આજે વર્લ્ડ ડાયાબિટીઝ ડે પર સમજીએ કે કઈ રીતે આપણું કામ આપણને ડાયાબિટીઝ ભણી ધકેલી રહ્યું છે અને આ બાબતે શું કરી શકાય
પ્રતીકાત્મક તસવીર
કૉર્પોરેટ સેક્ટરમાં કામ કરતી વ્યક્તિ હોય કે સ્ટાર્ટઅપ શરૂ કરનાર બિઝનેસમૅન - તેની લાઇફસ્ટાઇલ તેના કામ પર નિર્ધારિત હોય છે. અતિ વ્યસ્તતા, કામનું ન સહી શકાય એવું સ્ટ્રેસ, એને કારણે લાગતી સ્મોકિંગ અને ડ્રિન્કિંગની ખોટી આદતો, ઉજાગરા, અનહેલ્ધી ડાયટ, બેઠાડુ જીવન આ બધામાં હેલ્થનું ધ્યાન રાખવું શક્ય નથી બનતું. એને કારણે લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો ખૂબ નાની ઉંમરે વ્યક્તિના જીવનમાં પ્રવેશી રહ્યા છે જેમાં ડાયાબિટીઝ મોખરે છે. આજે વર્લ્ડ ડાયાબિટીઝ ડે પર સમજીએ કે કઈ રીતે આપણું કામ આપણને ડાયાબિટીઝ ભણી ધકેલી રહ્યું છે અને આ બાબતે શું કરી શકાય
તમારી લાઇફસ્ટાઇલ કેવી છે એનો મુખ્ય આધાર તમારા કામ પર રહેલો છે. કામના કલાકો, કામનો સ્વભાવ અને એ કામ થકી તમને મળતા પૈસા આ બધા પર જ તમારી લાઇફસ્ટાઇલ નિર્ભર કરે છે. કોઈ પણ વ્યક્તિ જે હેલ્ધી રહેવા માગે છે તેણે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી જરૂરી છે. જોકે આજકાલ જે પ્રકારનું કામ આપણે કરીએ છીએ અને જીવન આપણે જીવીએ છીએ એને કારણે ઇચ્છવા છતાં હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવી શકતા નથી. કામ તો કામ છે, એ કોઈ છોડી શકવાનું નથી. બૉસને કહેવાતું નથી કે મને પ્રેશર ન આપો, કંપનીને એ કહેવાતું નથી કે મારો સમય બદલો, ક્લાયન્ટને કહેવાતું નથી કે છેલ્લા ૩ મહિનાથી આઠને બદલે ૧૨ કલાક કામ કરીએ છીએ તમારા માટે. કામ ન કરીએ તો જીવીએ કઈ રીતે? કમાવું પણ જરૂરી છે. આ દલીલો ૧૦૦ ટકા સત્ય છે, પણ આ જ કામ આપણને રોગિષ્ઠ બનાવી રહ્યું છે. કઈ રીતે એ જાણીએ અને સમજીએ એનો ઉપાય.
ADVERTISEMENT
કામના કલાકો
BMJ ડાયાબિટીઝ રિસર્ચ ઍન્ડ કૅરનું ૨૦૧૮નું એક રિસર્ચ જણાવે છે કે લાંબા કામના કલાકો ડાયાબિટીઝના રિસ્કને ૫૧ ટકા વધારે છે. સ્ત્રીઓ પર થયેલા આ રિસર્ચમાં જણાયું હતું કે અઠવાડિયામાં ૪૫ કલાકથી વધુ કલાક કામ કરતી સ્ત્રીઓ પર ૩૫-૪૦ કલાક કામ કરતી સ્ત્રીઓ કરતાં ડાયાબિટીઝ થવાનું રિસ્ક ૫૧ ટકા વધુ છે. એક સમય હતો જ્યારે લોકો સવારે નવથી સાંજે પાંચનું કામ કરતા. આજે એ જ પ્રકારની જૉબમાં પણ કંપની અપેક્ષા રાખે છે કે વ્યક્તિ દસથી ૧૨ કલાક કામ કરે. ઑફિસથી નીકળી જાય પછી પહેલાંના લોકો ક્યારેય કામ નહોતા કરતા. આજે લોકો વેકેશન પર પણ કામ સાથે લઈને જતા થઈ ગયા છે એ વિશે વાત કરતાં બોરીવલી અને ગોરેગામના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘કામને અપાતું પ્રાધાન્ય છતું છે. ખાસ કરીને બાવીસ વર્ષથી લઈને ૫૦ વર્ષની ઉંમર સુધી લોકો દિવસના ૧૨-૧૨ કલાક કામ કરતા જોવા મળે છે. એને લીધે તેમની પાસે ખુદ માટે, પરિવાર માટે કે હેલ્થ માટે સમય જ નથી. આ શારીરિક અને માનસિક તાણ તેમને રોગ સુધી લઈ જાય છે.’
ઉપાય : આ સમસ્યાનો ઉપાય જણાવતાં અંધેરી-વેસ્ટના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. રાજીવ કોવિલ કહે છે, ‘કામના કલાકો લાંબા હોય એ જરૂરી નથી, પ્રોડક્ટિવિટી પર ધ્યાન આપવું જોઈએ. એટલે જ વર્ક ફ્રૉમ હોમ ઑપ્શન શરૂ થયા છે. ઘણી કંપની પોતાના કર્મચારીઓને આ કમ્ફર્ટ આપે છે, કારણ કે તેઓ જોઈ શકે છે કે આ રીતે કામની ક્વૉલિટી વધે છે. કોઈ એક કર્મચારી ૧૦ કલાક ઑફિસમાં બેસે અને જે કામ કરે એ ઘરે બેસીને પાંચ કલાકમાં થતું હોય તો લાંબા કલાકો ઑફિસમાં રહેવાની જરૂર નથી હોતી એ સમજદારી કેળવવી જરૂરી છે.’
નાઇટ-શિફ્ટ
નેધરલૅન્ડ્સમાં ગયા વર્ષે થયેલી સ્ટડી જણાવે છે કે જે લોકો રાત્રે મોડે સુધી જાગે છે તેમના પર ડાયાબિટીઝ થવાનું રિસ્ક ૪૬ ટકા જેટલું વધી જાય છે. મેદસ્વી લોકો પર થયેલા આ સર્વેમાં એ જાણવા મળ્યું કે રાત્રે વહેલા સૂઈ જતા મેદસ્વી લોકો કરતાં જે મોડે સુધી જાગે છે તેમના પર ડાયાબિટીઝનું રિસ્ક ઘણું વધુ છે. આમ ઓબેસિટી ડાયાબિટીઝ માટેનો ખતરો તો છે જ, પરંતુ એમાં પણ જો તમે રાત્રે વહેલા ન સૂઓ તો ખતરો બેવડાય છે. શરીરની સર્કાડિયન રિધમ એટલે કે પ્રાકૃતિક ઘડિયાળ ખોરવાય તો એની અસર હેલ્થ પર દેખાય જ છે. ભલે લોકો કહેતા કે તેઓ જાગી શકે છે કે તેમને ફરક નથી પડતો, પણ એવું હોતું નથી. ઘણાબધા લોકો છે જે કામ માટે રાત્રિ-જાગરણ કરતા હોય છે અથવા તો તેમના કામનો પ્રકાર જ રાત્રે જાગવાનો છે, તેમની હેલ્થ પર માઠી અસર થાય જ છે.
ઉપાય : આ તકલીફનો ઉપાય સૂચવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘રાતની શિફ્ટવાળા લોકોએ દિવસે ૮ કલાકની ઊંઘ ચોક્કસ લેવી. જોકે એ એની ભરપાઈ છે એવું નથી. એવા ઘણા લોકો છે જેઓ રાત્રે જાગીને દિવસે પણ માત્ર ૪-૫ કલાક સૂએ છે. એ સૌથી ખરાબ છે. બને તો એવું કામ ન પકડવું જેમાં રાતની શિફ્ટ હોય. ખાસ કરીને જો તમારા ઘરમાં માતા કે પિતા કે બન્નેને ડાયાબિટીઝ હોય તો ૧૦૦ ટકા તમારે નાઇટ-શિફ્ટમાં કામ કરવાનું રિસ્ક ન જ લેવું જોઈએ.’
કામનું સ્ટ્રેસ
ઑક્યુપેશનલ અને એન્વાયર્નમેન્ટલ મેડિસિન નામની જર્નલમાં તાજેતરમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર કામની જગ્યાએ થતી ઇમોશનલ ડિમાન્ડ અને ઝઘડાઓ કે દલીલો દ્વારા ઉત્પન્ન થતા સ્ટ્રેસને કારણે પુરુષોમાં ૨૦-૧૫ ટકા અને સ્ત્રીઓમાં ૨૪-૨૦ ટકા ડાયાબિટીઝ થવાના રિસ્કમાં વધારો થાય છે. કામનું સ્ટ્રેસ આજની તારીખે કોને નથી હોતું. બધાને જ હોય છે. એ સ્ટ્રેસ ન થાય એવું શક્ય નથી તો એ સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખવું જરૂરી છે.
ઉપાય : આ તકલીફનો ઉપાય જણાવતાં ડૉ. રાજીવ કોવિલ કહે છે, ‘કામને પૅશનની જેમ કરતા લોકો એના સ્ટ્રેસને જીરવી જતા હોય છે. જો તમને લાગે કે આ સ્ટ્રેસ સહન નથી થઈ રહ્યું તો યોગ, પ્રાણાયામ, ધ્યાનનો ઉપયોગ કરો. સ્ટ્રેસથી ગભરાઓ નહીં. એને પ્રેરણાબળ તરીકે જુઓ. વર્ક-લાઇફ બૅલૅન્સ જો તમે સાધી શકશો, ખુદને અને પરિવારને સમય આપતાં-આપતાં કામ કરી શકશો તો સ્ટ્રેસ તમને હેરાન નહીં કરે.’
બેઠાડુ જીવન
BMC પબ્લિક હેલ્થ નામની જર્નલમાં તાજેતરમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર ખુરસી પર કલાકો સુધી બેઠાં-બેઠાં કામ કરતા લોકો પર ડાયાબિટીઝ થવાનું રિસ્ક ૨૦ ટકા જેટલું વધુ જણાય છે. સ્ટડીમાં જણાવ્યું હતું કે બેઠાડુ જીવન જીવવાને કારણે વ્યક્તિમાં પેટનો ઘેરાવો એટલે કે ફાંદ વધી જાય છે જેને કારણે ડાયાબિટીઝનું રિસ્ક વધે છે. ઑફિસમાં એક જ ડેસ્ક પર લાંબો સમય સુધી બેઠા રહેવાને કારણે લોકોનું જીવન બેઠાડુ થઈ જાય છે.
ઉપાય : આ સમસ્યાનો ઉપાય જણાવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સ્ટૅન્ડિંગ ડેસ્ક એક ઘણો સારો ઉપાય છે. જો એ ન હોય તો દર અડધો કલાકે બે મિનિટનો બ્રેક લેવો જરૂરી છે. ઑફિસમાં જ લટાર મારવી જોઈએ અથવા અમુક સ્ટ્રેચ અને અમુક સ્ક્વૉટ જેવી એક્સરસાઇઝ કરવી જોઈએ. આ સિવાય ચાલવાનાં અને ઍક્ટિવિટીનાં બહાનાં શોધતા રહો. એક કલાક એક્સરસાઇઝનો સમય કાઢો જ. બાકીના સમયમાં પણ ઍક્ટિવ રહેશો તો વાંધો નહીં આવે.
ડાયટ સંબંધિત તકલીફો
આજકાલ લોકો પાસે ખાવાનો સમય નથી હોતો, જમવાનું બનાવવાનો સમય નથી હોતો. વળી સવારે ગરમ નાસ્તો પણ લોકો સ્કિપ કરતા હોય છે. બે મીલ વચ્ચે લાંબો અંતરાલ આવી જાય છે. બહારનું ખાવાનું વધ્યું છે અને ઘરનું ઘટ્યું છે. જન્ક વધ્યું છે અને પોષણનું ધ્યાન ઘટ્યું છે. આ બધા પ્રૉબ્લેમનું કારણ પણ કામના વધુ પડતા કલાકો અને કામને કારણે લાગતો માનસિક થાક જ છે જેને લીધે ઓબેસિટી એક પૅન્ડેમિક બનીને આપણી સામે આવી છે. એને કારણે ડાયાબિટીઝનું રિસ્ક ઘણું વધી ગયું છે.
ઉપાય : એનો ઉપાય જણાવતાં ડૉ. રાજીવ કોવિલ કહે છે, ‘લોકોએ ખોરાક સંબંધિત જાગૃતિ રાખવી જરૂરી છે. બની શકે એટલું ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ. બીજું એ કે કૉર્પોરેટ
સેટ-અપમાં હેલ્ધી કૅન્ટીન સેટ-અપ જરૂરી છે. દરેક કંપનીએ આ બાબતે જાગ્રત બનવું જરૂરી છે.’
શું તમે જાણો છો?
આજકાલ મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓનું કેટલું ધ્યાન રાખે છે? ઇચ્છા કરી શકીએ કે કૉર્પોરેટ સેક્ટરમાં બીજી કંપનીઓ પણ આ ટ્રેન્ડ અપનાવે.
ફિટનેસ સેન્ટર : ઝોમૅટો જેવી કંપનીએ ગુડગાંવમાં એક વિશાળ અત્યાધુનિક ફિટનેસ સેન્ટર શરૂ કર્યું છે જેનો લાભ ૩૦૦ જેટલા કર્મચારીને મળી રહ્યો છે.
એક્સેન્ચર આખા ભારતમાં પોતાના કર્મચારીઓ માટે વેલ-બિઇંગ કાર્નિવલનું આયોજન કરે છે. એક વર્ષમાં એનાં આશરે ૩૦૦થી પણ વધુ સેશન યોજાય છે. એમાં હેલ્થ-સ્ક્રીનિંગ પ્રોગ્રામ, જાણકારી માટે વર્કશૉપ્સ અને યોગ, ઝુમ્બા જેવા ક્લાસિસ પણ સામેલ છે. આ કંપની પોતાના કર્મચારીઓને પર્સનલ હેલ્થ-કોચ આપે છે જેના માર્ગદર્શન હેઠળ તેઓ પોતાની હેલ્થની કાળજી રાખી શકે છે.
પબ્લિસિસ સેપિયન્ટ નામની એક કંપનીએ પોતાના કર્મચારીઓની માનસિક હેલ્થ માટે એક ટ્રેઇનિંગનું આયોજન કર્યું હતું. ખાસ કરીને સારી લીડરશિપ તૈયાર કરવા દરેક મૅનેજરને આ ટ્રેઇનિંગ આપવામાં આવેલી.
મુખ્ય ઉપાય
મોટી-મોટી મલ્ટિનૅશનલ કંપનીઓ સમજી રહી છે હેલ્થનું મહત્ત્વ. એ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘વર્ક-કલ્ચરને કારણે ઊભી થઈ રહેલી આ તકલીફનો ઉપાય એમ્પ્લૉઈ એટલે કે કર્મચારીઓ કરતાં એમ્પ્લૉયર એટલે કે કંપનીઓએ ખુદ વિચારવાનો છે. કોઈ પણ કંપની માટે એના કર્મચારીઓ એની સાચી મૂડી કે જણસ હોય છે એવું જ્યારે કંપની સમજશે ત્યારે એ કર્મચારીઓની હેલ્થને પ્રાથમિકતા આપશે. કર્મચારીઓની જો શારીરિક અને માનસિક હેલ્થ સારી હશે તો ચોક્કસ કંપનીની પ્રોડક્ટિવિટી વધશે એ સત્ય સમજીને કંપનીઓએ સ્ટ્રૅટેજી બનાવવી જોઈએ.’
કેટલીક મૂળભૂત સુવિધાઓ જે દરેક કંપનીમાં હોવી જોઈએ...
હેલ્ધી કૅન્ટીન - જેમાં પોષણયુક્ત ખોરાક મળી રહે.
કામ ફિક્સ પણ કલાકો ફ્લેક્સિબલ હોવા જોઈએ.
એક જિમ કે યોગ સેટ-અપ જે કમર્ચારીઓને એક્સરસાઇઝ કરવામાં મોટિવેટ કરે.
કાઉન્સેલરની નિમણૂક. જો કંપનીમાં કોઈ પણ કર્મચારી સ્ટ્રેસ ન સંભાળી શકે તો તેની મદદ માટે.


