પૉપકૉર્ન બ્રેઇન સિન્ડ્રૉમ પણ આવી જ એક સ્થિતિ છે જેમાં દિમાગને સતત કંઈ ઝડપી અને નવું જોઈએ જે એક્સાઇટમેન્ટ જાળવી રાખે
પ્રતીકાત્મક તસવીર
સસ્તા મોબાઇલ અને ઇન્ટરનેટ તેમ જ ડિજિટલ પ્લૅટફૉર્મ્સની ભરમારે આપણને ઓછા સમયમાં વધુ કન્ટેન્ટ જોવાના વ્યસની બનાવી દીધા છે. એણે આપણા દિમાગનો આખો વ્યવહાર જ બદલી નાખ્યો છે. પૉપકૉર્ન બ્રેઇન સિન્ડ્રૉમ પણ આવી જ એક સ્થિતિ છે જેમાં દિમાગને સતત કંઈ ઝડપી અને નવું જોઈએ જે એક્સાઇટમેન્ટ જાળવી રાખે. એટલે પછી જ્યારે કોઈ ધીમું કે એકાગ્રતાવાળું કામ કરવાનું થાય ત્યારે દિમાગને તરત કંટાળો આવવા લાગે છે
એક અભ્યાસ મુજબ ભારતીયો દિવસમાં લગભગ પાંચ કલાક મોબાઇલ પર વિતાવે છે. એનું સૌથી મોટું કારણ મોબાઇલ અને ઇન્ટરનેટની વધતી પહોંચ છે. આજકાલ બાળક, કિશોર, યુવાન, આધેડ, વડીલો બધાં જ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સસ્તું અને અનલિમિટેડ ઇન્ટરનેટ મળતાં લોકો કલાકો સુધી સોશ્યલ મીડિયા પર સમય પસાર કરે છે. સવારે ઊઠતાંવેંત, ખાલી બેઠાં-બેઠાં, ચાલતી વખતે, જમતી વખતે, બેડ પર સૂતાં-સૂતાં સૌથી પહેલાં આપણો હાથ તરત મોબાઇલ તરફ જાય છે. રીલ્સ સ્ક્રૉલ કરવામાં આપણને સમયનું ભાન રહેતું નથી. આને કારણે જાણતાં-અજાણતાં આપણા દિમાગની કામ કરવાની પૅટર્ન બદલાઈ રહી છે. આપણે પૉપકૉર્ન બ્રેઇન સિન્ડ્રૉમનો ભોગ બની રહ્યા છીએ. એની સીધી અસર આપણા રોજબરોજના કામ પર પડી રહી છે. એવામાં આપણે આ સિન્ડ્રૉમ વિશે, એનાં લક્ષણો વિશે અને એનો ઉપાય શું એ તમામ વિશે સાઇબર સાઇકોલૉજિસ્ટ નિરાલી ભાટિયા પાસેથી જાણી લઈએ.
ADVERTISEMENT
પૉપકૉર્ન બ્રેઇન સિન્ડ્રૉમ એટલે?
આજની ડિજિટલ દુનિયામાં આપણી આંગળીઓ સતત સ્ક્રીન પર ભાગતી રહે છે. આપણે સતત એક પછી એક વિડિયો સ્ક્રૉલ કરતા રહીએ છીએ. એનાથી આપણું દિમાગ સતત નવી ઉત્તેજનાઓ (સ્ટિમ્યુલેશન્સ)થી ઘેરાયેલું રહે છે. આ સ્થિતિને પૉપકૉર્ન બ્રેઇન સિન્ડ્રૉમ જેવું ઇન્ટરેસ્ટિંગ નામ આપવામાં આવ્યું છે. આ નામને ભલે તમે ગંભીરતાથી ન લો, પણ એની પાછળ ગંભીર માનસિક સ્થિતિ છુપાયેલી છે. આપણે પૉપકૉર્ન બનાવીએ ત્યારે મકાઈ ગરમ થઈને જેમ એક પછી એક ફૂટવા લાગે, એવી જ રીતે દિમાગમાં પણ એક પછી એક સતત વિચારો ફૂટતા રહે છે. દિમાગની આ ફાસ્ટ ફૉર્વર્ડ મોડ પર ચાલતી ઍક્ટિવિટીને જ પૉપકૉર્ન બ્રેઇન સિન્ડ્રૉમ કહેવાય છે.
વૈજ્ઞાનિક દૃષ્કિકોણ સમજો
જ્યારે તમે રીલ્સ સ્ક્રૉલ કરો છો ત્યારે તમારું દિમાગ દરેક નવા વિડિયોને એક નાનો રિવૉર્ડ એટલે કે ઇનામ માની લે છે. દરેક સ્વાઇપ પછી તમારા દિમાગને લાગે છે કે કદાચ આગળની રીલ વધુ મજેદાર હશે. આ એક્સપેક્ટેશન જ તમને સતત સ્ક્રૉલ કરતા રહેવા પર મજબૂર કરે છે. વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો ડોપમીન આપણા મગજનું એક ન્યુરો-ટ્રાન્સમીટર છે એટલે કે મસ્તિષ્કમાં સંદેશ પહોંચાડનારું કેમિકલ છે. આ ફીલ-ગુડ કેમિકલ નહીં પણ મોટિવેશન અને રિવૉર્ડ-સીકિંગ કેમિકલ છે. એટલે કે ડોપમીન તમને ખુશ કરવા નહીં પણ રિવૉર્ડ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. રીલ્સ પાંચ, દસ, પંદર સેકન્ડની હોય છે. દરેક રીલ એક નવી વસ્તુ લઈને આવે છે. આ નવીનતા દિમાગને ડોપમીનના નાના-નાના ઉછાળ આપતું રહે છે. વારંવારના ઉછાળ પછી દિમાગ એ પૅટર્નનું આદી થઈ જાય છે. એને કારણે ઇન્ટરમિટન્ટ રિવૉર્ડ સિસ્ટમ ઍક્ટિવેટ થઈ જાય છે. આ એ જ સિસ્ટમ છે જે કસીનો અને ગૅમ્બલિંગને લત બનાવે છે. તમને ખબર નથી હોતી કે આગળની રીલ બોરિંગ છે કે ઇન્ટરેસ્ટિંગ. આ અનિશ્ચિતતા દિમાગને વધુ સ્વાઇપ કરવા માટે મજબૂર કરે છે. આને ન્યુરોસાયન્સમાં વલ્નરેબલ રિવૉર્ડ સિસ્ટમ કહેવાય છે. વારંવાર હાઈ સ્પાઇક્સ મળવા પર દિમાગ નૉર્મલ ડોપમીન લેવલને નીરસ માનવા લાગે છે. એને કારણે સામાન્ય કામ ઓછું એક્સાઇટિંગ લાગવા લાગે છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવા લાગે છે. દિમાગ હંમેશાં ઇન્સ્ટન્ટ અને ફાસ્ટ એન્ટરટેઇનમેન્ટ શોધતું રહે છે. આ કન્ડિશન આગળ ચાલીને પૉપકૉર્ન બ્રેઇન તરફ લઈ જાય છે.
આનાં લક્ષણો શું?
પૉપકૉર્ન બ્રેઇન આપણને દૈનિક જીવનમાં અનેક રીતે પ્રભાવિત કરે છે. ધ્યાનનું તરત ભટકી જવું. એક કામ પર ૨-૩ મિનિટથી વધુ ટકવું પણ મુશ્કેલ લાગવા લાગે. તમે સ્ટડી કરવા બેસો કે ઑફિસમાં કામ કરવા બેસો એટલે દર ૧૦-૧૫ મિનિટે વચ્ચે તમને મોબાઇલ લઈને સ્ક્રૉલ-બ્રેક લેવાનું મન થાય. દર થોડી-થોડી વારે સ્ક્રીન ચેક કરવાનું મન થાય. દિમાગને સતત એમ લાગ્યા કરે કે કોઈ નવો મેસેજ આવ્યો હશે. કારણ વગર દિવસમાં ૭૦-૧૦૦ વાર મોબાઇલ અનલૉક કરવો. જમતી વખતે, ચાલતી વખતે ફોન ચેક કરતા રહેવું. ધીમી ગતિવાળી વસ્તુમાં મન ન લાગવું. યુટ્યુબનો વિડિયો લાંબો હોય તો એને નૉર્મલ સ્પીડને બદલે દોઢગણી કે બમણી સ્પીડથી જોવો. પેઇન્ટિંગ, કુકિંગ જેવી વસ્તુ શરૂ કર્યા બાદ થોડી વાર કરીને એને અધૂરી છોડી દેવી. પરિવાર કે મિત્રો સાથે વાતો કરવા બેઠા હોઈએ તો પણ વચ્ચે-વચ્ચે વિચારોમાં ખોવાઈ જવું. શું વાત ચાલી રહી છે એનું ભાન જ ન રહેવું. અડધી રાત્રે નીંદર તૂટી જાય તો તરત પહેલાં મોબાઇલ લઈને ચેક કરવો. પ્રાર્થના કે ધ્યાન કરતી વખતે મનનું સ્થિર ન રહેવું. મેમરી નબળી પડી જવી. થોડા સમય પહેલાં વાંચેલો પૅરૅગ્રાફ કે સાંભળેલી વાત તરત ભૂલી જવી. થોડા સમય માટે પણ ખાલી ન બેસી શકાય. હાથમાં ફોન ન હોય તો બેચેની થવા લાગે. કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો દિમાગ જ્યાં-ત્યાં ભટકવા લાગે. તમે ઊંડાણપૂર્વક વિચાર ન કરી શકો. એક સમય પર એક કામને બદલે મલ્ટિટાસ્કિંગ કરવું. જમતી વખતે હાથમાં મોબાઇલ વાપરવો કે એકસાથે એક સમય પર બે-ત્રણ સોશ્યલ મીડિયા ઍપનો ઉપયોગ કરવો. દિમાગ હંમેશાં થાકેલું લાગે.
કામ કરવાની એફિશિયન્સી ઓછી થઈ જાય. ફિઝિકલ ઍક્ટિવિટી કરવાનું મન ન થવું. રાત્રે ઊંઘની ગુણવત્તા સારી ન હોય. સવારે સૂઈને ઊઠ્યા પછી પણ થાક લાગવો. આ બધા જ પૉપકૉર્ન બ્રેઇનના સિન્ડ્રૉમ છે.
છુટકારો કઈ રીતે મેળવવો?
પૉપકૉર્ન બ્રેઇન કોઈ મેડિકલ કન્ડિશન નથી પણ એક બિહેવિયરલ પૅટર્ન છે. દિમાગ પર ડિજિટલ ઓવરલોડના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. એમાંથી બહાર નીકળવા માટે તમારે એવી કેટલીક આદતો અપનાવવાની જરૂર છે જે તમારા દિમાગની ગતિને ધીમી કરે અને એને ફરી એકાગ્રતા, શાંતિ અને ઊંડાણપૂર્વક વિચારવાની ક્ષમતા આપે. એ માટે ડિજિટલ ડાયટ બનાવો. શરીર માટે ખાનપાનનું સંતુલન જરૂરી છે એમ દિમાગ માટે ડિજિટલ ડાયટ જરૂરી છે. એ માટે સોશ્યલ મીડિયાનો સમય ૨૦-૩૦ ટકા ઓછો કરવાનો પ્રયત્ન કરો. આડેધડ સ્ક્રૉલ કરવાને બદલે ઉપયોગી અને હેતુપૂર્વકની કન્ટેન્ટ જોવાનું રાખો. કારણ વગર ઇન્સ્ટામાંથી ફેસબુક ફેસબુકથી યુટ્યુબ પર અને યુટ્યુબથી ફરી ઇન્સ્ટા પર ફર્યા કરવાનું ટાળો. આનાથી તમારા દિમાગની ગતિને ધીમી પાડવામાં મદદ મળશે. સવારે ઊઠતાંવેંત હાથમાં ફોન લેવાને બદલે ૧૫-૨૦ મિનિટ સુધી ફોન લેવાનું ટાળો. એનાથી તમારી સવારની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થશે. સોશ્યલ મીડિયા, શૉપિંગ, ન્યુઝનાં નોટિફિકેશન્સ ઑફ રાખો. ફક્ત તમને જરૂરી લાગે એ ઍપ્સની જ અલર્ટ રાખો. ફોનને સાઇલન્ટ કે ડૂ નૉટ ડિસ્ટર્બ મોડ પર રાખો. આનાથી દિમાગને દર બે મિનિટે નવું પૉપઅપ નથી મળતું, પરિણામે ધ્યાન વધુ સમય સુધી ટકેલું રહે છે. આપણે જે કામ કરી રહ્યા હોઈએ એમાંથી ધ્યાન તૂટતું નથી. દિમાગને ફરીથી ધૈર્ય રાખતાં શીખવાડવું જરૂરી છે. એ માટે અડધી-એક મિનિટની રીલ્સ જોવા કરતાં ૧૫-૨૦ મિનિટના વિડિયો જુઓ. અડધો કલાક પુસ્તક કે ન્યુઝપેપર વાંચો. આનાથી દિમાગને ધીમી ગતિનો સ્વાદ ફરી આવવા લાગે છે. દિમાગને એક સમયે એક જ કામ કરવાની આદત પાડો. જમતી વખતે ફક્ત એના પર ધ્યાન આપો. વાંચતી વખતે ફક્ત એના પર જ ફોકસ કરો. વચ્ચે-વચ્ચે ફોન હાથમાં લેવાનું ટાળો. દિમાગને શાંત કરવા માટે દરરોજ પાંચ-દસ મિનિટ માટે મેડિટેશન કરો. સવારે ગાર્ડનમાં ૧૫ મિનિટ શાંતિથી વૉક કરો, વૃક્ષોને પાણી આપો. આનાથી તમારી બેચેની શાંત પડશે. ઘરના કેટલાક હિસ્સા અને સમયને નો-સ્ક્રીન રાખો. નિયમ બનાવો કે બેડ પર ફોન નહીં વાપરું, સવારે ઊઠીને અડધો કલાક કે રાત્રે સૂતાં પહેલાં અડધો કલાક ફોન નહીં લઉં. આનાથી તમારી ઊંઘની ગુણવત્તા સારી રહેશે. અઠવાડિયામાં એકથી બે દિવસ તમારી મનગમતી પ્રવૃત્તિ જેમ કે આર્ટ, રાઇટિંગ, મ્યુઝિકને આપો. એ તમારા દિમાગને ધીમી ગતિના પ્રવાહમાં લઈ જવામાં મદદ કરશે.


