બોરીવલી-ઈસ્ટમાં નૅશનલ પાર્કને અડીને આવેલું આ મંદિર ત્રણ ધર્મોને આવરતું યુનિક અને સુંદર આધ્યાત્મિક સ્થળ છે
ત્રિમંદિર
સિમેન્ટ-કૉન્ક્રીટના શહેરની વચ્ચે આવેલી લીલીછમ્મ હરિયાળીથી ધમધમતા નૅશનલ પાર્કને લાગીને એક મંદિર આવેલું છે. બોરીવલીનું જ નહીં પણ મુંબઈનું પણ કદાચ આ એકમાત્ર મંદિર હશે જ્યાં ત્રણ ધર્મના ભગવાનની પૂજા થાય છે. આ કારણથી આ મંદિરનું નામ ત્રિમંદિર છે. જૈન-વૈષ્ણવ-શૈવ સંપ્રદાયનું ત્રિવેણી સંગમ ગણાતા આ મંદિરમાં દરેક સંપ્રદાયના લોકો પૂજા કરવા આવે છે. આ મંદિરની સ્થાપના ૨૦૧૯ની સાલમાં કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે દાદા ભગવાન, જે દાદાશ્રી તરીકે પણ ઓળખાય છે અને જેમણે અક્રમ વિજ્ઞાન ચળવળની સ્થાપના કરી હતી, તેઓ વર્ષો પહેલાં આ જગ્યાએથી પસાર થતા હતા અને વિધિ કરતા હતા. આ ઉપરાંત પૂજ્ય નીરુમા પણ આ સ્થાન પર ત્રિમંદિરની સ્થાપના કરવાની વિભાવના ધરાવતાં હતાં. તેઓ કહેતાં હતાં કે જ્યાં નદી વહે અને નજીકમાં એક પહાડ હોય એ જગ્યા પર ચોક્કસપણે દેવી પદ્માવતીના આશીર્વાદ હોય છે. એથી આ સ્થળે ત્રિમંદિર બાંધવામાં આવ્યું હતું. આજે આ મંદિરમાં માત્ર દાદા ભગવાનના ફૉલોઅર્સ જ નહીં પણ દરેક ધર્મના લોકો આવે છે.
ADVERTISEMENT
દાદા ભગવાન
ત્રિમંદિરનું મુખ્ય આકર્ષણ છે આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ. મંદિરમાં પ્રવેશતાંની સાથે ભગવાન શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ કેન્દ્રમાં બિરાજમાન જોવા મળશે. આ મૂર્તિ સંપૂર્ણપણે આરસની બનેલી છે અને ૧૫૬ ઇંચ ઊંચી છે, જેનું વજન અંદાજે ૧૮,૦૦૦ કિલોગ્રામનું છે. આ મૂર્તિને જયપુરના અખંડ આરસમાંથી બનાવવામાં આવી છે. આમ જોવા જઈએ તો મંદિરને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે જેમાં કેન્દ્રમાં શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે તો એક ભાગમાં શ્રી કૃષ્ણ ભગવાનનું વિરાટ યોગેશ્વર સ્વરૂપ બિરાજમાન છે. અન્ય ભાગમાં ભવ્ય શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલું છે.
અદ્ભુત આર્કિટેક્ચર
આ ત્રિમંદિર દરિયાની સપાટીથી ૩૦૦ ફીટની ઊંચાઈએ એક ટેકરી પર આવેલું છે જે લગભગ ૧૨૧ ફીટ જેટલું ઊંચું છે. આખું સંકુલ લીલાછમ જંગલથી ઘેરાયેલું છે. એક તરફ નજર નાખો ત્યાં હરિયાળીથી આચ્છાદિત વન દેખાશે અને બીજી તરફ નજર નાખશો ત્યાં ઊંચાં-ઊંચાં મકાનો નજરે ચડશે. આ બન્નેની વચ્ચે ત્રિમંદિર આવેલું છે. આર્કિટેક્ચરલ રીતે આ મંદિરમાં બે-બે માળ છે, મંદિર પહેલા માળે છે અને સત્સંગ હૉલ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર છે જેમાં બે હજાર જેટલા માણસો બેસી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. મંદિરની અંદર તમને જૈન ધર્મ, શૈવ અને વૈષ્ણવ ધર્મના દેવતાઓની મૂર્તિઓ સાથે બીજાં ૨૨ દેવી-દેવતાઓની મૂર્તિઓ જોવા મળશે, જે એક જ મંચ પર સમાન આદર ધરાવે છે. તુળજાભવાની માની મૂર્તિ પણ ત્રિમંદિરમાં સ્થિત છે, મહારાષ્ટ્રના લોકો તેમની ખૂબ પૂજા કરે છે. દરેક પ્રતિમાને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી છે. મંદિરમાં અંબામાતા, પદ્માવતી માતા, ચક્રેશ્વરી માતા, ભદ્રકાળી માતા, પાર્વતી માતા તેમ જ શ્રીનાથજી, તિરુપતિ બાલાજી, સાંઈબાબા, હનુમાનજી અને ગણપતિજીની પણ ધ્યાનાકર્ષક મૂર્તિઓ બિરાજમાન છે. શ્રી સીમંધર સ્વામીની પ્રતિમાની સાથે સિદ્ધ ભગવંતોમાં આદિનાથ ભગવાન, અજિતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર ભગવાન તેમ જ આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુનાં પણ અહીં દર્શન થાય છે. ખાસ વાત તો એ છે કે અહીં દર્શનાર્થીઓ તમામ દેવ-દેવીઓ અને ભગવંતોનાં ચરણસ્પર્શ કરી શકે છે તેમ જ પ્રક્ષાલ અને આરતીના સમયે પ્રક્ષાલ અને આરતીનો લાભ પણ લઈ શકે છે. આ મંદિર સફેદ આરસનું બનેલું છે, જે એની સુંદરતામાં વધુ વધારો કરે છે.
કૃષ્ણ ભગવાન
બુકસ્ટૉલ
જે મુલાકાતીઓ દાદા ભગવાનના આધ્યાત્મિક વિજ્ઞાન વિશે વધુ જાણવામાં રસ ધરાવતા હોય તેઓ બુકસ્ટૉલની મુલાકાત લઈ શકે છે, જે મંદિરની અંદર સ્થિત છે. આ બુકસ્ટૉલમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, જર્મન, પોર્ટુગીઝ, સ્પૅનિશ અને અન્ય ભારતીય ભાષાઓમાં પુસ્તકો, ઑડિયો CD, DVD, ઑડિયો પુસ્તકો, ફોટો અને ઘણુંબધું છે. આ સિવાય મંદિરના પરિસરમાં ફૂડ સ્ટૉલ પણ છે જ્યાં શુદ્ધ શાકાહારી ખાણીપીણીની વસ્તુઓ મળી રહે છે. મંદિરના બેઝમેન્ટમાં પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
શ્રી સીમંધર સ્વામી
ત્રિમંદિર શા માટે?
પૂજ્ય દાદાશ્રી ‘આત્મધર્મ’ પાળતા અને જનસમુદાયને આપતા. તેમનું માનવું હતું કે ઘરમાં જ્યાં સુધી મતભેદો છે ત્યાં સુધી શાંતિ ન હોઈ શકે. જગતમાં દરેક જગ્યાએ આવું જ છે. જ્યાં સુધી ધર્મમાં મતભેદો છે ત્યાં સુધી જગતમાં શાંતિ થઈ ન શકે. એટલે તેમણે ધર્મ અને સમાજમાં ‘મારો અને તારો’ના ઝઘડાનો અંત લાવવાના અને લોકોને આ મતભેદોનાં ભયસ્થાનો વિશે જાગૃત કરવાના પ્રયત્નો કર્યા. અજોડ ત્રિમંદિર (ત્રણ મંદિરો એક મંદિરમાં)ની સ્થાપના કરી જે ત્રિમંદિર તરીકે ઓળખાય છે જ્યાં બધા મુખ્ય ધર્મોના સાર એક મંચ પર મૂકવામાં આવ્યા છે.
શિવલિંગ
મંદિરમાં ઊજવાતા તહેવારો
મંદિરમાં ભક્તિકાર્યક્રમો મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે સાંજે થાય છે. સત્સંગના કાર્યક્રમો નિયમિત યોજાય છે. મંદિરમાં મહાશિવરાત્રિથી લઈને જન્માષ્ટમી, સીમંધર સ્વામી જન્મકલ્યાણક, મહાવીર જયંતી, નવરાત્રિ, દિવાળી, બેસતું વર્ષ, ગુરુપૂર્ણિમા જેવા બધા જ તહેવારો ઊજવવામાં આવે છે. બીજું એ કે આ મંદિર ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે તેમ જ કુદરતના સાંનિધ્યના ખોળે છે એટલે જ્યારે એની મુલાકાત લો ત્યારે એની સુંદરતા અને સ્વચ્છતા કાયમ રહે એનું ધ્યાન રાખવું.
બુકસ્ટૉલ
ક્યાં આવેલું છે?
દાદા ભગવાન ત્રિમંદિર, ૠષિવન, અભિનવનગર રોડ, લા વિસ્ટા બિલ્ડિંગની બાજુમાં, કાજુપાડા, બોરીવલી (ઈસ્ટ).
કેવી રીતે જશો? : આ મંદિર આમ તો મુખ્ય માર્ગો અને સ્ટેશનથી ઘણું દૂર છે, પરંતુ અહીં સુધી પહોંચવા માટેના અનેક રસ્તાઓ છે. બોરીવલી સ્ટેશન ઊતરીને પૂર્વથી ઋષિવન જવા માટેની બસ-નંબર ૪૭૭ પકડી શકાય છે. આ બસ તમને ઋષિવનના છેલ્લા સ્ટૉપ સુધી છોડશે. ત્યાંથી પગપાળા મંદિર સુધી પહોંચી શકાય છે. અહીં સુધી પહોંચવા માટે મેટ્રો દ્વારા પણ મુસાફરી કરી શકાય છે. મેટ્રોના રાષ્ટ્રીય ઉદ્યાન નામના સ્ટેશન પર ઊતરીને મંદિર સુધી પહોંચી શકો છો.
દર્શનનો સમય : સવારે ૭થી રાત્રે ૯ સુધી
આરતીનો સમય : સવારે ૮.૧૫ અને સાંજે ૬.૩૦
દેશમાં બીજાં કેટલાં ત્રિમંદિર આવેલાં છે? : ત્રિમંદિર મુંબઈ ઉપરાંત વડોદરામાં ત્રણ, અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં બે ઉપરાંત આણંદ, રાજકોટ, ગોધરા, મોરબી, અમરેલી, જૂનાગઢ તેમ જ ભાવનગરમાં આવેલાં છે.
આ ત્રિમંદિરમાં મને જેટલી શાંતિ અને નિરાંત મળે એટલી બીજે કશે પણ મળતી નથી. આજની યંગ જનરેશને તો ખાસ આ મંદિરમાં જવું જોઈએ અને હું તો એમ પણ કહું છું કે મંદિરમાં યંગ જનરેશનમાં સારું અને સાચું જ્ઞાન આપી શકે એવી કોઈક વ્યક્તિને પણ બેસાડવાની જરૂર જે દર કલાકે સેશન લઈ યુવા પેઢીને ભવિષ્યમાં આગળ વધવાની સાચી દિશા બતાવે - વિજય પારેખ
આ મંદિરમાં ત્રણે ધર્મ વિશે એક જ છતની નીચે તમને દરેક પ્રકારની જાણકારી મળી રહે છે. દરેક ધર્મ એકસમાન છે એવો સંદેશ આપતું આ મંદિર એક પ્રકારનું બિનસાંપ્રદાયિક મંદિર છે. એનું આરસના પથ્થરોથી કરેલું બાંધકામ તો સફેદ દૂધની ધાર જ જોઈ લો. ચોમાસામાં તો જાણે કોઈ હિલ-સ્ટેશન પર જ આવ્યા હોઈએ એવો અહીં આસપાસનો નજારો હોય છે. - બીજલ પટેલ
આ ત્રિમંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારથી હું અહીંના મંદિરની સાથે સંકળાયેલો છું. બાકી ૧૯૯૯ની સાલથી હું દાદા ભગવાનની સેવા સાથે સંકળાયેલો છું. બોરીવલીના ત્રિમંદિરની વાત કરું તો આ મંદિર એવું છે કે અહીં એકદમ નાનું બાળક પણ આવે તો પણ તેને અહીં ફરી આવવાની ઇચ્છા થઈ જાય. -મિતેશ દેસાઈ