લોકો સૅલડથી લઈને સ્નૅક્સમાં પણ જેનો છૂટથી ઉપયોગ કરતા થયા છે એવા હેલ્ધી બીજને બ્રેકફાસ્ટમાં ઉમેરવાથી તમને વાળની સમસ્યાથી છુટકારો મળી શકે એવો દાવો થઈ રહ્યો છે ત્યારે જાણીએ કે કેટલો દમ છે આ આખી વાતમાં
પ્રતીકાત્મક તસવીર
શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળા સાથે આવતી કેટલીક કૉમન સમસ્યામાંની એક એટલે વાળનું રૂક્ષ થવું, વાળ બરછટ થવા અને વાળનું ખરવું. વાળનું ખરવું તો ખેર બારેય માસની બીમારી થઈ ગઈ છે અને વાળ ખરવાની ચિંતાથી લોકોના વધુ વાળ ખરી રહ્યા છે. જોકે તમારા વાળને હેલ્થ બક્ષી શકે છે કેટલાંક ટ્રેન્ડી સીડ્સ. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે જો તમે તમારા બ્રેકફાસ્ટમાં હેલ્ધી સીડ્સ ઉમેરશો તો એ તમારી હેરની સમસ્યામાં રામબાણ ઉપાય બની શકે છે.
દિવસનું પહેલું ભોજન
ADVERTISEMENT
સામાન્ય રીતે વાળ માટે જરૂરી એવાં ઝિંક, સેલેનિયમ જેવાં મહત્ત્વનાં મિનરલ્સ અને ન્યુટ્રીઅન્ટ્સ ડાયટમાંથી મિસિંગ હોય છે ત્યારે વાળને પ્રોટેક્ટ અને નરીશ કરતા સ્કેલ્પને સારા રાખવા માટે સ્ટ્રગલ કરવી પડતી હોય છે. જો એમ ન થાય તો લાંબા ગાળે વાળ બરછટ થઈ જાય અને વાળનું ટેક્સ્ચર બગડી જાય અને એનું ખરવાનું પણ વધી જાય છે. એ રીતે કેટલાંક સુપર સીડ્સ ખરેખર સારું પરિણામ આપી શકે છે. જોકે બ્રેકફાસ્ટમાં એને શું કામ સામેલ કરવા એ વિશે ડાયટિશ્યન કલ્પના શાહ કહે છે, ‘બ્રેકફાસ્ટ એ તમારા દિવસનું પહેલું ભોજન છે અને પહેલા ભોજનમાં તમે પેટમાં શું પધરાવો છે એનો પ્રભાવ ઘેરો હોય છે. માત્ર વાળની વાત નથી. તમારી ઓવરઑલ હેલ્થ, તમારા ડાયજેશન સાથે એનું કનેક્શન છે. અફકોર્સ, સીડ્સ સાચી રીતે તમે દિવસના કોઈ પણ ભાગમાં ખાઓ તો એનાથી ફાયદો તો થશે જ, પરંતુ જો સવારના સમયે ખાવામાં આવે તો દિવસની શરૂઆત જ હેલ્ધી અને ન્યુટ્રીશિઅસ ફૂડથી થાય જે સારી બાબત છે.’
ફ્લૅક્સ સીડ્સ
અળસીના બીજમાં પ્રચુર પ્રમાણમાં ઓમેગા-થ્રી નામનું ફૅટી ઍસિડ હોય છે જે તમારા સ્કૅલ્પ પર થતા સોજાને દૂર કરીને વાળનું ખરવાનું ઘટાડે છે. મૂળથી વાળને મજબૂત કરીને વાળને તૂટવાથી બચાવે છે. બીજું એક લિગનન્સ નામનું તત્ત્વ ફ્લૅક્સ સીડ્સમાં હોય છે જે હૉર્મોનલ બૅલૅન્સમાં મદદ કરે છે અને વાળની ડેન્સિટીને સુધારે છે જે સંશોધન દ્વારા પ્રૂવ પણ થયું છે. ફ્લૅક્સ સીડનો ભુક્કો કરીને કોઈ પણ ગરમ નાસ્તામાં અને એકથી બે ચમચી જેટલું ઉમેરી શકાય. ઈવન મિલ્ક શેક કે સ્મૂધીમાં પણ એ ટેસ્ટી લાગે છે.
સનફ્લાવર સીડ્સ
વિટામિન E અને ઝિંક એ સનફ્લાવરમાં સર્વાધિક માત્રામાં હોય છે. રિસર્ચરોએ સાબિત કર્યું છે કે વિટામિન E વાળના ફૉલિકલ્સને કવચ પ્રદાન કરે છે અને સ્ટ્રેસને કારણે શરીરમાં થતા નકારાત્મક બદલાવોથી બચાવે છે, જ્યારે ઝિંક એ વાળને રિપેર કરવામાં અને વાળ માટે જરૂરી હેલ્ધી ઑઇલ પ્રદાન કરવાનું કામ કરે છે જેથી નવેસરથી હેરગ્રોથમાં એ ઉપયોગી બને છે. તમારી સૅન્ડવિચ કે સવારે બનતા ગરમ નાસ્તામાં અથવા અમસ્તા જ સ્નૅક્સની જેમ શેકેલાં સૂર્યમુખીનાં બીજ ખાશો તો અન્ય હેલ્થ બેનિફિટ્સ સાથે વાળને મદદ કરશે.
ચીયા સીડ્સ
પ્રોટીન, ફાઇબર અને ફૉસ્ફરસથી ભરપૂર એવાં ચીયા સીડ્સ વાળ માટે મહત્ત્વનું પ્રોટીન પૂરું પાડે છે. સાથે જ ફાઇબર અને ફૉસ્ફરસ એનર્જીને મેઇન્ટેન કરવામાં અને ફૉલિકલને સારી માત્રામાં પોષક તત્ત્વો પહોંચાડવામાં ઉપયોગી છે. ચીયા સીડ્સને હંમેશાં પાણીમાં પલાળીને જ ખાવાં જોઈએ. પોણો કલાકથી એક કલાક પલાળેલાં ચીયા સીડ્સ ડાયરેક્ટ્લી અથવા તો કોઈ જૂસ અથવા સ્મૂધી સાથે પી શકાય.
સેસમી સીડ્સ (કાળા અને સફેદ તલ)
શિયાળો આમ પણ તલ ખાવાની સીઝન છે. કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને આયર્નનો સુંદર સ્રોત મનાતા તલ હેરગ્રોથમાં સારું પરિણામ આપી શકે એવું અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ડર્મેટોલૉજીમાં કહેવાયું છે. તલમાં રહેલું લોહતત્ત્વ પોષક તત્ત્વના અભાવને કારણે ખરતા વાળને રોકે છે. સ્કૅલ્પને નરિશ કરવાની સાથે હેર ફૉલિકલ્સને મજબૂતી આપે છે અને વાળને ઉંમરથી વહેલા સફેદ થતાં અટકાવે છે. ગરમ નાસ્તામાં અન્ય સીડ્સની જેમ તલને પણ ઉમેરી શકાય.
પમ્પકિન સીડ્સ
કોળાના બીજમાં ઝિંક અને કૉપર સારી માત્રામાં હોવાથી હેરગ્રોથ બહેતર બને છે. ખરતા વાળ અટકે છે અને ઓવરઑલ વાળને કાળા રાખવામાં કૉપર ઉપયોગી છે, કારણ કે કૉપર એ મેલેનિનનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે જેથી વાળા કાળા ભમ્મર રહે છે. તરત જ શેકાઈ જતાં અને સ્વાદમાં પણ સરસ લાગતાં પમ્પકિન સીડ્સને ઇડલી-ઢોસા કે દલિયા વગેરેમાં ઉમેરીને ખાઈ શકાય.
કેટલા પ્રમાણમાં ખાઈ શકાય?
બધાં જ સીડ્સની પોતાની ખાસિયત છે પરંતુ ખૂબ વધુ માત્રામાં અને એકસાથે બધાનું સેવન નુકસાન કરી શકે છે એમ જણાવીને ન્યુટ્રિશનિસ્ટ કલ્પના શાહ કહે છે, ‘કોઈ પણ એક સીડ અથવા તો બધાં જ ભેગાં કરીને બનાવેલા મિક્સચરને વધુમાં વધુ બે નાની ચમચી જેટલું દિવસ દરમ્યાન ખાઈ શકાય. વાળ માટે ફ્લૅક્સ સીડ્સ અને ચીયા સીડ્સ બેસ્ટ છે. આ પાંચ સીડ્સમાંથી ચીયા સીડ્સ એક છે જેને પલાળીને જ ખાવા જોઈએ. પાઉડર ફૉર્મમાં આ સીડ્સનું સેવન વધુ હિતકારી છે અને એનું ઍબ્ઝોર્બ્શન ચાલીસથી પચાસ ટકા જેટલું વધારે થાય છે. હા, સીડ્સ ઓવરહીટ કર્યા વિના ખાવાનું વધુ પ્રિફરેબલ છે. અન્યથા એમાં રહેલાં પોષક તત્ત્વોને નુકસાન થઈ શકે છે.’
આટલું ધ્યાન રાખવું
આ સીડ્સની સાથે પાણીનો ઇન્ટેક પણ પૂરતો હોય એ મહત્ત્વનું છે. અન્યથા બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે. એ સિવાય કોઈને સીડ્સની ઍલર્જી તો નથી એ ચકાસણી ખાસ કરવી જોઈએ. દરેક વખતે ન્યુટ્રિશન્સની ડેફિશિઅન્સીને કારણે જ હેરલૉસ નથી થતો હોતો. ઘણી વાર કોઈ અન્ય હેલ્થ સમસ્યાને કારણે પણ થઈ શકે છે. જેમ કે થાઇરૉઇડની સમસ્યા હોય ત્યારે પણ હેરફૉલ થાય છે જેમાં આ સીડ્સથી લાભ થવાની સંભાવના ઘટી જાય છે.


