ભજિયા-ઉસળનો સ્વાદ મને વડોદરામાં કરવા મળ્યો જે આજ સુધી મેં ક્યાંય કર્યો નહોતો. અદ્ભુત સ્વાદ અને સાવ નવું જ કૉમ્બિનેશન.
સંજય ગોરડિયા
ગયા વખતે હું તમને વડોદરાની ફૂડ-ડ્રાઇવ પર લઈ ગયો હતો. આજે પણ આપણે વડોદરામાં જ ફરવાનું છે. એવું શું કામ તો એનું કારણ કહું.
અમારે વડોદરામાં સાત દિવસ રહેવાનું હતું. એમાં મારા નાટકના શો અને અધૂરામાં પૂરું ફિલ્મનું શૂટિંગ પણ ચાલ્યા કરે એટલે પછી મને નવા લોકેશન પર જવાની તક જ નહોતી મળી. વડોદરામાં આ વખતે ક્યાં જઈશ અને શું નવું ટ્રાય કરીશ એવો મારા મનમાં વિચાર ચાલતો હતો ત્યાં મને મારા મિત્ર અને એક સમયના મારા નાટકના ઑર્ગેનાઇઝર ધૈવત જોષીપુરા યાદ આવ્યા. તે મને હંમેશાં કહે કે જ્યારે તમે વડોદરામાં રોકાવાના હો ત્યારે મને કહેજો, હું તમને મસ્ત જગ્યાનું સૂચન કરીશ. મેં તો કર્યો તેમને ફોન અને તેમણે મને એક લોકેશન મોકલ્યું અને સાથે નામ મોકલ્યું. નામ હતું, શ્રીકૃષ્ણ રેસ્ટોરાં. સ્પેલિંગ એનો ક્રિષ્ન થાય છે પણ એ લોકો બોલે છે કૃષ્ણ રેસ્ટોરાં.
અમે તો રવાના થયા. રેસ્ટોરાં છે એ અકોટા નામના એરિયામાં. અકોટામાં આવેલી આ તેમની બીજી બ્રાન્ચ છે. પહેલી બ્રાન્ચ એ લોકોની મદન ઝાંપા પાસે એટલે કે જૂના વડોદરામાં. પહોંચ્યા પછી મને ખબર પડી કે આ તો મહારાષ્ટ્રિયન રેસ્ટોરાં છે અને મારા પેટમાં ફટાકડા ફૂટવા માંડ્યા.
મેં મેનુમાં નજર કરી અને એક નવી વરાઇટી મારા ધ્યાનમાં આવી. ભજિયા-ઉસળ. મેં તો ઑર્ડર કર્યો ભજિયા-ઉસળનો. આ જે ભજિયા-ઉસળ છે એમાં ચાર ભજિયાં હોય જે ઉસળમાં નાખેલાં હોય. એક મોટા બાઉલમાં મેથીના ચાર મોટા ગોટા હતા. એમાં મેથીની ભાજીનું પ્રમાણ થોડું વધારે અને સહેજ ગળાશ પણ ખરી. આજકાલ આપણા ગુજરાતી ખાણામાં આવતી ગળાશની બહુ મજાક કરવામાં આવે છે, જે સાંભળીને મને કાળ ચડે. કહેવાનું મન થાય કે ભલા માણસ, એક વાર તું અમારું ગુજરાતી ભોજન ટ્રાય તો કર, જો તું એના પ્રેમમાં ન પડે તો મારું નામ બદલી નાખજે.
ઍનીવેઝ, મેં ભજિયા-ઉસળ ટ્રાય કર્યું. ગરમાગરમ ભજિયાં અને ગરમાગરમ ઉસળ. ફૂંક મારતાં જવાનું અને સહેજ-સહેજ ખાતાં જવાનું. જલસો પડી ગયો. આ આપણે ત્યાં કેમ શરૂ કરવામાં નથી આવ્યું એ મને હજી સુધી સમજાયું નથી. ભજિયા-ઉસળ પછી મેં મેનુમાં જોયું તો એમાં એક નામ હતું ચટાકુ. મેં તો ઑર્ડર કર્યો એ ચટાકુનો. આ જે ચટાકુ હતું એમાં પાતરાંનો ભૂકો કરી નાખવામાં આવ્યો હતો. પાતરાંના એ ભૂકા પર દહીં અને બીજી બધી ચટણી-મસાલા નાખીને તમને આપે. સાવ નવા જ પ્રકારનું મિક્સ્ચર મને એ દિવસે ટ્રાય કરવા મળ્યું અને મને મજા પણ આવી. એ પછી મેં જોયું કે હજી કંઈક નવું ટ્રાય કરીએ અને મારું ધ્યાન ગયું ફરાળી પાતરા પર એટલે મેં તો એનો ઑર્ડર કર્યો.
આવ્યાં મારાં ફરાળી પાતરાં, પણ દેખાવે ડિટ્ટો રેગ્યુલર પાતરાં જેવાં જ એટલે મેં માલિકને બોલાવીને પૂછપરછ કરી તો ખબર પડી કે એમાં ચણાનો લોટ વાપરવાને બદલે બે-ત્રણ પ્રકારના ફરાળી લોટ નાખીને બનાવવામાં આવ્યા હતા. સ્વાદ એવો તો અદ્ભુત કે તમને લાગે જ નહીં કે તમે ફરાળી આઇટમ ટ્રાય કરો છો. અદ્દલોઅદ્દલ રેગ્યુલર પાતરાંની જ મજા. હું બસ, મારું ખાણું પૂરું કરતો હતો ને ત્યાં મને થયું કે મહારાષ્ટ્રિયન રેસ્ટોરાંમાં આવીને બટાટાવડાં વિના પાછો જાઉં તો ન ચાલે એટલે મેં તો તરત મગાવ્યાં બટાટાવડાં.
આજકાલ આ બટાટાવડાં ખાવાનું ચલણ ઓછું થયું છે. આપણે પાંઉ સાથે જ વડું ખાઈએ છીએ પણ એ ખાવાની એક રીત આ પણ છે. માત્ર બટાટાવડાં ખાવાનાં. નેહરુ અને તેજપાલ ઑડિટોરિયમમાં મળતાં બટાટાવડાં મારાં ફેવરિટ છે. આ બટાટાવડાં પણ એકદમ આપણા મુંબઈનાં બટાટાવડાં જેવાં જ હતાં. ખાવામાં જલસો પાડી દે એવાં.
મારું મન માનતું નહોતું પણ હજી મારે શો માટે જવાનું હતું એટલે મેં મારો ભોજન-સમય પૂર્ણ કર્યો અને હું શ્રીકૃષ્ણ રેસ્ટોરાંમાંથી બહાર નીકળ્યો, પણ બહાર નીકળતી વખતે મેં નક્કી કરી લીધું કે હું તમને આ રેસ્ટોરાંનો આસ્વાદ માણવા માટે ચોક્કસ કહીશ. જો વડોદરામાં તમારાં કોઈ સગાં રહેતાં હોય કે પછી તમે ક્યારેય વડોદરા જવાના હો તો શ્રીકૃષ્ણ રેસ્ટોરાંની મુલાકાત અચૂક લેજો.
ભૂલતા નહીં.

