ગયા મહિને મુંબઈમાં ૧૨,૨૧૯ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની હદમાં આવતા વિસ્તારોમાં નવેમ્બરમાં ૧૨,૨૧૯ પ્રૉપર્ટીનાં રજિસ્ટ્રેશન થયાં હતાં. ગયા વર્ષે નવેમ્બરમાં થયેલાં પ્રૉપર્ટીનાં રજિસ્ટ્રેશનની તુલનામાં આ વર્ષે ૨૦ ટકાનો વધારો થયો છે તેમ જ ૨૦૧૩થી નવેમ્બરમાં થતાં પ્રૉપર્ટીનાં રજિસ્ટ્રેશનમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન આ વર્ષે થયાં હોવાનો રેકૉર્ડ છે. નવેમ્બરમાં સ્ટૅમ્પ-ડ્યુટીની આવક ૧૦૩૮ કરોડ રૂપિયા થઈ છે જે ગયા વર્ષના નવેમ્બર કરતાં ૧૨ ટકા વધુ છે. કુલ પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશનમાંથી રેસિડેન્શિયલ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન ૮૦ ટકા છે.
૧૧ મહિનામાં ૧૨,૨૨૪ કરોડની આવક
૨૦૨૫ના ૧૧ મહિનામાં મુંબઈમાં કુલ ૧,૩૫,૮૦૭ પ્રૉપર્ટીનાં રજિસ્ટ્રેશન થયાં છે જેને પગલે ૧૨,૨૨૪ કરોડ રૂપિયાની આવક થઈ છે. પાંચ કરોડથી વધુ કિંમતની પ્રીમિયમ પ્રૉપર્ટીનો કુલ રજિસ્ટ્રેશનમાં હિસ્સો ૭ ટકા રહ્યો છે જ્યારે એકથી બે કરોડ વચ્ચેની કિંમતની પ્રૉપર્ટીનો હિસ્સો ૩૩ ટકા રહ્યો છે. પ્રૉપર્ટી-કન્સલ્ટન્ટ અને રિસર્ચર નાઇટ ફ્રૅન્ક કંપનીના રિપોર્ટ મુજબ વેસ્ટર્ન સબર્બ્સમાં ૫૬ ટકા, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૨૯ ટકા, સેન્ટ્રલ મુંબઈમાં ૬ ટકા અને સાઉથ મુંબઈમાં ૯ ટકા પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનનો હિસ્સો છે.


