અમ્રિતસર અને નાંદેડ વચ્ચે દોડતી સચખંડ એક્સપ્રેસના પ્રવાસીઓ માટે માર્ગમાં આવતાં અનેક સ્ટેશનો પર લંગર લાગે છે
સચખંડ એક્સપ્રેસ
ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો એક એવો દેશ છે જ્યાં અલગ-અલગ ધર્મપંથમાં માનનારા લોકો એકસાથે રહે છે. વર્ષોથી વિદેશી આક્રાંતાઓથી લઈને દેશમાં રહેતા અનેક બુદ્ધિજીવી લાભખાટુઓ અને પોતાને પ્રગતિશીલ વિચારધારા ધરાવનારા કહેનારા અનેક લોકોએ આ દેશને જાતિ, પેટાજાતિ, પ્રદેશ, ધર્મપંથ, માન્યતા કે સંસ્કૃતિ દ્વારા અલગ પાડવાનો પ્રયત્ન કર્યો છે. આ એક કડવી વાસ્તવિકતા છે અને કોઈ પણ ચમરબંધી એ માટે ના કહી શકે એમ નથી. કોઈકને રાજકારણ દેખાય છે તો કોઈકને ધંધો, કોઈકને ઇન્વેસ્ટમેન્ટ દેખાય છે તો કોઈકને કોઈ બીજો લાભ. જોકે આ દેશ અને એની પ્રજા પાસે કદાચ અનેક કારણો કે અનેક પ્રેરણા છે આ બધા સામે ઝીંક ઝીલી એકત્ર રહેવાની.
આવી જ પ્રેરણાનો એક તાદૃશ નમૂનો છે સચખંડ એક્સપ્રેસ.
ભારતમાં રોજબરોજ હજારોની સંખ્યામાં રેલગાડી પાટાઓ પર દોડતી હોય છે. આ દોડતી સવારી રોજ લાખો લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પોતાની મંજિલ સુધી લઈ જાય છે અને આ લાખો લોકો પોતાની એ સફર દરમ્યાન લાખો-કરોડો રૂપિયા ખાવા પાછળ ખર્ચી નાખે છે. જોકે આ બધા વચ્ચે એક ટ્રેન એવી છે જે એમાં ચાલતા લંગરને કારણે પ્રખ્યાત છે. મહારાષ્ટ્રના નાંદેડથી પંજાબના અમ્રિતસર સુધી જતી એક ટ્રેન છે સચખંડ એક્સપ્રેસ. આ છે એનું રેલવે દ્વારા અપાયેલું નામ, પરંતુ તમે જાણો છો કે લોકો દ્વારા આ ટ્રેનને અપાયેલું નામ શું છે? લંગર ટ્રેન. જી હા, લંગર ટ્રેન.
વાત કંઈક એમ છે કે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમે ટિકિટ તો બુક કરાવી દીધી, પણ ત્યાર બાદ તમારે ખાવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અર્થાત્ કેટલાક એવા સ્વયંસેવકો અને કેટલાક એવા સખાવતની સદ્ભાવના ધરાવતા આ દેશના સુપુત્રો છે જેઓ આ સફર દરમ્યાન સમયે-સમયે તમારા માટે ખાવાનું ધ્યાન રાખે છે અને એ પણ સાવ નિઃશુલ્ક. ૨૦૮૧ કિલોમીટરની નાંદેડથી અમ્રિતસર કે અમ્રિતસરથી નાંદેડ સુધીની સફર અને એ સફર દરમ્યાન એક ટ્રેનમાં સમાય એટલા અર્થાત્ અંદાજે ૧૫૦૦થી ૧૮૦૦ જેટલા યાત્રીઓને રોજેરોજ તાજું બનેલું સ્વાદિષ્ટ જમવાનું આપવાની-પહોંચાડવાની જવાબદારી કેટલાક ગ્રંથસાહિબના શાગિર્દોએ સુપેરે ઉપાડી લીધી છે. એ પણ પાછી એક-બે કે ત્રણ દિવસ નહીં, વર્ષોવર્ષથી વર્ષોવર્ષ સુધી.

ADVERTISEMENT
લંગરનો ઇતિહાસ
આ નેક કાર્ય વિશે વાત કરતાં પહેલાં જો આપણે લંગર વિશે થોડું વિગતે જાણી લઈએ તો કદાચ સચખંડ એક્સપ્રેસ વિશે વાત કરવાની વધુ મજા આવશે એવું લાગે છે. ‘લંગર’ અર્થાત્ સામુદાયિક રસોઈ. સિખ પંથમાં લંગરનું એક અલગ જ મહત્ત્વ અને માહાત્મ્ય છે. આ એક એવી પ્રથા છે જ્યાં જાતિ, ધર્મ, પરિસ્થિતિ જેવી કોઈ જ બાબતનો ભેદભાવ કરવામાં આવતો નથી અથવા એમ કહો કે પરવા કરવામાં આવતી નથી. તમે દેશના કોઈ પણ ગુરુદ્વારામાં ચાલ્યા જાઓ અને ત્યાંના લંગરમાં ભોજન ગ્રહણ કરવા બેસો તો એક પણ સિખબંધુ તમને ક્યારેય નહીં પૂછે કે તમે સિખ છો કે મુસ્લિમ કે ખ્રિસ્તી? કારણ કે વાસ્તવમાં સિખ ધર્મમાં લંગરપ્રથાનો મુખ્ય ઉદ્દેશ જ સમાનતા અને પ્રેમભાવ વધારવાનો છે. ‘લંગર’ શબ્દનું જન્મસ્થાન એટલે મૂળ સંસ્કૃત શબ્દ ‘અનલગૃહ’. અનલગૃહનો અર્થ થાય પાકશાળા એટલે કે રસોઈઘર.
લંગરપ્રથાની સૌપ્રથમ શરૂઆત થઈ પંદરમી સદીમાં સિખ ધર્મના પહેલા ગુરુ નાનકદેવજી દ્વારા. કહાણી કંઈક એવી છે કે જ્યારે નાનકદેવ બાળક હતા ત્યારે તેમના પિતાએ તેમને થોડા પૈસા આપ્યા અને કહ્યું કે બજાર જઈને આ પૈસા દ્વારા કોઈક સારો સોદો કર અને વધુ પૈસા કમાઈને લઈ આવ. કિશોર નાનકદેવ ઘરેથી નીકળ્યા ત્યાં રસ્તામાં જ તેમને એક ભિક્ષુક મળ્યો. નાનકદેવે તેમની પાસે હતા એટલા બધા પૈસા તે ભિક્ષુકને આપી દીધા. જ્યારે ઘરે પહોંચ્યા અને પિતાએ પૈસા, સોદો અને કમાણી વિશે પૂછ્યું ત્યારે નાનકદેવે કહ્યું કે સાચું સુખ અને સાચી કમાણી તો સેવા કરવામાં જ છે.
પોતાના વિચારથી પ્રેરાઈને ત્યાર બાદ તેમણે ‘ગુરુ કા લંગર’ નામની એક સંસ્થા શરૂ કરી જ્યાં દરેક વ્યક્તિને તેના જાતિ કે ધર્મ પૂછ્યા વિના ભોજન કરાવવામાં આવતું હતું. નાનકદેવના આ નેક કાર્યથી પ્રેરાઈને ત્યાર બાદ ગુરુઓએ તેમના આ વિચાર અને સંસ્થાને પ્રોત્સાહન આપ્યું અને પોતાના આશ્રમ અને ધર્મસ્થાનોમાં પણ લંગર શરૂ કર્યાં. ગુરુનાનક કહેતા કે ઊંચ-નીચ, અમીર-ગરીબ, જાત-પાત કે ધર્મ... આ બધાથી ઉપર ભૂખ છે. જે ભૂખ્યો છે, તેને ભોજન કરાવો.
નાંદેડથી ગાડી ચાલી રે હો દરિયાલાલા...
પોતાની સફર દરમ્યાન કુલ ૩૯ સ્ટેશનો પર રોકાતી આ સચખંડ એક્સપ્રેસ ટ્રેનમાં પૅન્ટ્રી તો છે, પણ એમાં ખાવાનું બનતું નથી, કારણ કે આ ૩૯ સ્ટેશનોમાંથી માર્ગમાં આવતાં ૬ સ્ટેશનો પર લંગર લાગે છે. ધારો કે તમે અમ્રિતસરથી નાંદેડ તરફ જઈ રહ્યા છો અથવા નાંદેડથી અમ્રિતસર જઈ રહ્યા છો તો દિલ્હી અને ડબરા એવાં સ્ટેશન તમારી સફરમાં આવશે જ્યાં ટ્રેનની બન્ને તરફનાં પ્લૅટફૉર્મ પર લંગર લગાવવામાં આવે છે.
૨૯ વર્ષ. આ લંગર છેલ્લાં ૨૯ વર્ષનો ઇતિહાસ ધરાવે છે. ટ્રેન ભલે નાંદેડથી ઊપડીને અમ્રિતસર અને ફરી અમ્રિતસરથી ઊપડીને નાંદેડ સ્ટેશને રોકાઈ જતી હોય પણ સચખંડનું આ લંગર છેલ્લાં ૨૯ વર્ષમાં ક્યારેય અટક્યું નથી. જનરલ કોચ હોય કે ઍર-કન્ડિશન્ડ કોચ, ચાહે યાત્રી સિખ હોય કે મહારાષ્ટ્રિયન, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી... આ લંગર એ દરેક જણ માટે છે જેઓ આ ટ્રેનના યાત્રી છે. શરત માત્ર એટલી કે યાત્રી તરીકે તમારી પાસે માત્ર તમારું ખાલી ટિફિન કે વાસણ હોવું જોઈએ અને તમે નહીં માનો, આ લંગરથી જેકોઈ માહિતગાર છે એ ખરેખર ટ્રેનમાં બેઠા પછી રીતસર આ લંગરની રાહ જોતા હોય છે.
સચખંડ એક્સપ્રેસ એક એવી ટ્રેન છે જે સિખોના સૌથી મોટા અને સૌથી મહત્ત્વના ગણાતા એવા પાંચ ગુરુદ્વારાઓમાંના બે ગુરુદ્વારાને જોડતી ટ્રેન છે; એક છે અમ્રિતસરનું શ્રીહરમંદર સાહિબ અને બીજું નાંદેડનું શ્રીહજૂરસાહિબ.

સચખંડ એક્સપ્રેસ
કહાણી કંઈક એવી છે કે ૧૯૯૫માં સિખોએ સરકાર સામે માગણી મૂકી હતી કે અમ્રિતસરના ગુરુદ્વારા અને નાંદેડના ગુરુદ્વારાને જોડતી એક ટ્રેન શરૂ કરવામાં આવે. સરકારે તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને શરૂ થઈ અમ્રિતસરથી નાંદેડ સુધીની એક સાપ્તાહિક ટ્રેન નામે સચખંડ એક્સપ્રેસ. શરૂઆતનો સમય એવો હતો જ્યારે આ ટ્રેનમાં મહત્તમ સિખ સમુદાયના લોકો અને એ પણ યાત્રાના ઉદ્દેશથી જ ટ્રાવેલ કરતા હતા. એક ગુરુદ્વારામાં દર્શન કરી બીજા ગુરુદ્વારા સુધી પહોંચવાની નેમ હોય કે પછી ગ્રંથસાહિબના સેવાકાર્ય માટે થતો પ્રવાસ હોય. કારણ ગમે તે હોય, પરંતુ આ ટ્રેનમાં મહદંશે સિખો સફર કરતા હતા. આથી માર્ગમાં આવતા ગુરુદ્વારાઓએ વિચાર્યું કે ગ્રંથસાહિબની સેવામાં કે દર્શનના હેતુ જઈ રહેલા યાત્રીઓને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે તો કેવું? કારણ કે મહાન સિખ ગુરુ નાનકદેવજીનો શુભ આશય અને મૂળ સંદેશ જ એ હતો કે ભેદભાવ વિના, કરુણા અને પ્રેમભાવથી ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે.
પોતાના ગુરુનો આ આદેશ માથે ચડાવીને અમ્રિતસરથી નાંદેડ સુધીના રેલવે માર્ગ પર આવતા ગુરુદ્વારાઓએ બે ગુરુસ્થાનકોને જોડતી આ ટ્રેનમાં લંગર દ્વારા ભોજનની સુવિધા શરૂ કરવાનું નિર્ધાર્યું અને બસ ત્યારથી આજ સુધી છેલ્લાં ૨૯ વર્ષમાં ક્યારેય આ નિયમ અટક્યો નથી. આ લંગરનું બધું ફાઇનૅન્સ અને વ્યવસ્થા ગુરુદ્વારાના ટ્રસ્ટ દ્વારા મૅનેજ કરવામાં આવે છે. રોજનું અલગ મેનુ અને રોજનું શુદ્ધ તાજું બનેલું ભોજન. યાત્રી કોઈ પણ ધર્મનો હોય કે ગમે તેવી આર્થિક પરિસ્થિતિવાળો હોય, આ લંગર ક્યારેય ભેદ કરતું નથી અને લગભગ ૪૦ કલાકની આ સફર દરમ્યાન દરેક યાત્રી મન અને પેટ ભરીને ખાવાનું ખાઈ શકે છે.
ધારો કે આ સેવાકાર્યમાં ક્યારેક એવું બને કે ટ્રેન મોડી પડે કે ક્યાંક ચેઇન-પુલિંગને કારણે અટકી પડે તો જે-તે સ્ટેશને લંગર ચાલતું હોય ત્યાંના સેવાધારીઓ ભલે ગમે એટલા કલાક હોય છતાં ટ્રેન આવવાની રાહ જુએ છે અને યાત્રીઓને ભાવથી ભોજન પીરસે છે. આ શુભ ઉદ્દેશની શરૂઆત વાસ્તવમાં એક સિખ વેપારી દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુરુ નાનકદેવજીનો વિચાર પંદરમી સદીમાં જે રીતે બીજા ધર્મગુરુઓએ સ્વીકાર્યો હતો એ જ રીતે ગુરુદ્વારાઓ દ્વારા આ વેપારીની શુભભાવનાને સ્વીકારવામાં આવી અને તેમણે આ શિરસ્તો ચાલુ રાખ્યો.
૨૦૦૦ કિલોમીટર, ૪૦ કલાકની સફર અને એ રેલવેમાર્ગ પર કુલ ૬ સ્થળોએ અથવા ૬ સ્ટેશનો પર મળે છે ગુરુ ગ્રંથ સાહિબનો પ્રસાદ. ગુરુ નાનકદેવજીના સેવા-સંદેશથી પ્રેરિત અવિરત ચાલતા લંગરવાળી એક એવી ટ્રેન જે ભારતની વસુધૈવ કુટુમ્બકમ ભાવનાનો તાદૃશ નમૂનો છે. સિખોના સેવાભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને બે ધાર્મિક સ્થળો વચ્ચે થતી સફરનું ચિંતામુક્ત મુકામ છે.


