મેલ ફૅશનમાં હીલ્સની એન્ટ્રી થઈ છે ત્યારે પુરુષોને ફૅશન-ફૉર્વર્ડ ફીલ કરાવતાં હીલ્સવાળાં શૂઝ તેમની ફૅશનને રીડિફાઇન કરે છે
હીલ્સવાળાં શૂઝ
ફૅશનજગતમાં કોઈ અભિનેતા રૂઢિચુસ્ત અને પરંપરાગત નિયમોને સતત પડકારી રહ્યો હોય તો તે છે રણવીર સિંહ. રેડ કાર્પેટ પર તેની ઉપસ્થિતિ ફૅશનને નવી દિશા આપે છે. તેનો તાજેતરનો લુક ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે. રણવીર તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ના ટ્રેલર-લૉન્ચ પ્રસંગે બ્લૅક હીલ્સવાળાં શૂઝ પહેરીને આવ્યો હતો. ડબલ-બ્રેસ્ટેડ સૂટમાં સજ્જ રણવીરે ક્લાસિક લુકમાં બોલ્ડ ટ્વિસ્ટ આપતાં તેનો લુક વધુ શાર્પ અને સ્ટ્રક્ચર્ડ લાગતો હતો.
એવું નથી કે રણવીરે પહેલી વાર હીલ્સવાળાં શૂઝ પહેર્યાં હોય. તેણે અગાઉ પણ ઘણી વાર હીલ્સવાળાં શૂઝ પહેર્યાં છે. આ ફૅશન-પરિવર્તન ભારતમાં જ નહીં, ગ્લોબલ લેવલ પર જોવા મળી રહ્યું છે. રેડ કાર્પેટ અને સ્ટેજ પર પુરુષોને હીલ્સમાં જોવા એ દુર્લભ દૃશ્ય નથી. એ લુકને એલિવેટ કરે છે. ઐતિહાસિક રીતે સ્ત્રીઓએ હીલ્સવાળાં ફુટવેઅર અપનાવ્યાં એ પહેલાં હીલ્સ પુરુષોના વસ્ત્રનો ભાગ હતી. સૈનિકો અને ઘોડેસવારો એનો ઉપયોગ કરતા હતા. રણવીરે એને સિનેમૅટિક ટ્વિસ્ટ સાથે ઇતિહાસનું સિનેમૅટિક અંદાજમાં પુનરાવર્તન કર્યું છે. હીલ્સને લીધે તેના દેખાવમાં આત્મવિશ્વાસ ઉમેરાયો હતો ત્યારે આવાં શૂઝની પસંદગી કરતી વખતે પુરુષોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જાણી લેજો.
ADVERTISEMENT
કેવી રીતે કરશો સ્ટાઇલ?
ટ્રાઉઝરની લંબાઈ એટલી હોવી જોઈએ કે એ તમારાં હીલ્સવાળાં શૂઝના પાછળના ભાગને થોડો ઢાંકે. આનાથી પગનો દેખાવ લાંબો અને સ્વચ્છ લાગે છે.
જો તમે ચન્કી હીલ્સ અથવા જાડી હીલ્સ પહેરી રહ્યા હો તો ક્રૉપ્ડ અથવા નૅરો ફિટ ટ્રાઉઝર પહેરવાનું પસંદ કરો, જેથી શૂઝ દેખાય અને તમારો આખો લુક ફોકસમાં આવે.
હીલ્સ તમારા ચાલવાના વલણને બદલે છે. એને પહેર્યા પછી થોડી પ્રૅક્ટિસ કરો જેથી તમારી ચાલ આરામદાયક અને સહેલાઈથી થાય.
મિડનાઇટ ટોન અથવા બ્લૅક ડબલ-બ્રેસ્ટેડ સૂટ સાથે પાતળી પૉલિશ હીલ્સ એટલે કે ક્યુબલ હીલ્સ અથવા ચેલ્સિયા બૂટ સ્ટાઇલ તમારા ફૉર્મલ લુકને કૉમ્પ્લિમેન્ટ આપે છે. તેથી શૂઝ સૂટના રંગ સાથે મૅચ થાય એવાં જ પહેરવાં. એક જ રંગના આઉટફિટ સાથે એ જ રંગનાં હીલ્સવાળાં શૂઝ પહેરવાથી લુક વધુ એલિવેટેડ થાય છે અને સ્ટ્રક્ચર્ડ લાગે છે.
આટલું ધ્યાનમાં રાખજો
મેન્સ હીલ્સમાં કમ્ફર્ટ સૌથી જરૂરી છે. જો તમે પહેલી વાર ટ્રાય કરી રહ્યા હો તો સ્ટિલેટો હીલને બદલે ક્યુબન અથવા બ્લૉક હીલવાળાં શૂઝથી શરૂઆત કરો. એ વધુ કમ્ફર્ટ અને સપોર્ટ આપે છે.
હીલ્સવાળાં શૂઝ એવી ઇવેન્ટ્સ માટે રિઝર્વ રાખો જ્યાં ફૅશનનું ફોકસ હોય. રેડ કાર્પેટ્સ, ફૅશન-ઇવેન્ટ્સ કે હાઈ-પ્રોફાઇલ પાર્ટીમાં આ હીલ્સ બહુ સરસ લાગશે. આવી હીલ્સ કૅઝ્યુઅલ આઉટફિટ્સ સાથે મૅચ નહીં થાય.
જો તમે હીલ્સવાળાં શૂઝ ખરીદો તો બ્રૅન્ડેડ લેધર મટીરિયલનાં જ ખરીદવાં જે સ્ટ્રક્ચર્ડ લુક આપે અને લાંબા સમય સુધી ટકી પણ રહે.


