એક જ ફૅમિલીના એક બાળક સહિત ચાર સભ્યો કાળનો કોળિયો બની ગયા
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ગઈ કાલે ભાવનગર-ધોલેરા હાઇવે પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં, જેમાં એક જ ફૅમિલીના એક બાળક સહિત ચાર સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા.
ભાવનગર–ધોલેરા હાઇવે પર એક કાર ભાવનગર તરફથી અને બીજી કાર ધોલેરા તરફથી આવી રહી હતી એ સમયે હાઇવે પર આવેલા સાંઢિડા પાસે જોરદાર ટક્કર થઈ હતી. એમાં એક કારનો આગળથી કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે બીજી કાર રોડથી ફંગોળાઈને નીચે ફેંકાઈ ગઈ હતી. કારમાં બેઠેલી એક મહિલા અને એક બાળક સહિત કુલ પાંચ જણનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં. એમાં મૂળ ભાવનગરના મહુલા તાલુકાના અને હાલ અમદાવાદમાં રહેતા ડોબરિયા પરિવારના ત્રણ ભાઈઓ અને એક બાળકનું, જ્યારે પાલિતાણાની એક મહિલાનું મૃત્યું થયું હતું. આ ઘટનાને કારણે હાઇવે પર ટ્રૅફિક જૅમ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમ જ ૧૦૮ ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બે ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ ગયા હતા.

