કમોસમી માવઠાએ ઊભા પાક ધોઈ નાખ્યા, ગુજરાતના ખેડૂતો બેહાલ
સુરત જિલ્લાના એક ગામમાં હર્ષ સંઘવી સામે મહિલા-ખેડૂત રડી પડી હતી, સુરત જિલ્લાના એક ગામમાં બરબાદીના પાક સાથે ખેતરમાં ઊભેલો ખેડૂત.
જગતના તાતની વેધક વ્યથા : અમને આટલું નુકસાન થયું છે પણ ગુજરાતના ૧૮૨ વિધાનસભ્યો અને ૨૬ સંસદસભ્યોમાંથી એક પણ વ્યક્તિ એવું નથી બોલી કે અમારો અડધો પગાર ખેડૂતોને આપીએ છીએ
સર્વે નહીં સીધી સહાય કરવા ઠેર-ઠેર ઊઠી માગણી- સુરતના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે મહિલા-ખેડૂત હર્ષ સંઘવી સામે રડી પડી : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
ADVERTISEMENT
મોઢે આવેલો પાકનો કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો, ગુજરાતના ખેડૂતો પર આભ ફાટ્યું : હજીયે સંકટ યથાવત્, આજથી ૪ દિવસ માવઠાની આગાહી
ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. માવઠાને કારણે ખેતરોમાં ઊભા પાકોનો સોથ વળી ગયો છે અને ખેતરો વરસાદી પાણીથી ભરાયાં છે. કુદરતના કેર સામે ખેડૂત સહિત લોકો લાચાર થઈ ગયા છે ત્યારે ગઈ કાલે સુરત જિલ્લાનાં ગામોનાં ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા ગયેલા ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સમક્ષ પાકને થયેલા નુકસાનની રજૂઆત કરતાં-કરતાં મહિલા-ખેડૂત ચોધાર આંસુએ રડી પડી હતી. મહિલા-ખેડૂતનું દરદ છલકાતાં હર્ષ સંઘવીએ તેને સાંત્વન આપીને મદદ કરવા ખાતરી આપી હતી. બીજી તરફ ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને સર્વે નહીં સીધી સહાય આપવા ગુજરાતમાં ઠેર-ઠેર માગણી ઊઠી છે ત્યારે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવીને ગુજરાતના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં સમીક્ષા કરીને રાજ્ય સરકારને અહેવાલ મોકલી આપવા સૂચના આપી હતી.

ખેતરોમાં ફરી વળેલાં કમોસમી વરસાદી પાણી.
વેદના સાંભળી હર્ષ સંઘવીએ
સુરત જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સેલુત અને ભાંડુત ગામે પહોંચીને પાકને થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો. તેમણે ખેડૂતોની વ્યથા અને વેદના સાંભળી હતી. રસ્તા પર સૂકવેલી ડાંગર જોઈને હર્ષ સંઘવી ભાંડુત ગામે ઊભા રહી ગયા હતા જ્યાં એક મહિલા-ખેડૂત તેની વ્યથા કહેતાં રડી પડી હતી. હર્ષ સંઘવીએ તેને સાંત્વન આપ્યું હતું અને રસ્તા પર સૂકવવામાં આવેલા ડાંગરના પાકમાં થયેલા નુકસાનનો અલગથી સર્વે કરવાની અધિકારીઓને સૂચના આપી હતી. ખેડૂતોની રજૂઆત સાંભળીને હર્ષ સંઘવીએ આ મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી મહત્તમ મદદ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
ખેતરોમાં કરાયા સર્વે
કમોસમી વરસાદના પગલે સુરત જિલ્લામાં કુલ ૫૫૦ અસરગ્રસ્ત ગામોમાં ૩૫૦ પ્રાઇવેટ સર્વેયરો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ૫૩ ગામોમાં સર્વે પૂરો થયો છે. જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૯,૯૪૭ હેક્ટરમાં સૌથી વધુ ડાંગર, મકાઈ, સોયાબીન અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થયું છે. ડાંગ જિલ્લામાં પાક-નુકસાનીનો તાગ મેળવવા માટે કૃષિ સખી સહિતની ૬ ટીમ અને અધિકારીઓ દ્વારા ખેતરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ડાંગનાં ૧૦૦થી વધુ ગામોમાં ૨૦૨૮થી વધુ ખેડૂતોનાં ખેતરોમાં સર્વે હાથ ધરાયો હતો જેમાં ૨૨૬૭ હેક્ટરમાં ડાંગર, નાગલી સહિતના પાકોમાં પ્રાથમિક નુકસાન થયું હોવાનું જણાયું છે.
આવો કમોસમી વરસાદ?
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના પગલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે બેઠક બોલાવી હતી. ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી એવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એની ઝડપથી સમીક્ષા કરીને ખેડૂતોને મદદ કરવા સરકાર પ્રતિબદ્ધ છે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના પાકને થયેલા નુકસાન વિશે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી, કોઈ ખેડૂતને અડચણ ન થાય એ રીતે ત્રણ દિવસમાં કામ પૂરું થાય, સમીક્ષા થાય અને એનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત મોકલવામાં આવે એ માટે ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે.
ખેડૂતોને સીધી સહાય આપો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા ભારે કમોસમી વરસાદને કારણે ગુજરાતની ધરતી રસાતળ થઈ ગઈ છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં છે અને ઊભો પાક નાશ પામ્યો છે ત્યારે ખેડૂતોની મુશ્કેલીનો કોઈ પાર નથી રહ્યો. કપાસ, ડાંગર, કઠોળ, નાગલી, ડુંગળી, મગફળી સહિતના પાકો બરબાદ થઈ ગયા છે. પાક ધોવાઈ ગયા છે ત્યારે ગુજરાત સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેના આદેશ આપ્યા છે એની સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોની એવી રજૂઆત સાથે માગણી ઊઠી છે કે જ્યાં આખા ને આખા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હોય અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હોય ત્યારે સર્વે કરવા કરતાં ખેડૂતોને સીધી જ સહાય આપો અને દેવાં માફ કરો.
ખેડૂતોનો વ્યથા-વેદના સાથે વિરોધ
બરબાદીના કમોસમી વરસાદે પારાવાર નુકસાન કર્યું છે ત્યારે ખેડૂતોની વેદનાનો કોઈ પાર નથી. તેઓ વ્યથા ઠાલવી રહ્યા છે અને વિરોધ પણ કરી રહ્યા છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ગઈ કાલે ખેડૂતોએ વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. બનાસકાંઠામાં અને ભાવનગરમાં ખેડૂતોએ ખેતરમાં હવન કરીને સર્વેનો વિરોધ કર્યો હતો તો ખાંભામાં ખેડૂતોની રૅલી યોજાઈ હતી. પોરબંદરના બરડા પંથકના ખેડૂતો મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા કહેતા હતા કે ખેડૂતોને આટલું નુકસાન થયું છે, પરંતુ ગુજરાતના ૧૮૨ વિધાનસભ્યો અને ૨૬ સંસદસભ્યોમાંથી એક પણ વ્યક્તિ એવું નથી બોલી કે અમારો અડધો પગાર ખેડૂતોને આપીએ છીએ.
હજી પડશે કમોસમી વરસાદ
ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ હજી પણ ટળ્યું નથી. ખેડૂતો પર હજી પણ બરબાદીના કમોસમી વરસાદનું સંકટ યથાવત્ છે. આજથી ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૧૦ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવાબે ઇંચથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં અને પોરબંદર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ૩૦ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
ગીર સોમનાથમાં ઘાસનું વિતરણ
કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં પશુપાલકોમાં ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન પ્રદ્યુમન વાજાએ ગામોમાં ફરીને પરિસ્થિતિ જાણ્યા બાદ યોજેલી સમીક્ષા-બેઠકમાં ખેડૂતો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી. રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લા માટે ૯૮,૦૫,૪૮૦ કિલોગ્રામ ઘાસના જથ્થાની ફાળવણી કરી હતી. તલાલા તથા વેરાવળના ઘાસ-ડેપોમાં આવતા તાલાલા, વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના પશુપાલકોમાં આ ઘાસચારાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.


