Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ધાગા એક, રંગ અનેક

22 August, 2021 07:56 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

નવા જમાના પ્રમાણે રક્ષાબંધનની ઉજવણી હવે ભાઈ-બહેનના પ્રેમ સુધી સીમિત ન રહેતાં એમાં દેશદાઝ, કરુણા, હૂંફ, ફરજ, સેવા, કૃતજ્ઞતા જેવા અનેક રંગો ઉમેરાયા છે. દર વર્ષની જેમ આ વખતે પણ બહેન પોતાના ભાઈને તો રાખડી બાંધશે જ, સાથે નવું શું જોવા મળવાનું છે ચાલો જોઈએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શ્રાવણી પૂનમના દિવસે ઊજવાતો રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું બંધન. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને ભાઈ પાસેથી પોતાની સુરક્ષાનું વચન માગે છે. પરંપરા અનુસાર રાખડી અને મીઠાઈનાં બૉક્સ લઈને પિયર જનારી બહેનોએ ગયા વર્ષે વર્ચ્યુઅલ રક્ષાબંધન પણ મનાવી હતી. પરંપરાગત રીતે ઊજવાતા આ પર્વમાં જમાના પ્રમાણે અને સંજોગો અનુસાર ઘણાં પરિવર્તનો આવ્યાં છે. ક્યાંક પરંપરા વીસરાતી જાય છે અને નામનો જ તહેવાર રહી ગયો છે તો કેટલાક પરિવારોમાં હજીયે ટ્રેડિશનલ સેલિબ્રેશનનું અટ્રૅક્શન બરકરાર છે.

મેટ્રો સિટીમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ સુધી સીમિત ન રહેતાં એમાં દેશદાઝ, કરુણા, હૂંફ, ફરજ, સેવા, કૃતજ્ઞતા જેવા અનેક રંગો ઉમેરાયા છે. ભારત-પાકિસ્તાન તેમ જ ભારત-ચીન સરહદ પર આપણી રક્ષા કાજે ખડેપગે પહેરો ભરનારા જવાનો માટે દર વર્ષે દેશભરમાંથી રાખડીઓ મોકલવામાં આવે છે. કોરોના વૉરિયર્સના કાંડા પર રાખડી બાંધીને કૃતજ્ઞતા દાખવવાનો ઉમદા વિચાર પણ અનેક સામાજિક કાર્યકરો અને યુવાપેઢીને આવ્યો છે. આ વર્ષની રક્ષાબંધનની ઉજવણીમાં મુંબઈગરાઓ કેવા રંગો લઈને આવ્યા છે ચાલો જોઈએ.



ઇન્ડો-વેસ્ટર્ન ટચ


રક્ષાબંધનના તહેવારમાં હવે સગવડિયો ધર્મ થઈ ગયો છે. મુંબઈની હેક્ટિક લાઇફમાં સગાં ત્રણ-ચાર ભાઈ-બહેનોનો એકસાથે મેળ નથી પડતો. મોટા ભાગના પરિવારો ફટાફટ રાખડી બાંધી, હોટેલમાં જમીને છૂટા પડી જાય છે. જોકે બોરીવલીના ભાવેશ પારેખના ઘરમાં ચાલી રહેલી જોરદાર તૈયારી જુદું જ ચિત્ર રજૂ કરે છે. ઇન્ડો-વેસ્ટર્ન ટચ સાથે રક્ષાબંધનનું પ્લાનિંગ કર્યું છે એમ ઉત્સાહ સાથે જણાવતાં તેમનાં પત્ની સેજલબહેન કહે છે, ‘અમારું ઘર મોટું હોવાથી સાસરી અને પિયરના મળીને કુલ બાવીસ જણને આમંત્રણ આપ્યું છે. વાસ્તવમાં મારી દીકરીનાં લગ્ન બાદ આ પહેલી રક્ષાબંધન છે અને ફૅમિલીમાં નવી વહુનો પણ સમાવેશ થયો હોવાથી બન્ને પક્ષને સેમ ડે ઇન્વાઇટ કર્યા છે. બધાની રાખડીને મિરર પ્લેટમાં વ્યવસ્થિત ગોઠવીને રાખી છે. કંકુ-ચોખા અને આરતીની થાળી સજાવી છે. ટ્રેડિશનલ લુક માટે ઘરમાં ગોટા પટ્ટીનું ડેકોરેશન પણ થઈ ગયું છે. વારાફરતી ઉંમર પ્રમાણે ભાઈ-ભાભીની જોડીને બાજોઠ પર બેસાડીને બહેન રાખડી બાંધશે. આ દરમિયાન મહેમાનો ગાદલાં-ગાલીચા પર બેસશે. બૅકગ્રાઉન્ડમાં હિન્દી ફિલ્મોનાં રક્ષાબંધનનાં ગીતો વાગતાં રહેશે. પરંપરાગત રીતે રાખડી બંધાઈ જાય પછી ગેમ્સ રમીશું.’

પ્રસંગને અનુરૂપ તૈયાર કરેલી ગેમ્સ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘નજીકમાં રહેતી બહેન અને બીજી દીકરીના આઇડિયાથી ગેમ્સ રેડી કરી છે. બધા ભાઈઓને કલરફુલ પેપર અને પેન આપવામાં આવશે. તેઓ સિસ્ટરને લવલેટર લખશે. આ ગેમમાં ભાઈ પોતાની બહેન માટેના પ્રેમને શબ્દોમાં કઈ રીતે વ્યક્ત કરે છે એ જાણવાની ઉત્કંઠા રહેશે. બીજી ગેમમાં ઘણી હસાહસ થવાની છે. ઘરના ચાર કૉર્નરને ફેંકુડો ભાઈ, ગાંડો ભાઈ, સ્માર્ટી બહેન અને ચંપા બહેન એવાં નામ આપવામાં આવ્યાં છે. આ જ નામની ઘણીબધી ચિઠ્ઠી બનાવી છે. દરેક જણ એક ચિઠ્ઠી ખેંચી પોતાની ટીમના સભ્યોને શોધીને કૉર્નર પર બધા ભેગા થશે. હૅપી ઑગસ્ટ અને તંબોલામાં પણ ફેસ્ટિવલ ફીવર ઍડ કર્યું છે. ​યંગ જનરેશનની પસંદગીને ધ્યાનમાં રાખીને સેલ્ફી પૉઇન્ટ અને ડિનરમાં મેક્સિકન રાઇસ, કરી, સિઝલિંગ બ્રાઉની જેવી વરાઇટી રાખી છે. સાંજના પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી જલસો ચાલશે.’


પરિવારના મોભીની રક્ષા

બદલાયેલા યુગમાં રક્ષાબંધનને જુદી રીતે સેલિબ્રેટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે લાગણીને વ્યક્ત કરવાનો અનોખો અને પ્રેરણાદાયક પ્રસંગ કલ્યાણના ધોકિયા પરિવારમાં જોવા મળ્યો છે. આ સંયુક્ત પરિવારનાં પાંચ બાળકો ભક્તિ, ડેનિશા, ડેનિમ, વેદાંત અને પ્રણવ પરિવારનાં મોભી ૭૮ વર્ષનાં પ્રભાવતી ધોકિયા એટલે કે તેમનાં વહાલાં દાદીમાને રાખડી બાંધવાના છે. નોખી પ્રથા શરૂ કરવાનો વિચાર કઈ રીતે પ્રગટ્યો અને ઉજવણી કઈ રીતે થશે એ સંદર્ભે વાત કરતાં ભક્તિ કહે છે, ‘બા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહે છે. અમદાવાદના નરોડામાં રહેતા તેમના નાના ભાઈ અને જામખંભાળિયામાં રહેતાં બહેન કોવિડમાં અવસાન પામ્યાં છે. ઉંમર અને કોરોનાની ગાઇડલાઇનને કારણે બા ત્યાં જઈ શક્યાં નહોતાં. ત્યારથી તેઓ હતાશ થઈ ગયાં છે. ભાઈ-બહેન સાથે વીતેલા દિવસોને વાગોળતાં તેઓ ખૂબ ભાવુક થઈ જાય છે. ચાલવામાં પણ તકલીફ થતી હોવાથી જીવનમાં એકલાં પડી ગયાં હોય એવું તેમને લાગ્યા કરે છે. રક્ષાબંધનના પ્રસંગે અમે તેમને પરિવારરૂપી રક્ષાકવચની હૂંફનો અહેસાસ અપાવવા માગીએ છીએ.’

મમ્મી-પપ્પા, કાકા-કાકી અને ભાઈ-બહેનો મળીને બાને સરપ્રાઇઝ આપવાના છીએ એમ જણાવતાં ભક્તિ કહે છે, ‘રક્ષાબંધનના દિવસે તેમને સરસ મજાની સાડી પહેરાવીને હિંડોળે ઝુલાવીશું. ત્યાર બાદ તેમના હાથમાં રાખડી બાંધીશું. ગળ્યું મોઢું કરવા બાને ખૂબ ભાવતો શીરો બનશે. ઘરમાં સરસ મજાની સજાવટ જોઈને તેમને આનંદ થશે. બાને ગરબાનો ખૂબ શોખ છે તેથી ગરબા પણ રમીશું. હા, છેલ્લે આખો પરિવાર સાથે બેસીને તેમની ફેવરિટ ટીવીસિરિયલ સીઆઇડી જોઈશું. આ વર્ષની રક્ષાબંધનની ઉજવણી પરિવારના વડીલના સ્વાસ્થ્યની રક્ષા સાથે જોડાયેલી હશે.’

સમાજનું ઋણ

ભાઈ-બહેન અને એક્સ્ટેન્ડેડ ફૅમિલી ભેગાં મળીને ફેસ્ટિવલમાં જલસો કરે એનાથી બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ થાય છે એ વાત સો ટકા સાચી. જોકે સમાજ પ્રત્યે પણ આપણી કેટલીક ફરજ છે. જેમની ફૅમિલી નથી અને એકલવાયું જીવન જીવી રહ્યા છે તેમને પણ તહેવાર ઊજવવાનું મન તો થતું જ હશેને. દિવા વિસ્તારના ગુજરાતી વિકાસ મંડળના આઠ મેમ્બર સમાજથી તરછોડાયેલા વૃદ્ધો સાથે રક્ષાબંધનનો તહેવાર ઊજવીને તેમને સ્પેશ્યલ ફીલ કરાવશે. ટીમનાં મેમ્બર વૈશાલી ભાનુશાળી એક કિસ્સો યાદ કરતાં કહે છે, ‘પાંચેક વર્ષ પહેલાં રેલવે સ્ટેશન પર મોટી ઉંમરનાં માજીને લઘરવઘર અવસ્થામાં રખડતાં જોયાં હતાં. તેઓ ક્યાંથી આવે છે અને ક્યાં જવું છે એવી પૂછપરછ કરી, પણ જવાબ આપવાની જગ્યાએ તેઓ રડવા લાગ્યાં એટલે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. જોકે કોઈ અતોપતો ન હોવાથી પોલીસની ભલામણથી તેમને અપના ઘર વૃદ્ધાશ્રમમાં ઍડ્મિશન અપાવ્યું. જવાબદારી લીધી હોવાથી ખબરઅંતર પૂછવા અવારનવાર જતી હતી. એમાં આશ્રમમાં સેવાભાવથી આવતા બીજા યુવાનો સાથે મુલાકાત થઈ. અમે લોકોએ સમાજનું ઋણ ચૂકવવાનું પ્રણ લીધું. કોઈ પણ તહેવાર હોય પહેલાં આશ્રમમાં જવાનું અને પછી ઘરમાં સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. ત્યારથી દર વર્ષે રક્ષાબંધન, જન્માષ્ટમી, ધુળેટી જેવા તહેવારો વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ઊજવીએ છીએ.’

રક્ષાબંધનના કાર્યક્રમ વિશે વાત કરતાં વૈશાલી કહે છે, ‘આ દિવસે અમારા ગ્રુપની ગર્લ્સ અંકલને રાખડી બાંધે છે અને ગ્રુપના બૉય્ઝ આન્ટી પાસે રાખડી બંધાવે છે. અમે નિયમિત જઈએ છીએ તેથી અહીં રહેતા સિનિયર સિટિઝનોની જરૂરિયાત વિશે જાણકારી છે અને ગિફ્ટનાં બૉક્સ પણ એવી રીતે તૈયાર કર્યાં છે. અહીં બે અંકલ તો પથારીવશ છે ને કોઈ જોવા આવતું નથી. તેમને સ્પેશ્યલ ફીલ કરાવવા થોડું નાટક કરવું પડશે. અમારા ગ્રુપમાંથી કોઈ આન્ટીને ફોન કરીને તેમની વહુ હોય એ રીતે વાત કરશે તો કોઈ દીકરો બનીને અંકલને ફોન કરશે. તેમનો પરિવાર યાદ કરે છે જાણીને તેમને આનંદ થાય છે. અમારો હેતુ એટલો જ કે પરિવાર અને સમાજથી એકલા-અટૂલા પડી ગયેલા અને સામાન્ય રીતે બીમાર રહેતા સિનિયર સિટિઝન્સને તહેવારના દિવસે ભાઈ-બહેન અને પરિવારની ખોટ ન સાલે. તહેવારો ઊજવવાનો તેમને પૂરો હક છે અને તેઓ સમાજથી તરછોડાયેલા નહીં પણ સમાજમાં જ રહે છે એવી ભાવના જગાવવી જોઈએ.’

બાળપણની યાદો

નવા જમાનાની ઉજવણીમાં જુદા-જુદા રંગો ભલે ઉમેરાયા હોય, પરંતુ રક્ષાબંધન ભાઈ-બહેનનો તહેવાર તો ખરો જને. તેમની વાત વગર આ લેખ અધૂરો ગણાશે. ભાઈ-બહેન મળે એટલે વાતો ખૂટે નહીં. નાના હતા ત્યારે આપણે આમ કરતાં ને તેમ કરતાં, ફલાણી વસ્તુ બહુ ભાવતી ને આ ગેમ રમવાની કેવી મજા પડતી. બાળપણની અઢળક યાદગાર મોમેન્ટ્સને રક્ષાબંધનના દિવસે ફરીથી રીક્રીએટ કરવાનો વિચાર આવ્યો ઘાટકોપરનાં મનાલી ગાલાને. રાખડી સાથે ચૉકલેટ્સ, મીઠાઈ અથવા કેક લઈ જવાનો ટ્રેન્ડ બોરિંગ લાગે છે, મારે કંઈક હટકે કરવું હોય છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘હું અને મારો ભાઈ, બે કઝિન સિસ્ટર અને બે કઝિન બ્રધર મળીને છ જણની અમારી જબરી ગૅન્ગ છે. અમે જ્યારે મળીએ ત્યારે ખૂબ ધમાચકડી કરીએ. મારાં લગ્નને બાર વર્ષ થયાં, પણ હજી સુધી એકેય રક્ષાબંધન અમે લોકોએ મિસ નથી કરી. રાખડી સાથે રેગ્યુલર સ્વીટ્સની જગ્યાએ ચીઝ બૉલ્સ જેવી ભાઈઓને ભાવતી ડિશ બનાવીને લઈ જાઉં. ફૂડ અને ગિફ્ટ હૅમ્પરમાં મારી માસ્ટરી છે તેથી દર વખતે કંઈક જુદું હોય. આ વર્ષે અમે તેમને ગિફ્ટ-બૉક્સના માધ્યમથી જબરદસ્ત સરપ્રાઇઝ આપવાના છીએ.’

ગિફટ-બૉક્સમાં એવું તે શું છે કે ભાઈઓ રાજીના રેડ થઈ જવાના છે? હસતાં-હસતાં મનાલી કહે છે, ‘ગજબની સરપ્રાઇઝ છે. આ વખતે અમે વાતોને નહીં પણ બાળપણને એન્જૉય કરીશું. અમારા બધાનો જન્મ એંસીના દાયકામાં થયો છે. સૌથી પહેલાં એ જમાનામાં મળતી વસ્તુઓનું લિસ્ટ તૈયાર કર્યું. કિસમી ચૉકલેટ, પાનપસંદ, ખાટી-મીઠી કેસરી રંગની પીપરમિન્ટની ગોળી, મિલન સોપારી, ચાચા ચૌધરી કૉમિક બુક્સ, એક રૂપિયાની નોટ, હાથમાં પકડીને રમાતી વિડિયોગેમ વગેરે મળીને પંદર વસ્તુ ભેગી કરી છે. આ બધી વસ્તુઓ અત્યારે મળતી નથી તેથી ભેગી કરવામાં દમ નીકળી ગયો. કેટલીયે લોકલ શૉપમાં આંટા મારી આવી ત્યારે દસ દિવસે મેળ પડ્યો. મને યાદ છે કે કૉમિક બુક વાંચવા માટે અમે રદ્દીવાળાની દુકાને જતા. ત્યાંથી બે રૂપિયામાં લાવેલી બુક વાંચીને પાછી આપો ત્યારે રદ્દીવાળા ભાઈ એક રૂપિયો પાછો આપતા. બહુ મજા આવતી. નાના હતા ત્યારે લગ્નની વાડીની બહાર ફેરિયાઓ પાસેથી મારો ભાઈ સોનેરી રંગમાં મળતા ભીંતભડાકા ખરીદતો અને હું બબલ્સ (સાબુનું પાણી ભરેલી પ્લાસ્ટિકની ડબ્બી જેમાંથી ફૂંક મારીને પરપોટાની જેમ હવામાં બબલ્સ બને) લેતી. આ બન્ને વસ્તુ માટે ઘણી શોધખોળ કરી છે. રક્ષાબંધનના દિવસ સુધીમાં મળી જશે તો એને પણ બૉક્સમાં ઍડ કરવાની છું. રાખડી બાંધ્યા બાદ ભાઈને મીઠાઈના બૉક્સની જગ્યાએ ‘રિમેમ્બર વેન’ લખેલું આ ગિફ્ટ-બૉક્સ આપીશું ત્યારે તેમના ચહેરા પર જે આનંદ હશે એ જ અમારી રક્ષાબંધન.’

ખરેખર, રાખડીના કાચા દોરામાં કેટકેટલાં સપનાંઓ ગૂંથાયેલાં છે. ભાઈ-બહેનના હેત સાથે પારિવારિક એકતા, સામાજિક જવાબદારીઓ, સ્વાસ્થ્યની કામના અને ફરજ સાથે સંકળાયેલા રક્ષાબંધનના જુદા-જુદા રંગો ભારતીય સંસ્કૃતિ અને વિચારધારાનું સુંદર રૂપ દર્શાવે છે.  

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2021 07:56 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK