Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ભવાં તંગ કરવાનો નહીં, ટ્રીમ કરવાનો છે ટ્રેન્ડ

ભવાં તંગ કરવાનો નહીં, ટ્રીમ કરવાનો છે ટ્રેન્ડ

15 February, 2021 10:47 AM IST | Mumbai
Varsha Chitalia

ભવાં તંગ કરવાનો નહીં, ટ્રીમ કરવાનો છે ટ્રેન્ડ

આયુષ્માન ખુરાનાનો લૂક

આયુષ્માન ખુરાનાનો લૂક


આયુષમાન ખુરાનાએ તેનો અનેકનો લુક શૅર કર્યો ત્યારે એની આઇબ્રોમાંનો એક કટ સૌની નજરે ચડી ગયો છે. વધુપડતી ભરાવદાર ભ્રમર હોય ત્યારે એને ગ્રૂમ કરવાનું ચલણ તો છેલ્લા પાંચ-છ વર્ષથી ઘણું ફૂલ્યુંફાલ્યું છે. હવે પુરુષોને પણ થિક અને સેન્ટરમાં જૉઇન્ટ આઇબ્રો ગમતી નથી. આજે અનેક પુરુષો આ ટેક્નિક પ્રત્યે આકર્ષાયા છે ત્યારે એના લેટેસ્ટ ટ્રેન્ડ અને કૅર વિશે જાણી લો

સુંદર દેખાવું સૌને ગમે. આ વાત અત્યાર સુધી મહિલાઓના સંદર્ભમાં કહેવાતી હતી, હવે પુરુષો પણ આ હરોળમાં આવી ગયા છે. સર્વે કહે છે કે ચહેરાના લુકની બાબતમાં પુરુષોમાં સ્ત્રીઓ જેટલી જ સભાનતા આવી છે. અત્યારે નેવું ટકા યંગ બૉય્ઝ આઇબ્રો અને ફેશ્યલ જેવી ટ્રીટમેન્ટ કરાવતા થયા છે. આઇબ્રોના કારણે ચહેરાનો લુક ચેન્જ થઈ જાય છે. તાજેતરમાં બૉલીવુડ ઍક્ટર આયુષ્માન ખુરાનાએ તેની આગામી ફિલ્મ ‘અનેક’ના લુક માટે આઇબ્રોને વચ્ચેથી કટ કરાવી છે. અભિનેતાનું કહેવું છે કે આઇબ્રો કટ કરાવવાનો આઇડિયા તેનો જ હતો. પુરુષોને તેનો નવો લુક ખૂબ પસંદ પડી રહ્યો છે એ બતાવે છે કે ગ્રૂમિંગના ફીલ્ડમાં આઇબ્રોનો ટ્રેન્ડ ઇનથિંગ છે. આજે આપણે મેલ આઇબ્રોમાં શું ચાલે છે તેમ જ આઇબ્રો કરાવતા હો તો સ્કિનનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ એ નિષ્ણાત સંદર્ભે વાત કરીશું.



ટ્રેન્ડનું કારણ ફોટોશૂટ


મહિલા હોય કે પુરુષ, આઇબ્રો ચહેરાની ઓળખ છે. કુદરતી રીતે તમારો ચહેરો આકર્ષક હોય પણ આંખોની ઉપર જાડા, બરછટ અને ગમે તે દિશામાં ફંટાતા વાળથી ચહેરો સારો નથી લાગતો. ઠેકાણા વગરની આઇબ્રો પર લોકોનું ધ્યાન જાય છે એવી જ રીતે પ્રૉપર શેપ કરેલી આઇબ્રોને પણ નોટિસ કરવામાં આવે છે. ક્લીન આઇબ્રો તમારી ઇમેજને બદલી શકે છે. દાદરસ્થિત કુમાર હેરડ્રેસરના ફાઉન્ડર અને ગ્રૂમિંગ એક્સપર્ટ કુમાર જામપાલ કહે છે, ‘પુરુષોમાં આઇબ્રો કરાવવાનું ચલણ ઘણાં વર્ષોથી છે, પરંતુ આ બાબત ખાસ ચર્ચા થતી નથી તેથી લોકો અજાણ છે. આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાં એક વરરાજાને લગ્નના અઠવાડિયા પહેલાં આઇબ્રોને શેપ આપવાની સલાહ આપી હતી. આંખોની ઉપર લાંબો બ્લૅક પટ્ટો હોય એટલી ખરાબ તેની આઇબ્રો હતી. મેં કહ્યું કે લગ્નના ફોટો સારા આવે એ માટે સેન્ટરમાંથી વાળ દૂર કરી આપું? પુરુષે આઇબ્રો કરાવી છે એવી કોઈને ખબર પડે તો હાસ્યાસ્પદ લાગે એ જમાનામાં આ વરરાજાને આઇબ્રો માટે રેડી કર્યો હતો. અત્યારે તેની ઉંમર ફિફ્ટી પ્લસ છે, પણ આજની ડેટમાં રેગ્યુલર થ્રેડિંગ કરાવવા આવે છે.’

કુમારભાઈ લગ્ન સમયે વરરાજાને હળવો મેકઅપ કરી આપે છે. એક મહિના પહેલાંથી ગ્રૂમના લુક પર કામ શરૂ કરી દે છે. પર્ફેક્શન માટે ફોટોગ્રાફર સાથે પણ ચર્ચા કરે છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘વર્તમાન સમયમાં લગ્નની જુદી-જુદી ઇવેન્ટ્સમાં ફોટોશૂટ ટૉપ પર છે. મૉડલ જેવો લુક જોઈતો હોય તો આઇબ્રોને કરેક્ટ કરવી પડે. જોકે આ કામ લાસ્ટ મોમેન્ટ પર ન થાય. હંમેશાંથી આઇબ્રો કરાવતા હો તો વાત જુદી છે. તેઓ યુઝ્ડ ટુ હોય, પણ પહેલી વાર કરાવવાની હોય તો લગ્નના પંદર દિવસ પહેલાં ટ્રાયલ લેવા બોલાવીએ. અઠવાડિયા પછી ફરી એક વાર શેપ આપીને જોઈ લઈએ. ક્લાયન્ટ્સ નવા લુકથી સૅટિસ્ફાય થાય અને કમ્ફર્ટ ફીલ કરે તો મૅરેજના બે દિવસ પહેલાં ફાઇનલ થ્રેડિંગ કરી આપીએ. જોકે આજના સમયમાં વીસથી ચાલીસ વર્ષના એજ ગ્રુપના સિત્તેર ટકા પુરુષોના ગ્રૂમિંગ રૂટીનમાં આઇબ્રો ઇન્ક્લુડેડ હોવાથી ટ્રાયલની જરૂર પડતી નથી. અમારી પાસે શેવિંગ અને હેરકટિંગ માટે આવતા લગભગ તમામ કૉલેજિયનો આઇબ્રો પણ કરાવે છે. ફિલ્મ અને મૉડલિંગના ફીલ્ડ સાથે જોડાયેલા અથવા આ ક્ષેત્રમાં કરીઅર બનાવવા સંઘર્ષ કરી રહેલા યુવાનો આઇબ્રો ન કરાવે તો ફોટોશૂટ અટકી પડે એવો જમાનો છે.’


આઇબ્રો કરેક્શન

આઇબ્રો કરતી વખતે વધુ વાળ દૂર ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. કુમારભાઈ કહે છે, ‘પુરુષનો ચહેરો પ્રભાવશાળી લાગવો જોઈએ. મહિલાઓની જેમ પાતળી આઇબ્રો સારી ન લાગે. પુરુષોની આઇબ્રોના હેર કડક હોવાથી પહેલાં કાતરથી જ ટ્રિમ કરવામાં આવે છે. ત્યાર બાદ થ્રેડિંગ પદ્ધતિથી સેન્ટર લાઇનના હેર દૂર કરવામાં આવે છે. આટલાથી કામ ચાલી જાય એમ હોય તો આંખની ઉપર છેડછાડ કરવાની જરૂર રહેતી નથી, પણ આઇબ્રો વધુપડતી થિક હોય તો આગળ કામ કરીએ. ઇન્ડિયામાં આઇબ્રો પર વૅક્સિંગ કરવાનું ચલણ નથી. આપણે ત્યાં થ્રેડિંગથી શેપ આપવામાં આવે છે. આ સૌથી સસ્તો અને સલામત માર્ગ છે. આંખની આસપાસની ત્વચા સંવેદનશીલ હોય છે તેથી આઇબ્રો ચાલતી હોય એ દરમ્યાન કસ્ટમરના હાથની ગ્રિપ છૂટવી ન જોઈએ. ગ્રિપ છૂટી જાય તો આંખની આસપાસ કટ આવી જાય. જોકે એક્સપર્ટને આ બાબતનો તરત જ ખ્યાલ આવી જાય એટલે કસ્ટમરના હાથની ગ્રિપ છૂટે તો તરત જ થ્રેડિંગ માટે વાપરવામાં આવતા દોરાની ઢીલ મૂકી દે છે. ઘણા પુરુષો આઇબ્રો ઉપરાંત ચિક્સ પરના હેર પણ દૂર કરાવે છે.’

સ્કિન કૅર

આઇબ્રો કરાવતા પુરુષોએ ત્વચાનું ધ્યાન રાખવા શું કરવું જોઈએ એ સંદર્ભે વાત કરતાં ડર્મેટોલૉજિસ્ટ રિન્કી કપૂર કહે છે, ‘આઇબ્રોના વધારાના વાળ દૂર કરવાની ઘણી ટેક્નિક છે; વૅક્સિંગ, થ્રેડિંગ, પ્લકિંગ વગેરે. વૅક્સિંગ પૉપ્યુલર નથી, પણ બાકીની બન્ને પદ્ધતિ વાપરવામાં આવે છે. પુરુષોની આઇબ્રોના વાળ થિક અને કડક હોવાથી ત્વચા ખેંચાય છે અને દુખાવો પણ થાય છે. બૅક્ટેરિયલ ઇન્ફેક્શન કૉમન સમસ્યા છે. થ્રેડિંગ માટે વાપરવામાં આવતા દોરાની ગુણવત્તા સારી ન હોય અથવા પ્લકિંગમાં પ્રૉપર ટેક્નિકને ફૉલો કરવામાં ન આવે તો વૉર્ટ્સ વાઇરલ ઇન્ફેક્શનનું જોખમ રહે છે. નવું એક્સપ્લોર કરવા માગતા યુવાનોએ હાઇજીનને સર્વાધિક પ્રાથમિકતા આપવી જોઈએ. આ વાત મહિલાઓને પણ એટલી જ લાગુ પડે છે. કોઈ પણ પ્રકારની કૉસ્મેટિક્સ ટ્રીટમેન્ટમાં ત્વચાની કાળજી ન રાખો તો ઍલર્જી થવાનું જોખમ રહે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા પુરુષોએ આઇબ્રો કરાવ્યા બાદ ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી ક્રીમનો ઉપયોગ કરવો. લોહીનો ટશિયો ફૂટે છે એવું જણાય તો આઇસ પૅક લગાવી શકાય. સામાન્ય રીતે આઇબ્રો કરાવ્યા બાદ ખાસ તકલીફ થતી નથી, પરંતુ બે દિવસ પછી ચહેરા પર નાની-નાની ફોલ્લીઓ દેખાય તો એને ઍલર્જીનું લક્ષણ સમજી ત્વચા નિષ્ણાતનો સંપર્ક કરવો.’

ઘણા લોકો એવું માને છે કે એક વાર આઇબ્રો કરાવવાથી હેર વધુ આવે છે. આ માન્યતા ખોટી છે. ડૉ. રિન્કી કહે છે, ‘તમારી સ્કિન નીચે હેર ફોલિકલ હોય એટલા જ વાળ પાછા ઊગે છે. લેઝર ટેક્નિકથી પર્મનન્ટ્લી સેન્ટરના હેર દૂર કરાવી લેવાથી નિયમિતપણે આઇબ્રો કરાવવાની ઝંઝટ રહેતી નથી. જોકે આ પદ્ધતિનો ઉપયોગ સામાન્ય પુરુષોમાં ખાસ લોકપ્રિય નથી. લેઝર ટેક્નિક સેલિબ્રિટીઝ સુધી જ સીમિત છે. આઇબ્રોમાં હેરકલર કરાવવાથી પણ બચવું જોઈએ. એનાથી પિગ્મેન્ટેશનની સમસ્યા ઉદ્ભવી હોય એવા અનેક કેસ સામે આવ્યા છે. જરૂર જણાય તો આઇબ્રો પેન્સિલ વાપરવી.’

ફોટોશૂટના જમાનામાં મૉડલ જેવો લુક મેળવવા પુરુષો આઇબ્રોને કરેક્ટ કરાવતા થયા છે. ગ્લૅમર વર્લ્ડ સાથે સંકળાયેલા યુવાનો ઉપરાંત વીસથી ચાલીસ વર્ષના એજ ગ્રુપના સિત્તેર ટકા પુરુષોના ગ્રૂમિંગ રૂટીનમાં આઇબ્રો ઇન્ક્લુડેડ હોય છે. સામાન્ય રીતે તેઓ સેન્ટરના વાળ દૂર કરાવે છે. આઇબ્રોની થિકનેસ વધુ હોય એવા ક્લાયન્ટ્સ શેપ આપવાની ડિમાન્ડ કરે છે

- કુમાર જામપાલ, ગ્રૂમિંગ એક્સપર્ટ

પોસ્ટ-આઇબ્રો બૅક્ટેરિયલ ઇન્ફેક્શન કૉમન સમસ્યા છે. થ્રેડિંગ માટે વાપરવામાં આવતા દોરાની ગુણવત્તા સારી ન હોય અથવા પ્લકિંગમાં પ્રૉપર ટેક્નિકને ફૉલો કરવામાં ન આવે તો વૉર્ટ્સ વાઇરલ ઇન્ફેક્શનનું જોખમ રહે છે. આઇબ્રો કરાવ્યા બાદ ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી ક્રીમનો ઉપયોગ કરવો. લોહીનો ટશિયો ફૂટે છે એવું જણાય તો આઇસ પૅક લગાવી શકાય

- રિન્કી કપૂર, ડર્મેટોલૉજિસ્ટ

આઇબ્રો ટૅટૂ

આઇબ્રો-ટૅટૂનો ટ્રેન્ડ છેલ્લા થોડા સમયથી પૉપ્યુલર બન્યો છે એનું કારણ છે કોઈ પણ વ્યક્તિના ચહેરા પર સૌથી પહેલી નજર આઇબ્રો પર જ પડે છે. આઇબ્રોને આકર્ષક બનાવવા હવે અનેક યંગસ્ટર્સ ટૅટૂ કરાવે છે. જોકે ટૅટૂ બનાવવાનો આગ્રહ એ લોકો જ રાખે છે જેમની આઇબ્રોમાં ખામી હોય. જેમ કે કોઈ અકસ્માતમાં આઇબ્રોના વાળ નીકળી ગયા હોય કે કટ્સ આવ્યા હોય તો તેમની પાસે ટૅટૂ જ એકમાત્ર વિકલ્પ બચે છે. આઇબ્રો-ટૅટૂ કરાવતાં પહેલાં મેડિકલ ચેકઅપ કરાવેલું હોવું જોઈએ. આઇબ્રો પાસે કોઈ જખમ હોય તો પણ આ ટ્રેન્ડથી દૂર રહેવું. એક વાર ટૅટૂ બન્યા બાદ એને એન્લાર્જ કરી શકાય, પણ રિમૂવ ન કરી શકાય એટલે વધારે પાતળી આઇબ્રો બનાવવાનો આગ્રહ ન રાખવો.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2021 10:47 AM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK