સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ કૅટેગરીમાં સુરતને દેશમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું એને પગલે સફાઈ-કામદારોનું કર્યું સન્માન
સુરતમાં પ્રધાનો સહિતના રાજનેતાઓએ સફાઈ-કર્મચારીઓ પર ફૂલો વરસાવીને તેમનું સન્માન કર્યું હતું અને મોં મીઠું કરાવ્યું હતું. સફાઈ-કર્મચારીઓએ અવૉર્ડને ઊંચકીને હરખ વ્યક્ત કર્યો હતો.
સુરતને ખૂબસૂરત બનાવનારા સફાઈ-કર્મચારીઓને રાજનેતાઓએ ફૂલડે વધાવ્યા હતા. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ કૅટેગરીમાં સુરતને દેશમાં સર્વોચ્ચ સ્થાન મળતાં ગુરુવારે રાતે સુરતમાં સફાઈ-કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની શ્રેણીમાં સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે અવૉર્ડ એનાયત થયો હતો. આ સિદ્ધિને ઊજવવા અને સ્વચ્છતા-યોદ્ધાઓના સન્માન માટે ડુમસ–મગદલ્લા રોડ પર કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલ; ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુ દેસાઈ; સંસદસભ્ય મુકેશ દલાલ; સુરતના મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. સુરતને સ્વચ્છ, સુઘડ રાખવામાં જેમનું સરાહનીય યોગદાન છે એવા સફાઈ-કર્મચારીઓને પ્રધાનોએ અભિનંદન પાઠવ્યાં હતાં અને સ્વચ્છતા-યોદ્ધાઓને ફૂલોથી વધાવીને, સન્માનિત કરીને, શ્રમયોગી સફાઈ-કર્મચારીઓનું મોં મીઠું કરાવીને સિદ્ધિની ઉજવણી કરી હતી.

