જીવદયાપ્રેમીઓના કહેવા મુજબ કબૂતરોને દાણા નાખવાનું બંધ કરવાને લીધે અનેક કબૂતરો જીવ ગુમાવી રહ્યાં છે.
ફાઇલ તસવીર
કબૂતરખાનાં બંધ કરાવવાના અને કબૂતરોને દાણા નાખવા પર પ્રતિબંધ મૂકવાના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના નિર્ણયથી પ્રાણીપ્રેમીઓમાં ભારે નારાજગી છે. તેથી જ BMCના આ નિર્ણયનો વિરોધ કરવા માટે વિવિધ સંસ્થાઓના પ્રાણીપ્રેમીઓ તથા સામાજિક કાર્યકરોએ સાથે મળીને રવિવારે સાન્તાક્રુઝ-વેસ્ટમાં આવેલા દૌલતનગર કબૂતરખાનામાં કબૂતરોને દાણા નાખવાનો નિર્ણય લીધો છે.
જીવદયાપ્રેમીઓના કહેવા મુજબ કબૂતરોને દાણા નાખવાનું બંધ કરવાને લીધે અનેક કબૂતરો જીવ ગુમાવી રહ્યાં છે. જો લોકો કબૂતરોને દાણા નાખે તો તેમને દંડ કરવામાં આવે છે. BMCના આ વલણનો વિરોધ કરવા માટે રવિવારે બપોરે ૩ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી પ્રાણીપ્રેમીઓ મૂક મોરચો કાઢશે તેમ જ કબૂતરોને દાણા નાખશે. એમાં ૫૦૦થી વધુ લોકો જોડાય એવી આશા છે. જૈન સમુદાયના લોકો પણ આ મોરચાને ટેકો આપીને એમાં જોડાશે એવી અમુક કાર્યકરોએ શક્યતા દર્શાવી હતી.

