Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બાળપણમાં થયેલા પોલીયોની અસર સપનાનાં મક્કમ મનોબળ પર ન થવા દીધી, ભાવિના પટેલની આવી રહી સફર

બાળપણમાં થયેલા પોલીયોની અસર સપનાનાં મક્કમ મનોબળ પર ન થવા દીધી, ભાવિના પટેલની આવી રહી સફર

29 August, 2021 07:01 PM IST | mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

ટોક્યો પેરાલિમ્પિક 2020માં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી ભાવિના પટેલ અનેક ભાવિ રમતવીરો માટે પ્રેરણા બન્યા છે.  

ભાવિના પટેલ

ભાવિના પટેલ


રમતગમત ક્ષેત્રમાં વિશ્વસ્તર પર ગુજરાત સહિત ભારતનો ડંકો વગાડી ગુજ્જુ ગર્લ ભાવિના પટેલે ખરા અર્થમાં રાષ્ટ્રીય રમત દિવસને સાર્થક બનાવ્યો છે.  ટોક્યો પેરાલિમ્પિક 2020માં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી ભાવિના પટેલ અનેક ભાવિ રમતવીરો માટે પ્રેરણા બન્યા છે.  આ સાથે જ ભાવિના પટેલ પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગયા છે. પરંતુ તેમની આ સફર ખુબ જ કઠિન અને પરિશ્રમભરી રહી છે. આજે રાષ્ટ્રીય રમત દિવસ પર મિડ-ડે ડૉટ કોમે ભાવિના પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે તેમની સફળતાની સફરના કેટલાક અંશો શેર કર્યા હતાં.   

સપના ક્યારેય કોઈ બિમારીનો શિકાર બનતા નથી એવું માનનારા અને મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સૂંઢિયા ગામમાં જન્મેલા ભાવિના પટેલ માત્ર 12 મહિનાની વયે પોલીયોનો શિકાર બન્યા હતાં.  તેમ છતાં પણ ટેબલ ટેનિસ પ્રત્યે ખુબ રુચિ ધરાવતા ભાવિનાએ પોતાનુ મનોબળ ના ગુમાવ્યુ અને તેને ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી. પહેલા માત્ર મનોરંજન માટે રમતા હતા, પરંતુ બાદમાં તેને કારકિર્દી તરીકે આગળ ધપાવ્યું. લગભગ 15 વર્ષ પહેલાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન ખાતે ટેબલટેનિસ રમવાનું શરૂ કર્યુ હતું.  ત્યાર બાદ આ ક્ષેત્રે કારકિર્દીને ઉંચા લેવલ પર લઈ જવા માટે તેમણે ટેક્નોલોજીની મદદ લીધી. ભાવિના પટેલે  આ વર્ષે પેરાલિમ્પિક પ્રથમ વાર જ ભાગ લીધો અને સિલ્વર મેડલ દેશને નામ કર્યુ. 





સખત પરિશ્રમ અને પ્રેક્ટિસ

સખત પરિશ્રમ અને શ્રેષ્ઠ પ્રદર્શનથી પેરાલિમ્પિકમાં સિદ્ધિ હાંસલ કરનાર ભાવિના પટેલે મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં જણાવ્યું કે, "ટેબલ ટેનિસમાં બેસ્ટ પર્ફોમન્સ આપવા માટે હું રોજની 8 થી 9 કલાક પ્રેક્ટિસ કરુ છું.  પ્રેક્ટિસ કરવા માટે રોજ વહેલી સવારે 3 વાગ્યે મને મારુ એલાર્મ નહીં પરંતુ મારુ ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું ઉઠાડે છે. મને આનંદ છે કે મે પહેલી જ વાર પેરાલિમ્પિકમાં ભાગ લીધો અને સિલ્વર મેડલ હાંસલ કર્યુ. પરંતુ એ વાતનું દુ:ખ પણ છે કે મારુ ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું અધુરું રહી ગયુ. તેમ છતાં હું મકક્મ મનોબળ સાથે આ વખતે જે કચાસ રહી ગઈ છે તેને પુરી કરી વધારે મહેનત કરી આગામી વર્ષમાં ગોલ્ડ મેડલ મેળવવાનું મારુ સપનું પુરૂ કરીશ."


ભાવિના પટેલે લગભગ ચાર લાખ રૂપિયાની કિંમતના એક રોબોટ મશીન (સતત બોલ ફેંકનાર મશીન) દ્વારા પ્રેક્સિટ શરૂ કરી, આ મશીન દ્વારા તે સતત અલગ અલગ શોટ્સના કલાકો સુધી પ્રેક્ટિસ કરતી હતી. ઉલ્લેખનીય છે કે, રમત મંત્રાલય દ્વારા 2020ના વર્ષમાં TOPS સ્કીમ (ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજના) સામેલ થયા બાદ તેને પ્રેક્ટિસ માટે રોબોટ મળ્યો હતો. ભાવિનાને સર્વોચ્ચે કેરિયર સુધી લઇ જવામાં તેમના પતિનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. 

પતિ અને પરિવારનો સહકાર

ભાવિના પટેલના અંગત જીવનમાં ડોકિયું કરીએ તો તેમના લગ્ન અમદાવાદમાં થયા અને લગ્ન બાદ તેમને તેમનું સપનું પુરૂ કરવા માટે એક અલગ જ દિશા અને સહકાર મળ્યો. પર્સનલ લાઈફ વિશે વાત કરતાં તેમણે વધુમાં કહ્યું કે, `અત્યારે  હું જયાં પણ છો તેમાં મારા પતિનો અને પરિવાનો સિંહફાળો છે. મારા પતિએ મને સાહસ, તાકાત  અને હિંમત આપી છે, જેના કારણે હું આજે સિલ્વર મેડાલિસ્ટ બની શકી છું`. ટોકયો જીત બાદ સૌ પ્રથમ અભિનંદન તેમના પતિ નિકુલ પટેલે આપ્યા હતા. અમદાવાદના નિકુલ પટેલને પોતાની દિવ્યાંગ પત્ની માટે ગર્વ છે. તેઓ અમદાવાદમાં જ વ્યવસાય કરે છે અને બોલ બેરિંગનો તેમનો કારોબાર છે તેમને આશા છે કે, આગામી સમયમાં ભાવિના ગોલ્ડ મેડલ અવશ્ય જીતશે અને દેશનું ગૌરવ વધારશે.

મહિલાઓને સંદેશ

ટેબલ ટેનિસ સિવાય ભાવિના પટેલ સિંગિંગ અને કુકિંગનો શોખ ધરાવે છે. જ્યારે પણ તેમને ફ્રી ટાઈમ મળે ત્યારે તેઓ કુકિંગ કરવાનું પસંદ કરે છે. દાળ ઢોકળી તેમની ફેવરિટ ડીશ છે. ગુજરાતની અને દેશની મહિલાઓને સંદેશો આપતાં ભાવિના પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓએ તેમની અંદર રહેલી શક્તિ કે આવડતને ઓળખવી જોઈએ. જે કામ કોઈ અન્ય આપણા માટે કરી શકતું નથી, આપણને જ કરવું પડે છે. એકવાર અંદર રહેલી શક્તિ અને ટેલેન્ટને ઓળખી જઈએ પછી આપણને સપના પુરા કરવા માટે કોઈ રોકી શકતું નથી. 

અહીં નોંધવુ રહ્યું કે ટોક્યો પેરાલિમ્પિક 2020માં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતનારા ભાવિના પટેલ ભારતના પથમ મહિલા બન્યા છે. તેમની આ સિદ્ધિ બદલ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે.  મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન મોદી દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા તેમને 3 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  સાથે સાથે તેમને નોકરી આપવાની પણ જાહેરાત સરકારે કરી છે.  

 

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2021 07:01 PM IST | mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK