GRPના આ દાવા સામે રેલવેના બે એન્જિનિયરોના વકીલે કહ્યું કે દરરોજ લગભગ ૨૦૦ ટ્રેનો આ જગ્યાએથી કોઈ પણ સમસ્યા વગર પસાર થાય છે એટલે એ અકસ્માત હતો, બેદરકારી નહીં
મુંબ્રા-ટ્રૅજેડી
થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) સુધાકર શિરસાટે મંગળવારે થાણે કોર્ટને જણાવ્યું હતું કે ૯ જૂને મુંબ્રા ટ્રેન દુર્ઘટના બની હતી એ જ સ્થળે અત્યાર સુધી ૧૪૮૬ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૬૬ લોકો ઘાયલ થયા છે.
પાંચ વ્યક્તિઓએ ટ્રેનમાંથી પડી જતાં જીવ ગુમાવ્યા હોવાની મુંબ્રા-ટ્રૅજેડી માટે બેદરકારીના આરોપસર રેલવેના બે એન્જિનિયરોની કસ્ટડી માગતી વખતે ઍડિશનલ સેશન્સ જજ ગણેશ પવાર સમક્ષ સુધાકર શિરસાટે આ ખુલાસો કર્યો હતો. આ વર્ષે એ સ્થળે ૧૯ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨ ઘાયલ થયા છે. આ ઘટના માટે રેલવેના એન્જિનિયરોની બેદરકારી જવાબદાર હોવાનો GRPએ આરોપ મૂક્યો હતો. તેમની ઑફિસ તરફથી ચેતવણી અપાઈ હોવા છતાં એન્જિનિયરો ટ્રૅક-મેઇન્ટેનન્સ કરવામાં નિષ્ફળ ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે એન્જિનિયરોની નિષ્ક્રિયતાને કારણે ૯ જૂને અકસ્માતમાં પાંચ પ્રવાસીઓ પાટા પર પડીને માર્યા ગયા હતા.
ADVERTISEMENT
એન્જિનિયરો તરફથી રજૂ થયેલા બચાવપક્ષના વકીલ બલદેવ રાજપૂતે દલીલ કરી હતી કે આ દુર્ઘટના માટે વધુપડતી ભીડ અને ફુટબોર્ડ પર પ્રવાસ કરતા મુસાફરો જવાબદાર હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આ માત્ર એક અકસ્માત હતો, બેદરકારી નહોતી. દરરોજ લગભગ ૨૦૦ ટ્રેનો આ જગ્યાએથી કોઈ સમસ્યા વિના પસાર થાય છે. ૯ જૂને મુસાફરોની બૅગ એકમેક સાથે અથડાઈ હતી એને લીધે આ અકસ્માત થયો હોવાનું બલદેવ રાજપૂતે જણાવ્યું હતું. મંગળવારે કોર્ટમાં બન્ને પક્ષની દલીલ પૂરી થઈ હતી.


