Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સ્વિમિંગ કરતા હો તો વાળ-ત્વચાની સંભાળમાં આટલું કરવાનું ચૂકતા નહીં

સ્વિમિંગ કરતા હો તો વાળ-ત્વચાની સંભાળમાં આટલું કરવાનું ચૂકતા નહીં

Published : 09 June, 2026 01:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્લોરિન ત્વચાનું કુદરતી તેલ ઘટાડે છે, જેને કારણે ત્વચા સૂકી અને નિસ્તેજ બની શકે છે, જ્યારે વાળ બરડ થઈને તૂટવા માંડે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગરમીથી બચવા અને શરીરને ફિટ રાખવા માટે સ્વિમિંગ-પૂલમાં ડૂબકી મારવાનું કોને ન ગમે? સ્વિમિંગ માત્ર એક મજેદાર પ્રવૃત્તિ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે એક અદ્ભુત ફુલ બૉડી વર્કઆઉટ પણ છે. સ્વિમિંગ આખા શરીરની કસરત માટે અને મનને તાજગી આપવા માટે ઉત્તમ વિકલ્પ છે. નિયમિત સ્વિમિંગ કરવાથી હૃદય મજબૂત બને છે અને સ્નાયુઓ ટોન થાય છે. જોકે સ્વિમિંગ-પૂલના પાણીને સ્વચ્છ રાખવા માટે એમાં ઉમેરવામાં આવતું ક્લોરિન અને અન્ય રસાયણો ત્વચા તથા વાળ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ક્લોરિન ત્વચાનું કુદરતી તેલ ઘટાડે છે, જેને કારણે ત્વચા સૂકી અને નિસ્તેજ બની શકે છે, જ્યારે વાળ બરડ થઈને તૂટવા માંડે છે. આવા સંજોગોમાં યોગ્ય સ્વિમ કૅર રૂટીન અપનાવીને ક્લોરિનની આડઅસરથી ઘણી હદ સુધી બચી શકાય છે.

૧. પૂલમાં ઊતરતાં પહેલાંની તૈયારી



પૂલમાં જતાં પહેલાં હંમેશાં સ્વચ્છ પાણીથી સ્નાન કરો. જ્યારે વાળ અને ત્વચા અગાઉથી જ સાફ પાણીથી ભીનાં હોય ત્યારે એ ક્લોરિનયુક્ત પાણીને ઓછા પ્રમાણમાં શોષે છે. ત્વચા પર હળવું વૉટર રેઝિસ્ટન્ટ મૉઇશ્ચરાઇઝર અથવા બૉડી-ઑઇલ લગાવો. વાળના રક્ષણ માટે લિવ-ઇન કન્ડિશનર, હેર સીરમ અથવા નાળિયેર કે ઑલિવ ઑઇલનો ઉપયોગ કરી શકાય. એ વાળ પર રક્ષણાત્મક પડ બનાવે છે જે ક્લોરિનની સીધી અસર ઘટાડવામાં મદદ કરે છે.


સ્વિમિંગ કરતાં પહેલાં ત્વચા પર વિટામિન-C સીરમ અથવા સ્પ્રે લગાવવાથી ક્લોરિનથી થતી ઑક્સિડેટિવ અસર ઘટાડવામાં મદદ મળી શકે છે. વાળના રક્ષણ માટે સારી ગુણવત્તાની સ્વિમ-કૅપ પહેરો. આંખને લાલાશ અને બળતરાથી બચાવવા સ્વિમિંગ-ગૉગલ્સ અને હોઠ માટે SPF-યુક્ત લિપ બામનો ઉપયોગ કરો. જો પૂલ ખુલ્લો હોય તો સૂર્યપ્રકાશ અને ક્લોરિનની ડબલ અસરથી બચવા માટે સ્વિમિંગ કરવાની લગભગ ૧૫ મિનિટ પહેલાં SPF 30+વાળું વૉટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં.

૨. સ્વિમિંગ કર્યા પછીની સંભાળ


પૂલમાંથી બહાર નીકળ્યા પછી શક્ય એટલી વહેલી તકે શાવર લો. ક્લોરિન લાંબા સમય સુધી ત્વચા પર રહે તો ડ્રાયનેસ અને બળતરાની શક્યતા વધી શકે છે. સ્નાન માટે ગરમ પાણીને બદલે ઠંડા અથવા નવશેકા પાણીનો ઉપયોગ કરો, કારણ કે વધુ ગરમ પાણી ત્વચાની શુષ્કતા વધારી શકે છે.

ત્વચા માટે માઇલ્ડ ક્લીન્ઝર અથવા બૉડીવૉશ અને વાળ માટે ક્લૅરિફાઇંગ શૅમ્પૂનો ઉપયોગ કરો, જે ક્લોરિન અને અન્ય રસાયણોના અંશને દૂર કરવામાં મદદ કરે છે. જો વાળમાંથી ક્લોરિનની ગંધ ન જતી હોય તો શૅમ્પૂ કર્યા પછી એક મગ પાણીમાં એક ચમચી ઍપલ સાઇડર વિનેગર મિક્સ કરીને એનાથી વાળ ધોઈ શકાય. આ સ્કૅલ્પનું pH સંતુલન જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.

૩. હાઇડ્રેશન, પોષણ અને વીકલી કૅર

શાવર લીધા પછી ત્વચા સહેજ ભીની હોય ત્યારે જ હાયલ્યુરોનિક ઍસિડ અથવા સેરામાઇડ્સ યુક્ત નરિશિંગ મૉઇશ્ચરાઇઝર લગાવો. જો સ્વિમિંગ પછી ત્વચામાં ખંજવાળ, લાલાશ અથવા બળતરા અનુભવાતી હોય તો અલોવેરા જેલ અથવા શાંત અસર આપતા મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકાય.

વાળમાં હાઇડ્રેટિંગ કન્ડિશનર અથવા હેર-માસ્કનો ઉપયોગ કરો. સ્વિમિંગ કરતી વખતે પણ શરીરમાંથી પરસેવો નીકળે છે અને ડીહાઇડ્રેશન થવાની શક્યતા રહે છે. એથી પૂલમાં ઊતરતાં પહેલાં અને બહાર આવ્યા પછી પૂરતા પ્રમાણમાં પાણી અથવા નાળિયેરપાણી પીવું જરૂરી છે. આ ઉપરાંત ડાયટમાં વિટામિન-C અને વિટામિન-E યુક્ત ખોરાકનો સમાવેશ કરો જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

અઠવાડિયામાં એક વાર હળવા સ્ક્રબથી ત્વચાને એક્સફોલિએટ કરો અને વાળમાં દહીં તથા મધનો હેર-માસ્ક લગાવો. આ ક્લોરિનને કારણે ગુમાવેલા મૉઇશ્ચરને પાછું લાવવામાં મદદ કરે છે. યોગ્ય કાળજી અને નિયમિત સ્વિમ કૅર રૂટીન દ્વારા સ્વિમિંગનો આનંદ માણવાની સાથે ત્વચા અને વાળને પણ સ્વસ્થ રાખી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK