Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીજેપી આગામી તમામ ચૂંટણીઓ હવે શિંદે જૂથ સાથે યુતિમાં લડશે

બીજેપી આગામી તમામ ચૂંટણીઓ હવે શિંદે જૂથ સાથે યુતિમાં લડશે

07 November, 2022 11:56 AM IST | Mumbai
Prakash Bambhrolia

બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ બહુમતી મળી હોય તો પણ આવું કરવાની જાહેરાત કરતાં પક્ષમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા : એને કારણે પક્ષ સાથે લાંબા સમયથી જોડાયેલા કાર્યકરો અને નેતાઓ નારાજ થઈ શકે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર ૧૩ દિવસથી રાજ્યમાં પક્ષને મજબૂત કરવા માટે પ્રવાસ કરી રહ્યા છે. ગઈ કાલે તેમણે થાણે જિલ્લાના મીરા-ભાઈંદરની મુલાકાત લીધી હતી. અહીં મહાનગરપાલિકામાં બીજેપીની એકહથ્થુ સત્તા હોવા છતાં તેમણે આગામી ચૂંટણી એકનાથ શિંદે જૂથ સાથે યુતિમાં લડવાનું કહ્યું હતું. એટલું જ નહીં, રાજ્યમાં ગ્રામપંચાયતથી માંડીને લોકસભા સુધીની તમામ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત હોય તો પણ યુતિમાં જ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પ્રદેશાધ્યક્ષના આ નિવેદનથી પક્ષને મોટો કરવામાં સંઘર્ષ કરનારા કાર્યકરોમાં નારાજગી ઊભી થવાની શક્યતા નકારી ન શકાય.

મીરા-ભાઈંદરની મુલાકાતે આવેલા બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘બીજેપીએ એકનાથ શિંદે જૂથ સાથે યુતિ કરી છે એટલે આગામી તમામ ચૂંટણીઓ યુતિમાં જ લડવામાં આવશે. રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં ૨૦૦ બેઠકો અને લોકસભાની ૪૫ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્યારે બીજેપી અનેક મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયતમાં એકહથ્થુ સત્તા ધરાવે છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં પણ બીજેપીએ સ્પષ્ટ બહુમતી મેળવી છે. આમ છતાં એકનાથ શિંદે જૂથ સાથે યુતિ કરવામાં આવી છે એટલે મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી યુતિમાં જ લડવામાં આવશે.’



બીજેપી પ્રદેશાધ્યક્ષના આ નિવેદનથી રાજ્યભરમાં બીજેપીએ એકનાથ શિંદે જૂથ માટે જગ્યા કરવી પડશે એટલે પક્ષમાં લાંબા સમયથી જોડાયેલા કાર્યકરો અને નેતાઓ નારાજ થઈ શકે છે. મોવડી મંડળ આને કેવી રીતે હૅન્ડલ કરે છે એ જોવાનું રહ્યું.


શિંદે સરકાર ઍર ઇન્ડિયા બિલ્ડિંગ ખરીદવાની તૈયારીમાં

એકનાથ શિંદે સરકાર નરીમાન પૉઇન્ટમાં આવેલી ઍર ઇન્ડિયાની ઇમારત ખરીદે એવી શક્યતા છે. સરકાર ૧૬૦૦ કરોડ રૂપિયામાં સોદો કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું. મંત્રાલયની ઇમારતમાં જગ્યા ઓછી પડી રહી હોવાથી નજીકમાં આવેલી ઍર ઇન્ડિયાની ઇમારત ખરીદવા માટે મહાવિકાસ આઘાડી સરકારે ૧૪૦૦ કરોડ રૂપિયાની ઑફર કરેલી, પરંતુ ઍર ઇન્ડિયાએ ઇમારતની કિંમત ૨૦૦૦ કરોડ રૂપિયા હોવાનું કહીને સરકારની ઑફર નકારી દીધી હતી. હવે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની સરકાર દ્વારા આ ઇમારત ખરીદવા માટે નવેસરથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સરકારે ઍર ઇન્ડિયાને ૧૬૦૦ કરોડ રૂપિયાની ઑફર આપવાની તૈયારી કરી હોવાનું કહેવાય છે. ઍર ઇન્ડિયા સરકારની આ ઑફર સ્વીકારે છે કે નહીં એ જોવું રહ્યું.


શિંદે-ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે શું ચાલે છે?

શિવસેનામાં એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે મુલાકાતોનો દોર સતત ચાલી રહ્યો છે. આથી એકનાથ શિંદે જૂથ અને બીજેપી મનસે સાથે યુતિ કરી શકે છે એવી અટકળો લગાવાઈ રહી છે. આ ત્રણેય નેતાઓ વચ્ચે એકબીજાના ઘરે, ગણપતિનાં દર્શન કે શિવાજી પાર્કના દીપોત્સવ નિમિત્તે, કોઈ ઉદ્યોગપતિની સમાજોપયોગી યોજના માટે ત્રણ મુલાકાતો થઈ હતી. ત્યાર બાદ રાજ ઠાકરે અને એકનાથ શિંદેની મુલાકાત મહેશ માંજરેકરની ફિલ્મ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ના મુહૂર્ત વખતે થઈ હતી. હવે તેઓ પ્રશાંત દામલેના સાડાબાર હજાર પ્રયોગશાળાના કાર્યક્રમમાં એકસાથે જોવા મળશે. આથી ચર્ચા શરૂ થઈ છે કે નજીકના ભવિષ્યમાં એકનાથ શિંદે જૂથ અને બીજેપી રાજ ઠાકરેના પક્ષ મનસે સાથે યુતિ કરશે.

આઘાડીના ૧૩ વિધાનસભ્યો સંપર્કમાં : ઉદય સામંત

એકનાથ શિંદેએ બળવો કર્યા પછી બીજેપી સાથે યુતિ કરીને સરકારની સ્થાપના કર્યા બાદ વિવિધ પક્ષોના નેતાઓ પાલા બદલવા માટે તત્પર હોવાના સમાચાર સતત આવી રહ્યા છે. સત્તાધારી પક્ષો એકનાથ શિંદે જૂથ અને બીજેપીમાં સામેલ થવા માટે ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી અને કૉન્ગ્રેસના વિધાનસભ્યો ટાંપીને બેઠા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. એકનાથ શિંદે જૂથના કૅબિનેટ પ્રધાન અને રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે પણ હવે દાવો કર્યો છે કે મહાવિકાસ આઘાડીમાં સામેલ પક્ષોના ૧૩ વિધાનસભ્યો અમારા સંપર્કમાં છે.

મધ્યસત્ર ચૂંટણી કયા કારણે આવશે? : નારાયણ રાણે

અંધેરી-પૂર્વ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઋતુજા લટકેનો વિજય થયા બાદ ફરી એક વખત શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાવાનું કહ્યું હતું. બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો હતો કે કયા કારણસર મધ્યસત્ર ચૂંટણી આવશે એ તો કહો. રાજ્યમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે કે કોઈ મોટી કુદરતી આપત્તિ આવી પડી છે જેને લીધે તમે સતત મધ્યસત્ર ચૂંટણીની વાત કરી રહ્યા છો? વચગાળાની ચૂંટણી યોજવા માટે કોઈ કારણ તો જોઈએને? ઉદ્ધવ ઠાકરેએ કારણ કહેવું જોઈએ જેથી જનતાને ખબર પડે. તેમનું મુખ્ય પ્રધાનપદ ગયું એટલે મધ્યસત્ર ચૂંટણી લાવવા માગે છે? રાજકારણમાં આવું ન થાય. ઘરમાં બેસીને તેઓ આવી વાહિયાત વાતો કરે છે એનો કોઈ અર્થ નથી.’

ઉદ્ધવ-રાજ ઠાકરેના ૩૫૦૦ કાર્યકરો શિંદે જૂથમાં જોડાયા

સરકારની સ્થાપના થયા બાદથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથમાં વિવિધ પક્ષોના કાર્યકરો અને નેતાઓ સતત જોડાઈ રહ્યા છે. ગઈ કાલે ઉદ્ધવ અને રાજ ઠાકરેની મનસેના પાલઘર, બોઈસર અને દહાણુ વિધાનસભા મતદારક્ષેત્રના ૩૫૦૦ જેટલા કાર્યકરોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં જઈને મુલાકાત કરી હતી અને તેમને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ સમયે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડીના નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘સરકારમાં ૧૭૦ વિધાનસભ્યોની મજબૂત બહુમતી છે. આ જોઈને કેટલાક લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તેમની ધડકન વધી ગઈ છે. તેમના પેટમાં પીડા થઈ રહી છે. ત્રણ મહિનામાં સરકારે જે કામ કર્યું છે એ અઢી વર્ષ ટકશે તો શું થશે એની ચિંતા તેમને સતાવી રહી છે. અમારી સાથે જોડાઈ રહેલા તમામ લોકો વિશ્વાસથી આવી રહ્યા છે. આ વિશ્વાસને કાયમ રાખવામાં આવશે.’

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2022 11:56 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK