બૉમ્બની ધમકી પોકળ, પણ વાલીઓ અને સ્ટુડન્ટ્સના જીવ અધ્ધર
પ્રતીકાત્મક તસવીર
સોમવારે સાંતાક્રુઝની બિલાબૉન્ગ હાઈ સ્કૂલમાં બૉમ્બ મુકાયો હોવાની ધમકીની ઈ-મેઇલ મળતાં સ્કૂલના સ્ટુડન્ટ્સ અને સ્ટાફમાં ભારે ફફડાટ ફેલાયો હતો. એ જ વખતે મીરા રોડની સિંગાપોર ઇન્ટરનૅશનલ સ્કૂલમાં પણ આવી જ ઈ-મેઇલ મળતાં સ્કૂલોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો હતો. જોકે પોલીસ-તપાસ બાદ બન્ને ધમકીઓ પોકળ નીકળતાં વાલીઓના શ્વાસ હેઠા બેઠા હતા.
મુંબઈ પોલીસ, ફાયર-બ્રિગેડ અને અન્ય અધિકારીઓએ ધમકી પર ઝડપથી કાર્યવાહી કરતાં અધિકારીઓએ બન્ને સ્કૂલ-પરિસર ખાલી કરાવ્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ વિસ્ફોટક મળ્યો નહોતા. સાંતાક્રુઝમાં સાવચેતીના પગલારૂપે સિંગર સુરેશ વાડકરનો સ્ટુડિયો અને એ જ પરિસરમાં સ્થિત એક લગ્નમંડપ સહિત નજીકના પરિસરને પણ ખાલી કરાવવામાં આવ્યા હતા. માત્ર ડરનો માહોલ ઊભો કરવા માટે આવી ધમકી આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું અને ધમકી આપનારની શોધ શરૂ કરી હતી.


