ગુરુવારના વરસાદી વાતાવરણ વચ્ચે અમેરિકામાં ૧૨૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી
ન્યુ યૉર્ક
ગુરુવારે અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં મુશળધાર વરસાદ પડવાથી રસ્તાઓ અને સબવે સ્ટેશનો ડૂબી ગયાં હતાં અને બેઝમેન્ટમાં ડૂબી જવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેન્ટ્રલ પાર્કમાં એક દિવસમાં ૧.૮૩ ઇંચ વરસાદ પડ્યો હતો જેણે ૧૯૧૭માં એક દિવસના ૧.૬૪ ઇંચ વરસાદનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. લાગાર્ડિયા ઍરપોર્ટ પર ૨.૦૯ ઇંચ વરસાદ પડ્યો હતો, જેણે ૧૯૫૫ના ૧.૧૮ ઇંચના અગાઉના રેકૉર્ડને તોડી નાખ્યો હતો. નેવાર્ક ઍરપોર્ટ પર ૨.૦૪ ઇંચ વરસાદ પડ્યો હતો, જેણે ૧૯૫૫ના ૧.૫૭ ઇંચના રેકૉર્ડને પણ તોડી નાખ્યો હતો. લૉન્ગ આઇલૅન્ડ પરના ઇસ્લિપમાં ૨.૬૦ ઇંચ અને કનેક્ટિકટના બ્રિજપોર્ટમાં ૨.૪૪ ઇંચ વરસાદનો રેકૉર્ડ નોંધાયો હતો. બ્રુકલિન અને ક્વીન્સમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
બ્રુકલિનમાં એક બેઝમેન્ટમાં ૩૯ વર્ષની વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવી હતી. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં મૃત જાહેર કરવામાં આવી હતી. નૉર્થ મૅનહટનના વૉશિંગ્ટન હાઇટ્સમાં ૪૩ વર્ષની એક વ્યક્તિ જળમગ્ન બૉઇલર-રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. બીજી તરફ ફિલાડેલ્ફિયામાં ગુરુવારે એક મહિલાની કાર પર ઝાડ પડતાં તેનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
ગુરુવારના વરસાદી વાતાવરણ વચ્ચે અમેરિકામાં ૧૨૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ન્યુ યૉર્ક શહેરનાં ત્રણ ઍરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત થયાં હતાં.


