નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના બંગલે બેઠક ચાલતી હતી ત્યારે અચાનક રાજ ઠાકરેના વિશ્વાસુ બાળા નાંદગાંવકર પહોંચ્યા
બાળા નાંદગાંવકર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરી છે ત્યારે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓની બેઠક દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, રાવસાહેબ દાનવે, પરાગ શાહ, મિહિર કોટેચા, કાલિદાસ કોળંબકર, ગિરીશ મહાજન, મંગલ પ્રભાત લોઢા સહિતના નેતાઓ સામેલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ બેઠકમાં એક્ઝિટ પોલમાં મહાયુતિની સાથે મહા વિકાસ આઘાડીને પણ સરકાર બનાવી શકાય એટલી બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એ વિશે ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીની જેમ જનતા વિધાનસભામાં પણ મહાયુતિને પૂરતો સાથ ન આપે તો એવી સ્થિતિમાં આગળની રણનીતિ શું રહેશે એ બાબતે વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
BJPના વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલી રહી હતી ત્યારે રાજ ઠાકરેના વિશ્વાસુ અને શિવડી બેઠકમાં મહાયુતિએ જેમને સમર્થન જાહેર કર્યું હતું એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ઉમેદવાર બાળા નાંદગાંવકર અચાનક પહોંચ્યા હતા. આથી ગઈ કાલે ફરી એક વખત રાજ ઠાકરેએ મહાયુતિ સાથે છૂપી યુતિ કરી હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે બાદમાં બાળા નાંદગાંવકરે કહ્યું હતું કે ‘BJPના નેતા કાલિદાસ કોળંબકર તેમના પુત્રનાં લગ્ન હોવાથી રાજ ઠાકરેને આમંત્રણપત્રિકા આપવા આવ્યા હતા. હું પણ એ સમયે રાજ ઠાકરેના ઘરે હાજર હતો, બાદમાં કાલિદાસ કોળંબકર દેવેન્દ્ર ફડણવીસને મળવાના હતા. તેમણે મને સાથે આવવાનું કહ્યું હતું એટલે હું સાગર બંગલે ગયો હતો અને દેવેન્દ્ર ફડણવીસને મળીને તેમણે મને શિવડી બેઠકમાં સપોર્ટ કરવા માટે આભાર માન્યો હતો.’