BJP અને NCPએ તો મેયર-ડેપ્યુટી મેયરનાં પદ પણ વહેંચી લીધાં હોવાની ચર્ચા, ઉમેદવારો ઉતારવા વિશે એકનાથ શિંદે અસમંજસમાં
એકનાથ શિંદે
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવાની છે ત્યારે રાજ્યનો રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. કુલગાવ–બદલાપુર નગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે યુતિ થઈ ગઈ હોવાની વાત સામે આવી છે. અહેવાલો પ્રમાણે મહાયુતિના ત્રીજા સાથી પક્ષ શિવસેના (એકનાથ શિંદે જૂથ)ને આ નગરપાલિકા માટેની યુતિમાં સામેલ કરાયો નથી. BJP ૪૧ બેઠકો પર અને NCP ૮ બેઠકો પર લડશે. એ સિવાય નગરાધ્યક્ષ BJPનો રહેશે અને ઉપનગરાધ્યક્ષ NCPનો રહેશે એવી પણ સમજૂતી થઈ ગઈ હોવાની વાત વહેતી થઈ છે. આમ શિવસેનાને અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવતાં હવે એ કુલગાવ-બદલાપુરમાં એના ઉમેદવારો ઉતારે છે કે પછી અહીં ગમ ખાઈ જઈને એનો ફાયદો બીજી મહત્ત્વની સુધરાઈઓમાં વધુ બેઠકો માટે લે છે એ જોવાનું રહેશે. આ બાબતે એકનાથ શિંદે અસમંજસમાં હોવાની જાણકારી મળી હતી.
થોડા સમય પહેલાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વખતની ચૂંટણી માટેની સ્ટ્રૅટેજી જાહેર કરતાં કહ્યું હતું કે ‘મહાયુતિના જે પક્ષનું જ્યાં જોર હશે એના આધારે યુતિ કરવી કે નહીં એ નક્કી કરવામાં આવશે. શક્ય છે કે અલગ-અલગ પણ ચૂંટણી લડીએ અને પરિણામ આવ્યા પછી ફરી સાથે જોડાઈને કામ કરીએ.’


