Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ફ્રૉડથી સાવધાન: ગઠિયાઓ હવે ધાર્મિક સ્થળોને પણ નથી છોડતા

ફ્રૉડથી સાવધાન: ગઠિયાઓ હવે ધાર્મિક સ્થળોને પણ નથી છોડતા

Published : 19 July, 2025 10:42 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવું કહીને ભક્તજનોને ચેતવી રહ્યું છે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરનું કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર : સાળંગપુર ટેમ્પલ નામની વેબસાઇટ બનાવીને થઈ રહી છે ઑનલાઇન છેતરપિંડી : મંદિરના ઉતારાનું ઑનલાઇન બુકિંગ થતું નથી છતાં પૈસા પડાવી રહ્યા છે ગઠિયાઓ

લોકો સાથે ઑનલાઇન છેતરપિંડી અટકે એ માટે સાળંગપુર હનુમાનજી મંદિરે જાહેર કરેલું પોસ્ટર

લોકો સાથે ઑનલાઇન છેતરપિંડી અટકે એ માટે સાળંગપુર હનુમાનજી મંદિરે જાહેર કરેલું પોસ્ટર


આજકાલ ઑનલાઇન પેમેન્ટ અને બુકિંગનું ચલણ વધ્યું છે ત્યારે ઑનલાઇન ફ્રૉડના કિસ્સા પણ વધી રહ્યા છે એમાં હવે ગઠિયાઓ ધાર્મિક સ્થળોને પણ છોડતા નથી. ‘સાળંગપુર ટેમ્પલ’ નામની ટેમ્પરરી વેબસાઇટ બનાવીને ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના નામે ઑનલાઇન છેતરપિંડી થઈ રહી હોવાના કિસ્સા સામે આવ્યા છે. મંદિરને ઘણી બધી ફરિયાદો મળતાં અને હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને એ પછી નવરાત્રિ-દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ સમય દરમ્યાન દેશ-વિદેશથી દર્શન કરવા ભક્તજનો મોટી સંખ્યામાં મંદિરમાં આવતા હોવાથી તેઓ ઑનલાઇન છેતરપિંડીનો ભોગ ન બને એ માટે હનુમાનજી મંદિર દ્વારા ઑનલાઇન ફ્રૉડથી લોકોને સાવધાન કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને પોસ્ટર જાહેર કરવામાં આવ્યાં છે.


હનુમાનજી મંદિરના વિવેકસાગર સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાળંગપુર મંદિરમાં ધર્મશાળા છે અને ભક્તજનોને અહીં રહેવા માટે થોડા સમય પહેલાં નવું વાઇટહાઉસ બનાવ્યું છે. અહીં કેટલાક લોકો યાત્રી બનીને ફોટોગ્રાફી કરી જાય છે અને સાળંગપુર ટેમ્પલ નામની ટેમ્પરરી વેબસાઇટ બનાવીને એમાં ઑનલાઇન બુકિંગ કરે છે. અમારે ત્યાં ઑનલાઇન બુકિંગ થતું નથી છતાં ઑનલાઇન બુકિંગ કરીને રૂમનો ડબલ ચાર્જ વસૂલ કરી રહ્યા છે. મંદિરમાં બધા માટે જમવાનું ફ્રી છે છતાં તેઓ જમવાનો ચાર્જ વસૂલ કરે છે. જેમ-જેમ કોઈ ભક્તજન ઑનલાઇન બુકિંગ કરાવતા જાય એમ-એમ એક પછી એક વસ્તુઓ ‍ઍડ કરીને ગઠિયાઓ ઑનલાઇન પૈસા પડાવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો ઑનલાઇન ૧૮,૦૦૦ રૂપિયા સુધી ઉઘરાવી લીધા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આટલા રૂપિયા ઉઘરાવીને તેમને ઑનલાઇન સ્લિપ આપવામાં આવે છે. જ્યારે ભક્તજન આવી બનાવટી સ્લિપ લઈને મંદિર આવે છે અને સ્લિપ બતાવીને ઉતારા માટે વાત કરે છે અને કહે છે કે અમે રૂમનું ઑનલાઇન પેમેન્ટ કરી દીધું છે, મારી રૂમ ક્યાં છે ત્યારે તેને સાચી વાત સમજાવવામાં આવે છે કે સાળંગપુર મંદિર રૂમ માટે ઑનલાઇન બુકિંગ કરતું નથી ત્યારે ભક્તજનોને ખબર પડે છે કે તેઓ ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે.’



 ‘ઑનલાઇન રૂમ બુકિંગ કરીને સ્લિપ લઈને આવતા ભક્તજનોને કારણે અમારા ધ્યાનમાં આવ્યું કે મંદિરના નામે કોઈ તત્ત્વો લોકો સાથે છેતરપિંડી કરી રહ્યાં છે એમ જણાવતાં વિવેકસાગર સ્વામીએ કહ્યું હતું કે ‘અમારા ધ્યાનમાં ઘણી બધી ફરિયાદો આવી છે. હવે શ્રાવણ મહિનો આવશે અને ઉત્સવ પ્રસંગો ઊજવાશે, ત્યાર બાદ નવરાત્રિ અને પછી દિવાળી સુધી ભક્તજનોનો ધસારો રહેશે એટલે ઘણી વખત ભક્તજનોને મેન્ટલી એવું થઈ જાય છે કે આપણે સાળંગપુર જઈશું અને રૂમ નહીં મળે તો? જોકે હનુમાનજી મંદિરે હમણાં ૧૧૦૦ રૂમ નવી બનાવી છે એટલે પહેલાંની રૂમો મળીને મંદિર પાસે અત્યારે કુલ ૧૬૦૦ રૂમો છે એટલે અહીં ભક્તજનો આવે તો રૂમોની ઘટ પડતી નથી. સાળંગપુરમાં જ્યારે ભક્તો આવે ત્યારે તેમને અહીં રોકાવું હોય તો અને રૂમ ખાલી હોય તો તેમને ફાળવવામાં આવે છે અને પેમેન્ટ પણ ત્યારે જ લેવામાં આવે છે. એટલે મંદિરની રૂમનું ઑનલાઇન બુકિંગ થતું નથી. ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા ભક્તજનોની ફરિયાદોને કારણે પોલીસને આ બાબતે જાણ કરીએ છીએ. હવે શ્રાવણ મહિનો આવશે એટલે ભક્તજનોનો ધસારો વધશે એટલે કોઈ ભક્તજન રૂમ બુકિંગ માટે ઑનલાઇન છેતરપિંડીનો ભોગ ન બને એ માટે મંદિર દ્વારા ભક્તજનોને જાગ્રત કરી રહ્યા છીએ અને પોસ્ટર પણ જાહેર કર્યું છે જેથી તેમની સાથે મંદિરના નામે ફ્રૉડ ન થાય.’  


કેવી યુક્તિ અજમાવે છે ગઠિયાઓ?

વિવેકસાગર સ્વામીએ કહ્યું હતું કે ‘ગઠિયાઓ દિલ્હી, નોએડા, રાજસ્થાનની બૉર્ડર પર સિમ કાર્ડ લઈને જાય છે. મોબાઇલ ચાલુ કરીને આવી પ્રવૃત્તિ કરીને ત્યાં સિમ કાર્ડ નાખી દઈને પાછા જતા રહે છે જેથી પોલીસ જ્યારે ત્યાં જાય ત્યારે કશું મળતું નથી.’ 


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2025 10:42 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK