યુનાઇટેડ કિંગડમમાં વિદેશીઓ વિરુદ્ધની લાગણી તીવ્ર બની, યુનાઇટ ધ કિંગડમનો હુંકાર
શનિવારે લંડનમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન પ્રદર્શનકારીઓએ શહેરનાં આઇકૉનિક સ્થળો પર ડેરા જમાવ્યા હતા.
ઇમિગ્રન્ટ્સ અને ઇસ્લામવિરોધી કાર્યકર ટોમી રૉબિન્સનના નેતૃત્વમાં ઐતિહાિસક વિરોધ પ્રદર્શન, બ્રિટનના ધ્વજ સાથે અમેરિકા અને ઇઝરાયલના ધ્વજ પણ લહેરાયા
શનિવારે બ્રિટિશ રાજધાની લંડનમાં તાજેતરના ઇતિહાસનું સૌથી મોટું પ્રદર્શન યોજાયું હતું જેમાં એક લાખથી વધુ લોકોએ ઇમિગ્રેશનવિરોધી રૅલીમાં ભાગ લીધો હતો. ‘યુનાઇટ ધ કિંગડમ’ નામનું આ વિરોધ-પ્રદર્શન ઇમિગ્રેશન અને ઇસ્લામવિરોધી કાર્યકર ટોમી રૉબિન્સન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ મુદ્દે લંડન પોલીસે જણાવ્યું હતું કે ‘રૅલીમાં લગભગ ૧,૧૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. વિરોધ-પ્રદર્શન દરમ્યાન પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આશરે ૨૬ પોલીસો ઘાયલ થયા હતા. પોલીસે પચીસ લોકોની ધરપકડ કરી હતી.’
યુનાઇટેડ કિંગડમ અને ઇંગ્લૅન્ડના ધ્વજ લહેરાવતા વિરોધ પ્રદર્શનકારીઓએ વાઇટહૉલ તરફ કૂચ કરી હતી, જ્યાં વડા પ્રધાનનું કાર્યાલય અને સરકારી વિભાગો આવેલાં છે. કેટલાક પ્રદર્શનકારીઓએ અમેરિકન અને ઇઝરાયલી ધ્વજ પણ લહેરાવ્યા હતા. થોડા સમય પહેલાં પણ લંડન અને અન્ય વિસ્તારોમાં ઇમિગ્રેશનવિરોધી વિરોધ-પ્રદર્શનો થયાં હતાં, જેમાંથી કેટલાંક હિંસક બન્યાં હતાં. ઑનલાઇન પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં એક પ્રદર્શનકારી અમેરિકન રાજકીય કાર્યકર ચાર્લી કર્કનો ફોટો પકડીને વિરોધ-પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો, જેમની બુધવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભીડ કર્કનું નામ લેતી હોવાનું સાંભળી શકાય છે.
રૉબિન્સનની ‘યુનાઇટ ધ કિંગડમ’ રૅલીના વિરોધમાં લગભગ ૫૦૦૦ લોકોએ ‘સ્ટૅન્ડ-અપ ટુ રેસિઝમ’ માર્ચ પણ કાઢી હતી. બન્ને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ ન થાય એ માટે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. તેમણે બૅરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રદર્શન કરનારાઓ ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મરની ટીકા કરી રહ્યા હતા. ‘તેમને ઘરે મોકલો’ જેવાં લખાણોવાળાં પ્લૅકાર્ડ્સ પણ દેખાતાં હતાં. કેટલાક વિરોધીઓ તેમનાં બાળકોને પણ સાથે લાવ્યા હતા. ટોમી રૉબિન્સને ‘યુનાઇટ ધ કિંગડમ’ રૅલીને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઉજવણી તરીકે ગણાવી હતી. રૉબિન્સને કહ્યું હતું કે ક્રિસમસ પર લાખો લોકો તેમની સ્વતંત્રતા માટે એક થવા માટે મધ્ય લંડનની શેરીઓમાં ઊતરી ચૂક્યા છે.
પ્રદર્શનકારીઓનાં બે જૂથને રોકવા ૧૬૦૦ પોલીસોનો કાફલો ઊતર્યો હોવા છતાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝપાઝપી, ૨૬ પોલીસ ઘાયલ
ઇમિગ્રેશનવિરોધી પ્રદર્શન સામે ઇમિગ્રેશનતરફી સંગઠનોએ પણ ‘સ્ટૅન્ડ-અપ ટુ રેસિઝમ’ રૅલી કાઢી હતી.
કોણ છે ટોમી રૉબિન્સન?
ટોમી રૉબિન્સનનું સાચું નામ સ્ટીફન યાક્સલી-લેન છે. તે પોતાને એક પત્રકાર તરીકે વર્ણવે છે જે સરકારી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે. રૉબિન્સન થોડા સમય પહેલાં બંધ થઈ ગયેલી ઇમિગ્રેશનવિરોધી સંસ્થા ઇંગ્લિશ ડિફેન્સ લીગના સ્થાપક હતા અને આ વર્ષની શરૂઆતમાં જેલમાંથી મુક્ત થયા હતા. સિરિયન શરણાર્થી વિશે ખોટા આરોપોનું પુનરાવર્તન કરીને કોર્ટના તિરસ્કાર માટે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
લંડનમાં ઇમિગ્રેશનવિરોધી રૅલીને ઈલૉન મસ્કનું સમર્થન
લંડનમાં ટોમી રૉબિન્સન દ્વારા આયોજિત ઇમિગ્રેશનવિરોધી રૅલીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરનારા અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ ઈલૉન મસ્કે યુનાઇટેડ કિંગડમમાં શાસન-પરિવર્તનની હાકલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે આ દેશ વિનાશની અણી પર છે. તેમણે વિરોધીઓને કહ્યું હતું કે તમારી પાસે ફક્ત બે જ વિકલ્પો છે, લડો અથવા મરો. તેમણે ચેતવણી આપી હતી કે નજીકના ભવિષ્યમાં હિંસા થવાની જ છે. ‘યુનાઇટ ધ કિંગડમ’ રૅલીમાં અંદાજિત ૧,૧૦,૦૦૦ લોકોની ભીડને વર્ચ્યુઅલી સંબોધતાં મસ્કે દાવો કર્યો હતો કે ‘બ્રિટિશ હોવામાં કંઈક સુંદર છે અને હું અહીં જે જોઈ રહ્યો છું એ બ્રિટનનો વિનાશ છે. બ્રિટન પહેલેથી જ ધીમા ધોવાણમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ હવે મોટા પાયે અનિયંત્રિત સ્થળાંતર સાથે એ ઝડપથી વેગ પકડી રહ્યું છે જે ટૂંક સમયમાં રાષ્ટ્રના સંપૂર્ણ વિનાશ તરફ દોરી જશે. તમે હિંસા તરફ જવા નહીં માગો તો પણ હિંસા તો તમારા તરફ આવી જ રહી છે.’

