Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પ્રેગ્નન્સીમાં યોગ શું કામ જરૂરી છે?

પ્રેગ્નન્સીમાં યોગ શું કામ જરૂરી છે?

21 December, 2021 03:20 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ગર્ભાવસ્થા અને ડિલિવરી પછી થતા યોગથી એ સમય ગાળા દરમ્યાન થતા કૉમ્પ્લીકેશન્સને નિવારી શકાય છે અને નૉર્મલ ડિલિવરીના ચાન્સ પણ વધી જાય છે. બાળકના ગ્રોથમાં અને માની મેન્ટલ તથા ઇમોશનલ હેલ્થ માટે પણ એ અદભૂત પરિણામ આપી શકે છે

પ્રેગ્નન્સીમાં યોગ શું કામ જરૂરી છે?

પ્રેગ્નન્સીમાં યોગ શું કામ જરૂરી છે?


ભારતમાં દર વર્ષે સરેરાશ અઢી કરોડ બાળકો જન્મે છે અને પ્રેગ્નન્સીનાં વિવિધ કૉમ્પ્લીકેશન્સને કારણે લગભગ ૩૫ હજાર મહિલાઓ મૃત્યુ પામે છે. જોકે છેલ્લાં વીસ વર્ષમાં પ્રેગ્નન્સીને કારણે થતાં મૃત્યુની ટકાવારીમાં લગભગ ૬૦ ટકાનો ઘટાડો થયો છે એ સારી નિશાની છે પરંતુ આજના સમયમાં પ્રેગ્નન્સીને લગતા કૉમ્પ્લીકેશન્સ ઓછા કરવા ડિલિવરી પહેલાં પ્રીનેટલ અને ડિલિવરી પછી પોસ્ટનેટલ યોગ કરવાનું ચલણ વધ્યું છે અને સૌથી મજાની વાત ઘણાં ક્લિનિકલ સર્વેક્ષણો પણ સાબિત થઈ ચૂકી છે કે પ્રેગ્નન્સી સાથે આવતી ફિઝિકલ, સાઇકોલૉજિકલ અને ઇમોશનલ સમસ્યાઓની તીવ્રતા ઘટાડવાથી લઈને ડિલિવરી સમયના લેબર પેઇનને ઓછો કરવા, નૉર્મલ ડિલિવરી કરવામાં પ્રીનેટલ યોગની ઉપયોગિતા સાબિત થઈ છે તો બીજી બાજુ ડિલિવરી પછી મહિલાઓના શરીરમાં આવેલા શારીરિક અને માનસિક બદલાવોમાંથી ફરીથી સ્ટેબિલિટી તરફ વળવા માટે પણ યોગ, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન, મંત્ર ચૅન્ટિંગ વગેરે બાબતોની જોરદાર ઉપયોગિતા વિશે લોકોનું ધ્યાન દોરાયું છે. પ્રીનેટલ અને પોસ્ટનેટલ યોગ હવે જ્યારે બહુ જ ચર્ચામાં છે અને એની અસરકારકતા વિશે પણ લોકોની વિશ્વસનીયતા વધી રહી છે ત્યારે પ્રેગ્નન્સી દરમ્યાન અને પ્રેગ્નન્સી પછી યોગને જીવનમાં સ્થાન શું કામ આવું એ સંદર્ભે યોગ નિષ્ણાત અને આયુર્વેદ એક્સપર્ટ ડૉ. શર્વરી અભ્યંકર સાથે વાતો કરીએ. 
શરીરશાસ્ત્ર સમજીએ
પ્રેગ્નન્સીનો પ્રીનેટલ પિરિયડ એટલે કન્સીવ કર્યા પછી ડિલિવરી સુધીનો સમય અને પોસ્ટનેટલનો સમય છ અઠવાડિયાં અથવા તો ચાલીસ દિવસ સુધીનો સમય પોસ્ટનેટલનો સમય ગણાય છે. આ સમયગાળા દરમ્યાન માતાના શરીરમાં અઢળક બદલાવો આવતા હોય છે એમ જણાવીને ડૉ. શર્વરી કહે છે, ‘માતાના શરીરમાં આવનારા બાળકની તૈયારીરૂપે માતાના શરીરમાં હૉર્મોન્સની ઊથલપાથલ મચે છે. ખાસ કરીને ફીમેલ હૉર્મોન્સ ગણાતા એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હૉર્મોન્સનું પ્રમાણ વધે છે જે ફર્ટિલાઇઝેશન પછી વીર્યકણ અને અંડકોષના મિલન પછી એમ્બ્રિયો બનાવવામાં, એને અંડકોષમાંથી ફેલોપિન ટ્યુબના માધ્યમે ઓવરી સુધી લાવવામાં મદદરૂપ થાય છે. કન્સીવ થયા પછી લગભગ છથી સાત દિવસમાં એ ગર્ભાશયની એક વૉલ પર જઈને ચીપકે છે. ચીપકવાની ક્રિયાને ઇમ્પ્લાન્ટેશન કહેવાય. આ એક બહુ જ મહત્ત્વપૂર્ણ સ્ટેજ છે, કારણ કે હજી એમ્બ્રિયો ગર્ભાશયમાં પૂરેપૂરું સ્ટેબિલાઇઝ નથી થયું અને ધ્યાન ન અપાય તો ગર્ભપાત થવાના ચાન્સ પણ આ સ્ટેજ પર વધારે હોય છે. બધું બરાબર ચાલે તો એમ્બ્રિયોનો ધીમે-ધીમે વિકાસ થાય અને ઝાડના મૂળ જેવા આકારની પ્લેસેન્ટા તૈયાર થવા માંડે છે. આ પ્રોસેસને લગભગ ત્રણેક મહિનાનો સમય વીતી જાય છે. બેબીનો ગ્રોથ થઈ રહ્યો છે જેમાં પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન જેવાં ઘણાં હૉર્મોન્સ કામે લાગી ગયાં છે. આ પ્લેસેન્ટા એ માતા અને બાળક વચ્ચેનો બ્રિજ છે. લોહી, પોષક તત્ત્વો વગેરે માતાના શરીરમાંથી પહેલાં આ પ્લેસેન્ટામાં આવે છે અને પછી બાળકને મળે છે. આગળ જતાં આ પ્લેસેન્ટા ડેવલપ થઈને અમ્બિલિકલ કોર્ડ એટલે કે ગર્ભનાળમાં કન્વર્ટ થાય છે. આ પ્લેસેન્ટા દ્વારા પણ માતાને બેબી બર્થ માટે તૈયાર કરતાં કેટલાંક હૉર્મોન્સ પ્રોડ્યુસ કરે છે તેમ જ માતાના શરીરનાં પોષક તત્ત્વો, ઍન્ટિબૉડીઝ વગેરેને બાળક સુધી પહોંચાડવાનું કામ પ્લેસેન્ટા દ્વારા થાય છે. ઈવન બાળકના શરીરની વેસ્ટ પ્રોડક્ટ માતા સુધી પહોંચાડવાનું કામ પણ પ્લેસેન્ટા દ્વારા થાય છે.’
આગળ જતાં જેમ-જેમ બાળકનો ગ્રોથ થાય છે એમ-એમ માતાના ગર્ભાશયની સાઇઝ વધતી જાય છે એમ જણાવીને ડૉ. શર્વરી કહે છે, ‘સાત સેન્ટિમીટરથી આ ગર્ભાશય લગભગ ૩૫ સેન્ટિમીટર સુધી વધતું હોય છે. ૫૦ ગ્રામના વજનનું ગર્ભાશય ૧૦૦૦ ગ્રામ સુધી પહોંચી જાય છે. માતાની બ્રેસ્ટની સાઇઝમાં પણ વધે છે. શરીરમાં થતા આ તમામ બદલાવ માતાના શરીરનાં અન્ય ઑર્ગન્સ પર લોડ વધારે છે. જેમ કે ગર્ભાવશયની વધતી સાઇઝને કારણે બૅક, નેક અને સાથળના ભાગના સ્નાયુઓ પર દબાણ વધારે છે. માતાનું બૅકબોન આગળ ખેંચાય છે. બ્રેસ્ટની સાઇઝ વધવાથી શોલ્ડર પર સ્ટ્રેસ આવે, ચેસ્ટ રીજનના અમુક સ્નાયુઓ પર દબાણ વધે. પેટના ભાગ આવેલા અવયવો પર વધેલા પ્રેશરને કારણે પાચન નબળું થાય, કબજિયાત, ગૅસ અને ઍસિડિટીની સમસ્યા વધે, ચક્કર આવવાં અને વૉમિટિંગ થવું વગેરે સમસ્યા પણ પ્રેગ્નન્સી દરમ્યાન થતા આ બદલાવોને કારણે ઉદ્ભવતી હોય છે. બીજી બાજુ સ્ત્રી હૉર્મોન્સનું પ્રમાણ સામાન્ય કરતાં વીસગણું વધી જવાથી તે ઇમોશનલી પણ અસંતુલિત હોય છે. રડવું આવે, મૂડસ્વિંગ્સ થાય તો કયારેક ડિપ્રેસ્ડ હોય, બાળકને પોતે સાચવી શકશે કે નહીં એેને લઈને ઍન્ગ્ઝાયટીમાં હોય. તેના શરીરમાં આવી રહેલા બદલાવોને કારણે, વધી રહેલા વજન અને જાતજાતના પેઇન વખતે માનસિક રીતે માતા ડિસ્ટર્બ થતી હોય છે.’


પ્રીનેટલ શું કામ?
મહિલાઓના શરીરમાં અને મનમાં પ્રેગ્નન્સી દરમ્યાન થતી તમામ ઊથલપાથલોને ઓછી કરવા માટે યોગ ગજબ પરિણામ આપી શકે છે. ડૉ. શર્વરી કહે છે, ‘પ્રીનેટલ યોગમાં કેટલાંક એવાં આસનો હોય છે જે મહિલાઓને ગરદન, કમર, ખભાના ભાગના સ્નાયુઓની સ્ટ્રેંગ્થ વધારવામાં ઉપયોગી સાબિત થાય છે. પ્રાણાયામ, મુદ્રા અને ચૅન્ટિંગ મહિલાઓને માનસિક રીતે સ્વસ્થ કરવામાં, તેમની ઇમોશનલ હેલ્થને સ્ટેબિલાઇઝ કરવામાં કારગત નીવડે છે. ઇન ફૅક્ટ અમુક આસનો અને રિલૅક્સેશનની ટેક્નિકથી તેમના રીપ્રોડક્ટિવ ઑર્ગન્સ સ્ટ્રૉન્ગ થાય છે, તેમનો આત્મવિશ્વાસ વધે છે અને શરીર અમુક અંશે ફ્લેક્સિબલ થતાં નૉર્મલ ડિલિવરી પણ ઓછામાં ઓછા પેઇન સાથે થયાનું ઘણી મહિલાઓએ પોતાના અનુભવમાં અમારી સાથે શૅર કર્યું છે. હૉર્મોન્સ અંસુલિત હોવાને કારણે પ્રેગ્નન્સી દરમ્યાન થાઇરૉઇડની સમસ્યા, ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે જે યોગથી કન્ટ્રોલમાં રહે છે. પ્રેગ્નન્સી દરમ્યાન સાંધાની સમસ્યા થતી હોય એ પણ યોગની મદદથી કન્ટ્રોલમાં રહી શકે છે. જૉઇન્ટ્સમાં રિલૅક્સેશન વધે છે.’




પોસ્ટનેટલ પણ જરૂરી
ડિલિવરી પછી પણ મહિલાઓના શરીરમાં જોરદાર ચેન્જિસ આવતા હોય છે. બૉડીને ઇન્ટર્નલી પહેલાંની જેમ હાર્મનાઇઝ થવામાં લગભગ ચાલીસ દિવસનો સમય લાગતો હોય છે એમ જણાવીને ડૉ. શર્વરી કહે છે, ‘જે હૉર્મોન્સ પચાસગણાં વધી ગયાં હતાં એ ડિલિવરી પછી નૉર્મલથી પણ લો થઈ જવાથી શરીરમાં એની જોરદાર અસર દેખાય છે. આ એ સમયગાળો છે જેમાં ઘણી મહિલાઓને પોસ્ટનેટલ ડિપ્રેશન અથવા તો જેને બેબી બ્લુઝ કહેવાય જેવા ફેઝમાંથી નવી મમ્મીઓ પસાર થતી હોય છે. પોતે જરાય કૅપેબલ નથી, પોતાનું કોઈ વર્થ નથી જેવા નિરાશાત્મક વિચારો વધી જાય છે. યોગથી તેને પોતાની જાત માટે સારું ફીલ કરાવી શકાય. તેની પૉઝિટિવિટીને અકબંધ રાખવાના, શારીરિક બદલાવો પ્રત્યેનો તેનો સ્વીકારભાવ ડેવલપ કરવામાં જોરદાર સફળતા મળી શકે છે. પ્રેગ્નન્સી દરમ્યાન અને ડિલિવરી પછીનો સમય એવો હોય છે જેમાં માતા વધુમાં વધુ ખુશ અને પૉઝિટિવ રહે એવા પ્રયાસો થાય એ જરૂરી છે; કારણ કે માતા જો સ્ટ્રેસમાં હોય, માતાના ચિંતાને કારણે ધબકારા વધે તો એની અસર બાળકને પણ પડે છે. બાળક ક્ષતિગ્રસ્ત જન્મે અથવા તો તેને જન્મજાત બીમારી આવે એમાં ક્યારેક પ્રેગ્નન્સી દરમ્યાન માતાની સ્ટ્રેસફુલ સિચુએશન પણ કારણભૂત હોઈ શકે છે.’


યોગમાં શું કરાય?

પ્રેગ્નન્સી યોગ ક્યારેય એકલા ન કરવા જોઈએ એવી સ્પષ્ટતા સાથે ડૉ. શર્વરી અભ્યંકર કહે છે, ‘અનુભવી શિક્ષકની હાજરીમાં જ પ્રેગ્નન્સી દરમ્યાન કરવા ઉચિત રહેશે, કારણ કે આ ગાળામાં જોરદાર હૉર્મોન્સની ઊથલપાથલની અસર તમારા સ્નાયુઓથી લઈને હાડકા પર પડતી હોય છે. અનાયાસ જો ઓવરસ્ટ્રેચ થઈ જાય તો ઇન્જરી થઈ શકે છે, બાળકને નુકસાન થઈ શકે છે. પેટ પર સૂઈને આ ગાળામાં આસનો ન થાય. વધુપડતું ફૉર્વર્ડ બેન્ડિંગ અને બૅકવર્ડ બેન્ડિંગ પણ ન થાય, ટ્વિસ્ટિંગમાં પણ અતિ ન થાય એની દરકાર જરૂરી છે. છતાં આજે કેટલાક સરળ અભ્યાસો વિશે ટૂંકમાં જાણી લઈએ.’


સરળ અને ઉપયોગી અભ્યાસો

ભદ્રાસન- બટરફ્લાય : પ્રેગ્નન્સી દરમ્યાન કરી શકાતું આ બહુ જ ઉપયોગી, સરળ અને શ્રેષ્ઠ આસન છે. આ આસનમાં તમારા પેલ્વિક જૉઇન્ટ્સને સ્ટ્રેચ મળે છે. એ સારી રીતે ફ્લેક્સિબલ બને છે. નૉર્મલ ડિલિવરીના ચાન્સ વધી જાય છે. 

સિમ્પલ ઉષ્ટ્રાસન : અર્ધઉષ્ટ્રાસનનો અભ્યાસ કમ્મરનો દુખાવો ઘટાડે. છાતી અને ડાયફ્રામના સ્નાયુઓમાં ખેંચાણ આવે એટલે એના પરનો લોડ થોડાક સમય માટે ઘટે. થાઇરૉઇડની સમસ્યા માટે ઉપયોગી છે. ઍસિડિટી ઘટી શકે, મૂડ સુધરે, આત્મવિશ્વાસ વધે. ફેફસાં ખૂલવાને કારણે શ્વસન સુધરે.

માર્જરાસન : આ આસનથી તમારી કરોડરજ્જુ પર વધેલા પેટને કારણે આવતું સ્ટ્રેસ તરત જ હળવું થઈ જાય છે. બૅકને થોડોક આરામ મળે છે. પીઠ અને કમરના દુખાવામાં આરામ મળે.

વજ્રાસન : આ આસનમાં બેસવાથી બેબી અને ગર્ભાશય તરફ જતી બ્લડ સપ્લાય વધી જાય છે. બાળકને સારા પ્રમાણમાં ઑક્સિજન અને ન્યુટ્રિશન મળે છે. અપચો અને ગૅસ પ્રૉબ્લેમ હોય તો એને ઓછું કરી શકાય.

બ્રહ્મ મુદ્રા : પ્રેગ્નન્સી દરમ્યાન ગરદન પરના સ્ટ્રેસને ઓછું કરવા આ જગતના સર્જનહાર બ્રહ્માજી સાથે સંકળાયેલી બ્રહ્મ મુદ્રા કરતી વખતે પોતે પણ બ્રહ્માજીની જેમ એક જીવનું સર્જન કરવા જઈ રહી છે અને તે પણ કોઈનાથી કમ નથી એ ભાવ તેનામાં અત્યંત આત્મવિશ્વાસ જગાવે છે. મારામાં પણ બ્રહ્માજી જેવી જ ક્ષમતાઓ છે અને હું પણ કૅપેબલ છું. આ પ્રકારના પૉઝિટિવ ભાવ સાથે થતી મુદ્રા હૉર્મોન્સને સ્ટેબિલાઇઝ કરે છે. બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરે છે. ડાબે, જમણે અને ઉપર-નીચે ગરદનને લઈ જઈ દરેક વખતે પાંચ શ્વાસ માટે ત્યાં રોકાવું એ બહુ જ સરળતાથી થઈ શકનારી આ મુદ્રા છે.
સિંહ મુદ્રા : કૉન્ફિડન્સ વધારવા માટે અને બ્લડ-પ્રેશરને ન્યુટ્રલાઇઝ કરવા માટે સિંહ મુદ્રા પણ બહુ જ ઉપયોગી છે. જેમ એક સિંહણ પોતાના બાળકને બચાવવા અને તેનું પોષણ કરવા માટે કોઈ પણ સ્તર પર જાય છે એ જ રીતે મારા આવનારા બાળકને પ્રોટેક્ટ કરવાની અને તેને સંભાળવાની બધી જ ક્ષમતા મારામાં છે. માતાનાં ઇમોશન્સ, થૉટ્સ પર બહુ જ સરસ રીતે કામ કરે છે.
પ્રાણાયામ અને ચૅન્ટિંગ : અનુલોમ-વિલોમ, ઉજ્જયી અને ભ્રામરી પ્રાણાયામ તમામ સિસ્ટમને બૅલૅન્સ કરે છે. હીમોગ્લોબિનનું લેવલ વધારે છે. એ સાથે જ ઓમનું ચૅન્ટિંગ માતામાં રિલૅક્સેશન વધારે છે તેમ જ ઓમ ચૅન્ટિંગને કારણે ઉત્પન્ન થતા ધ્વનિનાં વાઇબ્રેશન્સ બાળકને પણ રિલૅક્સ કરીને તેના વિકાસને બહેતર કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2021 03:20 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK