Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચાર્જિંગમાં મૂકેલી ઇલેક્ટ્રિક બાઇકની બૅટરી ફાટતાં સાત વર્ષના બાળકનો જીવ ગયો

ચાર્જિંગમાં મૂકેલી ઇલેક્ટ્રિક બાઇકની બૅટરી ફાટતાં સાત વર્ષના બાળકનો જીવ ગયો

03 October, 2022 11:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વસઈમાં બૅટરી ચાર્જ કરવા મૂકીને પિતા સૂઈ ગયા બાદ ધડાકા 

ઇલેક્ટ્રિક બાઇકની બૅટરી ફાટતાં સાત વર્ષના શબ્બીરનો જીવ ગયો

ઇલેક્ટ્રિક બાઇકની બૅટરી ફાટતાં સાત વર્ષના શબ્બીરનો જીવ ગયો


ઇલેક્ટ્રિક કાર અને બાઇકનું ચલણ ધીમે-ધીમે વધી રહ્યું છે ત્યારે આ વાહનોનાં જોખમો પણ સામે આવી રહ્યાં છે. વસઈમાં ઇલેક્ટ્રિક બાઇકની બૅટરી ચાર્જ કરવા મૂકી હતી એ ફાટતાં લાગેલી આગમાં સાત વર્ષના એક બાળકનું મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના બની છે. ૨૩ સપ્ટેમ્બરે મોડી રાતે બનેલી ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા બાળકનું ગઈ કાલે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

બાળકના પિતા બાઇકની બૅટરી ઘરમાં લાવી ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયા હોવાથી આ ઘટના બની હોવાનું જણાયું હતું.



વસઈ-પૂર્વમાં રામદાસનગર વિસ્તારમાં એક સોસાયટીમાં સરફરાઝ અન્સારી પત્ની, માતા અને સાત વર્ષના પુત્ર શબ્બીર સાથે રહેતો હતો. તેણે તાજેતરમાં એક ઇલેક્ટ્રિક બાઇક ખરીદી હતી. ૨૩ સપ્ટેમ્બરે રાતે કામ પરથી ઘરે આવ્યા બાદ સરફરાઝે બાઇકની બૅટરીનું ચાર્જિંગ પૂરું થઈ ગયું હોવાથી એ ચાર્જ કરવા માટે બાઇકમાંથી કાઢીને ઘરના હૉલમાં લાવીને ચાર્જિંગમાં મૂકી હતી.


પોલીસના જણાવ્યા મુજબ ૨૩ સપ્ટેમ્બરે મોડી રાત્રે ૨.૩૦ વાગ્યે બનેલી આ ઘટનામાં બાઇકની બૅટરી ત્રણથી ચાર કલાકમાં ચાર્જ થઈ જતી હોય છે એટલે સૂતી વખતે ચાર્જિંગનું બટન બંધ કરવાનું સરફરાઝે નક્કી કર્યું હતું, પરંતુ તે બેડરૂમમાં જઈને સૂઈ ગયો હતો. તેનો સાત વર્ષનો પુત્ર શબ્બીર અને સરફરાઝનાં મમ્મી હૉલમાં સૂતાં હતાં ત્યારે બાઇકની બૅટરી ફાટી હતી અને આગ સીલિંગના પંખા સુધી ફેલાતાં એ પણ સળગી ગયો હતો અને હૉલમાં સૂઈ રહેલા શબ્બીર‍ની ઉપર પડતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સરફરાઝની મમ્મીને પણ આગની જ્વાળા અડી હતી. ધડાકાનો અવાજ સાંભળીને સરફરાઝ બેડરૂમમાંથી હૉલમાં દોડી આવ્યો હતો અને મમ્મી અને પુત્રને દાઝેલાં જોઈને તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયો હતો.

સરફરાજનાં મમ્મી બહુ દાઝ્યાં નહોતાં એટલે તેઓ એક-બે દિવસની સારવાર બાદ હૉસ્પિટલમાંથી ઘરે આવી ગયાં હતાં, પરંતુ શબ્બીર ૭૦ ટકાથી વધુ દાઝી ગયો હોવાથી તેની ગઈ કાલ સુધી સારવાર ચાલુ હતું. ડૉક્ટરોના પ્રયાસ બાદ પણ શબ્બીરને બચાવી નહોતો શકાયો.


વસઈના માણિકપુર પોલીસે શબ્બીર અન્સારીના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

ઇલેક્ટ્રિક બાઇકની બૅટરી ઘરમાં લાવીને ચાર્જ કરવાની ભૂલને કારણે પુત્ર શબ્બીરને ગુમાવનારા સરફરાઝ અન્સારીએ ઇલેક્ટ્રિક વાહનો ધરાવતા લોકોને મેસેજ આપ્યો છે કે ‘જેમની પાસે ઇલેક્ટ્રિક સ્કૂટી કે બાઇક હોય તેમણે બૅટરી કાઢીને ઘરમાં ચાર્જિંગ કરવા માટે ન મૂકવી. આવું કરવાને લીધે જ મેં પુત્ર ગુમાવ્યો છે. મારી જેમ કોઈનું જીવનું જોખમ ઊભું ન થાય એ માટે ઘરની બહાર બાઇક રાખીને જ બૅટરી ચાર્જ કરજો.’

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK