૩૭ વર્ષના આરોપી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝને આ જઘન્ય અપરાધ માટે પણ ફાંસીની સજા મળે એવી શક્યતા નથી
પ્રતીકાત્મક તસવીર
સપ્ટેમ્બરમાં અમેરિકાની એક મોટેલમાં ભારતીય મૂળના ચંદ્રમૌલી નાગમલ્લાહનું તેની પત્ની અને સંતાન સામે જ માથું કુહાડીથી વાઢી નાખનારા ૩૭ વર્ષના આરોપી યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝને આ જઘન્ય અપરાધ માટે પણ ફાંસીની સજા મળે એવી શક્યતા નથી. આ સંદર્ભમાં ડૅલસ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ ઍટર્નીની ઑફિસે જણાવ્યું હતું કે તેમણે યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ માટે મૃત્યુદંડની માગણીનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. પ્રોસિક્યુટર જુલી જૉન્સને કહ્યું હતું કે ‘અમારી તપાસ અને આરોપી સાથેની વાતચીતના આધારે ટેક્સસ રાજ્ય ફાંસીની માગ કરી રહ્યું નથી, પરંતુ જો કંઈ પણ સામે આવે તો અમે અમારો વિચાર બદલવાનો અધિકાર અનામત રાખીએ છીએ.’
એક અઠવાડિયા પહેલાં આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ચંદ્રમૌલી અને આરોપી ડાઉનટાઉન સ્વીટ્સ મોટેલમાં કામ કરતા હતા જ્યાં ચંદ્રમૌલી મૅનેજર હતો. આરોપી ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યો હતો અને તે ક્યુબાનો નાગરિક છે. તે અમેરિકન નાગરિક નહીં હોવાને કારણે હવે તેના પર હત્યાનો કેસ ચાલશે જેમાં આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે.


