દલીલો, ઝઘડા અને મતભેદ તો બધાં યુગલો વચ્ચે થતાં જ હોય છે અને સમય સાથે તેઓ થાકે પણ છે. જોકે જો પાયો મજબૂત ન હોય તો એ તૂટી જાય છે. એને મજબૂત બનાવવા માટે ચાર પરિબળ પર ફોકસ કરવામાં આવે તો જીવન ખુશખુશાલ પસાર થશે
પ્રતીકાત્મક તસવીર
પ્રેમમાં પડવું એ સુંદર શરૂઆત છે, પરંતુ લૉન્ગ ટર્મ રિલેશનશિપમાં આ સ્પાર્કને જાળવવા મહેનત અને સમજણ જોઈએ. જ્યારે કોઈ યુગલ ખુશ દેખાય છે ત્યારે લોકોને તેમની લવસ્ટોરી કમ્પ્લીટ થયેલી દેખાય છે. જોકે વાસ્તવિકતા એ છે કે સંબંધ હંમેશાં એક પ્રોસેસ છે, એક ફિનિશ્ડ પ્રોડક્ટ નહીં. સંબંધ રોજ થોડો-થોડો સ્નેહ માગે છે એનો ખ્યાલ અને કાળજી રહે તો એ ખીલતો રહે છે. આવું ન થાય તો ઘણા પ્રૉબ્લેમ્સ આવે અને એનો અંત બ્રેકઅપ અથવા ડિવૉર્સ જ હોય છે. તાજેતરમાં એક ન્યુરોસર્જ્યને રિલેશનશિપને મજબૂત રાખતા ૪ પિલર્સની વાત કરતો વિડિયો શૅર કર્યો હતો. એમાં તેમણે કહ્યું હતું કે ‘સફળ રિલેશનશિપના ૪ પાયા હોય છે. એનું મજબૂત હોવું અત્યંત આવશ્યક છે. સૌથી પહેલો પાયો છે પ્રેમ. સંબંધમાં ઇમોશનલ ઇન્ટિમસી હોવી બહુ જરૂરી છે. જો એ ઓછી થાય તો અચાનક જ બૉન્ડિંગ ઓછું થવા લાગે છે. બીજો પાયો મ્યુચ્યુઅલ રિસ્પેક્ટનો છે. સંબંધમાં એકબીજા પ્રત્યેનો અને એકબીજાના પરિવાર પ્રત્યેનો રિસ્પેક્ટ તમારા સંબંધોને વધુ સારો બનાવતા ફ્યુઅલનું કામ કરે છે. જો રિસ્પેક્ટ નહીં હોય અથવા ઓછી થવા લાગે તો મતભેદ સર્જાય છે અને એ આગળ જતાં રિલેશનમાં નકારાત્મક અસર કરે છે. ત્રીજો પાયો છે ટ્રસ્ટનો. પ્રેમ હોય પણ ભરોસો ન હોય અને ભરોસો હોય પણ પ્રેમ કે રિસ્પેક્ટ ન હોય એવું ન ચાલે. ચારેય પાયા એકબીજા સાથે જોડાયેલા છે એટલે કોઈ એક નબળો પડે તો રિલેશન પ્રભાવિત થાય છે.’
ન્યુરોસર્જ્યને કહેલી આ વાત બધા જ જાણતા હશે, પણ રિલેશનશિપને સાચા અર્થમાં હેલ્ધી બનાવવા શું મહત્ત્વનું છે એ પણ જાણવું જોઈએ.
ADVERTISEMENT
હેલ્ધી રિલેશન એટલે?
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી ફોર પિલર્સની ફૉર્મ્યુલા રિલેશનશિપને મજબૂત બનાવવાનું કામ તો કરશે, પણ આ સાથે અમુક નાની બાબતોમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે એમ જણાવીને મુલુંડમાં રહેતાં અનુભવી સાઇકોલૉજિસ્ટ સિદ્ધિ મારુ કહે છે, ‘લવ, રિસ્પેક્ટ, ટ્રસ્ટ અને ફ્રીડમ આ ૪ પાયા સંબંધને મજબૂત બનાવવાનું કામ તો કરે છે, પણ તમે જે સંબંધમાં છો એ કેટલો હેલ્ધી છે એની ચકાસણી કરજો. પાર્ટનર સાથે ક્લીન અને ઓપન કમ્યુનિકેશન કરવામાં ખચકાટ ન અનુભવવો. જ્યારે પાર્ટનર તમારી સામે પોતાની ફીલિંગ એક્સપ્રેસ કરે અથવા કોઈ વાત રાખે ત્યારે તેને જજ કર્યા વગર સાંભળવું અને રીએક્ટ કરવું એ હેલ્ધી રિલેશનશિપની નિશાની છે. સાચો સંબંધ ત્યારે જ ખીલે છે જ્યારે એકબીજાના વિચારો, સ્વભાવ અને બાઉન્ડરીઝનું માન રાખીએ. ત્યાં કંઈ છુપાવવાની જરૂર નથી હોતી. રોજબરોજની લાઇફસ્ટાઇલમાં સહિયારી જવાબદારી વહેંચવાથી અને સાથે હેક્ટિક શેડ્યુલ વચ્ચે પણ થોડી હળવાશની પળો માણવાથી સંબંધોમાં હૂંફ જળવાઈ રહે છે. હેલ્ધી રિલેશનની સાથે કમ્યુનિકેશન મહત્ત્વનો રોલ પ્લે કરે છે. અત્યારે વર્કિંગ કપલ્સમાં કમ્યુનિકેશનનો બહુ જ અભાવ જોવા મળી રહ્યો છે. જો વાતચીત ન થાય તો લાગણીઓ અંદર દબાઈ રહે છે અને ગેરસમજ વધે છે. ‘આમ મારી વાત રાખીશ તો મારો પાર્ટનર દુખી થશે તો?’, ‘તેણે તો મારા મનની વાત સમજી લેવી જોઈએ’ આવા વિચારો વધુ ગેરસમજ ઊભી કરે છે. એને સુધારવી શક્ય છે. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. શાંતચિત્તે એકબીજા સાથે વાત કરતા શીખવું અને જ્યારે અસહમતી આવે ત્યારે બ્રેક લેવો પણ વાતચીતનો દરવાજો ખુલ્લો રાખવો ફરજિયાત છે. અત્યારે સોશ્યલ મીડિયા પર રિલેશનશિપ્સની શૉર્ટ રીલ્સ ઘણી વાર અવાસ્તવિક અપેક્ષાઓ સર્જે છે એને કારણે કપલ્સ અસંતોષ અનુભવતાં હોય છે. એટલે પોતાની લાઇફની સરખામણી બીજા સાથે કરવાની જરૂર નથી.’
તૂટેલો વિશ્વાસ પાછો મેળવી શકાય?
કોઈ રિલેશન શરૂઆતથી પર્ફેક્ટ હોતું નથી, એને પર્ફેક્ટ બનાવવા માટે ઘણા ઉતાર-ચડાવનો સામનો કરવો પડે છે. એમાં વિશ્વાસ સંબંધનો સૌથી મોટો પાયો છે એમ જણાવીને સિદ્ધિ મારુ કહે છે, ‘જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે ફક્ત એક વાર માફી માગવાથી પાછો નહીં આવે. ‘આ વખતે માફ કરી દે, હું મારી ભૂલ સુધારીશ’ એવું ફક્ત કહેવાથી જ વિશ્વાસ પાછો ન આવે. વિશ્વાસને પાછો જીતવામાં પાર્ટનરની લાગણીઓને જે ઠેસ પહોંચી છે એને સમજવાનો અને સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ માટે એવું નથી એક જ વ્યક્તિએ એફર્ટ્સ લેવા જોઈએ, જેને દુખ પહોંચ્યું છે તેણે પણ એ એફર્ટ્સની કદર કરવી જોઈએ. સમય સાથે બધું જ ઠીક થઈ શકે છે. ઝઘડો થવો બહુ સ્વાભાવિક છે અને થવો જ જોઈએ, પણ એ ઝઘડામાં એકબીજા પર વ્યક્તિગત હુમલા કરવાને બદલે કે જૂની વાતો કે ભૂલો સંભળાવવાને બદલે જે કારણે મતભેદ થયા છે એને ઉકેલવાની કોશિશ કરવી જોઈએ. ક્યારેક વાત વધુ વણસી જાય એવું લાગે તો થોડા સમયનો બ્રેક લઈને એ મુદ્દે શાંતિથી વિચાર કરવો અને પછી ફરીથી વાત કરવી. એ સમયે જે વાતચીત થશે એ બહુ જ સારી અને મીનિંગફુલ થશે અને એમાંથી બે નવા રસ્તા પણ નીકળશે. રેગ્યુલર રૂટીનમાંથી થોડો સમય કાઢીને ડિનરડેટ પર જાઓ, નાની ટ્રિપ્સ પ્લાન કરો, મનગમતી ઍક્ટિવિટી સાથે કરો. આ બધી પ્રવૃત્તિથી ઇમોશનલ બૉન્ડિંગ વધશે.’
રિસ્પેક્ટ વિનાનો પ્રેમ ટકે?
પ્રેમ અને આદર વચ્ચેનો તફાવત સમજાવતાં સિદ્ધિ મારુ કહે છે, ‘કોઈ માટે લાગણી, કાળજી અને નજીક રહેવાની ઇચ્છા એ પ્રેમ છે. પ્રેમ ફક્ત એટલું જ કહે છે કે મને તારો સાથ જોઈએ છે, પણ આદર મનને સ્થિર રાખે છે, તું જે છે એ મને સ્વીકાર્ય છે. એટલે પાર્ટનરના વિચારો, પસંદગી, શોખ, સ્વતંત્રતા અને બાઉન્ડરીઝના મૂલ્યને સમજે છે; પણ કેટલાક કેસમાં પ્રેમ પઝેસિવનેસમાં બદલાઈ જાય છે. પ્રેમનો અર્થ સ્વતંત્રતા છે, માલિકી નહીં. તું મારી સાથે છે એટલે હું જે કરું એ તારે સ્વીકારવું જ પડશે એ વલણ કન્ટ્રોલ કરવાની ભાવના કેળવે છે. પછી પોતાની જાતને બળજબરીથી બદલવાની કોશિશ કરવાથી શંકા, ઇનસિક્યૉરિટી અને સંબંધ તૂટી જવાનો ભય નિર્માણ થાય છે. તેથી પ્રેમની સાથે રિસ્પેક્ટ હશે તો તમે તે વ્યક્તિને સમજશો, સ્પેસ આપશો, ઇમોશનલ સિક્યૉરિટી આપશો કે હું તારા અપ્સ ઍન્ડ ડાઉન્સમાં સાથે ઊભો છું, તને છોડીને નહીં જાઉં, ભૂલો થશે તો સ્વીકારીને આગળ વધુ બેટર વર્ઝન બનીશું અને બનાવીશું. કોઈ ત્રીજી વ્યક્તિની સામે અને પાર્ટનરની પીઠ પાછળ બૅકબીચિંગ કરવાને બદલે કે તેને ઉતારી પાડવાને બદલે રિસ્પેક્ટ આપવો એ એક પ્રકારનો પ્રેમ દર્શાવવો જ ગણાય.’
સ્પેસ કેમ જરૂરી?
વાતનો દોર આગળ વધારતાં સિદ્ધિ મારુ કહે છે, ‘જ્યારે હું કિચનમાં કામ કરું ત્યારે સતત ડિસ્ટર્બ ન કરતા આ રીતે પોતાની વાત સ્પષ્ટ રાખીને રિલેશનમાં એક બાઉન્ડરી સેટ કરવી બહુ જરૂરી છે અને એ રિસ્પેક્ટની નિશાની છે એ રીતે વાતને રજૂ કરો. કોઈ મહત્ત્વના નિર્ણયો કે શારીરિક સંબંધ બાંધતી વખતે પાર્ટનરની સહમતી હોવી જરૂરી છે. તેના નિર્ણયનું માન રાખો. એમાં પણ ખાસ કરીને ફાઇનૅન્સના મુદ્દે વધુ ક્લૅરિટી સાથે વાત કરો. બાઉન્ડરીઝની સાથે પર્સનલ સ્પેસ આપવી જરૂરી છે. પાર્ટનરને પોતાના ફ્રેન્ડ્સ સાથે આઉટિંગ, શોખ કે મનગમતી પ્રવૃત્તિઓ કરવાનું માન રાખીને પર્સનલ સ્પેસ આપો. આ સમયને અલગ થવા તરીકે નહીં, રીચાર્જ થવા તરીકે જુઓ. જો પાર્ટનર કહી રહ્યો હોય કે તેને થોડી વાર માટે એકલતા જોઈએ છે તો તેને ડિસ્ટર્બ ન કરો. આ સમયનો ઉપયોગ કરીને તમે પણ તમારા અંગત કામ પર ધ્યાન આપી શકો છો.’
આમ મારી વાત રાખીશ તો મારો પાર્ટનર દુખી થશે તો?’, ‘તેણે તો મારા મનની વાત સમજી લેવી જોઈએ’ આવા વિચારો વધુ ગેરસમજ ઊભી કરે છે. એને સુધારવી શક્ય છે. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. શાંતચિત્તે એકબીજા સાથે વાત કરતા શીખવું અને જ્યારે અસહમતી આવે ત્યારે બ્રેક લેવો પણ વાતચીતનો દરવાજો ખુલ્લો રાખવો ફરજિયાત છે. - સિદ્ધિ મારુ, સાઇકોલૉજિસ્ટ


