Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વૉકની સાથે-સાથે આ કામ કરશો તો શરીર સાથે મન પણ રહેશે સ્વસ્થ

વૉકની સાથે-સાથે આ કામ કરશો તો શરીર સાથે મન પણ રહેશે સ્વસ્થ

Published : 01 December, 2025 11:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર આજકાલ કલર-વૉકનો ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે. એમાં લોકો સવારે વૉક કરવા નીકળે ત્યારે એક જ કલર પર પોતાનું ધ્યાન રાખે છે. રસ્તામાં ચાલતી વખતે એ કલરની વસ્તુ દેખાય એને નોટિસ કરે છે. આવું કરવાથી શું ફાયદો થાય છે એ આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિચારો કે તમે દરરોજની જેમ ૧૦,૦૦૦ સ્ટેપ્સ પૂરાં કરવા માટે બહાર લટાર મારવા નીકળો છો. શરૂઆત તો સામાન્ય રીતે જ થાય છે, પણ ધીરે-ધીરે તમારું ધ્યાન એક જ રંગની વસ્તુઓ પર ટકવા લાગે છે. અચાનક એ રસ્તો નવો ખેલ બની જાય છે. લીલાં વૃક્ષો, લીલું ઘાસ, લીલું પતંગિયું, લીલાં ફળો, લીલી બૉટલ, લીલાં શૂઝ, લીલું ટી-શર્ટ, લીલું સિગ્નલ. બધું લીલા રંગનું તમે નોટિસ કરવાનું શરૂ કરી દો છો. આને જ સરળ ભાષામાં કલર-વૉક કહેવાય. આ એક ખૂબ જ સરળ પણ ક્રીએટિવ ઍક્ટિવિટી છે જેમાં તમે વૉક પર જતાં પહેલાં એક કલર નક્કી કરી લો છો અને પૂરા વૉક દરમ્યાન એ રંગને શોધવાનો પ્રયત્ન કરો છો અને એને નોટિસ કરો છો.

કલર-વૉકની ખાસિયત એ છે કે એ તમારા માઇન્ડને ઇરાદાપૂર્વક કલર નોટિસ કરવાની આદત પાડે છે. તમે જ્યારે કોઈ એક રંગ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમારી આસપાસની બેધ્યાન રહેતી અને મામૂલી વસ્તુઓ પણ મહત્ત્વની લાગવા લાગે છે. મનની ભાગદોડ ધીમી પડે છે, ચિંતા હળવી થાય છે અને વર્તમાન પળ સાથે ઊંડો સંબંધ બને છે. ધીરે-ધીરે અનુભવ થાય છે કે આ નાની-નાની આદતો પણ મનને શાંતિ આપનારી બની શકે છે. દરમ્યાન આ વિશે આપણે ૨૩ વર્ષનો અનુભવ ધરાવતાં સાઇકોથેરપિસ્ટ દીપલ મહેતા પાસેથી વધુ માહિતી મેળવીએ.



ફાયદો શું?


કલર-વૉક એક સાધારણ લાગતી પણ ખૂબ જ પ્રભાવશાળી ઍક્ટિવિટી છે. એને તમે એક પ્રકારનું વૉકિંગ મેડિટેશન કહી શકો છો. વૉકિંગ મેડિટેશનમાં તમે ચાલતી વખતે પોતાના શરીર અને શ્વાસ પર ધ્યાન આપો છો, જ્યારે કલર-વૉકમાં તમારે કોઈ એક પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કલર-વૉક તમારા શરીર અને દિમાગ બન્ને માટેની એક્સરસાઇઝ છે.

કલર-વૉકનો સૌથી પહેલો અને મોટો ફાયદો એ છે કે એ માઇન્ડફુલનેસ વધારે છે. રોજબરોજની ભાગદોડમાં આપણે વૉક કરવા નીકળીએ ત્યારે પણ મગજમાં સતત વિચારો ઘૂમરાયા કરતા હોય છે. જ્યારે તમે કોઈ એક રંગને શોધવા પર ધ્યાન કે​ન્દ્રિત કરો છો ત્યારે દિમાગ આપોઆપ વર્તમાન ક્ષણમાં આવી જાય છે. તમે આસપાસની નાની-નાની વસ્તુઓ નોટિસ કરવા લાગો છો. આ નાનીએવી પ્રક્રિયા માનસિક શાંતિ લાવે છે અને તનાવ ઓછો કરે છે.


ઍન્ગ્ઝાયટી અને ઓવરથિન્કિંગને ઓછાં કરવામાં પણ કલર-વૉક મદદ કરે છે. તમે જ્યારે સતત કોઈ વસ્તુને જોવાની અને નોટિસ કરવાની પ્રક્રિયામાં રહો છો ત્યારે તમારા દિમાગમાં ચાલી રહેલી ​ચિંતાની લહેર ધીમી પડી જાય છે. તમારું દિમાગ બહારની દુનિયા તરફ જાય છે અને અંદરની બેચેનીને થોડો વિરામ મળે છે.

કલર-વૉક તમારા દિમાગને એક રંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આદત પાડે છે જેનાથી તમારી ધ્યાનશક્તિ વધે છે. એ તમારી આસપાસની નાની-નાની વસ્તુઓ અને ડીટેલ્સને નોટિસ કરવાની ક્ષમતા વધારે છે જેનાથી યાદશક્તિ મજબૂત થાય છે.

કલર-વૉક ક્રીએટિવિટી વધારવાનું કામ કરે છે. તમે જ્યારે એક જ રંગની શોધ કરતા ચાલો છો ત્યારે તમારું દિમાગ નવી પૅટર્ન, નવાં વિઝ્યુઅલ્સ અને નવા ઍન્ગલ્સને ઓળખવા લાગે છે. આ આદત તમારા દિમાગને અલગ રીતથી વિચારવાની ટ્રેઇનિંગ આપે છે.

આનો વધુ એક ફાયદો એ પણ છે કે એ તમારી ઑબ્ઝર્વેશન-સ્કિલને મજબૂત બનાવે છે. ઘણી વાર કોઈ સુંદર અથવા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણી આંખો સામે હોવા છતાં આપણે એને જોઈ શકતા નથી. આપણે જ્યારે કોઈ રંગ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તો આપણી નજર એ બારીકીઓને પકડવા લાગે છે. આ આદત રોજબરોજની વસ્તુને પણ નવી દૃષ્ટિથી જોતાં શીખવાડે છે.

કલર-વૉક સરળ અને જેમાં કોઈ તૈયારીની જરૂર ન પડે એવી એક સેલ્ફ-કૅર ઍક્ટિવિટી છે. એ તમારા શરીરને સક્રિય, મનને શાંત અને રચનાત્મક રૂપથી જાગૃત રાખે છે. આજકાલ આ પ્રકારનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. લોકો હવે ફક્ત ફિઝિકલ ફિટનેસનું નથી વિચારતા, માનસિક અને ઇમોશનલ વેલબીઇંગનું પણ ધ્યાન રાખતા થયા છે.

કઈ રીતે પ્રૅક્ટિસ કરશો?

બહાર જતાં પહેલાં જ નક્કી કરી લો કે આજે તમે કયો રંગ નોટિસ કરવાના છો. અલગ-અલગ દિવસે અલગ-અલગ રંગ પસંદ કરો જેથી વરાઇટી મળે.

વૉક માટે એવો રસ્તો શોધો જ્યાં વધુ ભીડ કે ટ્રાફિક ન હોય, જેથી તમે કલર નોટિસ કરવા પર વધુ ફોકસ કરી શકો.

આરામથી ધીરે-ધીરે ચાલો, જેથી તમારી આંખો આસપાસના વાતાવરણને સ્કૅન કરી શકે.

તમે જે કલર પસંદ કર્યો હોય એને પ્રકૃતિ, લોકો અને વસ્તુઓમાં જોવાનો પ્રયત્ન કરો. એ કલરના અલગ-અલગ શેડ, પૅટર્ન, ટેક્સ્ચર અને કૉમ્બિનેશનને નોટિસ કરો.

વૉક કર્યા પછી થોડી વાર બેસીને વિચારો કે તમે શું જોયું? આનાથી તમને કેવો અનુભવ થયો?

કોણે સાવચેતી રાખવી?

કલર-વૉક એક હળવી અને મજેદાર ઍક્ટિવિટી છે. જો એને કોઈ પ્રેશરમાં આવીને કરવામાં આવે તો સ્ટ્રેસ વધી શકે છે. જેમની દૃષ્ટિ કમજોર છે અથવા રંગોને ઓળખવામાં મુશ્કેલીનો અનુભવ કરે છે તેમના માટે આ ઍક્ટિવિટી ફ્રસ્ટ્રેટિંગ હોઈ શકે છે. જે લોકોને આંચકી આવતી હોય તેમણે વધારે બ્રાઇટ અથવા હાઈ-કૉન્ટ્રાસ્ટમાં હોય એવા કલર જોવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમની સમસ્યા વધી શકે છે. કોઈ ‍વ્યક્તિ માનસિક રૂપથી ખૂબ જ ગૂંચવણ, ભય કે ઝડપથી બદલાતા મૂડમાંથી પસાર થઈ રહી હોય તો આવા લોકોને પણ કલર-વૉક અસ્વસ્થ કરી શકે છે.

કયા કલર વધારે સારા?

રંગ ફક્ત જોવાની વસ્તુ નથી. એ આપણા મન, મૂડ અને વિચારો પર ઊંડી અસર પાડે છે. દરેક રંગ પોતાની એક ઊર્જા લઈને આવે છે. યોગ્ય રંગ પર ધ્યાન આપવાથી મન શાંત, સંતુલિત અને સકારાત્મકતાનો અનુભવ કરે છે. તમે તમારા દિવસના મિજાજ અનુસાર કલર પસંદ કરી શકો છો.

સ્ટ્રેસ હોય તો લીલો અથવા વાદળી

લો એનર્જી હોય તો પીળો અથવા નારંગી

કન્ફ્યુઝન હોય તો સફેદ

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2025 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK