Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રેલવેએ એ ટ્રેનોનું બુકિંગ બંધ કરી દેવું જોઈતું હતું

રેલવેએ એ ટ્રેનોનું બુકિંગ બંધ કરી દેવું જોઈતું હતું

29 November, 2022 10:04 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

બાંદરા ટર્મિનસ પાસે કામને કારણે ઘણી ટ્રેનો અન્ય સ્ટેશનોએ ઉપાડવાના કે ટર્મિનેટ કરવાના રેલવેના નિર્ણયથી પ્રવાસી અસોસિએશનો વીફર્યાં

સોહનરાજ જૈન

સોહનરાજ જૈન


બાંદરા ટર્મિનસ પાસે પિટ લાઇનનું કામ રેલવેએ હાથ ધર્યું હોવાથી લાંબા અંતરની અમુક ટ્રેનોને બાંદરા ટર્મિનસથી ટર્મિનેટ કરાઈ છે. એટલે કે આ ટ્રેનો બાંદરાથી નહીં પણ વેસ્ટર્ન રેલવેનાં અન્ય સ્ટેશનો પરથી ઊપડશે. વેસ્ટર્ન રેલવેના દાદર, બોરીવલી, વસઈ, વિરાર સુધી પ્રવાસીઓ પોતાની મોટી બૅગો સાથે પ્રવાસ કરી શકે છે; પરંતુ વાપી અને વલસાડ જેવા લાંબા અંતરે જઈને ઑડ સમયે ટ્રેન પકડવી અઘરું છે. આ બદલાવ સામે રેલવેએ બસ, લોકલ કે અન્ય ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપી ન હોવાથી પ્રવાસીઓ સાથે હવે રેલવે અસોસિએશને પણ વાંધો ઉઠાવીને નારાજગી દાખવી છે. રેલવેની અવ્યવસ્થાને કારણે પ્રવાસીઓને થતી હેરાનગતિની જાણકારી અસોસિએશન રેલવે તંત્ર અને રેલવે મિનિસ્ટર સુધી પહોંચાડશે.

સુવિધા આપવાની જવાબદારી રેલવેની



રેલવેના પ્રવાસીઓ સાથે થતા અન્યાયની વાત કરતાં રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવેના કોઈ પણ કામનું પ્લાનિંગ એકથી છ મહિના પહેલાં થતું હોય છે. આ કામ ચાલુ કરતાં પહેલાં કઈ-કઈ મેલ-એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત થવાની છે એ વિશે પૂરતો અભ્યાસ કરવાની જરૂર હતી. ઉપરાંત કામ ચાલુ થવા પહેલાં જે-તે પ્રભાવિત ટ્રેનોની ટિકિટનું બુકિંગ બંધ કરી દેવું જોઈતું હતું અથવા તો પ્રવાસીઓને અગાઉથી જાણ કરી દેવાની જરૂર હતી. રેલવેએ પ્રવાસીઓને બસ અથવા લોકલ કે અન્ય મેલ-એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ પર પ્રવાસ કરવાની છૂટ આપવા જેવી વ્યવસ્થા કરી આપવી જોઈએ તેમ જ ૧૨૦ દિવસ અગાઉ બુકિંગ કરાવ્યા બાદ અચાનક રદ કરાયેલી ટ્રેન, આગમન સ્ટેશનમાં અયોગ્ય ફેરફાર, પૅસેન્જરની અવ્યવસ્થા સામે પૂરું રીફન્ડ પણ આપવું જોઈએ. જોકે રેલવે પ્રવાસીઓ સાથે અન્યાય જ થયો છે. એથી મેં તરત જ ‘મિડ-ડે’માં આવેલા અહેવાલને રેલવે પ્રશાસન, રેલવે મિનિસ્ટર સહિત સંબંધિત વિભાગને ટ્વીટ કરીને પ્રવાસીઓને થતી હેરાનગતિ વિશે જાણ કરી એનો વિરોધ દાખવ્યો છે.’


થોડા મહિના અગાઉ જાણ કરવી જોઈએ

ઝોનલ રેલવે યુઝર કન્સલ્ટેટિવ કમિટીના મેમ્બર કમલેશ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવે પ્રશાસનનાં મુખ્ય બે કામ છે - રેલવેના પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા તથા રેલવેનો વિકાસ કરવો. વિકાસના કામ માટે પિટ લાઇન ઢાંકવાનું (એટલે કે સફાઈ માટેની લાઇન કરવી) કામ હાથ ધરવામાં આવ્યું છે. રેલવેમાં વિકાસનાં કામ કરવા માટે અમુક હેરાનગતિ પ્રવાસીઓને થાય એ માન્ય છે. બાંદરા ટર્મિનસને બદલે બૉમ્બે સેન્ટ્રલ, બોરીવલી, દાદર વગેરે સ્ટેશનેથી ટ્રેન છૂટે એ માન્ય છે; પરંતુ વાપી, વલસાડથી ખૂબ ઑડ સમયે ટ્રેન પકડવા માટે પ્રવાસીઓ તેમની મોટી બૅગો સાથે કઈ રીતે જઈ શકે? એમાં વળી એ સ્ટેશને પણ તેમણે પોતાના જ ખર્ચે પહોંચવાનું રહે છે. રેલવે કોઈ સુવિધા પણ આપી રહી નથી. પહેલાં રેલવે કોઈ પણ વિકાસનું કામ હાથ ધરે એટલે થોડા મહિના પહેલાં એની જાણ કરવામાં આવતી હતી. એથી જે પ્રવાસીઓને પ્રવાસ કરવો હોય તેઓ કરી શકે છે અને બીજા જેમને શક્ય ન હોય તેઓ પહેલેથી જ ટિકિટ કૅન્સલ કરીને રીફન્ડ મેળવી શકે છે. જોકે હવે એવું ન કરતાં માત્ર ૪૮ કલાક પહેલાં જ જાણ કરવામાં આવતી હોવાથી એ અયોગ્ય છે. રેલવેના નિયમ મુજબ ચાર કલાકથી વધુ સમય માટે કોઈ ટ્રેન મોડી હોય તો તેને ક્લેમ કરતાં પૂરું રીફન્ડ મળી રહે છે. તો આવી પરિસ્થિતિમાં તો પ્રવાસીઓ માગે તો તેમને રીફન્ડ તો મળવું જ જોઈએ. રેલવેની આ અયોગ્ય વ્યવસ્થા સામે હું પણ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરીને રેલવે તંત્ર સુધી આ વાત પહોંચાડવાનો છું.’


આ પણ વાંચો : આપ કી અસુવિધા કે લિએ ખેદ નહીં હૈ

પ્રવાસીઓની હાલાકી વિશે પહેલાં વિચારવું જોઈએ

કચ્છ જનજાગૃતિ અભિયાન કમિટીના સભ્ય દિનેશ વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવેને અત્યાધુનિક અને સુવિધાજનક બનાવવા માટે રેલવે મેગા બ્લૉક કે જમ્બો બ્લૉક લેતી રહે છે. એ વખતે કોઈ પ્રવાસી અવાજ ઉઠાવતો નથી. આમ તો ટ્રેન મોડી દોડતી હોય કે પછી બ્લૉક વખત ટ્રેનોની ફ્રીક્વન્સી ઓછી હોય એ વખતે થતી હેરાનગતિ વિશે પણ ક્યારેય પ્રવાસીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી નથી. જોકે એકદમ ઓછા સમયમાં આવા બદલાવ કરાતાં અને જે પ્રૅક્ટિકલી શક્ય ન હોવાથી પ્રવાસીઓને થતી હેરાનગતિ  વિશે રેલવેએ પહેલેથી જ વ્યવસ્થા કરી રાખવી જરૂરી છે. કામ શરૂ કરતાં પહેલાં કેવી હાલાકી થઈ શકે છે એ શક્યતાના આધારે રેલવેએ તૈયારી કરી રાખી હોત તો હાલમાં રેલવેના પ્રવાસીઓની જે કફોડી હાલત થઈ રહી છે એવી ન થઈ હોત. આ વિશે રેલવે પ્રશાસનને પત્ર લખીને ચોક્કસ જાણ કરીશું.’

લગ્નની સીઝનમાં કઈ રીતે વાપી અને વલસાડ પહોંચે?

રેલવે પૅસેન્જર્સ અસોસિએશન, મુંબઈના પ્રેસિડન્ટ સોહનરાજ જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વિકાસના કામ માટે કોઈ ના નથી, પરંતુ પ્રવાસીઓને ઓછામાં ઓછી અસુવિધા થાય એનું વિશેષ ધ્યાન રાખવું એ રેલવેનું કામ છે. મુંબઈ ડિવિઝનમાં સ્ટેશનનો બદલાવ થાય તો પ્રવાસીઓ થોડી હેરાનગતિનો સામનો કરીને પણ ટ્રેન પકડવા પહોંચી શકે છે; પરંતુ વાપી અને વલસાડ સુધી પહોંચવું કઈ રીતે? હાલમાં લગ્નનો સમય ચાલી રહ્યો છે અને ગુજરાત બાજુએ જતા પ્રવાસીઓની સંખ્યા અનેકગણી વધી ગઈ હોવાથી ટિકિટ પણ મળતી નથી. એવા સંજોગોમાં પ્રવાસીઓએ ત્યાં સુધી પહોંચવું કઈ રીતે એ પણ એક પ્રશ્ન છે. વળી પ્રવાસીઓ લાંબા અંતરે જતા હોય એટલે હાથમાં સામાન પણ હોય, સિનિયર સિટિઝન હોય, નાનાં બાળકો સાથે પ્રવાસ કરીને જવાના હોય તો તેઓ વાપી અને વલસાડ પ્રવાસ કઈ રીતે કરીને જવાના છે? ત્યાં સુધી પહોંચવા કોઈ સુવિધા કેમ નથી કરવામાં આવી એ નવાઈની વાત લાગી રહી છે.’

કોઈ ને કોઈ સુવિધા કરી આપવી જોઈએ

ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના મેમ્બર રાકેશ જૈને ‘મિડ-ડે’ જણાવ્યું હતું કે ‘રેલવેમાં વિકાસનાં કામોને લીધે થોડી હેરાનગતિ વેઠવી પડે એ ૧૦૦ ટકા માન્ય છે; પરંતુ વાપી અને વલસાડ સુધી પ્રવાસ કરીને ત્યાંથી ટ્રેન પકડવી અવગડભર્યું છે. બાંદરા ટર્મિનસથી ટ્રેન પકડવા માટે પ્રવાસીઓએ પૈસા ભર્યા છે તો જો ત્યાંથી ટ્રેન પકડવાની સુવિધા ન મળતી હોય તો જેટલું અંતર હોય એનો તફાવત રેલવેએ પ્રવાસીઓને પાછો આપવો જોઈએ તેમ જ ત્યાં સુધી પહોંચવા કોઈ ને કોઈ સુવિધા કરી આપવી જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 10:04 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK