મારું એકાંકી નાટક પહેલા નંબરે આવ્યું જ્યાં મને રંગકર્મી માધવ અઝે મળ્યા. તેમણે કહ્યું કે તું પુણે આવી જા. મેં મારા પપ્પાને કહ્યું કે ગ્રૅજ્યુએશન હું પુણેથી કરું. મેં સિમ્બાયોસિસ કૉલેજમાં કૉમર્સમાં ઍડ્મિશન લઈ લીધું અને સાથે-સાથે પુણે યુવક કેન્દ્ર નાટ્ય સંસ્થામાં પણ જોડાયો.’
ઍક્ટિંગ જ કેમ?
પણ ખેડૂતના દીકરાને ઍક્ટિંગ કરવાનું અને એમાં કરીઅર બનાવવાનું કેમ સૂઝ્યું? આ પ્રશ્નનો જવાબ આપતાં સંદીપ મહેતા કહે છે, ‘ખેતીનો સંઘર્ષ મેં જોયો છે. આમ તો ગુજરાતી લોહી એટલે પૈસાનું મહત્ત્વ નાનપણથી સમજાતું હતું. મને મનમાં એ દૃઢ હતું કે કોઈ આપણા પર પૈસા લગાડે એવું કામ કરવું છે. કોઈને પોતાનો ધંધો પણ કરવો હોય તો તેના પર પૈસા લગાડે કોણ? ઍક્ટિંગ એક એવી કરીઅર છે જેમાં લોકો આપણા પર પૈસા લગાડે. આ વાત મને ઍક્ટિંગની ખૂબ ગમતી. એટલે થોડો મોટો થયો ત્યારે મેં નક્કી કર્યું કે હું ઍક્ટિંગ જ કરીશ. ભણવામાં હોશિયાર હતો, સારી કૉલેજમાં ભણેલો પણ બીજા કોઈ ફીલ્ડ વિશે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. મને ઍક્ટિંગ જ કરવી હતી અને મેં એ જ કામ કર્યું.”
મુંબઈમાં મરાઠીથી શરૂઆત
પુણેમાં કમર્શિયલ નાટકો કરતાં-કરતાં ૨૩ વર્ષની ઉંમરે સંદીપ મહેતા મુંબઈ આવ્યા. મુંબઈમાં પહેલું મરાઠી નાટક ‘તી વેળ કશી હોતી’ તેમણે કર્યું જે સુપરહિટ થયું. એ પછી એની મેળે તેમને નાટકો મળવા લાગ્યા. પહેલું ગુજરાતી નાટક તેમણે દિનકર જાની દિગ્દર્શિત અને મિહિર ભુતા લિખિત ‘ચાણક્ય’ કર્યું. આ સિવાય સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ‘અમારી દુનિયા તમારી દુનિયા’, સરિતા જોશી સાથે ‘મસાલા મામી’, કેતકી અને રસિક દવે સાથે ‘હું રીમા બક્ષી’ જેવાં નાટકો કર્યાં. ટીવીમાં માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેમને હીરોના પિતાનો રોલ ઑફર થયો. એ વિશે વાત કરતાં સંદીપ મહેતા કહે છે, ‘અહીં મને મારી થિયેટરની ટ્રેઇનિંગ કામ લાગી. હું એ કામ સ્વીકારી શક્યો અને નિભાવી પણ શક્યો કારણ કે હું રંગભૂમિનો માણસ છું. હું ક્યાંય ઍક્ટિંગ શીખવા નથી ગયો, મને મારા કામે જ શીખવ્યું છે. ‘ઓમ નમઃ શિવાય’ દરમિયાન અમારા ડિરેક્ટર ચંદ્રકાન્ત ગોર હતા. ૩-૩ પાનાંના ડાયલૉગ મને અપાતા, ત્યારે તેમણે મને પૂરી લિબર્ટી આપેલી કે સંદીપ, તને જેમ બોલવું હોય એમ તું બોલ. કારણ કે તમે રંગભૂમિમાંથી આવો છો એટલે લોકો તમારા પર આવો વિશ્વાસ મૂકી શકે છે.’
નાટક કરતાં-કરતાં પ્રેમ
નાટકો કરતાં-કરતાં સંદીપ મહેતાની ભેટ જિજ્ઞા ઝવેરી સાથે થઈ. તેઓ બન્ને ‘જુગલબંધી’ નામનું નાટક સાથે કરી રહ્યાં હતાં ત્યારે બન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. જિજ્ઞા સાંતાક્રુઝના પૉશ એરિયામાં સધ્ધર પરિવારમાં જન્મેલી છોકરી અને સંદીપભાઈ જળગાવના ખેડૂતના દીકરા. એ દિવસો યાદ કરતાં સંદીપ મહેતા કહે છે, ‘મેં તેને પ્રપોઝ કર્યું ત્યારે કહેલું કે મારી પાસે ૨૮૦ રૂપિયા છે અને એક સ્કૂટર છે, હું તારી સાથે મારું સમગ્ર જીવન વિતાવવા ઇચ્છું છું પણ તું ના પાડે તો પણ મને વાંધો નથી. તેણે ૩ મહિના પછી મને હા પાડી. તેની હાનું કારણ જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તેણે જે જવાબ આપ્યો એ જવાબે મારા મનમાં તેની ઇજ્જત ખૂબ વધારી દીધી હતી. તેણે કહ્યું હતું કે સંદીપ, તારી પાસે ગુમાવવા માટે કશું છે જ નહીં, એનો અર્થ એ છે કે તું દરરોજ સવારે જ્યારે ઊઠશે ત્યારે તું કશું ને કશું પામવાનો જ છે. હું ૨૮ વર્ષનો હતો જ્યારે અમે લગ્ન કરી લીધાં. અમારા બન્નેનાં માતા-પિતાએ ખુશી-ખુશી અમને પરણાવ્યાં.’
ટ્રિપ્લેટ્સ આવ્યાં
લગ્ન પછીનો પડાવ બાળક હોય. સંદીપ મહેતાના જીવનમાં આ ખુશી ત્રણગણી બનીને સામે આવી, કારણ કે તેમને ટ્રિપ્લેટ્સ જન્મ્યાં. આ બદલાવ કેવો હતો તેમના જીવનમાં એ વિશે જણાવતાં સંદીપ મહેતા કહે છે, ‘જે દિવસે મને ખબર પડી કે મારી પત્ની પ્રેગ્નન્ટ છે અને અમને ટ્રિપ્લેટ્સ આવવાનાં છે એ દિવસથી તેઓ વીસ વર્ષનાં થયાં ત્યાં સુધી જે પણ કામ મને મળ્યું એ કામ માટે મેં ના નથી પાડી. નાનકડી ઍડથી માંડીને ટીવી-સિરિયલનો નાનકડો રોલ બધું જ સ્વીકાર્યું છે. મને ખબર હતી કે મારે કમાવું જ પડશે. મારી પત્ની અને મારાં ત્રણ બાળકોની જવાબદારી હું પૂરી રીતે નિભાવવા માગતો હતો એટલે મેં કામને ના પાડી નહીં અને કદાચ એટલે જ કામે મને ક્યારેય ના પાડી નહીં. આજે આ ત્રણેય બાળકો ૨૩ વર્ષનાં થઈ ગયાં છે. દીકરો ડૉક્ટર છે, એક દીકરી વકીલ અને ત્રીજી દીકરીએ હોટેલ મૅનેજમેન્ટ કર્યું છે. ત્રણેય ખૂબ સરસ ભણ્યાં. અત્યારે ખૂબ સારી રીતે કમાઈ રહ્યાં છે. હવે તો એ ત્રણેય અમારું ધ્યાન રાખે છે.’
સંદીપ અને જિજ્ઞા મહેતા તેમનાં ટ્રિપ્લેટ્સ સાથે
પત્નીનો આજીવન ઋણી
શરૂઆતમાં તો પત્ની જિજ્ઞા પણ થિયેટર કરતાં હતાં પરંતુ બાળકોના આવ્યા પછી તેમણે કામ મૂક્યું. એ વિશે વાત કરતાં સંદીપ મહેતા કહે છે, ‘બાળકો થોડાં મોટાં થયાં ત્યારે જિજ્ઞાએ ફરી થિયેટર શરૂ કરેલું પણ તેને લાગ્યું કે કોના ભોગે હું શું પામી રહી છું? એટલે તેણે કામ છોડી દીધું. હું તેનો જીવનભરનો ઋણી રહીશ, કારણ કે તેને કારણે અમારાં બાળકોને બેસ્ટ પરવરિશ મળી. હું તેમને સમય નથી આપી શક્યો પણ છતાં અમારું બૉન્ડિંગ ખૂબ સ્ટ્રૉન્ગ છે. એનું કારણ પણ જિજ્ઞા જ છે. તેણે અમારી વચ્ચે અવકાશ કે શૂન્યતા આવવા ન દીધી. વળી બાળકો પણ ખૂબ સમજદાર મળ્યાં છે મને. એક સમયે જેમનું અમે ધ્યાન રાખતાં હતાં એ આજે અમારું ધ્યાન રાખતાં થઈ ગયાં છે.’
ટ્રિપલ ભાષાજ્ઞાન
મુંબઈમાં કોઈ કલાકાર વગર કામનો બેસે નહીં તો કહેવાય કે મુંબઈએ તેને ખૂબ સારી રીતે અપનાવ્યો છે. આ વાત સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં સંદીપ મહેતા કહે છે, ‘એક કલાકારને ઘણાં જુદા-જુદા કારણોસર કામ મળતું હોય છે. મને કામ એટલે મળતું રહ્યું કારણ કે હું હિન્દી, મરાઠી અને ગુજરાતી આ ત્રણેય ભાષા સારી રીતે જાણું છું. ગુજરાતી હોવાને કારણે ઘરમાં ગુજરાતી જ બોલાય. મહારાષ્ટ્રમાં જન્મ્યો એટલે મરાઠી આવડે અને રાષ્ટ્રભાષા હિન્દી મેં વ્યવસ્થિત શીખેલી. ત્રણેય ભાષાને કારણે મારી પાસે કામના ઑપ્શન્સ ઘણા વધી ગયેલા. ઊલટું દર વર્ષે એવું બનતું કે મારે સામેથી ૩-૪ કામને ના પાડવી પડતી કારણ કે સમય જ નહોતો.’
જલદી ફાઇવ
અફસોસ - મને ઈશ્વરે અઢળક આપ્યું છે. અમે તો એક મુઠ્ઠી બાજરામાં ખુશ થનારી પ્રજા કહેવાઈએ એટલે અફસોસ અમને કોઈ દિવસ હોય નહીં.
ફરિયાદ - મને એ વાતની ફરિયાદ છે કે જેમ ટીવીમાં સ્ત્રીપાત્રોને ધ્યાનમાં રાખીને વાર્તા વણવામાં આવે છે એવી રીતે પુરુષપાત્રને ધ્યાનમાં રાખીને સિરિયલો બનતી નથી. સ્ત્રીઓની ‘અનુપમા’ હોઈ શકે તો પુરુષોનું ‘અનુપમ’ પણ હોઈ શકે, પણ એ કોઈ બનાવતું નથી.
શોખ - ખેતીનો. મારી પાસે ઍક્ટિંગ કરતાં-કરતાં આજથી ૧૨ વર્ષ પહેલાં ૨૦-૨૫ લાખ રૂપિયા ભેગા થયા હતા. બે ઑપ્શન હતા, એક મોંઘી ગાડી ખરીદવી કે એક ખેતર ખરીદવું. મેં વિરાર પાસે એક એકરનું ખેતર ખરીદ્યું. એમાં ચોખા ઉગાડવાનું શરૂ કર્યું. આજની તારીખે પાંચ કિલો ચોખા ઉગાડું છું તો ૧૦૦૦ કિલો ચોખાનો પાક તૈયાર થાય છે. આ છે કુદરતનો જાદુ.’
શું કરવું છે? - મારે ૨-૫ એકર ખરીદીને પક્ષીઓ માટે જંગલ બનાવવું છે. ખેડૂત તરીકે મને પક્ષીઓથી અતિ પ્રેમ છે.
અધૂરી ઇચ્છા - મારે સિગ્નલ પર રહેતાં બાળકો માટે સ્કૂલ ખોલવી છે. ભણતર હોવું જ જોઈએ. આ બાળકોના ભવિષ્ય સાથે દેશનું ભવિષ્ય સંકળાયેલું છે. તેમને પણ બીજાં બાળકોની જેમ આગળ વધવાનો મોકો મળવો જોઈએ એ માટે પ્રયત્નો કરી રહ્યો છું. ભવિષ્યમાં એ ઇચ્છા પૂરી થવાની શક્યતા રહેશે.

