ટૅન્કરના પુરજા ઊડીને ૫૦૦-૧૦૦૦ મીટર દૂર સુધી ઊછળ્યા, પાંચ કલાક સુધી ૧૨ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ
ત્રણ કલાકની જહેમત પછી આગ બુઝાઈ હતી અને પાંચ કલાક બાદ ટ્રાફિક હળવો થયો હતો.
કચ્છના સૂરજબારી હાઇવે પર ગાંધીધામથી મોરબી તરફ જતું લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) એટલે કે રાંધણગૅસ ભરેલું ટૅન્કર સોમવારે વહેલી સવારે પલટી ખાઈ ગયું હતું. મળસ્કે લગભગ પાંચ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં પહેલાં ટૅન્કર પલટી જતાં ટૅન્કરના પાછળના ભાગમાં આગ ભડકી ઊઠી હતી અને એ વખતે ગૅસ લીક થતાં થોડી જ વારમાં પ્રચંડ ધડાકા સાથે આગ ચોમેર ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટને કારણે હાઇવે પરની હોટેલ પાસે પાર્ક થયેલાં સાત વાહનોમાં આગ ફેલાઈ ગઈ હતી. ટૅન્કરના પુરજેપુરજા છૂટા પડીને પાંચસોથી ૧૦૦૦ મીટર દૂર ફેંકાયા હતા. આગ એટલી ભીષણ હતી કે ત્યાંથી પસાર થતાં વાહનોની રફતાર અટકી ગઈ હતી. દસથી ૧૨ કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ લાગ્યો હતો. ત્રણ કલાકની જહેમત પછી આગ બુઝાઈ હતી અને પાંચ કલાક બાદ ટ્રાફિક હળવો થયો હતો.


