Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ક્યાં જતી રહી છે આપણી સહનશક્તિ?

ક્યાં જતી રહી છે આપણી સહનશક્તિ?

16 November, 2021 12:31 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ઇન્ટરનૅશનલ ડે ફોર ટોલરન્સ : તમારી સાથે પણ એવું થયું હશે કે જરાક તમારી ઇચ્છાથી વિપરીત કંઈક બને ને તમે અકળાઈ જાઓ. ડિપ્રેશન, સુસાઇડ, હિંસા અને સતત આતંકનું વાતાવરણ ક્યાંક ને ક્યાંક સમાજના દરેક ઢાંચાની ઘટી રહેલી સહનશક્તિનું જ પરિણામ છે. કેમ થાય આવું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્ત્રીઓને સહનશક્તિની મુરત કહેતા આપણે ત્યાં. દરેક સંજોગમાં મહિલાઓ પડ્યું પાનું નિભાવી લેતી અને દરેક સંજોગમાં સમતા રાખીને પરિસ્થિતિને સહન કરી લેતી. આજે એવું નથી. આજની મહિલાઓ અન્યાય સહન નથી કરતી. ખોટું થતું હોય તો અવાજ પણ ઉઠાવે છે અને જરૂર પડે ત્યારે હથિયાર પણ. તો શું મહિલાઓ ઇન્ટૉલરન્ટ થતી જાય છે? આ પ્રશ્નના જવાબમાં જાણીતાં ઍકૅડેમિશ્યન અને મહિલા હિત માટે લડતાં ચળવળકાર ડૉ. વિભૂતિ પટેલ કહે છે, ‘ના, જરાય નહીં. મહિલાઓ જ ઇન્ટૉલરન્ટ થઈ ગઈ છે એવું કહેવા માગો છો તો જવાબ સ્પષ્ટ ના છે. પરંતુ જો એમ કહેતા હો કે આખો સમાજ ઇન્ટૉલરન્ટ થતો જાય છે અને સમાજના દરેક પાસાની સહનશક્તિ નબળી પડી છે તો આ વાત સ્વીકાર્ય છે. મહિલાઓ જ શું કામ પુરુષો, વડીલો અને નાનાં-નાનાં બાળકોની સહનશક્તિને અસર પડી છે અત્યારના સમયમાં. પહેલાંની જેમ મહિલાઓ આજે તેમના પર થતા અન્યાયને સહન નથી કરતી, કારણ કે આજે પર્યાય છે. પહેલાં મહિલાઓ પાસે સહન કરવા સિવાય કોઈ પર્યાય જ નહોતો. એ સહનશક્તિ લાદેલી હતી, જે સિનેરિયો હવે પૂરેપૂરો બદલાયો છે.’

આજે ઇન્ટરનૅશનલ ડે ફૉર ટૉલરન્સ છે. ૧૯૯૬થી યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર થયેલા આ દિવસની શરૂઆત પાછળનું ધ્યેય હતું મતભેદનો સહજ સ્વીકાર વધે સમાજમાં. વૈશ્વિક સ્તરે તમારાથી ભિન્ન વિચાર, વાણી, સંસ્કૃતિ કે રીતભાત ધરાવતા પ્રત્યે આદર રાખો, તેમનો તેઓ છે એ જ રીતે સ્વીકાર કરો અને તેમની ભિન્નતાને આવકારો; આ સંદેશની અવેરનેસ લાવવા ટૉલરન્સ ડેનું સેલિબ્રેશન વિશ્વભરમાં થાય છે જેથી ધર્મના નામે થતા હિંસાના બનાવો ઘટે. જોકે આવું થઈ નથી રહ્યું. ઇન ફૅક્ટ સામાન્ય બાળકથી લઈને વડીલ કક્ષાએ પહોંચેલી વ્યક્તિમાં પણ આજકાલ ટૉલરન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. એની પાછળનાં કારણો પર વાત કરીએ.



સ્પર્ધાનો જમાનો


સર્વાઇવલ વૉર આજે વધુ આકરી બની છે જેણે ટૉલરન્સ ઘટાડવાનું કામ કર્યું છે. આ સંદર્ભે મણિબહેન નાણાવટી કૉલેજનાં સાઇકોલૉજી વિભાગનાં હેડ સિસિલિયા ચેટિઆર કહે છે, ‘આપણે સતત ડર વચ્ચે જીવી રહ્યા છીએ. ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ જુઓ તો એમાં પણ સતત ડરને ઇન્સ્ટિલ કરીને પ્રોડક્ટ વેચવામાં આવે છે. અજાણતાં જ ધીમે-ધીમે સર્વાઇવલ સાથે ભયને આપણે જોડી દીધો છે. નહીં ભણે તો નોકરી નહીં મળે, આ સૅનિટાઇઝર નહીં વાપરે તો ઇન્ફેક્શન થઈ જશે, આમ કરીશું તો મરવાનો વારો આવશે, ફલાણું થશે તો જીવને જોખમ છે જેવા વિચારો વચ્ચે કયા માણસમાં સહનશીલતા બની રહે? આપણી સર્વાઇવલ વૉરે આપણને રેસના ઘોડા બનાવી દીધા છે, જેને કારણે ધીરજ આપણામાં રહી નથી અને દોડમાં સતત પાછળ રહી જવાનો, દુનિયા સામે ટકી નહીં શકવાનો ભય તો અકબંધ જ છે.’


ડૉ. વિભૂતિ પણ આ વાતને સ્વીકારે છે અને આગળ ઉમેરે છે, ‘જીવન જિવાય નહીં પણ સતત એમાં દોડવાનું જ હોય તો માણસમાંથી સહજ ઍક્સેપ્ટન્સ ઘટતું જાય. સ્પર્ધાત્મક વાતાવરણે આપણામાંથી સ્વીકારભાવ ઓછો કરી નાખ્યો છે અને સ્વીકાર કર્યા વિના સહનશીલતાનો ગુણ કેળવાય જ નહીં. આપણા કરતાં કોઈ બહેતર હોઈ શકે, ક્યારેક નાપાસ પણ થવાય એ તો, આર્થિક સંકડાશ પણ આવે ક્યારેક, આપણી જૂની લક્ઝરીમાં પણ કાપ મૂકવો પડે ક્યારેક જેવી વાતોમાં બ્રૉડનેસ સાથે સ્વીકારભાવ ન આવે તો આગળ વધાય જ નહીં. શાંતિમય સહઅસ્તિત્વને સ્વીકારો પછી જ વ્યક્તિ સહનશીલતાના ગુણને વિકસાવી શકે. બીજું એક કારણ છે કે વ્યક્તિની પરિવાર વ્યવસ્થા પોકળ બનતી જાય છે. ક્યાંક માણસ એકલો પડી રહ્યો છે. બળ સંયુક્ત રહેવામાં હોય, હિંમત અને સાહસ સાથે રહેવામાં હોય એવું એકલી વ્યક્તિમાં ન હોય. સંકટ સમયે તો સ્ટ્રૉન્ગ સપોર્ટ સિસ્ટમની ખાસ જરૂર પડતી હોય છે પરંતુ એ હવે વિખેરાઈ રહી છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સનો ગયા અઠવાડિયે આવેલો રિપોર્ટ કહે છે કે છેલ્લાં પોણાબે વર્ષમાં સ્મૉલ બિઝનેસ ધરાવતા વેપારીઓએ સૌથી વધુ આપઘાત કર્યા. આવું ક્યારે થાય જ્યારે વ્યક્તિ એ પ્રેશર સહન ન કરી શકે અને સાથે તેને સહન કરવામાં મદદરૂપ થાય એવા પરિવાર સાથે પણ પેટછૂટી વાત ન થતી હોય. પરસ્પર ભરોસો કે અવલંબન જેવું ન હોય. સહનશીલતા એટલે ટકી રહેવા માટેનું તમારું માનસિક ધૈર્ય, જે આ જ એકલતાને કારણે ખોટકાયું છે. બાળકો પર કેટલું પ્રેશર છે! પહેલેથી જ બેસ્ટ બનવાનું છે એવું કહી દેવામાં આવે છે. મુકદ્દર કા સિકંદર નહીં બનો તો લોકો તમને બંદર કહેશે. નાની-નાની વાતમાં તેમને લૂઝરનો ટૅગ આપી દેવામાં આવે છે. મા-બાપ જ જ્યાં તુલના કરતાં હોય પોતાનાં બે સંતાનો વચ્ચે ત્યારે ધીમે-ધીમે એની અસર બાળકોના ટૉલરન્સ લેવલ પર પડવાની જ.’

ભિન્નતા પ્રત્યે દ્રોહ

અસ વર્સસ ધેમવાળી મેન્ટાલિટીએ પણ ટૉલરન્સ લેવલ ઘટાડવામાં સાઇલન્ટ્લી મોટી ભૂમિકા અદા કરી છે એમ જણાવીને સિસિલિયા ચેટિઆર કહે છે, ‘જ્યારે તમે ટૉલરન્ટ ન હો ત્યારે તમે રિજિડ હો. અમુક જગ્યાએ સ્ટક થયેલા છો એટલે અનાયાસ તમે પોતે અને તમારાં બાળકોમાં પણ આપણે અને પેલા લોકો જુદા છીએ અને તેમનાથી સંભાળજે હં, આ લોકો તો એવા જ છે જેવી વાતો કહીને બાળકોના મનમાં પણ બાયસ અને પ્રેજુડિસ ભરતા હોઈએ છીએ. અલગ હૈ તો ગલત હૈ, જે તેમના ટૉલરન્સ લેવલને અફેક્ટ કરે છે. બીજું, અહીં એ પણ કહીશ કે આપણું વાતાવરણ, આપણું એન્વાયર્નમેન્ટનું પણ આપણા માઇન્ડ પર રિફ્લેક્શન પડતું હોય છે. આજે આપણે એટલી કન્જસ્ટેડ જગ્યાઓમાં રહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આપણા માઇન્ડમાં પણ એ સંકુચિતતા રિફ્લેક્ટ થઈ રહી છે. પરિસરની ગીચતા મનમાં પણ વ્યાપી છે જેણે આપણી કૉગ્નિટિવ કૅપેસિટી ઘટાડી છે. આપણે લાંબું વિચારવા જ તૈયાર નથી. સોશ્યલ મીડિયા, જીવનમાં આવેલી ઝડપ, ઇન્સ્ટન્ટ લાભ માટેની લાલચ વગેરે કારણોને લીધે કૉગ્નિટિવ લોડ એટલે કોઈ પણ માહિતીને પ્રોસેસ કરવાની તમારા મસ્તિષ્કની ક્ષમતા સામે માહિતીનો સતત મારો છે એટલે થોડુંક થોભવું અને થોભીને વિચારવું, તટસ્થતાથી વિચારવું એ બધા ફેઝ ગયા જેણે પણ આપણી સહનશક્તિને અસર પહોંચાડી છે. વૅલ્યુ બેઝ્ડ નહીં પણ મટીરિયલ બેઝ્ડ સોસાયટી બનતી જાય છે. તમે કેવાં કપડાં પહેર્યાં છે, તમે ક્યાં રહો છો, તમારી પાસે કઈ ગાડી છે એના બેઝ પર તમે કેવા માણસ છો એનું ઇવૅલ્યુએશન કરવાની બદલાયેલી સોસાયટીની મેન્ટાલિટી પણ સહનશક્તિ ઘટવા પાછળ મહત્ત્વનું કારણ છે. માનવ માટેની જે કોર વૅલ્યુઝ હતી એ ગાયબ છે. સાઇકોલૉજીમાં અમે ફ્રસ્ટ્રેશન ટૉલરન્સ શબ્દ વાપરીએ છીએ. લોકો ફ્રસ્ટ્રેશન પણ ટૉલરેટ નથી કરી શકતા. પહેલાં કહેવાતું કે ઘી સીધી આંગળીથી ન નીકળે તો આંગળી વાંકી કરો. આજે આંગળી વાંકી કરવા જેટલો લોડ પણ કોઈને નથી લેવો. તેમને તેમની જ રીતે બધું જોઈએ છે. આપણે સોલ્યુશન ફોકસ્ડ નહીં પણ પ્રૉબ્લેમ ફોકસ્ડ બનતા જઈએ છીએ.’

સોલ્યુશન શું?

સહનશક્તિ વધારવા માટે સહેજ ધીમા પડવાની જરૂર છે. માનસશાસ્ત્રનાં નિષ્ણાત સિસિલિયા ચેટિઆર કહે છે, ‘રોજ સવારે ઊઠીને પાંચ મિનિટ ઊંડા શ્વાસ લો. ધીમા પડવાની આ સૌથી પહેલી રીત. બીજું, જે પણ કરો એમાં મન લગાવીને કરો. જે સલાહ પહેલાંના જમાનામાં દાદી-નાનીઓ આપતાં. માઇન્ડફુલનેસ એટલે જે પણ કરતા હો એમાં જ ધ્યાન હોય અને ભૂતકાળ કે ભવિષ્યમાં નહીં. આ પ્રૅક્ટિસ તમારી વૈચારિક ક્ષમતા ખીલવશે. બહારનું વિશ્વ સંકુચિત છે તો અંદરનું વિશ્વ સુંદર બનાવવાના પ્રયાસ કરો. તમારા ઘરમાં નકામી વસ્તુઓ કાઢો. ઓપન સ્પેસ રાખો. એન્વાયર્નમેન્ટની ગીચતાને દૂર કરવાના તમારા પ્રયાસો તમારા મનની ગીચતાને દૂર કરવામાં મદદ કરશે. વચ્ચે-વચ્ચે નવરાશનો સમય કાઢો. આ હળવાશ તમારામાં ધીરજ અને સહનશક્તિ બન્નેને વધારવામાં ધીમે-ધીમે મદદ કરશે. લીડરશિપ પોઝિશન પર રહેલા લોકોએ પણ પ્રેશરકુકર થવાને બદલે તેમની ટીમના સભ્યોને સહજ મોકળાશ મળે એવા પ્રયાસો કરવા જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2021 12:31 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK