આજકાલ આ એક ટ્રેન્ડ બની ગયો છે. ફક્ત જૂના ટૅટૂને છુપાવવા માટે જ નહીં, જૂના ટૅટૂનું સ્ટાઇલિશ મેકઓવર કરવા માટે પણ ઘણા લોકો કવર-અપ કરાવતા હોય છે
પ્રતીકાત્મક તસવીર
હવે ટૅટૂ ફકત યાદો અને ભાવનાઓ નહીં પણ અભિવ્યક્તિનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયાં છે, પણ જેમ-જેમ સમય પસાર થાય છે એમ ઘણી વાર જૂનાં ટૅટૂ આપણી પર્સનાલિટી અથવા ઓળખ સાથે મેળ ખાતાં નથી.
એવામાં કવર-અપ ટૅટૂનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. એમાં જૂના ટૅટૂને હટાવવાની જગ્યાએ એને નવી ડિઝાઇનમાં બદલવામાં આવે છે જે વધુ આકર્ષક અને અર્થપૂર્ણ હોય છે.
ADVERTISEMENT
ટૅટૂ કવર-અપ કરવાની ટેક્નિક્સ

બ્લેન્ડિંગ અથવા હાઇડિંગ : આમાં નવા ટૅટૂની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવે છે કે એ જૂના ટૅટૂ સાથે ભળી જાય અથવા એને સંપૂર્ણ રીતે ઢાંકી દે. આર્ટિસ્ટ ડિઝાઇનની લાઇનો અને પ્લેસમેન્ટ એટલી સમજદારીથી કરે છે કે જૂની ઇન્ક બિલકુલ દેખાય નહીં.
ડાર્ક કલર અને બોલ્ડ ડિઝાઇન : કવર-અપ ટૅટૂમાં સામાન્ય રીતે ડાર્ક કલર જેમ કે બ્લૅક, બ્લુ અને ડાર્ક રેડનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એ જૂના ટૅટૂને સારી રીતે છુપાવે છે. બોલ્ડ ડિઝાઇન જૂના નિશાનને ઢાંકવામાં વધુ મદદ કરે છે.
ક્રીએટિવ શેડિંગ અને ડીટેલિંગ : એક અનુભવી ટૅટૂ-આર્ટિસ્ટ શૅડો, ટેક્સ્ચર અને બારીક ડીટેલિંગનો ઉપયોગ કરીને જૂના ટૅટૂને છુપાવી દે છે અને નવી ડિઝાઇન એવી બનાવે છે કે એ એકદમ નૅચરલ અને આકર્ષક દેખાય.
સ્લાઇટ્લી લાર્જ સાઇઝ : મોટા ભાગે નવું ટૅટૂ જૂના ટૅટૂથી થોડું મોટું બનાવવામાં આવે છે. એનાથી જૂની ડિઝાઇન સંપૂર્ણ રીતે ઢાંકવામાં સરળતા પડે છે અને આર્ટિસ્ટને પણ રચનાત્મક રૂપથી કામ કરવા માટે વધારે સ્પેસ મળે છે.
ધ્યાનમાં રાખવા જેવું
ટૅટૂ કવર-અપ બાબતે પણ કેટલીક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે. જો તમારી જૂની ડિઝાઇન ડાર્ક, બોલ્ડ અને ખૂબ જ ડીટેલિંગ વર્કવાળી હોય તો એને છુપાવવાનું થોડું મુશ્કેલ હોય છે. એવા મામલે કવર-અપ પહેલાં થોડું લેઝર ફેડિંગ કરવું લાભદાયક હોય છે. એનાથી જૂનું ટૅટૂ થોડું ઝાંખું પડી જાય છે અને નવી ડિઝાઇન વધુ સ્પષ્ટ અને આકર્ષક દેખાય છે. કવર-અપમાં આર્ટિસ્ટની સ્કિલ પણ બહુ જરૂરી હોય છે. આમાં ફક્ત જૂના ટૅટૂની ઉપર નવું ટૅટૂ બનાવવાની વાત નથી. એમાં ડિઝાઇનિંગ, કલર અને શેડિંગનું ઊંડું નૉલેજ હોવું જરૂરી છે. દરેક આર્ટિસ્ટ કવર-અપમાં માહેર ન હોય એટલે એક અનુભવી આર્ટિસ્ટની પસંદગી કરવી જરૂરી છે.
તમે ટૅટૂ સંપૂર્ણ રીતે હટાવવા માગો છો કે ફક્ત એને નવું રૂપ આપવા માગો છો એ નક્કી કરો. જ્યારે તમે કવર-અપ કરાવો છો ત્યારે ફરીથી ટૅટૂ બનાવી રહ્યા હો છે. એટલે એ ફક્ત જૂના ટૅટૂને છુપાવવું નહીં પણ એના પર એક નવી ડિઝાઇન બનાવવાનું હોય છે. એવી જ રીતે જો તમે નક્કી કરી લીધું હોય કે ટૅટૂ રાખવું જ નથી તો તમે એને સંપૂર્ણ રીતે હટાવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. એ માટે સૌથી સામાન્ય અને અસરકારક રીત લેઝર ટૅટૂ રિમૂવલ છે.
ટૅટૂ એક જ વારમાં રિમૂવ નથી થઈ જતું. એ માટે ઓછામાં ઓછાં છથી ૧૨ સેશન લાગી શકે છે. તમારું ટૅટૂ કઈ જગ્યાએ, કેટલું મોટું અને કેટલું ડાર્ક છે એના પર એ નિર્ભર કરે છે. ટૅટૂ રિમૂવલ કવર-અપ કરતાં ઘણું મોંઘું પણ પડે.


