આજે વિદ્યાર્થીઓ અને મહાનુભાવો મુંબઈમાં બનેલા આ ખાસ જહાજને બહારથી જોઈ શકશે
સુરત પાસે હઝીરાના દરિયાકાંઠે યુદ્ધજહાજ INS સુરત આવી પહોંચ્યું હતું, કૅડેટ્સે હાથમાં તિરંગો લઈને જહાજને આવકાર્યું હતું.
ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ઇન્ડિયન નેવી શિપ (INS) સુરત ગઈ કાલે સુરત પાસે આવેલા હઝીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું અને આજે રાત્રે રવાના થશે. જોકે એ પહેલાં આજે વિદ્યાર્થીઓ, મહાનુભાવો અને સરકારી-કર્મચારીઓ પ્લૅટફૉર્મ પર ઊભા રહીને મુંબઈમાં બનેલા આ ખાસ જહાજને બહારથી જોવાનો લહાવો લેશે.
આ જહાજ આવ્યું ત્યારે કૅડેટ્સે હાથમાં તિરંગો લઈને એને આવકાર્યું હતું અને સંસદસભ્ય મુકેશ દલાલ અને રાજ્યસભાના સંસદસભ્ય ગોવિંદ ધોળકિયાએ એનું સ્વાગત કર્યું હતું.
ADVERTISEMENT
૨૦૨૫ની ૧૫ જાન્યુઆરીએ મુંબઈના નેવલ ડૉકયાર્ડ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા INS નીલગિરિ અને INS વાઘશીર સાથે INS સુરત યુદ્ધજહાજને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.
૧૬મીથી ૧૮મી સદી દરમ્યાન સુરત જહાજનિર્માણ તેમ જ સમુદ્રવ્યાપારનું કેન્દ્ર હતું. એક સમયે ચોર્યાસી બંદરના વાવટા ફરકતા હતા. પ્રાચીન કાળમાં સુરતે દેશ-વિદેશમાં દરિયાઈ વ્યાપાર અને વ્યાપારી સંબંધો જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી એટલે INS સુરતનું નામકરણ આ પ્રાચીન વિરાસત અને ગૌરવભરી સ્મૃતિના માનમાં કરવામાં આવ્યું છે.
INS સુરતની ખાસિયતો
યુદ્ધજહાજ INS સુરતનું નિર્માણ મુંબઈના માઝગાવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડમાં કરવામાં આવ્યું હતું. જહાજની લંબાઈ ૧૬૭ મીટર, પહોળાઈ ૧૭.૪ મીટર અને વજન ૭૪૦૦ ટન છે. આ યુદ્ધજહાજ ઍન્ટિ-સરફેસ, ઍન્ટિ-ઍર અને ઍન્ટિ-સબમરીન યુદ્ધમાં સમક્ષ ગણાય છે. આ જહાજ ૧૬ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સ, ટૉર્પીડો લૉન્ચર્સ, રૉકેટ લૉન્ચર્સ સહિતનાં આધુનિક યુદ્ધહથિયારો ચલાવવા સક્ષમ છે અને એ નેટવર્ક–સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓ અને અદ્યતન સેન્સર્સ ધરાવે છે. આ જહાજ નૌકાદળના ૫૦ અધિકારીઓ અને ૨૫૦ ખલાસીઓને સમાવી શકે છે.

