કુળસ્વામિની તરીકે પૂજાતાં આઈ તુળજાભવાની તુળજાપુરમાં બિરાજમાન છે. થાણેના પાચપાખાડી વિસ્તારમાં મૂળ મૂર્તિની પ્રતિકૃતિ બનાવીને તુળજાભવાનીનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં જઈને માતાનાં દર્શન કરશો ત્યારે એવી અનુભૂતિ થશે જાણે તમે તુળજાપુરમાં છો.
બહારથી તુળજા ભવાની માતાનું મંદિર કંઈક આવું દેખાય છે (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)
મહારાષ્ટ્રનાં કુળસ્વામિની તરીકે પૂજાતાં આઈ તુળજાભવાની તુળજાપુરમાં બિરાજમાન છે. થાણેના પાચપાખાડી વિસ્તારમાં મૂળ મૂર્તિની પ્રતિકૃતિ બનાવીને તુળજાભવાનીનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. તમે આ મંદિરમાં જઈને માતાનાં દર્શન કરશો ત્યારે એવી અનુભૂતિ થશે જાણે તમે તુળજાપુરમાં છો.
મંદિરની અંદર કોતરણી કરીને ઝીણવટભર્યું કામ અેની શોભા વધારે છે. તસવીરો: સતેજ શિંદે
એવું કહેવાય છે કે આસ્થા અને શ્રદ્ધા હોય ત્યાં દેવસ્થાન બને છે. ત્રણ મહિના પહેલાં થાણેના પાચપાખાડી વિસ્તારમાં ખૂલેલું તુળજાભવાની માતાનું મંદિર ભક્તોની આસ્થાનું નવું સરનામું બની ગયું છે. આમ તો મહારાષ્ટ્રનાં કુળસ્વામિની તરીકે પૂજાતાં આઈ તુળજાભવાનીનું મૂળ મંદિર સોલાપુરથી ૪૪ કિલોમીટર દૂર આવેલા તુળજાપુરમાં સ્થિત છે પણ તાજેતરમાં બનેલું થાણેનું આ મંદિર આધ્યાત્મિક શક્તિ, ભવ્ય શિલ્પકલા અને ભાવનાત્મક શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ બન્યું છે. માતાના મંદિરનું સ્ટ્રક્ચર પૌરાણિક મંદિર જેવું બનાવાયું હોવાથી પ્રવેશતાંની સાથે એવું લાગશે કે તમે સદીઓ જૂના મંદિરની મુલાકાત લઈ રહ્યા છો. મંદિરના ગર્ભગૃહમાં દીવાના પ્રકાશથી માતાની મૂર્તિનું તેજ અલગ જ પ્રકારનું દેખાય છે. પ્રવેશતાંની સાથે નાના ઝૂમરનું ડેકોર અને કોતરણી કરેલા સ્તંભ તમારું ધ્યાન આકર્ષિત કરશે. આ ઉપરાંત મંદિરની ચારેય બાજુ હાથીના મુખ જેવી ડિઝાઇનની કોતરણી કરવામાં આવી છે, જે પૌરાણિક હેમાડ શૈલીને બહુ જ સરસ રીતે દર્શાવે છે. દિવસ દરમિયાન આ મંદિરમાં ઠંડકની સાથે સકારાત્મક ઊર્જા અને આધ્યાત્મિકતાનો અનુભવ થશે. સાંજના સમયે મંદિરની લાઇટિંગ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. તાજેતરમાં ખૂલેલા મંદિરની મુલાકાત દરરોજ સેંકડો ભક્તો લઈ રહ્યા છે. સોશ્યલ મીડિયાને કારણે આ મંદિરની પૉપ્યુલારિટી બહુ વધી હોવાથી અહીં ભીડ ક્યારેય ઓછી હોતી નથી.
સિંહ માતાજીનું વાહન હોવાથી માતાની મૂર્તિની સામે એની સ્થાપના થઈ છે. મનની ઇચ્છાઓ પહેલાં સિંહને કહેવામાં આવે તો એ માતા સુધી પહોંચે છે એવી માન્યતાઓ છે
તુળજાપુર સાથે છે ખાસ સંબંધ
મહારાષ્ટ્રની સાડાત્રણ શક્તિપીઠમાં તુળજાપુરનાં આઈ તુળજાભવાની મંદિરને સ્થાન અપાયું છે. આ મંદિર સાથે સંકળાયેલી માન્યતા એવી છે કે છત્રપતિ શિવાજી મહારાજના કુળનાં કુળદેવી તુળજામાતાએ તેમને સાક્ષાત્ દર્શન દીધાં હતાં અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય એ માટે તેમને તલવાર પ્રદાન કરી હતી. ત્યાર બાદથી મહારાષ્ટ્રના લોકોમાં તુળજાભવાની પ્રત્યેની આસ્થા વધતી ગઈ અને આજે પણ આ દેવી છત્રપતિ શિવાજી મહારાજનાં આરાધ્ય દેવ તરીકે જ પૂજાય છે. તુળજાભવાની માતાનાં મંદિરો રાજ્યમાં ઠેર-ઠેર આવેલાં છે, પણ થાણેમાં તાજેતરમાં નિર્માણ પામેલા આ મંદિરની વિશેષતા એ છે કે માતાની મૂર્તિ અને મંદિરમાં અંદરનું આર્કિટેક્ચર તુળજાપુરના તુળજાભવાની માતાના મંદિર જેવું કર્યું છે. આ મંદિરને મૂળ મંદિરની જેમ જ હેમાડ શૈલીથી બનાવવામાં આવ્યું છે. માતાની મૂર્તિ પણ તુળજાપુરમાં બિરાજમાન મૂર્તિ જેવી જ બનાવવામાં આવી છે.
૧૦૮ દીવાની ભવ્ય દીપમાળની કોતરણી પણ હેમાડપંથી શૈલીથી થઈ છે. તહેવારો અને ખાસ દિવસમાં એને પ્રગટાવવામાં આવે છે
પૉલિટિકલ કનેક્શન
શરદ પવાર જૂથના નેતા ડૉ. જિતેન્દ્ર આવ્હાડે તુળજાભવાની માતા પર તેમની બહુ શ્રદ્ધા હોવાથી ૨૦૦૪માં થાણેના પાચપાખાડી વિસ્તારમાં જ તુળજાભવાની માતાનું નાનું મંદિર બનાવીને વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા કરી હતી, પણ સમય જતાં ભક્તોની ભીડ વધતી જતાં નવરાત્રિના સમયે અવ્યવસ્થા થતી હતી. જોકે મંદિરનું બાંધકામ પણ જર્જરિત થઈ ગયું હોવાથી તેમણે માતાના નવા અને મોટા મંદિરના નિર્માણનો નિર્ણય લીધો. જૂના મંદિરની બાજુમાં નાનું ગાર્ડન હતું ત્યાં તુળજાપુરના મંદિરનું જે શૈલીથી નિર્માણ થયું એ જ શૈલીથી નિર્માણ કરવાનો સંકલ્પ લીધો હોવાથી ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં વિધિવત્ મંત્રોચ્ચાર અને હોમહવન સાથે ધામધૂમથી ભૂમિપૂજન કર્યા બાદ મંદિરના નિર્માણનો આરંભ થયો.
મંદિરની ફરતે હેમાડપંથી શૈલીને દર્શાવતાં ૨૦ ગજમુખનું આર્કિટેક્ચર મંદિરની સુંદરતામાં વધારો કરે છે
સ્થાપત્યની ભવ્યતા
તુળજાભવાની માતાનું મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પણ શિલ્પકળા માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે મંદિરના પૂજારી એની વિશેષતા વિશે જણાવે છે, ‘આ મંદિરને પરંપરાગત કૃષ્ણશિલાના નામે ઓળખાતા કાળા પથ્થરોની કોતરણી કરીને બનાવવામાં આવ્યું છે. આ શિલા બહુ જ કડક હોય છે તેથી એની કોતરણી કરવી બહુ મુશ્કેલ માનવામાં આવે છે, પણ પૌરાણિક મંદિરોના નિર્માણમાં ઉપયોગમાં આવતી આવી શિલા આધ્યાત્મિક વાતાવરણ માટે સારી ગણવામાં આવતી હોવાથી આ જ પથ્થરોથી માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ માટે તામિલનાડુના સેલમ અને આંધ્ર પ્રદેશના વિજયવાડાની જે ખાણમાં આ વિશેષ પ્રકારના પથ્થરો મળતા હતા ત્યાં સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાંથી કર્ણાટકના મુરુડેશ્વર ખાતે લાવવામાં આવ્યા હતા. મુરુડેશ્વરમાં શંકર ભગવાનનું ભવ્ય મંદિર સ્થિત છે ત્યાં શિલ્પકારો પાસેથી પથ્થરો પર કોતરણી કરાવ્યા બાદ થાણે લાવવામાં આવ્યા હતા.’
પથ્થરોમાં કોતરણી કરીને કરેલું ઝીણવટભર્યું કામ મંદિર પૌરાણિક હોવાનો ભાસ કરાવે છે. મંદિરમાં ૨૬ સ્તંભ ઊભા કરાયા છે
શિલ્પકારો પાસેથી ૩૩ ફીટ ઊંચું મંદિરનું શિખર, નવ ગ્રહોની શિલાઓ, પ્રવેશદ્વાર, ૨૬ શિલા સ્તંભ, ૨૦ ગજમુખ એટલે હાથીના મુખ જેવાં દેખાતાં શિલ્પો, હવનકુંડ અને ૧૦૮ દીવાની ભવ્ય દીપમાળ બનાવડાવવામાં આવી હતી. કેટલાક નાના-મોટા પથ્થરોની શિલાઓને થાણે લાવ્યા બાદ કોતરણી કરવામાં આવી હતી. આ મંદિરનું બાંધકામ હેમાડપંથી શૈલીથી કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક શૈલી ખાસ કરીને મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. કૃષ્ણશિલાનો ઉપયોગ કરીને સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર પરંપરાગત ડિઝાઇન મુખ્યત્વે મંદિર અને કિલ્લાઓમાં જ જોવા મળે છે. તુળજાપુરનું તુળજાભવાની મંદિર હેમાડપંથી શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ જ શૈલીને અનુસરીને થાણેના તુળજાભવાની મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અલોપ થઈ રહેલી દક્ષિણ ભારતની આ શિલ્પકલાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજની તારીખમાં સંપૂર્ણ મંદિર હેમાડપંથી શૈલીથી બને એ મોટી વાત કહેવાય, કારણ કે મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ વપરાયેલું નથી. આખું મંદિર માત્ર પથ્થર પર પથ્થર ગોઠવીને ઊભું કરવામાં આવ્યું છે. એ ભવિષ્યમાં પણ પાયાથી અડગ રહેશે.
મંદિરની અંદર નાના સોનેરી ઝુમ્મરનું ડેકોર
મંદિરને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો. ૨૦૨૫ના એપ્રિલ મહિનામાં મંદિરનું નિર્માણકાર્ય પૂરું થતાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમોની ઉજવણી પણ ધામધૂમથી થઈ હતી. મંદિરનું આર્કિટેક્ચર એની ભવ્યતામાં વધારો કરે છે. જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરશો ત્યારે એવી અનુભૂતિ થશે જાણે તમે તુળજાપુરના મૂળ તુળજાભવાની મંદિરમાં આવ્યા છો.
મૂર્તિ વિશે જાણવા જેવું
મરાઠીમાં તુળજા એટલે તારણહાર. અસુરના ત્રાસથી ભક્તોને ઉગારવા માતાએ તેનો વધ કર્યો ત્યારથી તેઓ તુળજાભવાની તરીકે પૂજાય છે. તુળજાપુર મંદિરની જેમ તુળજાભવાની માતાની મૂર્તિ પણ કૃષ્ણશિલામાંથી કોતરીને બનાવાઈ છે. થાણેમાં સ્થાપિત કરેલી માતાજીની મૂર્તિ પણ તુળજાપુર મંદિરમાં સ્થિત મૂળ મૂર્તિ જેવી જ બનાવવામાં આવી છે. મૂર્તિમાં માતાજીની એકાદશ ભુજા એટલે કે ૧૧ હાથ છે. તુળજાપુર મંદિરની જેમ જ ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિને દરરોજ શણગારવામાં આવે છે અને ત્યાંની પદ્ધતિની જેમ જ આરતી થાય છે.
મંદિરમાં કાચબો વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં બિરાજમાન છે. માન્યતા એવી છે કે સમુદ્રમંથન દરમિયાન વિષ્ણુ ભગવાને કાચબા સ્વરૂપે કૂર્મ અવતાર ધારણ કરીને મેરુ પર્વતને પોતાની પીઠ પર રાખ્યો હતો ત્યારથી એ દરેક મંદિરમાં પુજાય છે
કેવી રીતે પહોંચશો?
થાણે સ્ટેશનથી તુળજાભવાની મંદિર ચાર કિલોમીટર જેટલું દૂર આવેલું છે. મંદિર જવું હોય તો નીતિન કંપનીની પાછળ આવેલી ગણેશવાડી સ્થિત કૌશલ્ય હૉસ્પિટલ મુખ્ય લૅન્ડમાર્ક ગણાય. બસ અથવા રિક્ષાથી જઈ શકાય.

