Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ચાલો કિશોરકુમારના ઘરે જમવા

ચાલો કિશોરકુમારના ઘરે જમવા

17 November, 2022 05:22 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ગ્રેટ સિંગર કિશોરકુમારના જુહુના બંગલોમાં શરૂ થયેલી વન8-કૉમ્યુન રેસ્ટોરાં વિરાટ કોહલીની છે, જ્યાં બેસીને જમવાનો લહાવો અનેરો છે અને મજાની વાત એ કે બિલ પણ એવું તોતિંગ નથી આવતું

ચાલો કિશોરકુમારના ઘરે જમવા

ફૂડ ડ્રાઇવ

ચાલો કિશોરકુમારના ઘરે જમવા


બે વ્યક્તિ વચ્ચે મગાવેલી આ બધી આઇટમનું બિલ અંદાજે ત્રણથી સાડાત્રણ હજાર આવી શકે છે. કિશોરકુમારના ઘરમાં બેસાડી વિરાટ કોહલી જમાડે તો આ રકમ વધારે ન કહેવાય.

આજે આપણે વાત કરવાના છીએ એક સ્પેશ્યલ રેસ્ટોરાંની. 



મારા, તમારા, આપણા સૌના ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાની રેસ્ટોરાં ચેઇન શરૂ કરી છે. દિલ્હી, ચેન્નઈ અને પુણે પછી તેણે દોઢેક મહિના પહેલાં જુહુમાં શરૂ કરેલી આ રેસ્ટોરાં સ્પેશ્યલ જગ્યાએ છે. 


સૉલ્ટી કૅરમલ ટાર્ટ


વિરાટે આ રેસ્ટોરાં માટે કિશોરકુમારનો બંગલો રેન્ટ પર લીધો અને એનું બેઝિક સ્ટ્રક્ચર અકબંધ રાખ્યું છે. રેસ્ટોરાંનું નામ છે વન8-કૉમ્યુન. કૉમ્યુન એટલે કમ્યુનિટી અને આખી નાત સાથે બેસીને જમી શકે એટલી વિશાળ એ રેસ્ટોરાં છે પણ ખરી. 

કિશોરકુમારનો બંગલો અને એમાં પાછી વિરાટ કોહલીની રેસ્ટોરાં એટલે ત્યાં જવાનું તો બને જ. હું આ વિચાર કરતો જ હતો અને એવામાં મારા ખાસ મિત્ર એવા જયેશ વોરા દુબઈથી ત્રણ-ચાર દિવસનો પ્રોગ્રામ બનાવીને મુંબઈ આવ્યા. જયેશભાઈ મને કહે કે આપણે કોઈ યુનિક જગ્યાએ જમવા જઈએ અને મારા મનમાં વિરાટની રેસ્ટોરાં આવી ગઈ. પણ સાહેબ, હું કંઈ બોલું એ પહેલાં જ તેઓ બોલ્યા, વિરાટ કોહલીની રેસ્ટોરાં ચાલુ થઈ છે તો ચાલો ત્યાં લંચ માટે જઈએ. 

અવાકાડો ટાર્ટર

વિરાટની રેસ્ટોરાંમાં વૉક-ઇન કસ્ટમર અલાઉડ નથી, તમારે જવું હોય તો બુકિંગ કરીને જવાનું એટલે સીધા પહોંચી નહીં જતા. પહેલાં બુકિંગ કરાવી લેજો. 

પાર્લાથી જો તમે જુહુ તારા રોડ પર આવો તો જમણી બાજુએ મૅરિયટ આવે એનાથી જરા આગળ જતાં જુહુ બીચ આવે, જેને ક્રૉસ કરીને આગળ આવો એટલે ડાબી બાજુએ ગલીમાં કિશોરકુમારનો બંગલો આવે. આ જગ્યાએ કિશોરકુમાર બંગલો લખેલું મોટું બોર્ડ પણ છે. બાકી ગૂગલબાબા તો તમારી સહાયતા માટે છે જ. 

ટ્રફલ હની નેસ્કાફે

હું અને જયેશભાઈ તો પહોંચ્યા લંચ માટે. અમે જાતજાતની વરાઇટી મંગાવી પણ એ વરાઇટીની વાત કરતાં પહેલાં કહું કે અમે જે નહોતું મંગાવ્યું એ એક આઇટમ પણ અમારા બિલમાં ઍડ થઈને આવી. એ આઇટમનું નામ હતું બ્લુ પાઇન વૉટર. આ રેસ્ટોરાંમાં બીજું કોઈ પાણી જ નથી મળતું. અમે ગયા કે તરત પાણીની બૉટલ ટેબલ પર આવી અને અમે એ પી ગયા, પણ પછી જ્યારે બિલ હાથમાં આવ્યું ત્યારે ખબર પડી કે એ પાણીના ૨૬૯ રૂપિયા બિલમાં ઉમેરાઈ ગયા છે. આ બ્લુ પાઇન વૉટર નૉર્મલ મિનરલ વૉટર કરતાં ઘણું મોંઘું છે. છેક હિમાલયથી નૅચરલ વૉટર બૉટલમાં ભરી એ દરેક જગ્યાએ પહોંચાડવામાં આવે છે, પણ એમ છતાં તમને એક વાત કહું, મૉલમાંથી જો તમે આ પાણી ખરીદશો તો એ ૬૦ રૂપિયામાં મળશે. 

વન8-કૉમ્યુન મલ્ટિ-ક્વિઝીન રેસ્ટોરાં છે એટલે ઇન્ડિયન આઇટમની સાથે મેક્સિકન, ઇટાલિયન જેવાં બીજાં ક્વિઝીન પણ મળે. આ જે કૉન્ટિનેન્ટલ ક્વિઝીન છે એમાં મારું જ્ઞાન અધકચરું પણ મારા મિત્ર જયેશભાઈ આ બાબતે ચૅમ્પિયન. તેમની સાથે જવાનું આ પણ એક કારણ કે એ મને બધું સમજાવી શકે. 

અવાકાડો સ્પિનૅચ એડમામે સૅલડ

વન8-કૉમ્યુનની ખાસિયત કહું. અહીં જે આઇટમનાં નામો હતાં એ જે-તે દેશની વાનગીઓ હોય એના નામ સાથેનાં હતાં. જેમ કે અમે ક્રિસ્પી ગનપાઉડર ઓકરા મંગાવ્યું. હવે આ ઓકરા એટલે શું? ઓકરા એટલે આપણા સાદા ભીંડા. કહેવાનો ભાવાર્થ એટલો કે આવાં નામો મેનુમાં વાંચીને અંજાઈ ન જતા. તમારી બાજુમાં તમારો મોબાઇલ પડ્યો જ હશે. તમે ગૂગલ કરશો તો તમને એનો ઇન્ડિયન અર્થ સમજાઈ જશે. 

અમે નક્કી કર્યું હતું કે જે વિરાટની ફેવરિટ આઇટમ છે એ જ મંગાવીશું. વિરાટ કે પછી બીજા ક્રિકેટરો સૅલડ બહુ ખાતા હોય છે એટલે અમે સૌથી પહેલાં અવાકાડો સ્પિનૅચ એડમામે સૅલડ મંગાવ્યું. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે વિરાટ કોહલીની બધી જ આઇટમમાં અવાકાડોનો ભરપૂર ઉપયોગ થાય છે. અવાકાડો ખૂબ જ હેલ્ધી છે અને નિયમિત ડાયટ કરતા લોકો અવાકાડો ખાતા જ હોય છે. 

મશરૂમ ગૂગલી ડિમસમ

આપણે ત્યાં અવાકાડો ખૂબ મોંઘાં મળે છે પણ અમે યુગાન્ડાના કમ્પાલામાં શો કરવા ગયા તો ત્યાં અવાકાડો મફતના ભાવે મળતાં હતાં. અમારી ટીમમાં ડાયટ કરતી બન્ને ઍક્ટ્રેસે તો થેલા ભરી-ભરીને અવાકાડો લીધાં એમ કહું તો ચાલે. 

ફરી વન8-કૉમ્યુન પર આવીએ. અવાકાડોનો આ રેસ્ટોરાંમાં બહુ ઉપયોગ થાય છે. અવાકાડોમાં પાલકના રોલ બનાવીને આપે. પાલકને ગરમ કરીને એના રોલ બનાવવામાં આવે અને રોલ સાથે એડમામે એટલે કે એક જાતના મોટા વાલ આપે. અમે મગાવ્યું હતું એ અવાકાડો સ્પિનૅચ એડમામે સૅલડ પ્રોટીનયુક્ત છે. મને એમાં ખૂબ જ મજા આવી ગઈ. સૅલડ સાથે સોયા સૉસ આપ્યો હતો, જેનું સાચું નામ સોય સૉસ છે. બજારમાં મળતા સસ્તા સોય સૉસમાં કેમિકલ અને ઍસિડનું પ્રમાણ વધારે હોય છે પણ અહીં કે પછી દરેક મોટી અને મોંઘી રેસ્ટોરાંમાં નૅચરલ સોય સૉસ આપતા હોય છે. આપેલો સોય સૉસ સૅલડ પર રેડીને પછી એ ખાવાનું હતું. આઇટમ ખરેખર સારી, એનો જે બેઝિક પાલકનો ટેસ્ટ હતો એ જ અમને આવતો હતો તો જે અવાકાડો સરસ રીતે કાપીને સજાવ્યાં હતાં એનો પણ ટેસ્ટ સરસ આવતો હતો, જ્યારે એડમામે માત્ર બાફેલા હતા. 

વાત આગળ વધારતાં પહેલાં એક ચોખવટ કરી દઉં. ખૂબ તીખું કે મસાલેદાર ખાવાના શોખીન હોય તો તેણે આ પ્રકારની રેસ્ટોરાંમાં જવું નહીં, કારણ કે અહીં જે આઇટમ મળે છે એ હેલ્ધી હોય છે અને વિરાટ પોતે પણ ફિટ રહેવાવાળો છે એટલે નૅચરલી તેની રેસ્ટોરાંમાં જે મળે એ મસાલાની બાબતમાં રીઝનેબલ જ હોય. 

એ પછી અમે ઑર્ડર કર્યો ટ્રફલ હની નેસ્કારફો. આ ઇટાલિયન આઇટમ છે, જે ગાયના દૂધના ક્રીમમાંથી બનાવવામાં આવે છે. નેસ્કારફો એક પ્રકારનું ક્રીમ છે, એની ઉપર હની નાખ્યું હોય અને સાથે એકદમ થિન ટોસ્ટ આપવામાં આવે જે તમારે હની-ક્રીમના કૉમ્બિનેશનમાં ડિપ કરીને ખાવાનું. મધની સ્લાઇટ ગળાશ અને એટલો જ હળવો ટેસ્ટ પેલા દૂધના ક્રીમનો. એ પછી અમે મંગાવ્યું ક્રિસ્પી ગનપાઉડર ઓકરા. ગનપાઉડર સાઉથ ઇન્ડિયાનો મસાલો છે, જેને એ લોકો ગનપાઉડર કે મૂલગાપૂડી કહે છે. ઘણા મસાલા ભેગા કરીને બનતો આ ગનપાઉડર સહેજ તેલમાં તળીને ક્રિસ્પી કરેલા ભીંડા પર છાંટ્યો હોય. મસાલેદાર ખાવાના શોખીન હોય તેને આ આઇટમમાં મજા આવી જાય, પણ આ વરાઇટી પણ એકદમ મસાલેદાર કે તીખી નથી. પ્રમાણમાં હેલ્ધી છે અને એમાંથી પુષ્કળ પ્રોટીન મળે છે.

વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે આ બધી વિરાટ કોહલીની ફેવરિટ આઇટમ છે. એ પછી અમે મગાવી કોહલીની ફેવરિટ એવી ડિશ મશરૂમ ગૂગલી ડિમસમ. તમે ફોટોમાં જોશો તો દેખાશે જેને આપણે મોમો કહીએ છીએ. હેલ્ધી વરાઇટી. આ ડિમસમને પહેલાં તો સ્ટીમ કરવામાં આવે. આપણા મોદક આકારના આ ડિમસમમાં મશરૂમનું પૂરણ ભરવામાં આવ્યું હોય. આ ડિમસમ મરૂન કલરનાં હતાં એટલે મને થયું કે શું મરૂન કલર લાવવા માટે આર્ટિફિશ્યલ કલર નાખ્યો હશે? મેં તરત મૅનેજરને પૂછ્યું તો તેણે કહ્યું કે એમાં બીટ છે, કુકિંગ દરમ્યાન એ બીટમાંથી મરૂન કલર સ્પ્રેડ થાય. 

ક્રિસ્પી ફ્રાઇડ ઓકરા

મશરૂમ ગૂગલી ડિમસમની સાથે ઑરેન્જ ચીઝ બેઝ્ડ સૉસ હતો, જેમાં ડિપ કરીને ખાવાના હતા. મને મોમો બહુ ભાવે એટલે નૅચરલી ડિમસમ પણ મને બહુ ભાવ્યાં. એ પછી અમે મંગાવ્યું અવાકાડો ટાર્ટર. અવાકાડો પર એક લેયર હોય, જેમાં કૉર્ન અને અવાકાડોને ચોખાના લોટમાં બોળીને ફ્રાય કરવામાં આવે જેમ કે આપણાં ભજિયાં. એને જૅપનીઝમાં ટેમ્પુરા કહેવામાં આવે. એની સાથે શ્રીરચા ક્રીમ હોય. આ શ્રીરચા સૉસ તમને બજારમાં પણ મળશે. આ શ્રીરચા સૉસની પણ એક વાર્તા છે. શ્રીલંકાના એક ફૅમિલીએ આ સૉસ ઇન્વેન્ટ કર્યો હતો, જે ફૅમિલીનું નામ હતું શ્રીરચા. એ બહુ પૉપ્યુલર થયો એટલે દુનિયાભરની કંપનીઓ શ્રીરચા સૉસ બનાવવા લાગી. એની ઉપર પોન્ઝી સોય સૉસ નાખવામાં આવ્યો હતો. લીંબુને જૅપનીઝમાં પોન્ઝી કહેવાય. બહુ ટેસ્ટી હતું. વધારે મસાલાવાળું ખાવા ઇચ્છતા હોય તે અવાકાડો ટાર્ટર મગાવી શકે છે. અવાકાડોની સૉફ્ટનેસ અને જૅપનીઝ ટેમ્પુરાની ક્રન્ચીનેસનો અદ્ભુત સુમેળ.

ત્યાર પછી અમે મંગાવી ટારો લિફ વડી. એ બીજું કશું જ નથી પણ આપણાં પાતરાં કે પછી મરાઠીઓમાં હોય છે એ ભાખરવડી જેવી જ વરાઇટી હતી. પાતરાના ત્રણ પીસ હોય અને એમાં અવાકાડોના નાના ટુકડા, બદામ, દાડમ અને એ બધું નાખ્યું હોય. એ પાતરાને કારણે એ અવાકાડોનો આખો ટેસ્ટ બદલાઈ જાય. એ પણ સરસ આઇટમ હતી. 

બકાસુર બનીને બહુ બધું ખાધા પછી અમે છેલ્લે ડિઝર્ટમાં મગાવ્યું સૉલ્ટેડ કૅરૅમલ ટાર્ટ. આ જે ટાર્ટ છે એ એક જાતનું બ્રેડનું પડ હોય અને એમાં કૅરૅમલ અને આઇસક્રીમ હોય. ખારું અને ગળ્યું બન્ને ટેસ્ટ સાથે મળે એ આજકાલ બહુ ચાલ્યું છે. હું હમણાં અમેરિકા ગયો ત્યાં પણ મેં એવાં ક્રીમ બિસ્કિટ જોયાં જેમાં ક્રીમના બે લેયર હોય, જેમાંથી એક સ્વીટ હોય અને બીજું લેયર સૉલ્ટી હોય, ખારો અને ગળ્યો બન્ને સ્વાદ મળે. એ જ સ્વાદ સૉલ્ટેડ કૅરૅમેલ ટાર્ટનો હતો. વૅનિલા આઇસક્રીમ પર આ ટાર્ટ મૂકવામાં આવ્યું હતું. જમાવટ થઈ ગઈ.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2022 05:22 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK