દાદરમાં હિન્દુ કૉલોનીમાં આવેલી દાયકાઓ જૂની IES કૅન્ટીન એની મહારાષ્ટ્રિયન વાનગીઓ માટે જાણીતી છે
IES કૅન્ટીન
બહાર નીકળ્યા હોઈએ અને ભૂખ લાગે તો આપણી નજર આસપાસ આવેલી રેસ્ટોરાં અથવા તો કૅફે પર પડે છે પણ ક્યારેય સાંભળ્યું છે કે ભૂખ લાગી હોય અને નજર કૅન્ટીન શોધે? નહીંને? પણ આજે આપણે એવી એક કૅન્ટીનની વાત કરવાના છીએ જેને લોકો શોધી-શોધીને ત્યાં ખાવા માટે જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ દાદરમાં આવેલી IES કૅન્ટીનની.
દાદરમાં હિન્દુ કૉલોનીમાં આવેલી IES કૅન્ટીનનો ઇતિહાસ ઘણો જૂનો છે. IES સ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલી આ કૅન્ટીનનું ફૂડ એટલું ટેસ્ટી છે કે વિદ્યાર્થીઓને તો ભાવે જ છે અને સાથે-સાથે તેમના પેરન્ટ્સને પણ એ એટલું જ પસંદ છે. આ કૅન્ટીનની ખાસિયત એ છે કે અહીં કોઈ પણ જઈને ખાઈ શકે છે. એના ફૂડની પ્રખ્યાતિ એટલીબધી વિસ્તરી છે કે આજે અહીં માત્ર વિદ્યાર્થીઓ અને પેરન્ટ્સ જ નહીં પણ દાદર અને એની આસપાસમાં રહેતા લોકો પણ સ્પેશ્યલ મહારાષ્ટ્રિયન ડિશનો આસ્વાદ માણવા આવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં મહારાષ્ટ્રિયન વાનગીઓને અસલ ઢબે અને પરંપરાગત ટેસ્ટ સાથે પીરસવામાં આવે છે. અહીં સૌથી વધુ ખવાતી ડિશમાં પૂરણપોણી આવે છે જેને ડીપ ફ્રાય નહીં પણ પ્રૉપર રોસ્ટ કરીને આપવામાં આવે છે. આ સિવાય અહીંનાં દહીંવડાં ખૂબ જ પ્રખ્યાત છે. બાઉલની અંદર ખૂબ જ સુંદર રીતે એને પીરસવામાં આવે છે. મહારાષ્ટ્રિયન વાનીની વાત ચાલતી હોય તો બટાટાવડાંને કેમ કરીને ભુલાય? અહીંનાં બટાટાવડાં અને સાથે આપવામાં આવતી લસણની ચટણી ભાગ્યે જ એવું કોઈ હશે જેને ન ભાવતાં હોય. આ સિવાય અહીં ફરાળની ડિશ જેમ કે સાબુદાણાનાં વડાં, ખીચડી વગેરે પણ મળે છે. સ્વીટમાં પણ અનેક વરાઇટી છે. જેમ કે શ્રીખંડ, ગુલાબજાંબુ, મગની દાળનો હલવો વગેરે. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયન ડિશમાં પણ અહીં ઘણા ઑપ્શન છે. આ કૅન્ટીન અઠવાડિયામાં સાતે દિવસ ખુલ્લી રહે છે.
ક્યાં મળશે? : IES કૅન્ટીન, સર ભાલચન્દ્ર રોડ, હિન્દુ કૉલોની, દાદર.

